સાવજ ગરજે! વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે, ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોધ્ધો ગરજે, મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે, નાનો એવો સમંદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે?
બાવળના જાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે, ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે, ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે, ઓરો ને આઘેરો ગરજે
થર થર કાંપે !
વાડામાં વાછડલાં કાંપે, કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે ઝાડતણાં પાંદડલાં કાંપે, સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌ એ કાંપે આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગીબીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે, હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે, વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે, સામે ઊભું મોત ઝબૂકે
જડબાં ફાડે! ડુંગર જાણે ડાચા ફાડે!
જોગી જાણે ગુફા ઉઘાડે! જમરાજાનું દ્વાર ઉઘાડે!
પૃથ્વીનું પાતાળ ઉઘાડે! બરછી સરખા દાંત બતાવે
લસ! લસ! કરતી જીભ ઝુલાવે.
બહાદુરઊઠે!
બડકંદાર બિરાદર ઊઠે, ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે, બરછી ભાલે કાઠી ઊઠે
ઘરઘરમાંથી માટી ઊઠે, ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે, ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે, મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે, માનું દૂધ પીનારા ઊઠે
જાણે આભ મિનારા ઊઠે
ઊભો રે’જે !
ત્રાડ પડી કે ઊભો રે’જે! ગીરના કુત્તા ઊભો રે’જે!
કાયર દુત્તા ઊભો રે’જે! પેટભરા ! તું ઊભો રે’જે!
ભૂખમરા ! તું ઊભો રે’જે! ચોર-લૂંટારા ઊભો રે’જે!
ગા-ગોઝારા ઊભો રે’જે!
ચૌદ વરસની ચારણ કન્યા,
ચૂંદિડિયાળી ચારણ કન્યા, શ્વેત સુંવાળી ચારણકન્યા,
બાળી ભોળી ચારણકન્યા, લાલ હીંગોળી ચારણકન્યા,
ઝાડ ચડંતી ચારણકન્યા, પહાડ ઘુમતી ચારણકન્યા,
જોબનવંતી ચારણકન્યા, આગ ઝરંતી ચારણ કન્યા,
નેસ નિવાસી ચારણકન્યા, જગદંબા-શી ચારણ કન્યા,
ડાંગ ઉઠાવે ચારણકન્યા, ત્રાડ ગજાવે ચારણકન્યા,
હાથ હિલોળી ચારણકન્યા, પાછળ દોડી ચારણકન્યા,
સિંહણ તારો ભડવીર ભાગ્યો, રણ મેલીને કાયર ભાગ્યો.
ડુંગરનો રમનારો ભાગ્યો. હાથીનો હણનારો ભાગ્યો.
જોગીનાથ જટાળો ભાગ્યો, મોટો વીર મૂછાળો ભાગ્યો,
નર થઈ તું નારીથી ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.