અઢી હજાર વર્ષ પહેલા પાંગરેલી ભારતીય નાટ્યપરંપરાનું સ્થાન સંસ્કૃત ભાષાનો પ્રયોગ અને આકર્ષણ ઘટતા, લોકભાષા વાપરતા ભવાઈ જેવા માધ્યમે લીધું. એ પછી ૧૯મી સદીના પાંચમા દાયકાથી જૂની ગુજરાતી રંગભૂમિ તરીકે નાની-મોટી ઘણી નાટક કંપનીઓ કામ કરતી થઈ ગઈ, જેમાં ખાસ કરીને પારસીઓએ નાટ્યલેખન, અભિનય તથા સંસ્થા-સંચાલન સફળતાથી સંભાળી બતાવ્યું. ઉચ્ચ કેળવણી તથા અભ્યાસવૃત્તિના સાહિત્ય-સંપર્કથી નાટ્યવિવેક કેવી રીતે કેળવાયો, તે આ વિકાસ-ઇતિહાસમાં જણાય છે.
ગુજરાતી રંગભૂમિના વિકાસમાં લેખકોનો ફાળો : પાંગરીને વિકસતી આવતી અભિનય પ્રવૃત્તિ વીસમી સદીની બીજી પચીસી દરમિયાન સ્થિર બનતી જતી હતી.
જેમાં ઉદાહરણરૂપે જયંતિ દલાલના સોયનું નાકું, માની દીકરી, કાદવિયાં, જેવા વ્યંગલક્ષી એકાંકીઓએ પ્રયોગશીલ વિષય નાવીન્ય દ્વારા વિકાસશીલ ગજું કાઢ્યું હતું.
ત્રીજા દસકામાં સંવાદ-સાહિત્ય, અભિનય સુલભ બાળનાટકો, અર્થગમ્ય હળવી અભિનેય લઘુ નાટિકાઓ વગેરે પણ આજ રૂપવૈવિધ્યનો એક ભાગ બની. તેમાં શ્રીધરાણી, ઉમાશંકર, ઇન્દુલાલ, બટુભાઇ તેમજ યશવંત પંડ્યા નોંધપાત્ર રહ્યા.
એ પછીના દાયકાઓમાં કે.કા.શાસ્ત્રી જેવા પ્રખર વિદ્વાન અને જશવંત ઠાકર જેવા શિરમોર નાટ્યવિદે સંસ્કૃત નાટકોની ખોટ પણ સાહિત્ય અને સર્જનના પ્રભાવ દ્વારા પૂરી દીધી.
૧૯૪૦-૫૫ના દોઢ દાયકા દરમિયાન ગુણવંતરાય આચાર્ય, પ્રાગજી ડોસા, મધુકર રાંદેરિયા, દુર્ગેશ શુક્લ વગેરે સાથે ગુલાબદાસ બ્રોકર પણ ઉત્સાહભેર લખતા રહેલા. એ પછી મહેશ દવે, ચિનુ મોદી, મધુ રાય, મકુંદ પરીખ, સરૂપ ધ્રુવ, હસમુખ બારાડી, વિભૂત શાહ જેવા આધુનિકોના નાટકોએ ગુજરાતી રંગભૂમિ પર ક્રાંતિકારી પરિણામ આણ્યું.
આકંઠ સાબરમતીમાં જોડાયેલા કવિઓ અને લેખકો થિયેટર પ્રક્રિયા સાથે એ રીતે જોડાયા કે ગુજરાતી નાટ્ય ક્ષેત્રને સાચા અર્થમાં નાટ્ય-લેખકો મળી શક્યા. ઉદાહરણ રૂપે લાભશંકર ઠાકરનું ‘ પીળું ગુલાબ અને હું ‘. વર્કશોપ અને મંચનનો નાટ્યપ્રકાર સાથે કેવો અવિનાભાવી સંબંધ છે, એની પ્રતીતિ નાટકની પ્રસ્તાવનામાં લેખકે કરેલી કેફિયતમાંથી થાય છે. લેખક માને છે કે, “ નાટકની સ્ક્રીપ્ટ તો એક જન્મ કે અર્ધ જન્મ છે. નાટક જ્યારે રંગભૂમિ પર પ્રકટ થાય છે, ત્યારે ખરો અથવા બીજો જન્મ થાય છે. આ અર્થમાં નાટક દ્વિજ છે. રંગભૂમિ પર પ્રકટે છે ત્યારે જ એ પૂર્ણપણે પ્રત્યક્ષ થાય છે, ઈંદ્રિયગોચર થાય છે. “
લીલાનાટયના (ઈમપ્રોવાયઝેશન) પ્રયોગો પણ આકંઠ સાબરમતી જેવી સંસ્થાઓ દ્વારા થયા છે.
નાટ્યરૂપાંતરો : અન્ય ભારતીય ભાષાઓના નાટકો, પરદેશી નાટકો અને લોકપ્રિય ગુજરાતી સાહિત્ય કૃતિઓના પણ સફળ નાટ્ય-રૂપાંતરોનો એક દોર શરૂ થયો.
જેમ કે, પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’, કનૈયાલાલ મુન્શીની ‘પૃથ્વીવલ્લભ’, ગોવિંદ સરૈયા દ્વારા ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’, સર જ્યોર્જ બર્નાર્ડ શો ના ‘પિગ્મેલિયન’ આધારિત પ્રવીણ જોશીનું ‘સંતુ રંગીલી’. ઉદાહરણ રૂપે ‘ચૌરંગી’ અને ‘બા રિટાયર થાય છે’ મરાઠી સ્ક્રીપ્ટના અનુવાદો હતા.
થોડા ત્રિઅંકી નાટકો : લેખક શ્રીકાંત શાહનું ચાર પાત્રો ધરાવતું ત્રિઅંકી નાટક ‘તિરાડ’ માનવસંબંધોમાં પડેલી તિરાડને તાકે છે, અને સાથે સાથે લોકોની તે તિરાડમાં ઝાંખવાની વૃત્તિનો પણ પરિચય કરાવે છે.
રમણભાઈ નિલકંઠના ચિરંજીવ નાટક ‘રાઈનો પર્વત’ ના પાત્રાલેખનમાં, શૈલીમાં અને પ્રસ્તુતિમાં ફેરફાર કરીને ચિનુ મોદીએ ‘જાલકા’ નાટકની રચના કરી.
લેખક મધુ રોયનું ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો તો?’ નાટક માનવસંબંધોની અંતરંગ જટિલતાઓ સાથે કામ પાડતું રહસ્યગર્ભ નાટક છે. આ નાટકમાં નાટ્યાત્મકતા અને વ્યવસાયી રંગભૂમિનો સમ-સંબંધ થયેલો જોવા મળે છે. તો મધુ રોયના જ બીજા સફળ નાટક ‘કુમારની અગાશી’માં દિયર-ભાભી વચ્ચેના આકર્ષણનો વિષય છે. આ નાટકમાં નાટ્યાત્મકતા વધારે છે તો ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો તો?’ નાટકમાં નાટકીયતા વધારે છે.
ગુજરાતી રંગભૂમિની આધુનિકયાત્રામાં ટેકનીકલ પાસાઓનો ફાળો : નાટકના વિકાસમાં લેખકો, દિગ્દર્શકો, કલાકારો જેટલું જ મહત્વ તેના ટેકનીકલ પાસાઓનું હોય છે. સેટ, લાઈટ, સાઉન્ડ, પ્રોપર્ટી, માં ટેક્નોલોજીના વિકાસ સાથે કૌશલની ક્ષિતિજો પણ વિસ્તરવા લાગી.
જૂની રંગભૂમિમાં સેટના નામે પડદાનો જ ઉપયોગ વધારે થતો. એ પછી બોક્સ સેટ આવ્યા, રીવોલ્વીંગ સેટ આવ્યા. આજે તો પ્રોજેક્ટર્સ પણ વપરાય છે. લાઇટ્સમાં પણ નવા પ્રકારની લાઈટ્સ આજ સુધી આવ્યા જ કરે છે.
આધુનિક ગુજરાતી રંગભૂમિનો સૂર્ય જ્યારે મધ્યાન્હે તપતો હતો, ત્યારે સેટમાં ગોવર્ધન પંચાલ, સંગીતમાં ક્ષેમુ દિવેટીઆ, લાઈટ્સમાં મહેશ કોઠારીનું નામ ખૂબ જાણીતું હતું.
આજના યુવા-નાટ્યકર્મીઓએ પણ ટેકનીકલ પાસાઓને બરાબર શીખી લેવા જોઈએ, જે નાટ્ય ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ઘણો સારો વિકલ્પ છે.
બસ, આજ રીતે આધુનિક ગુજરાતી રંગભૂમિનું ઝરણું તેના ઉતાર-ચઢાવ પર નાચતું-ગાતું આજે પણ ખળખળ વહી રહ્યું છે.
-લતા શાહ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.