1 |
[ સં. ] |
स्त्री. |
ભણાવવાની રીત; શિક્ષણસરણી; શિક્ષણશૈલી; શિક્ષણ આપવાની શૈલી; કેળવણીની પધ્ધતિ. પ્રાચીન કાળમાં હિંદુસ્તાનમાં શિક્ષણપદ્ધતિ. બે પ્રકારની હતી: (૧) આશ્રમ પધ્ધતિ અને (૨) વિદ્યાપીઠ પધ્ધતિ. હિંદુસ્તાનમાં આશ્રમ ઘણાં હતા. ઇતિહાસકાર કહે છે કે, પ્રત્યેક ૪૦૦ મનુષ્ય માટે એક આશ્રમ હતો. અંગ્રેજોએ બંગાળ લીધું તે વખતે એકલા બંગાળમાં એંશી હજાર આશ્રમ હતાં, તેમાં અકેક ગુરુ પચાસ, ચાલીશ કે ત્રીશ બાળકોને ભણાવતા હતા અને તેમને શિક્ષિત, સદાચારી અને વીર નાગરિક બનાવતા હતા. આ આશ્રમોને ચલાવનારા સાધુ સંન્યાસી ન હતા. આશ્રમ ચલાવનારા ત્રીજા આશ્રમે પહોંચેલા વાનપ્રસ્થ હતા. બંગાળમાં આજે પણ થોડાઘણા રૂપમાં આશ્રમ જોવામાં આવે છે. આવાં આશ્રમને બંગાળમાં ટોલ કહે છે. હિંદુસ્તાનમાં આવાં આશ્રમોમાં વિદ્યાર્થીઓનું જીવન ઘડાતું હતું. ત્યાં પણ સઘળા જીવનોપયોગી વિષયોનું શિક્ષણ અપાતું હતું. વિદ્યાર્થી બ્રહ્મચર્ય પાળતો હતો, ગુરુની સેવા કરતો હતો, કળા, કૌશલ્ય અને શારીરિક વ્યાયામ કરતો, શહેરથી દૂર ગામોની બહાર પ્રકૃતિની ગોદમાં વિચરતો, ધર્મનું શિક્ષણ લેતો, મન, વચન, કાયાની પ્રવૃત્તિઓને વશમાં રાખતો, સુંદર સદાચારી જીવન વ્યતીત કરતો હતો. આ હતી પ્રાચીન શિક્ષણપદ્ધતિ. ત્યાં મુદ્રાલેખ હતો, સાવિદ્યા યા વિમુક્તયે? જે આત્મકલ્યાણ માટે સાધનભૂત હોય તે જ વિદ્યા. અગાઉ જે વિદ્યાર્થીઓ અધ્યયન કરી નીકળતા હતા, તેને આશીર્વાદ અપાતો કે માતૃદેવો ભવ ! પિતૃદેવો ભવ ! આચાર્ય દેવો ભવ ! અતિથિ દેવો ભવ ! સાચું બોલ ! ધર્મ આચર ! પ્રાચીન કાળમાં શિક્ષણ આપવાની બીજી પધ્ધતિ હતી વિદ્યાપીઠોની કાંચી. નાલંદા, તક્ષશિલા, વલ્લભીપુર, બનારસ તેમ જ મથુરા, અહમદનગર વગેરે ઠેકાણે ઠેકાણે હિંદુસ્તાનમાં વિદ્યાપીઠ હતી. ત્યાં દરેક પ્રકારની કળા શીખવાતી હતી. એક એક વિદ્યાપીઠમાં ૧,૫૦૦ શિક્ષક અધ્યાપનનું કામ કરતા હતા. શિક્ષણ લેવા ચીન, જપેન વગેરે દૂર દૂર દેશના વિદ્યાર્થી આવતા. આવાં વિદ્યાલયોમાં રહીને મોટી મોટી વિદ્યા પ્રાપ્ત કરતા હતા. અને આપણા દેશનું નામ અમર કરતા હતા. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ કહે છે કે : મનુષ્યનાં સ્વાભાવિક ગુરુ-માતા, પિતા, પ્રકૃતિ અને જનસમાજ છે. આમાંથી માતાપિતા પોતે બાળકને શિક્ષણ દઈ શકે એટલો અવકાશ એમને મળવો અશકય છે, અથવા મળે તો પણ યોગ્ય શિક્ષણ દઈ શકે નહિ; કારણ કે, એ દેવાની કુશળતા હોવી એ મુશ્કેલ છે. હવે પ્રકૃતિ લો. એ એટલી વિશાળ અથવા દૂર દૂર પડી છે કે, એને પ્રત્યક્ષ કરવા માટે પ્રયોગશાળા અર્થાત્ કૃત્રિમ વિજ્ઞાનગૃહ બનાવવાની જરૂર પડે છે. આ વિજ્ઞાનગૃહમાં વિદ્યાર્થી પ્રકૃતિની સાથે સંબંધમાં આવે છે અને પ્રકૃતિ સંબંધી પ્રશ્ન પૂછી ઉત્તર મેળવી શકે છે. હવે ચોથો સ્વાભાવિક ગુરુ જનસમાજ. આ મહાન ગુરુ છે. પરંતુ એની સાથે ગૃહસ્થાશ્રમમાં જ ઠીક ઠીક સંબંધમાં આવી શકાય છે. એ આશ્રમમાં મનુષ્ય જો નીતિ અને વ્યવહારમાં પ્રમાદ કરે તો એ પ્રમાદનું ઘોર પરિણામ એને સહન કરવું પડે છે. આ આપત્તિના નિવારણ અર્થે એ જરૂરી છે કે, જેમ પ્રકૃતિનો પરિચય વિજ્ઞાનગૃહમાં કરાવવામાં આવે છે. તેમ જનસમાજનો પરિચય વિદ્યાર્થીઓને શાળાની કલબ, બોર્ડિંગ હાઉસ, ક્રિકેટ ફિલ્ડ ઇત્યાદિ સંસ્થાઓમાં કરાવવો જોઈએ. પ્રાચીન સમયમાં સમગ્ર મનુષ્યત્વ પ્રકટ કરવા માટે ગુરુકુલ અથવા કુલપતિના આશ્રમમાં રહેવાનો શિરસ્તો હતો. વિદ્યાર્થીને અંતેવાસી કહેવામાં આવતો , કારણ કે, એ ગુરુની પાસે રહેતો અને એ રીતે કેવળ ગુરુની પાસેથી વિદ્યા જ નહિ પરંતુ ગુરુનું સમગ્ર સ્વરૂપ પોતામાં ખેંચી શકતો. ગુરુના ઘરમાં વિવિધ દેશના, વિવિધ સ્વભાવના અને વિવિધ જાતિના વિદ્યાર્થી એકઠા થતા અને તેને પરિણામે વિદ્યાર્થીજીવન કેવું વિશાળ બની શકતું એનું ચિત્ર વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ અને ભવભૂતિ આદિના ગ્રંથોમાં મળી શકે છે. ગૃહમાં કુલભાવના-ભવભૂતિ જેને કુલધન કહે છે તે સિદ્ધ કરવી જોઈએ. વળી આ સાથે જેમ કુટુંબમાં અનેક પ્રકૃતિના કુટુંબીઓ પોતપોતાના વિશિષ્ટ ગુણો સિદ્ધ કરે છે તેમ ગુરુકુલમાં પણ પ્રત્યેક વિદ્યાર્થીનું વિશિષ્ટ સ્વરૂપ વિકસવું જોઈએ. આ માટે આપણી શાળાઓમાં, છાત્રોલયોમાં અને શિક્ષણ સંબંધી સર્વ સંસ્થાઓમાં પુષ્કળ વૈવિધ્ય હોવું જોઈએ. સાથે સાથે એટલું ધ્યાનમાં રાખવું આવશ્યક છે કે, આપણા પૂર્વજોએ બ્રહ્મચારી ને આશીર્વચન આપ્યું છે તેમાં આયુષ્ય, પ્રજા, બલ, સમૃદ્ધિ, વિદ્યા, કીર્તિ અને કલ્યાણ એટલા પદાર્થની આશિષ આપી છે. આ સર્વ આપણી સિક્ષણપદ્ધતિએ સિદ્ધ કરવાનાં છે.
|