1 |
[ સં. ] |
पुं.;न. |
આર્યાવર્ત; હિંદ; હિંદુસ્તાન; ભારત; ભરતખંડ; ભરતના વંશજોને દેશ. પુરાણાનુસાર જંબુદ્વીપના નવ વર્ષ કે ખંડ માંહેનો એક, જે હિમાલયની દક્ષિણે ગંગોતરી થી કન્યાકુમારી સુધી અને સિંધુ નદીથી બ્રહ્મપુત્ર સુધી ફેલાયલ છે. બ્રહ્મપુરાણમાં તેને ભારતદ્વીપ જણાવેલ છે અને અંગ, યવ, મલય, શંખ, કુશ અને વારાહ આદિ દ્વીપોને તેના ઉપદ્વીપ જણાવ્યા છે, જેને હાલ અનામ, જાવા, મલાયા, આસ્ટ્રેલિઅ વગેરે કહે છે અને જેને ભારતીય દ્વીપપુંજમાં માનવામાં આવે છે. બ્રહ્માંડપુરાણમાં તેના ઇંદ્રદ્વીપ, કશેંરુ, તામ્રપર્ણ, ગભસ્તિમાન્, નાગદ્વીપ, સૈમ્ય, ગંધર્વ અને વરુણ એ નવ વિભાગ બતાવ્યા છે અને લખ્યું છે કે પ્રજાનું ભરણપોષણ કરવાના કારણે મનુને ભરત કહે છે. તે ભરતના નામ ઉપરથી આ દેશનું નામ ભારતવર્ષ પડ્યું છે. કેટલાક માને છે કે, ભરત રાજાના નામ ઉપરથી હિંદુસ્તાનનું નામ ભારતવર્ષ પડ્યું છે, પરંતુ તે દુષ્યંતનો પુત્ર ભરત જે ચંદ્રવંશી હતો તે નહિ, પણ વૈદિક કાળનો ભરત રાજા જે સૂર્યવંશી હતો અને જેણે પંજાબ સહુથી પ્રથમ જીત્યું, તેના નામ ઉપરથી ભારત પડ્યું છે. સૂર્યવંશી નાભિરાજાના વખતમાં તેનું નામ અજનાભ હતું. અજ એટલે ઋષભ અને નાભિ તેના પિતા, એમ બંને તેનું રક્ષણ કરતા હતા તેથી તેનું નામ અજનાભ પડ્યું હતું. તે ઋષભદેવના દીકરા મહાન યોગી ભરતના નામ ઉપરથી ભારતવર્ષ એવું નામ પડ્યું છે. પુરાણમાં ઇલાવૃત્ત, ભદ્રાશ્વ, હરિવર્ષ, કિંપુરુષ, કેતુમાલ, રમ્યક, હિરણ્મય, ઉત્તરકુરુ અને ભરત એમ જંબુદ્વીપના નવ ખંડ કહ્યા છે. તેમની હદ હિમવાન, હેમકૂટ, નિષધ, મેરુ, નીલ, શ્વેત, શૃંગવાન અને ગંધમાદન પર્વતની આડથી બાંધેલી છે. તે તે ખંડને તે તે પર્વત અનેક નદીઓ વડે પાણી પૂરું પાડે છે. એ પાણીના વર્ષણથી ખંડને વર્ષ સંજ્ઞા મળી છે અને તેવું નામ ભારતવર્ષ પડ્યું. ખંડોને જુદા પાડનારા પર્વત વર્ષપર્વત કહેવાયા. હિમાલયની દક્ષિણ તરફ અને વિધ્યાચલની ઉત્તર તરફ જે વર્ષ છે તેને ભારતવર્ષ કહેવામાં આવે છે. વેદાંતમાં સમુદ્રથી ઉત્તરના અને હિમાલયથી દક્ષિણના પ્રદેશને ભારતવર્ષ કહેવામાં આવ્યો છે. આમ જુદાં જુદાં પુરાણોમાં આ સંબંધી જુદી જુદી વાત છે. ભારતવર્ષની વિભૂતિ: ભારતવર્ષની વિભૂતિરૂપ અનેક મહાન પુરુષો જગતના ઇતિહાસમાં ભાત પડે તેવા અજોડ છે. રામ અને કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર આપણા અવતારી પુરુષો છે. વ્યાસ, વાલ્મીકિ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, યાજ્ઞવલ્ક્ય, પાણિનિ અને પતંજલિ આપણા ઋષિમુનિઓ છે. ભીષ્મ, દ્રોણ, યુધિષ્ઠિર, પરશુરામ અને અર્જુન આપણા યોદ્ધાઓ છે. સીતા દમયંતી, તારામતી, દ્રૌપદી, અહલ્યા, મંદોદરી વગેરે આપણી સતીઓ છે. હનુમાન, ભરત, વિભીષણ, પ્રહ્લાદ, ધ્રુવ, નરસિંહ, મીરાં અને કબીર જેવાં આપણાં ભક્તજનો છે. શંકર, વલ્લભ, રામાનુજ, મધ્વ, હેમચંદ્ર, ભાસ્કર, ચૈતન્ય, તેમ જ નાનક, ગોવિંદ, સહજાનંદ, દયાનંદ સરસ્વતી અને રામમોહનરાય જેવા આપણા આચાર્યો અને ધર્મસ્થાપકો છે. રામદાસ, રામતીર્થ, રામકૃષ્ણ વિવેકાનંદ વેગેર આપણા સંન્યાસીઓ છે. કાલિદાસ, ભવભૂતિ, બાણ, માઘ, તુકારામ, તુલસીદાસ વગેરે આપણા કવિઓ છે. મનુ, હરિશ્રંદ્ર, યુધિષ્ઠિર, અશોક, વિક્રમ, શાલિવાહન, ભર્તૃહરિ, ગોપીચંદ પ્રતાપ, શિવાજી અને અકબર આપણા રાજેંદ્રો છે. ચાણક્ય, ભામાશા, વસ્તુપાળ, તેજપાળ, ટોડરમલ, બિરબલ અને અબુલફઝલ આપણા રાજદ્વારી પુરુષો છે. દાદાભાઈ, તિલક, ગોખલે, ગાંધીજી, લાલ, પાલ, દત્ત અને દાસ આપણા દેશભક્તો છે.
ઉપયોગ
કરશે ઘર એ જ્યારે પ્રતિમા ખડી તો થશે, આત્મરાજ્ય સદાચાર રૂપે ભારતવર્ષમાં. – ગાંધીગીતા
|