6 |
|
न. |
ખાવાનો પદાર્થ; ખાવાનું તે; જમણ; ખોરાક. ગાંધીજી નવજીવનમાં લખે છે કે: જેવી શૌચક્રિયા તેવી જ ખાવાની ક્રિયા છે. બંને મેલી ક્રિયા છે. તે એકાંતે જ કરવા લાયક છે. આપણને ખાવામાં રસ આવે છે તેથી એ વિષયને ઉઘાડી રીતે ભોગવી એ શરમ છોડી બેઠા છીએ. ઘણા મર્યાદિત હિંદુ ખાવાની ક્રિયા પ્રભુનું નામ લઈ શરીરયાત્રાને અર્થે એકાંતમાં કરે છે એ અનુકરણ કરવા જેવું છે. ભોજન સંબંધમાં મુનિ વિદ્યાવિજયજી લખે છે કે, મનુષ્યનો ભોજનનો સમય દિવસ છે, રાત કદી નહિ. રાતનું ભોજન કરવાનો સર્વથા નિષેધ હોવો જોઇએ. શ્રાવકોએ પ્રતિદિન પરમાત્માનું પૂજન કરીને જ ભોજન કરવું જોઇએ, એવો નિયમ રહેવો જોઇએ. આ સંબંધે ઇત્સંગે લખ્યું છે કે, ભારતીય સ્વયં પવિત્ર રહે છે, તે કોઈના દબાણથી નહિ. ભોજનની પહેલાં તેઓ સ્નાન કરે છે. ઉચ્છિષ્ટ ભોજન કોઈ ને નથી અપાતું. ભોજનનું પાત્ર બીજાને નથી અપાતું. માટી અને લાકડાનાં પાત્રો એકથી વધારે વાર નથી વપરાતાં. સોના, ચાંદી અને તાંબાનાં પાત્રો શુદ્ધ કરવામાં આવે છે. ભારતીઓનું ભોજન સામાન્ય રીતે ઘઉં, ભાત, જુવાર, બાજરી, દૂધ, ઘી, ગોળ તથા સાકર હતું. મસૂઉની લખે છે કે, બ્રાહ્મણો કોઈ પશુનું માંસ ખાતા નથી. ડુંગળી અને લસણનો પ્રયોગ વર્જિત હતો અને ખાનાર પ્રાયશ્ચિત્તના ભાગી ગણાતા. સ્મૃતિઓમાં પણ બ્રાહ્મણોને માંસ ન ખાવાનું વિધાન છતાં, પાછલી કેટલીક સ્મૃતિઓમાં શ્રાદ્ધના સમયે માંસ ખાવાની આજ્ઞા કરી છે. વ્યાસસ્મૃતિમાં તો કહેવામાં આવ્યું છે કે, શ્રાદ્ધમાં માંસ ન ખાવાવાળો બ્રાહ્મણ પતિત થઈ જાય છે. ધીમે ધીમે માંસ ખાવાની પ્રથા વધતી ગઈ અને બ્રાહ્મણોના એક ભાગે માંસભક્ષણ શરૂ કર્યું. ક્ષત્રિય અને વૈશ્ય પણ માંસ ખાતા હતા. હરણ, ઘેટાં અને બકરાં સિવાયનું બીજું માંસ નિષિદ્ધ હતું. કોઈ કોઈ વાર માછલી પણ ખવાતી. ચાંડાલ દરેક પ્રકારનું માંસ ખાતા, તેથી અલગ રહેતા. શીખ ધર્મગ્રંથોમાં અલ્પાહારની ભલામણ કરાયેલ છે. પેય વસ્તુઓમાં ભાંગ, તાડી, ચરસ, તમાકુ, દારૂ, અફીણ વગેરે કોફી પદાર્થોનો નિષેધ ફરમાવાયો છે. આરોગ્યશાસ્ત્રમાં જણાવ્યું છે કે, ભોજનમાં નિયમિત અને મિતાહારી થવું જોઈએ, તંદુરસ્તી માટે એ એક અગત્યનો નિયમ છે. ખોરાક શુદ્ધ અને સાદો લેવો. જમતાં મન પ્રસન્ન થાય એવી વાતો કરવી. આદુ, છાશ, મગ વગેરે વાપરવાં. જમ્યા પછી મહેનતનું કામ કરવું નહિ. જમ્યા પછી તરત નાહવું નહિ. હરિજનબંધુમાં ગાંધીજી ભોજન છાંડવા વિષે લખે છે કે, ભોજન છાંડવુ પડે એમાં હું જંગલીપણું અને અવિવેક માનું છું; આવે કઠિન સમયે તો નિર્દયતા જોઉં છું, કેમકે આ સમયે તો પેટ ભરીને ખાવાનો કોઈને પણ અધિકાર નથી. થાળી સાફ કરીને ઊઠવામાં બહુ વિવેક અને સભ્યતા જોઉં છું. તેથી વખત બચે છે અને જેઓને વાસણ સાફ કરવાં પડે છે તેમની મહેનત બચે છે. વિવાહ ને મૃત્યુ પાછળનાં ભોજનો વિષે તેઓ એટલે સુધી લખે છે કે, મૃત્યુની પાછળ જમણ એ જંગલી રિવાજ છે એમાં શંકા જ નથી અને વિવાહની પાછળ જે ભોજનો અપાય છે એમાં ઓછું જંગલીપણું નથી. વિવાહ એક ધાર્મિક વિધિ છે. તેની પાછળ આટલાં ખરચ શાં ? વિનોબાજી લખે છે કે: બીજાઓને ભોજન કરાવવાને સમયે તેની પાત્રપાત્રતાનો વિચાર કરૂં છું. પરંતુ પોતાના પેટમાં રોટલી નાખવાને સમયે મને એ ખયાલ પણ નથી હોતો કે મને પણ તેનો કોઈ અધિકાર છે કે નહિ ? જે આપણે આંગણે આવે છે તેને અભદ્ર ભિખારી શા માટે સમજવો ? જેને આપણે આપીએ છીએ તે ભગવાન જ છે, એવું આપણે કેમ ન સમજવું ? રાજયોગ કહે છે કે, તમારા કર્મનું ફળ કોઈને પણ મળશે જ ને ? તો તેને ભગવાનને દઈ દો. તેને જ અર્પણ કરી દો.
રૂઢિપ્રયોગ
૧. ભોજન આપવું-કરાવવું = જમાડવું.
૨. ભોજન કરવું-લેવું = જમવું.
|