ભારતની આઝાદી પાછળ ગાંધીજી અને અન્ય ઘણાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું યોગદાન તથા વિવિધ સત્યાગ્રહોએ અગત્યનો ભાગ ભજવ્યો છે.
ચાલો આજે એવા જ એક અગત્યના સત્યાગ્રહ દાંડીકૂચ વિશે માહિતી મેળવવાની સાથે નવસારીમાં આવેલ દાંડી સ્થળ વિશેની માહિતી મેળવીએ.
આપણે શાળાના અભ્યાસક્રમ દરમ્યાન દાંડીકૂચ, મીઠાનો સત્યાગ્રહ, નમક સત્યાગ્રહ જેવા શબ્દો અવારનવાર કાને સાંભળ્યા છે. તો આ દાંડી શું છે ? નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં અરબી સમુદ્રના કિનારે વસેલું એક ગામ જ્યાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કરવાનું પસંદ કર્યું અને એ ઐતિહાસિક સ્થળ એટલે દાંડી.
સને 1930માં મહાત્મા ગાંધી દ્વારા બ્રિટીશરો મીઠા ઉપર લાદવામાં આવેલ કરના વિરુદ્ધ અહિંસક નાગરિક અસહકાર કૂચ કરવામાં આવી જે ‘મીઠાના સત્યાગ્રહ’ તરીકે ઓળખાય છે. આ મહત્ત્વપૂર્ણ અને યાદગાર પ્રસંગના સ્મરણાર્થે તાજેતરમાં જ દાંડીમાં National Salt Satyagraha Memorial બનાવવામાં આવેલ છે. જેનું 30 જાન્યુઆરી 2019ના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું.
બ્રિટીશ શાશનકાળ દરમિયાન મીઠા(Salt)ના ઉત્પાદન અને વેચાણમાં માત્ર બ્રિટીશરોનો જ ઇજારો હતો. તે સમયના કાયદા દ્વારા ભારતીય જનતાને સ્વતંત્રપણે મીઠાનું ઉત્પાદન કરવા પર અને તેનું વેચાણ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. ઉપરાંત ભારતીયોને બ્રિટીશરો પાસેથી કર લાદેલું આયાત કરેલું મોંઘા ભાવનું મીઠું ખરીદવાની ફરજ પાડવામાં આવતી. મીઠું એ અમીર-ગરીબ સૌની એક આવશ્યક જીવનજરૂરિયાત વસ્તુ છે. સરકારના આવા દમનકારી મીઠાના કરની વ્યવસ્થાને તોડવા માટે 1930માં મહાત્મા ગાંધીજીએ પોતાના 80 સત્યાગ્રહીઓ સાથે સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પગપાળા કૂચ કરવાનો નિર્ધાર કર્યો.
આ કૂચમાં સૌથી વયસ્ક સત્યાગ્રહી મહાત્મા ગાંધી પોતે હતા, જ્યારે સૌથી નાના સત્યાગ્રહી વિઠ્ઠલ લીલાધર ઠાકર હતા. તેમની ઉંમર તે વખતે 16 વર્ષની હતી. દિવસના અંતે કૂચ બાદ આખું જૂથ ગામડામાં રોકાતું જ્યાં ગાંધીજી સભા ભરતા અને હજારોની મેદની તેમને સાંભળવા માટે ભેગી થતી. તેમના ભાષણોથી પ્રેરાઈને અન્ય લોકો પણ આ દાંડીયાત્રામાં જોડાવવા લાગ્યા. આખરે 24 દિવસ અને 240 માઇલની યાત્રા બાદ 5 એપ્રિલના રોજ 80 સત્યાગ્રહીઓથી શરૂ કરેલું જૂથ મોટી સંખ્યામાં દાંડી પહોંચ્યું. 6 એપ્રિલની સવારે ગાંધીજીએ ચપટી મીઠું હાથમાં લઈને મીઠાના કાયદાનો ભંગ કર્યો.
આ પ્રસંગની સાથે એટલે કે જ્યારે દાંડી ચળવળ ચાલી રહી હતી ત્યારે, કમલાદેવી ચટ્ટોપાધ્યાયના નેતૃત્વ હેઠળ ગૃહિણીઓએ મુંબઈના ચોપાટીમાં પોલીસના લાઠીચાર્જની પરવા કર્યા વિના સત્યાગ્રહ કર્યો હતો, જે દસ દિવસ સુધી ચાલ્યો હતો. કમલાદેવીએ બનાવેલ મીઠાના પેકેટની એ સમયે 501 રૂપિયામાં હરાજી થઈ હતી.
બે મહિના સુધી ગાંધીજીએ આ સત્યાગ્રહ ચાલુ રાખ્યો હતો અને દરેક ભારતીયને મીઠાનો કાયદો તોડવા અનુરોધ કર્યો હતો, વર્ષના અંત સુધીમાં ગાંધીજી, જવાહરલાલ નહેરુ સહિત હજારો સત્યાગ્રહીઓની ઘરપકડ થઈ હતી. ત્યારબાદ લાંબા સમય બાદ બ્રિટીશરોએ મીઠા પરથી કર ઉઠાવ્યો અને ભારતીય મીઠાનું ઉત્પાદન અને વ્યવસાય કરવા સ્વતંત્ર બન્યા. ભારતના ઇતિહાસમાં બ્રિટીશરો વિરુદ્ધ અન્યાય વિરોધી અહિંસાના આંદોલન રૂપે કરેલ આ સત્યાગ્રહે લોકોના મનમાં તેની અમીટ છાપ છોડી.
દાંડીમાં આવેલ National Salt Satyagraha Memorialમાં મહાત્મા ગાંધીની વિશાળ પ્રતિમાની સાથે તે 80 સત્યાગ્રહીઓના જીવન કદની મૂર્તિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. ઉપરાંત દાંડીકૂચની વિવિધ મહત્ત્વની ઐતિહાસિક ઘટનાઓનું નિરૂપણ કરતાં 24 વર્ણનાત્મક ભીંતચિત્રો પણ ઉપસાવવામાં આવ્યા છે. સાધારણ પ્રવેશ ફી ભરી આ મેમોરીયલની મુલાકાત લઈ શકાય છે.
સુરતથી દાંડી 26 કિ.મીના અંતરે આવેલું છે. દાંડી પહોંચવા માટે નજીકનું રેલ્વે સ્ટેશન નવસારી છે, જ્યાંથી રીક્ષા અથવા બસ દ્વારા દાંડી પહોંચી શકાય છે. તમારા પોતાના વાહનની મદદથી તમે દાંડી ઉપરાંત નવસારીના આજુબાજુના અનેક સ્થળો સહેલાઈથી માણી શકો છો.
આ મેમોરીયલની દરિયો આવેલો છે, જ્યાં સુરત-નવસારીથી અનેક સહેલાણીઓ આવે છે. દરિયાથી થોડે દૂર શ્રી શિવકૃપાનંદ સ્વામીજીનો સમર્પણ આશ્રમ આવેલો છે. જ્યાં ચા-નાસ્તો, બપોરના જમણવાર વગેરેનો આનંદ નજીવી કિમતે લઈ શકાય છે. આવા વિવિધ સ્થળોની મુલાકાત અને દાંડીની તાજી યાદ લઈ ઘરે જઈએ ત્યારે આત્મામાં અલગ જ ઉર્જાનો સંચાર થઈ જાય છે.
મીરા જોશી
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.