पुं.
સૌરાષ્ટ્રના એક શાયર; ઝવેરચંદ મેઘાણી. એમની જીવન સાધના મહાન હતી. તેમણે મદ્રાસના કવિ ભારતીની પેઠે ગામડાં જ સર કરેલા નહિ, તેનું પ્રભુત્વ શહેરો ઉપર પણ તેટલું જ હતું. નાની વાતો તેમને ગમતી નહિ. તેમનાં પાત્રો પણ આભને અડતાં. તેમનાં કાવ્યો ભાવ, પ્રેમ અને શૌર્ય ભરેલાં હતાં. તેઓ બુલંદ અને મુક્ત ગાયક હતા. મહાનુભાવ કવિ હતા. સોરઠી સંસ્કૃતિના આશક હતા. સોરઠી નાગણીના તેઓ ગારુડી હતા. જનતાના લાડીલા લોકકવિ હતા. લોક સાહિત્યના ધૂળધોયા હતા. અટંકી રાષ્ટ્રીય શાયર હતા. ગુલબદન માનવી હતા. પ્રજાની મહેચ્છા, અભિલાષા અને મહત્ત્વાકાંક્ષાની તે જબાન બન્યા હતા. અમીરી ખવાસની તેમની વેષભૂષા પણ મર્દાનગી ભરેલી હતી. ખાદીની સુરવાળ, બંગાળી ફેશનનો ઝભ્ભો, જવાહર જૅકેટ, ફટકા સાફો, વાંકડિયાં ઝુલ્ફાં, મદીલી અને મારકણી આંખો, અણિયાલાં નેન, બાંધીદડીનું બેવડું બદન, ભરાવદાર, મુખાકૃતિ, કલ્પનાઘેરું મુખમંડળ, સીનાદાર વક્ષસ્થળ, બીલખાની મોજડી, આધેડ, કાઠિયાવાડી ખયાલ, મસ્ત કે અલમસ્ત જવાંમર્દની કલ્પના કરો એટલે કવિ મેઘાણીના પડછંદ વ્યકિતત્વનો સહજ ખ્યાલ આવે. બગસરા એમની જન્મભૂમિ, સામળદાસ કોલેજના એ સ્નાતક મેઘાણી એટલે સિંધુડાનો લલકાર, વેણીનાં ફૂલો ગૂંથનાર, ક્રાંતિની ઝાલરીનો બાજવૈયો. પંચોતેર જેટલાં રસાન્વિત ગ્રંથો પોતાની છવ્વીસ વર્ષની સાહિત્યકીય કારકિર્દીમાં આપનાર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં ઘણી લોકપ્રિયતા સંપાદિત કરી હતી. મેઘાણીએ લોકસાહિત્યનો પુનરુદ્વાર કર્યો અને રાસ, લોકગીતો, લગ્નગીતો, સંતકથા, ઈતિહાસ બાલકથા, વ્રતકથા, ભજન, ઈત્યાદિ લોકસાહિત્યના સર્વ પ્રકારોનું સંશોદન ને વિવેચન કર્યું. સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, ચુંદડી, કંકાવટી, રઢિયાળી રાત, ઋતુગીતો, સોરઠી ગીત કથાઓ, દાદાજીની વાતો, સોરઠી સંતો, પુરાતન જ્યોત, સોરઠી સંતવાણી વગેરે તેમનાં લોકસાહિત્ય સંપાદનો છે. યુગવંદના, કિલ્લોલ, વેણીનાં ફૂલ, એક તારો અને રવીન્દ્ર વીણા એ એમનાં કાવ્યસંગ્રહો છે. જીવનમાં સામાન્ય લાગતા સ્ત્રી પુરુષોમાં કેટલી ઉચ્ચ માનવતા પ્રગટે છે તે વેવિશાળ અને તુલસી કયારોમાં સફળતાથી દર્શાવાયું છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં