2 |
|
स्त्री. |
એ નામનું ભારતનું એક શહેર. મુંબઈમાં સાત ટાપુઓ આ પ્રમાણે હતા: (૧) કોલાબા, (૨) અલ ઓમાનીસ, (૩) મુંબઈ, (૪) મઝગામ, (૫) પરેલ, (૬) માહિમ અને (૭) વરલી. નાની નાની ખાડીઓ આ સાતે ટાપુઓને છૂટા પાડતી અને મધ્યમાંની નીચાણવાળી જમની ઉપર સમુદ્રનાં પાણી ફરી વળતાં. ધીમે ધીમે કુદરતી રીતે જ કેટલીક ખાડીઓનો ભાગ કાંપ અને રેતીથી પુરાતો ગયો અને રહેવા લાયક જમીનમાં ફેરવાઈ ગયો. (૧) કોલાબા: આ ટાપુનો અણીવાળો ભાગ સમુદ્રમાં દૂર સુધી પથરાયેલો હતો અને ત્યાં કોળી લોકો વસતા. (૨) અલ ઓમાનીસ: પાસેના ઊંડા સમુદ્રમાં કોળી લોકો માછલી પકડવા જતા તેથી આ ટાપુ અલ ઓમાનીસ નામે ઓળખાવા લાગ્યો. પાછળથી ડોશીમાના ટાપુને નામે તે ઓળખાવા લાગ્યો. દોરડાંઓ અને નાના મછવાઓ દ્વારા આ બીજા અને ત્રીજા ટાપુઓ વચ્ચે આવજા થતી. જતે દિવસે આ ટાપુ અને કોલાબા વગેરેનો ખાડો પુરાતો ગયો. કોલાબા પોલીસથાણાના ચોગાનમાં એક વૃક્ષ સિવાય અત્યારે એ ટાપુનો એક પણ અવશેષ મળતો નથી. ઈ.સ. ૧૮૩૪માં કોલાબાના ટાપુને મુખ્ય ટાપુ સાથે કોઝવેથી જોડવામાં આવ્યો. આ બંધ ઈ.સ. ૧૮૬૩માં ફરી બંધાયો. કોલભાર કોલાબામાં ફેરવાઈ ગયું. આ ટાપુના ભૂતકાળના અવશેષરૂપે અત્યારે કોળીગલી અને કોલાબા કોઝવે નામના રસ્તાઓ અને ત્યાં વસતા કોળીઓ રહ્યા છે. (૩) મુખ્ય ટાપુ: મુંબઈ: બીજા ટાપુ પરથી ત્રીજા ટાપુનું સ્વરૂપ Hના જેવું દેખાતું હતું. તેની પશ્ચિમે વિશાળ મેદાન અને પશ્ચિમને છેડે પથરાળ ઉચ્ચ ભૂશિર તથા પૂર્વે નીચાણવાળી જમીન અને ઈશાનમાં ડુંગરની હાર આવેલ હતાં. તેના દક્ષિણના કિનારા ઉપર પાલાનાં ઝૂમખાં અને વૃક્ષોથી ભરપૂર એવી કઢંગી જમીન હતી કે જેથી તે જગા પાલો અથવા પાલવાબંદર તરીકે ઓળખાવા લાગી. પછી તે અપોલોમાં ફેરવાઈ ગયું. પાછળનું વિશાળ મેદાન કે જ્યાં તાડ અને આમલીની ઘટાઓ હતી તે જગ્યા પાછળથી એસપ્લેનેડ તરીકે ઓળખાવા લાગી. કૂકે શરુ કરેલ અને ગ્રેએ ચાલુ રાખેલ ફોર્ટ ને અપોલોગેટ, ચર્ચગેટ અને બઝારગેટ એમ ત્રણ દરવાજા હતા. ઈ.સ. ૧૮૪૪ સુદી કોટનગ્રીન અત્યારનાં એલ્ફિન્સ્ટન સર્કલના બાગની નજીક હતું. મુખ્ય ટાપુના દક્ષિણનાં જાણવા લાયક સ્થળોમાં મેનડામ પોઈંટ, આઈસહાઉસ, થિયેટર અને માપલાપોર હતાં. મૂળ શહેર અને ફોર્ટની મધ્યમાં આવેલું પશ્ચિમનું મેદાન એસપ્લેનેડ કહેવાતું. તે છેક પશ્ચિમે સમુદ્ર સુધી ફેલાયેલું હતું. તેના કિનારા ઉપર ચાલવું જોખમકારક ગણાતું. આગળ જતાં ચાર ધોરિયાનું સંગમસ્થાન કે ચોપટી આવતું અને તે લકડી બંદર કહેવાતું. ટાપુનો અંદરનો ભાગ ફળદ્રુપ હતો અને ત્યાં વાડીઓ તથા ખેતરો હતાં. તેના પુરાવારૂપે આજે ખેતવાડી, જાંબુલવાડી, કેલેવાડી, ફણસવાડી, કાંદાવાડી, પીપળવાડી, ફોફલવાડી, બોરભાટ અને મુગભાટ જેવાં નામો મળી આવે છે. પશ્ચિમમાં તળેટી પાસે આવેલી વસાહત ગિરિગ્રામ અત્યારનું ગીરગામ કહેવાતું. તેમાં ગ્રામદેવીનું મંદિર પણ હતું. મુખ્ય ટાપુના મધ્યભાગમાં મારવાડી તથા ગુજરાતી વ્યાપારીઓ વસતા. અન્ય ટાપુઓ પરથી અહીં આવી કોટ વિભાગ તરફ જનારા ઊતરીને પોતાના પગ પરનો કાદવ ધોતા તેથી તે જગ્યાનું નામ પાયધૂની પડ્યું. પૂર્વમાં સમુદ્ર કિનારાની પાસે જ આમલીનાં ઝાડોની ઘટા હતી. આ ઘટાને લીધે તે જગ્યા ચિંચ બંદર તરીકે ઓળખાવા લાગી. આ ટાપુની પશ્ચિમે આવેલ મલબાર હિલ તે વખતે ગાઢ જંગલથી છવાયેલ હતું. મલબાર પોઈંટના અંતિમ છેડા પર પથ્થરની ચિરાડ કે શ્રીગુંડી હતી. બાણગંગા તળાવની નજદીક આવેલા વાલકેશ્વર મંદિરના કેટલાક થાંભલાઓ જ માત્ર શીલહારયુગના અવશેષ તરીકે રહ્યા છે. નજદીકમાં જ બાવળિયાનાં ઝાડ હતાં. અને ત્યાં બાબુલનાથનું બીજું મંદરિ પાછળથી બંધાવાયું હતું. બીજી ટેકરીની બાજુમાંનાં તળાવમાં પુષ્કળ કમળો ઊગતાં હતાં. તેથી તે જગ્યા કંબાલા કે ખંભાલા હિલ તરીકે જાણીતી થઈ. તેને છેડે મહાલક્ષ્મીનું મંદિર આવ્યું હતું. (૪) મઝગામ; ફિગકીક એટલે અંજીર ખાડી પાછળ મઝગામનો ચોથો ટાપુ હતો. ત્યાં આગ્રીઓ વસતા હતા. ઉત્તરમાં આગળ જતાં ભાયા નામના અગ્રીનું ખળું હતું તે પરથી તે જગ્યા ભાયખલા કહેવાઈ. તેની આગળ આમલીની ગાઢ ઘટા હતી. આજે તે જગ્યા ચીંચપોકલી તરીકે જાણીતી છે. (૫) પરેલ: ચોથા ટાપુની પાછળ પાંચમો પરેલ નામે ઓળખાતો ટાપુ હતો. પૂર્વમાં નાની ટેકરી ઉપર શિવનું મંદિર હતું અને તે સ્થાન શિવરી તરીકે અત્યારે ઓળખાય છે. ન્યાયાગ્રામની ઉત્તરે વડની ઘટા હતી. આજનું વડાલ્લા નામ હજુ પણ તેની યાદ આપે છે. પાસે જ પશ્ચિમમાં હાથીઓના તબેલા હતા. આ તબેલાઓ ભીમદેવના હતા અને આજે પણ તે સ્થાન માટુંગા તરીકે જાણીતું છે. (૬) માહિમ: માહિમ નામે છઠ્ઠો ટાપુ ભીમદેવની રાજધાની મહિકાવતી હતો. આજે તેના અવશેષ મળતા નથી . માત્ર રાજધાનીના નામનો એક ભાગ માહિમ નામમાં જળવાઈ રહ્યો છે. (૭) વરલી: માહિમની દક્ષિણે છેલ્લો ટાપુ વરલી હતો. ત્યાં આવેલી વડના ઝાડની ઘટાને લીધે તેનું નામ વરલી રાખ્યું છે. મુંબઈ ભારતનું પહેલા નંબરનું શહેર છે. આર્યાવર્ત યાત્રામાં ઉલ્લેખ છે. કે: મુંબઈમાં આશરે ચારસોક મંદિરો છે. ભૂલેશ્વરના લતામાં આશરે ચાળીસ મંદિરો જુદાં જુદાં દેવદેવીઓનાં છે. પ્રસિદ્ધ મંદિરોમાં મમ્માદેવી, વાલકેશ્વર, પ્રભાદેવી, બાબુલનાથ, મહાલક્ષ્મી, વ્યંકટેશ્વર છે. આ સિવાય સ્વામિનારાયણ, માધવરાય, ગોકુલનાથ, નરનારાયણ વગેરેનાં મંદિરો તથા નાની મોટી હવેલીઓ પણ ઘણી છે. મંદિરમાં બધાં સ્વચ્છ, મૂર્તિઓ તેજસ્વી ઓજસવાળી અને શણગારોથી વિભૂષિત હોય છે વિકટોરિય ગાર્ડન એ જાહેર મોટો બગીચો છે તેમાં જુદી જુદી જાતનાં પ્રાણીઓ તેમ જ નવા નવા છોડવા, ઝાડો અને કળા કારીગરીના આદર્શ નમૂનાઓ જોવામાં આવે છે. હેગિંગ ગાર્ડન નામના બગીચાની રચના પાણીના મોટા ટાંકા ઉપર કરવામાં આવેલ છે. તે મલબાર હિલ નામની ઊંચામાં ઊંચી ટેકરી ઉપર આવેલ છે અને આ ટેકરી ઉપરથી આખું મુંબઈ શહેર, મુંબઈ બંદર અને મુંબઈ બેટ સ્પષ્ટ રીતે દેખાય છે. આ ગાર્ડનની નીચેના પાણીના જથ્થામાંથી મુંબઈના પશ્ચિમ તરફના ભાગને પાણી પૂરું પડે છે. પ્રિન્સ ઓફ વેલ્સનું મ્યુઝિયમ કે સંગ્રહસ્થાન પણ જોવા લાયક છે. તેમાં દરેક વિભાગમાં જુદી જુદી જાતનાં જનાવરોના નમૂના, અનેક ધાર્મિક ચીજો, અનેક કારીગરીની ચીજો, જુદાં જુદાં વસ્ત્રો, કીમતી વસ્ત્રો, મોગલશાહી કુટુંબનાં કીમતી વસ્ત્રો અને કેટલીયે યાદગાર વસ્તુઓ, હથિયારો, છબીઓ વગેરે છે. મુંબઈ હાઈકોર્ટનું અને યુનિવર્સિટિનું આલીશાન મકાન પ્રસિદ્ધ રાજાબાઈ ટાવર સાથે જોવા લાયક છે. રાજાબાઈ ટાવર આવેલો છે તેની ઊંચાઈ બસો પચાસ ફૂટ છે. મુંબઈની ચોપાટીનો સાંજનો દેખાવ બહુ રમણીય લાગે છે. ત્યાં જનસમૂહ ઊભરાઈ રહે છે. આ ચોપાટીથી થોડે છેટે જ્યાં બેકબેનો દરિયો મોટે ખરચે પૂરીને જમીન કરી હતી ત્યાં અત્યારે મોટી આલીશાન નવી ઈમારતો ઊભી થઈ છે અને મુંબઈની શોભા અને સમૃદ્ધિમાં ઓર વધારો કરે છે. મુંબઈનો દરિયો ચોતરફ આવેલો હોવાથી અને નાનાં મોટાં બંદરોથી વેપાર રોજગારની છોળો ઊડતી હોવાથી તેને દુનિયાના દરેક દેશો સાથે સંબંધ છે. એટલે મુંબઈ કહો કે જગતનો વેપાર કહો, તે સર્વ મુંબઈનાં જુદાં જુદાં બંદરો નીરખવાથી જણાઈ રહે છે. મુંબઈનું પાલવા બંદર મોટું ગણાય છે, ત્યાં તે બંદર ઉપર પાંચ દરવાજાનો એક ગેઈટ વે છે. વિલાયતથી ઊતરનારી સ્ટીમરો અહીં આવે છે. આ બંદરની સામે જ મોટામાં મોટી તાજમહાલ હોટેલ છે. તેને ઘણા માળ અને તેમાં ઘણા વિભાગ છે. તાન્સાનું મોટું સરોવર મુંબઈથી વીશ માઈલ છે અને ત્યાંથી આખા મુંબઈને પાણી પૂરું પડે છે.
રૂઢિપ્રયોગ
૧. મુંબઈનું પાપ = મુંબઈમાં જે પાપ થાય તે બધું શિર ઉપર એવા સોગંદ.
૨. મુંબઈનું મુડદું = સૂકું પાતળું માણસ. મુંબઈનું પાણી બીજી જગ્યાઓને મુકાબલે સારુ નથી. તેથી ત્યાંના લોકો મુડદાં જેવા ગણાય છે. તે ઉપરથી સૂકા લાકડા જેવા શરીરવાળા માણસને આમ બોલાય છે.
|