Gujaratilexicon

અનાજ સંગ્રહ કરવાની વિવિધ રીતો

November 09 2019
Gujaratilexicon

સારા સ્વાસ્થ્ય માટે સમતોલ આહાર ખૂબ જ આવશ્યક છે. કોઈ પણ રોગ માનવીના શરીરમાં સૌથી પહેલાં તેની આહાર પદ્ધતિને કારણે પ્રવેશતો હોય છે. ભારતીય આહારમાં પ્રાંતે-પ્રાંતે વિવિધતા જોવા મળે છે. તેમાં પણ ખાસ આપણા ગુજરાતી આહારમાં તીખું, ગળ્યું, મોળૂં, ખાટું એમ બધા જ સ્વાદનો સમન્વય થાય છે. જેટલું મહત્ત્વ સમતોલ આહરનું છે તેટલું જ મહત્ત્વ અનાજને યોગ્ય રીતે સાચવવાનું છે.

મોટા ભાગની વાનગીઓ ઘઉં, ચોખા, મેંદો, અડદ, ચણા, મકાઈ, જુવાર, બાજરી વગેરે જેવા ધાન્યમાંથી બનાવાય છે અને દરેક ધાન્યને સાચવવાની રીત અલગ અલગ હોય છે. મોટે ભાગે દિવેલ, લીમડો, રાખ, બોરીક પાવડર, પારાની ગોળી અને પારાની થેપલી વડે પરંપરાગત પદ્ધતિથી ઘરમાં અનાજની જાળવણી કરવામાં આવે છે. વળી હજી મોટા ભાગના ઘરમાં વર્ષ ભરનું અનાજ ભરવામાં આવે છે અને વિચારો કે મોંઘા ભાવના આ અનાજની જો યોગ્ય સાચવણી કરવામાં ન આવે તો કેટલું બધું નુકસાન થાય. તેથી જ અહીં કેટલીક ઉપયોગી સૂચનો વડે અનાજ સંગ્રહવાની રીતની માહિતી આપવામાં આવી છે.

ઘઉં સાચવવા માટે : મોટે ભાગે ફાગણ મહિનામાં નવા ઘઉંની આવક થતી હોય છે અને ગૃહિણીઓ તેને સાફ કરાવી, ઝાટકી અને દિવેલથી મોહીને પીપડામાં ભરતી હોય છે. વળી ઘણી ગૃહિણીઓ લીમડાના પાન પણ પીપડામાં નાખતી હોય છે અને દિવેલ પીપડામાં ચોંટે નહીં તે માટે નીચે પ્લાસ્ટીક પાથરતી હોય છે અને પીપડાનું ઢાંકણું બંધ કરતી વખતે ઉપરથી પણ પ્લાસ્ટીક રાખતી હોય છે. આ પદ્ધતિ ઉપરાંત ઘણા લોકો 100 કિલો ઘઉંને સાચવવા ઘઉંમાં વચ્ચે વચ્ચે 500 ગ્રામ જેટલી ડુંગળી છૂટી છૂટી નાખતા હોય છે. વળી ઘણી ગૃહિણીઓ સૂવાદાણાની ચાર-પાંચ પોટલી પણ મૂકતી જોવા મળી છે. એક અનોખી રીત એ પણ જોવા મળી છે કે કેટલીક ગૃહિણીઓ દીવાસળીના એક ખોખાની સળીઓને દોરા વડે બાંધીને તોરણની જેમ લાંબી સેર બનાવી ઘઉંમાં મૂકે છે. આ ઉપરાંત બોડુથરાના ફળનો ઉપયોગ પણ થતો જોવા મળે છે તો ઘણા કોઠીમાં 1-2 ઈંચનો કુવળનો થર કરી પછી ઘઉં ભરે છે.

ચોખા સાચવવા માટે : ચોખાની સાચવણી માટે ચૂનો, નગોડના સૂૂૂૂૂૂકવેલા પાન, વડલાના પાન, કીડામારી અને કુબાના પાન, કોપરાની છીણ, હળદરની પોટલી, તુલસી, ફૂદીનો, કપૂર વગેરેનો ઉપયોગ થાય છે.

મકાઈ માટે : મકાઈનો સંગ્રહ કરવા માટે લીમડો, રાખ, મીઠુુંં, રૂઝડાના પાનનો ઉપયોગ થાય છે.

બાજરી અને નાગલી(રાગી) માટે : લીંબુુુુુડી, લીમડો, કુુુુબાના ડુંડા વગેરેેેેનો ઉપયોગ થાય છે.

જુવાર માટે : જુવારની સાચવણી માટે આખા મરચાંનો ઉપયોગ થાય છે.

હવે પછીના બ્લોગમાં આપણે અનાજ, કઠોળ, સૂકા મેવા, લસણ વગેરે સંગ્રહવાની રીતો વિશે જાણીશું.

અને છેલ્લે, કિચન ટિપ્સ :

  • તેલના ડબ્બાની અંદર ચણા નાખવાથી તેલ ખોરું થતું નથી.
  • કારેલાની છાલને સૂકવીને મેંદા અને ચણાના લોટમાં નાખવાથી જીવાત પડતી નથી
  • આખા લવિંગ અને મરચાં કપડાની પોટલીમાં બાંધીને કબાટમાં મૂકવાથી કપડામાં જીવાત પડતી નથી.

Maitri Shah

Most Popular

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects