1 |
|
पुं. |
( જૈન ) અઢાર માંહેનું એ નામે એક દૂષણ, અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, ભય, શોક, જુગુપ્સા, દાનાંતરાય, લાભાંતરાય, વીર્યાંતંરાય, અને ઉપભોગાંતરાય, કામ, ક્રોધ, હાસ્ય, રતિ અને અરતિ એ અઢાર દૂષણ ગણાય છે.
ઉપયોગ
રાગ સમાન અગ્નિ નથી, દ્વેષ સમાન હાનિ નથી. – ઘમ્મપદ
|
24 |
|
पुं. |
( સંગીત ) સ્વરની પરસ્પર મેળવણીથી જે અનેક રચના થઇ કાનને મધુર લાગે તે; રંજન કરી શકે એવા આરોહ અવરોહ અને વાદીસંવાદીયુક્ત સ્વરસમૂહ; મધુર લાગે એવી રીતે સુરમિલાવટ કરી અવાજ કાઢવાની રીત; ગાવાની ઢબે વાણીને ગોઠવવાની રચના; પદબંધકળા. પ્રાણાગ્નિ તથા પવનથી નાદ. નાદથી સ્વર અને સ્વરથી રાગ ઉત્પન્ન થાય છે. સાત સ્વર અને તેના શ્રુતિ વિભાગની જુદી જુદી રચનાને રાગ કહેવામાં આવે છે. કેટલાક રાગ સાતે સ્વરના છે. કેટલાકમાં અમુક સ્વર વર્જ્ય છે. કેટલાકમાં અમુક સ્વર કોમળ લાગે છે અને અમુક તીવ્ર લાગે છે કેટલાકમાં અમુક સ્વર આરોહણમાં લાગે છે અને કેટલાકમાં તે અવરોહણમાં લાગે છે. આમ સ્વરના આરોહ અવરોહથી જે રચના થાય છે તેને રાગ કહે છે. જીવાત્મા અંત:કરણને બોલાવની પ્રેરણા કરે છે અને અંત:કરણ શરીરના જઠરાગ્નિને પ્રેરે છે અને તે પેટની અગ્નિ નાભિની નીચે ચાર આંગળીને છેટે જે બ્રહ્મગ્રંથિનો વાયુ છે તેને પ્રેરે છે એટલે તે વાયુ નાભિથી અનુક્રમે મુખથી તે મસ્તક સુધી ધ્વન્યાત્મકશબ્દ તે નાદ કહેવાય છે. તે નાદ નામના શબ્દમાં ન તથા દ અનુક્રમે વાયુ તથા અગ્નિનું નામ ધરાવે છે. વાયુ તથા અગ્નિ એ બે જ જગતના આધાર રૂપ છે, માટે નાદ શબ્દ સર્વોપરી ઉપયોગી ગણાય છે. નાદને ગાયનમાં સ્વર કહે છે. હૃદયને આનંદ આપે તેવા સ્વરોના સમૂહને રાગ કહે છે. સંગીતશાસ્ત્રના ભારતીય આચાર્યોએ છ રાગ માનેલા છે; પરંતુ આ રાગોનાં નામો સંબંધમાં ઘણો મતભેદ છે. ભરત અને હનુમંત મત પ્રમાણે છ રાગ આ પ્રકારના છે: ભૈરવ, કૌશિક ( માલકોષ ), હિંડોલ, દીપક, શ્રી અને મેઘ. સોમેશ્વર અને બ્રહ્માના મત પ્રમાણે આ છ રાગોનાં નામ આ પ્રમાણે છે: શ્રી, વસંત, પંચમ, ભૈરવ મેઘ અને નટનારાયણ નારદસંહિતાના મત પ્રમાણે; માલવ, મલ્હાર, શ્રી, વસંત, હિંડોલ અને કર્ણાટ એ છ રાગ છે. પરંતુ હાલ મોટે ભાગે બ્રહ્મા અને સોમેશ્વરનો મત વધારે પ્રચલિત છે. સ્વરભેદથી રાગ ત્રણ પ્રકારના કહેવાય છે: (૧) સંપૂર્ણ જેમાં સાત સ્વર લાગે છે. (૨) ષાડવ. જેમાં કેવળ છ સ્વર લાગે છે અને કોઇ એક સ્વર વર્જિત હોય છે. (૩) ઓડવ. જેમાં કેવળ પાંચ સ્વર લાગે છે અને કોઇ બે સ્વર વર્જિત હોય છે. મતંગના મત પ્રમાણે રાગોના ત્રણ ભેદ આ પ્રમાણે છે: (૧) શુદ્ધ. જે શાસ્ત્રીય નિયમ તથા વિધાન અનુસાર હોય અને જેમાં બીજા કોઇ રાગની છાયા ન હોય, (૨) સાલંક કે છાયાલગ. જેમાં કોઇ બીજા રાગની છાયા દેખાતી હોય અથવા તો જે બે રાગના મિશ્રણથી બનેલો હોય અને (૩) સંકીર્ણ, જે કેટલાક રાગોના મિશ્રણથી બનેલો હોય છે. સંકીર્ણને મિશ્ર રાગ પણ કહે છે. ઉપર જે છ રાગોનાં નામ બતાવ્યાં છે તેમાંથી દરેક રાગને એક નિશ્ચિત સરગમ કે સ્વરક્રમ છે. તેનું એક વિશિષ્ટ સ્વરૂપ માનેલું છે. તેને માટે ખાસ ઋતુ, સમય, પ્રહર વગેરે નક્કી કરેલા છે. તેને માટે કેટલાક રસ નિયત છે તથા એવી અનેક વાતો પણ કહેલી છે જેમાંથી અધિકાંશ કેવળ કલ્પિત જ છે. જેમકે, અમુક રાગનો અમુક દ્વીપ કે ખંડ ઉપર અધિકાર છે, તેનો અધિપતિ અમુક ગ્રહ છે. તે ઉપરાંત ભરત અને હનુમંત મત પ્રમાણે દરેક રાગની પાંચ પાંચ રાગીણીઓ અને સોમેશ્વર આદિના મત પ્રમાણે છ છ રાગિણીઓ છે. આ અંતિમ મત અનુસાર પ્રત્યેક રાગના આઠ આઠ પુત્ર તથા આઠ આઠ પુત્રવધૂઓ છે. જો વાસ્તવિકદૃષ્ટિથી જોવામાં આવે તો રાગ અને રાગિણીઓમાં કોઈ તફાવત નથી. જે કંઈ તફાવત છે તે કેવળ કલ્પિત છે. એટલું ખરું કે રાગોમાં રાગિણીઓની અપેક્ષા કાંઈક વિશેષતા અને પ્રધાનતા અવશ્ય હોય છે. અને રાગિણીઓ તેની છાયાવાળી દેખાય છે. તેથી આપણે રાગિણીઓને રાગોનો અવાંતર ભેદ કહી શકીએ. તેના સિવાય પણ બીજા ઘણા રાગ છે જે કેટલાક રાગની છાયાથી અથવા તો મિશ્રણથી બનેલા છે અને તે મિશ્રરાગ કહેવાય છે. શુદ્ધ રાગોની ઉત્પત્તિના સંબંધમાં લોકોમાં માન્યતા છે કે, જેવી રીતે શ્રીકૃષ્ણની બંસીના સાત છિદ્રમાંથી સાત સ્વર નીકળે છે તે જ પ્રકારે શ્રીકૃષ્ણની ૧૬૦૮ ગોપિકાઓના ગાવાથી ૧૬૦૮ પ્રકારના રાગ ઉત્પન્ન થયા હતા અને તેમાંથી રહેતા રહેતાં અંત ફક્ત છ રાગ અને તેની ૩૦ કે ૩૬ રાગિણીઓ બાકી રહી ગઈ. કેટલાક લોકોને એવો પણ મત છે કે, મહાદેવજીના પાંચ મુખોમાંથી પાંચ રાગ ( શ્રી, વસંત, ભૈરવ, પંચમ અને મેઘ ) નીકળ્યા છે અને પાર્વતીના મુખથી છઠ્ઠો નટનારાયણ રાગ નીકળ્યો છે. રાગની પ્રાચીન કાળમાં ૧૬,૦૦૦ની સંખ્યા મનાતી તથા તાલની સંખ્યા ૩૬૦ની હતી પણ હાલમાં ચાર મત પ્રમાણે નીચે બતાવ્યા મુજબ રાગ રાગિણીની સંખ્યા છે. ચાર મતનાં નામ: મહાદેવ, મત, શ્રીકૃષ્ણ, મત, ભરત મત હનુમંત મત. તેમાં વર્તમાન સમયમાં હનુમંત મત પ્રમાણે સંગીત શાસ્ત્રનો નિયમ ચાલે છે. હનુમંત મત પ્રમાણે મુખ્ય છ રાગોની કલ્પના છે અને તે દરેક રાગની પાંચ પાચં રાગિણીઓ એટલે સ્ત્રીઓ છે અને તે દરેક રાગને આઠ આઠ પુત્ર છે. તે દરેક પુત્રને એક એક ભાર્યા છે. પણ ભાર્યાની કલ્પના ફક્ત ભરત મતમાં જ છે. અને હનુમંત મતમાં દરેક રાગને પાંચ પાંચ પુત્રીઓની કલ્પના છે પરંતુ સર્વ ઠેકાણે હનુમંત મતમાં ભરત મત પ્રમાણે ભાર્યાઓ લખે છે. પ્રથમ પાંચ રાગો મહાદેવના મુખમાંથી ઉત્પન્ન થયેલા કહેવાય છે ત્યારે ૬ ઠ્ઠો રાગ શ્રીરાગ પાર્વતીએ ઉત્પન્ન કર્યો હતો. એ રાગનું સઘળું કુટુંબ ૨૨ની સંખ્યાનું છે જેથી છ રાગનો પરિવાર ૧૩૨ નો છે. મુખ્ય છ રાગ અને તેનો પરિવાર નીચે પ્રમાણે છે:-
પ્રસિદ્ધ રાગરાગિણીઓની સંખ્યા ૪૫ જેટલી ગણાય છે. તેમાં જોગીયા, ગૌડમહ્યાલર, ગૌડસારંગ, જૌનપુરી, વંદ્રાવની, આશા, દેવગંધાર, પીલુ, જીલ્લો, કાફી, બિહાગ, તિલકકામોદ, અડાણા કાન્હડા, બાગેસરી, દેશ, ગારા, માઢ, છાયાનાર, મુલતાની પરજ, કાલિંગડા, કાન્હડા વગેરે મુખ્ય છે. વળી કેટલાક શ્રી, વસંત, ભૈરવ, પંચમ, મેઘમલ્હાર ને બૃહન્નાટ, એ છ મુખ્ય રાગ માનેલા છે. રાગ ૨૬૪ પ્રકારના છે. તે તે રાગના દશ વર્ગ પાડવામાં આવેલા છે. (૧) રાગ, (૨) ગ્રામરાગ, (૩) ઉપરાગ, (૪) ભાષારાગ, (૫) વિભાષારાગ, (૬) આંતરભાષા, (૭) રાગાંગ, (૮) ક્રિર્યાગ, (૯) ભાષાંગ, (૧૦) ઉપાંગ. ગાયત્રી, ત્રિષ્ટુપ વગેરે કહેતાં જે વાચ વિશેષણ અધ્યાહાર સમજાતું તે કાળાંતરે ભુલાયું ને તે તે વિશેષણ જ છંદની સંજ્ઞારૂપ મનાયાં. આવી રીતે, ખરૂં જોતાં જેનું નામ ભગવદ્ગીતોપનિષદ છે, તેને આપણે ભગવદ્ગીતા અથવા કેવળ ગીતા કહેએ છીએ. છંદના વાચ વિશેષ્યની જાતિને અનુસરીને નારી જાતિમાં રચાયાં તેમ સંગીતમાં રાગ રાગણીનાં નામ તે તે વિશેષ્યની જાતિ અનુસાર નરજાતિ કે નારીજાતિમાં રચાયલાં જોઇએ છીએ.
ઉપયોગ
સાત સુર, ત્રણ ગ્રામ, એકવીશ મૂર્છના અને બાવીશ શ્રુતિ જ્યારે મળે ત્યારે રાગનો સંભવ થાય છે. – સંગીતાદિત્ય
|