1 |
[ સં. ભરત + અ ( સ્વાર્થવાચક પ્રત્યય ) ] |
पुं. |
અર્જુન. તે ભારતના કુળમાં જન્મ્યો હતો. તેનાં બીજાં નામો; અનઘ, કપિધ્વજ, ધનુર્ધર, કુરુનંદન, કુરુપ્રવીર, કુરુશ્રેષ્ઠ, કુરુસત્તમ, કૌંતેય, ગુડકેશ, ધનંજય, પરંતપ, પાંડવ, પાર્થ, પુરુષર્ષભ, પુરુષવ્યાઘ્ર, ભરતર્ષભ, ભરતશ્રેષ્ઠ, ભરતસત્તમ, મહાબાહુ, સવ્યસાચી, પૃથાપુત્ર, પાંડવરાય, કુંતીસુત, કુંતીપુત્ર, રવિનંદ, નર, નરરાય, નરપાળ, અરિતાપ.
|
4 |
|
पुं. |
( પુરાણ ) જંબુદ્વીપના મુખ્ય નવ માંહેનો એ નામનો એક મુખ્ય દેશ; ભારતવર્ષ; હિંદ; હિંદુસ્તાન. ઇ. સ. પૂર્વે ૫૮૪૦માં સૂર્યવંશી ઇક્ષ્વાકુ રાજાએ તે વસાવ્યો હતો. દુષ્યંત અને શકુંતલાનો પુત્ર ભરત મહા પરાક્રમી હોવાથી એ હિંદુસ્તાનનો ચક્રવર્તી રાજા થયો ને એના નામથી આ દેશ ભારત નામથી ઓળખાતો થયો. પ્રાચીન ભારતનો ઇતિહાસ તપાસતાં જોવામાં આવે છે કે, તે વખતમાં ચોરી, જૂઠ, વ્યભિચાર આદિ બનાવો બનતા, પરંતુ કોઇએ દેવાળું કાઢ્યાનો એક પણ બનાવ નહિ મળે. યાદવોના જમાનામાં જગતની બીજી પ્રજા જંગલી જીવન ગુજારતી હતી, ત્યારે સૌરાષ્ટ્ર અને ભારત દેશના વતનીઓ સુધરેલા હતા. તેઓ ખાસ કરીને ગામડાંમાં રહેતા, ખેતી કરતા ને ઘઉં, જવ, ફળ અને કપાસ પકવતા. ગાયો પાળતા, ખોરકામાં દૂધ, દહી, માખણ ને ઘીનો ઉપયોગ કરતા. માંસ પણ ખાતા. તેમને સોમરસ નામનો દારૂ પીવાનો ખાસ શોખ હતો. તેઓ સૂતર અને ઊન કાંતીને હાથે કપડાં વણતા ને સોનાચાંદીનાં ઘરેણાં પહેરતા. ઝાડપાનનો ઉપયોગ દવા તરીકે કરી જાણતા. હોડી અને વહાણો બનાવીને દરિયામાં સફર ખેડતા. રથમાં બેસી જમીન ઉપર મુસાફરી કરતા. રથની શરતોમાં અને જુગાર રમવામાં તેમને મઝા પડતી. એ જમાનામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એવા કેવળ ચાર જ વર્ણ કે જ્ઞાતિઓ હતી. બ્રાહ્મણો ભણતા ભણાવતા અને ધર્મક્રિયાઓ કરતા અને કરાવતા. ક્ષત્રિઓનું કામ લોકોનું રક્ષણ કરવાનું હતું. વૈશ્ય ખેતી, પશુપાલન અને વેપાર કરતા. બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્યની સેવા કરવાનું કામ શૂદ્રનું હતું. લોકો સૂર્ય, અગ્નિ, ઇંદ્ર, વરુણ, મરુત વગેરે દેવોની પૂજા કરતા. તેમને વશ કરવા માટે હોમહવન ને યજ્ઞ કરતા. લડાઈમાં ધનુષ્યબાણ, તલવાર, ભાલા ને ફરસીનો ઉપયોગ કરતા. સંસ્કૃત ભાષા બોલતા. બાળકો મુનિઓના આશ્રમોમાં ભણતા. માતા, પિતા ને ગુરુ દેવ જેવા મનાતા, લોકો કુટુંબના વડીલની આજ્ઞા પાળતા. ઘરમાં ને સમાજમાં સ્ત્રીઓને માન મળતું. ભારતનું બંધારણ ઇ. સ. ૧૯૪૯ના નવેમ્બરની ૨૬મી તારીખે જે બંધારણનો ભારતની સાર્વભૌમ બંધારણ સભાએ ભારતના પ્રજાજનો વતી સ્વીકાર કર્યો અને જેનો અમલ ૧૯૫૦ની જાન્યુઅરિની ૨૬મીથી ચાલુ થયો, તેનાં લક્ષણો અને વિશિષ્ટતાઓ નીચે પ્રમાણે છે: બંધારણનું લક્ષણ: ૧. વ્યાપક દસ્તાવેજ; પ્રજાસત્તાક ભારતનું બંધારણ એ વ્યાપક દસ્તાવેજ છે અને તેમાં નવા જન્મેલા પ્રજાસત્તાકની પ્રારંભિક મુશ્કેલીઓના ઉકેલ માટે વિસ્તૃત જોગવાઈઓ રાખવામાં આવી છે ને તેને પરિણામે બંધારણના અમલમાં પણ એકરાગિતા ને સરળતા થશે. બંધારણમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે: (ક) સરકારની રચના, (ખ) વિવિધ અંગોના પરસ્પર સંબંધ અને કાર્ય પદ્ધતિ. (ગ) નાગરિકત્વ, (ઘ) મૂળભૂત હક્કો, (ઙ) રાજ્યનીતિના દર્શક સિદ્ધાંતો, (ચ) નોકરીઓ, (છ) સમવાયી ન્યાયતંત્ર અને ઉચ્ચ અદાલતો, (જ) રાજભાષા અને (ઝ) પ્રાથમિક મહત્ત્વ ધરાવતી અન્ય વિવિધ બાબતો. ૨. લોકરાજ; આપણા આ પ્રજાસત્તાક બંધારણના ઘડતરમાં ભારતની કેટલીક ઉત્તમ બુદ્ધિશક્તિ ધરાવતી વ્યક્તિઓએ ત્રણ વર્ષ સુધી ફાળો આપ્યો છે. એમણે જગતનાં તમામ લોકશાહી બંધારણોની ખામીઓ અને ખૂબીઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરી અને અન્ય લોકશાહી દેશોના અનુભવનો બોધપાઠ ગ્રહણ કરી આ બંધારણ તૈયાર કર્યું છે, તેમ છતાં ભારતની પ્રણાલિકાઓ, લાક્ષણિક્તાઓ અને રાષ્ટ્રભરમાં સ્વતંત્રતા પછી થયેલા પરિવર્તનને પણ ખાસ મહત્ત્વ આપ્યું છે, તેમજ પંચાયતો જેવી ભારતની પ્રાચીન લોકશાહી સંસ્થાઓને સ્થાન આપી બંધારણને ભારતીય સ્વરૂપ આપ્યું છે. બંધારણનો હેતુ લોકકલ્યાણની વૃદ્ધિ અને વ્યક્તિ અને વ્યક્તિસ્વાતંત્ર્યનું સંરક્ષણ કરવાનો છે અને તેથી સંઘ અને એકમોનાં લોકોને રાજસત્તા આપવામાં આવી છે. ૩. લોકોની સરકાર બંધારણમાં ભારતની સાર્વભૌમ પ્રજાસત્તાક રાજ્ય તરીકે વ્યાખ્યા કરવામાં આવી છે. પ્રજાસત્તાક ભારતની રચના એવી રહેશે કે, જેમાં નાગરિકો રાજ્યના સંચાલનમાં સીધો ભાગ લઈ શકશે. આ રીતે નારગરિકોને પોતાના પ્રતિનિધિઓને મત આપીને પસંદ કરવાનો હક્ક મળે છે, એટલું જ નહિ પણ તેમને સત્તાસ્થાનો ઉપર જવાનો ને તે માટે પસંદગી પામવાનો હક્ક પણ મળે છે. ભારતના ઇતિહાસમાં આ પ્રકારનો પ્રથમ જ હક્ક ૨૧ વર્ષ પૂરાં કર્યાં હોય તેવાં કે તેની ઉપરની ઉમરનાં દરેક પ્રૌઢને જન્મ, સંપત્તિ, રંગ, નાતજાત, સ્ત્રી કે પુરુષ એવા કોઇ પણ પ્રકારના ભેદભાવ વિના આ બંધારણ આપે છે. પાર્લમેન્ટરિ સરકાર અને સાર્વત્રિક પ્રૌઢ મતાધિકારને પરિણામે સરકાર, લોકોને તેના પ્રતિનિધિઓને જવાબદાર બને છે. ભારતમાં અનેક જુદી જુદી કોમો છે તેમ છતાં બંધારણ, કોમી રાજ્યબંધારણનો વિરોધ કરીને ભારતને માટે, બિનસાંપ્રદાયિક રાષ્ટ્રનો આદર્શ સેવે છે. એમાં રાષ્ટ્રની દરેક દરેક વ્યક્તિને નાત, જાત, કોમ, ધર્મ કે લિંગના ભેદભાવ વિના એક જ પ્રકારના, નાગરિકત્વની ખાતરી અપાઈ છે. આ રીતે રાષ્ટ્ર તરફથી થતી લોકસેવાનો સમાન લાભ દરેક નાગરિકને મળશે, રાષ્ટ્રના દરેક નાગરિકને પોતાની પસંદગીનો ધર્મ પાળવાની સ્વતંત્રતા રહેશે અને વ્યક્તિનું વર્તન અન્ય વ્યક્તિને હાનિરૂપ હશે તો જ રાષ્ટ્ર તેની ઉપર અંકુશ મૂકશે. ૪. સમવાયી બંધારણ; પ્રજાસત્તાનું બંધારણ સમવાયતંત્ર છેને સત્તાની વહેંચણી એ સમવાયતંત્રનું મુખ્ય લક્ષણ છે, પરંતુ એનું વિશિષ્ટ લક્ષણ તો એ સમવાયતંત્ર હોવાથી બેવડું રાજતંત્ર ધરાવે છે એ છે. આમ હોવા છતાં સર્વ મૂળભૂત બાબતોમાં સંઘની સમાનતા જાળવી રાખવાનો એનો હેતુ છે. ભારતના સમવાયતંત્રમાં અન્ય સમવાયતંત્રોની જેમ જડતા કે સંકુચિતપણું નથી, તેમ ધારાકીય સાઠમારી, રૂઢિચુસ્તતા કે નિર્બળતા પણ નથી. ન્યાયતંત્ર બંધારણનું આખરી વ્યાખ્યાતા હોવાથી સમવાયી પદ્ધતિ હેઠળ અંગભૂત રાજ્યને સોંપાયેલ કાર્યક્ષેત્રમાં સંઘ સરકારનો કે સંઘ સરકારના કાર્યક્ષેત્રમાં અંગભૂત રાજ્યોને હસ્તક્ષેપ બંધારણના કરારભંગ તરીકે લેખાય છે, તેમ છતાં ભારતીય સમવાયતંત્ર સ્થિતિસ્થાપક છે. બંધારણ સંજોગો અનુસાર સમવાયતંત્રી કે એકતંત્રી બની શકે છે. સામાન્ય સંજોગોમાં તો તે સમવાયી પદ્ધતિએ જ કાર્ય કરે એવી યોજના કરવામાં આવી છે, પરંતુ યુદ્ધ જેવી રાષ્ટ્રીય આપત્તિના સમયમાં સમગ્ર રાષ્ટ્ર એકતંત્રી રાજ્યના એકમમાં ફેરવાઈ શકે એવી પણ એમાં જોગવાઈ રાખવામાં આવી છે. આવા આપત્તિના સંજોગોમાં અંગભૂત રાજ્યોને બદલે કેવળ સમવાયી સંઘતંત્ર જ રાષ્ટ્રનું હિત જાળવી શકે અને તેથી નાગરિકોની શેષ વફાદારી સંઘ પ્રતિ રહે એવી આજ્ઞા તે ફરમાવી શકે. ૫. રાજભાષા; બંધારણમાં સંઘની સત્તાવાર ભાષા તરીકે દેવનાગરી લિપિવાળી હિંદી ભાષાનો આંતરરાષ્ટ્રીય મરોડવાળા ભારતીય આંકડા સમેત સ્વીકાર કરવામાં આવ્યો છે, તેમ છતાં આવતા પંદર વર્ષ સુધી અંગ્રેજી ભાષાને પણ સત્તાવાર ભાષા તરીકે ચાલુ રાખવાની જોગવાઈ રાખવામાં આવી છે ને અદાલતો, ખરડાઓ, નવા કાયદાઓ અને અન્ય ધારાઓ અંગેનાં કાર્યોમાં એની જરૂરિયાત સ્વીકારવામાં આવી છે. અંગભૂત રાજ્યોની ધારાસભાઓ સત્તાવાર ભાષા તરીકે હિંદીનો ઉપયોગ કરી શકે તે ઉપરાંત રાજ્યમાં વપરાતી એક કે એકથી વધારે ભાષાઓને પ્રાદેશિક ભાષા તરીકે સ્વીકારી શકે, એવી પણ જોગવાઈ રખાઈ છે. ૬. પછાત વર્ગો માટેની ખાસ જોગવાઈઓ: બંધારણમાં પછાત વર્ગો ને આદિવાસીઓનાં કલ્યાણ અને સામાજિક સ્વાતંત્ર્ય માટે ખાસ જોગવાઈઓ રાખવામાં આવી છે. પહેલાં દશ વર્ષ માટે તેમને માટે ધારાસભાઓ તેમ જ જાહેર નોકરીઓ માટે કેટલીક જગ્યાઓ અનામત રાખવામાં આવશે. આદિવાસી વિસ્તારોની રાજવ્યવસ્થા માટે પણ ખાસ જોગવાઈઓ રાખવામાં આવી છે. ઉદાહરણ તરીકે આસામના આદિવાસી વિસ્તારો માટે જિલ્લા સમિતિઓ અને સ્વતંત્ર પ્રાદેશિક સમિતિઓ યોજાશે, જે આદિવાસીઓને રાજ્યવ્યવસ્થામાં ભાગ લેવા અંગે માર્ગદર્શન કરાવશે. આ ઉપરાંત બંધારણમાં પછાત વર્ગો અને આદિવાસીઓનાં ઉત્કર્ષ માટે એક પ્રધાનની પણ જોગવાઈ કરવામાં આવી છે. પછાત વર્ગો અને આદિવાસીઓની પરિસ્થિતિ અંગે એક ખાસ અધિકારી વખતોવખત હેવાલ રજૂ કરશે અને અંતે એક ખાસ કમિશન પછાત વર્ગોના ઉત્કર્ષ અંગે હેવાલ બહાર પાડશે. ઇ. સ. ૧૯૫૦ના જાન્યુઅરિની ૨૬મી તારીખથી ભારતનું રાજ્યતંત્ર પોતે ઘડેલા બંધારણ મુજબ ચાલે છે. ભારતના બંધારણની ખાસ વિશિષ્ટતા તો એ છે કે: તે લિખિત છે, તેમ છતાં તેમાં જરૂર પડ્યે ફેરફાર કરવાની સત્તા પાર્લમેન્ટને આપવામાં આવી છે. બંધારણ દ્વિરાજ્યના સિદ્ધાંત ઉપર રચાયેલું છે. પ્રાંતો પોતપોતાના કાર્યક્ષેત્રમાં સ્વતંત્ર છે. ગવર્નરની વિશાળ સત્તા કાઢી નાખી તેને ફક્ત બંધારણીય વડા તરીકે ગણવામાં આવેલ છે. આ બંધારણથી દરેક નાગરિકને સરખો ન્યાય મળે છે, તેથી કાયદાનું રાજ્ય સ્થાપિત થાય છે. તેમાં રાષ્ટ્રપ્રમુખને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. કટોકટીના વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. કટોકટીના સમયમાં રાષ્ટ્રપ્રમુખ તાકીદનું જાહેરનામું બહાર પાડી બધી સત્તા પોતના હાથમાં લઈ શકે છે. પણ જો જાહેરનામાને ધારાસભા બે માસમાં મંજૂરી ન આપે તો તેનો અમલ બંધ થાય. બંધારણનું ખાસ લક્ષણ અસ્પૃશ્યતાનું નિવારણ છે અને વ્યક્તિસ્વાતંત્ર્યનું પૂરેપૂરું રક્ષણ કરવામાં આવ્યું છે. ભારતનો નાગરિક; જેઓ ભારતમાં જન્મ્યાં હોય કે જેમનાં માતપિતા ભારતમાં જન્મયાં હોય કે બંધારણ અમલમાં આવે તે પહેલાં પાંચ વરસથી ભારતમાં રહેતાં હોય કે જે લોકોએ ૧૯૪૮ના જુલાઈની ૧૯મી તારીખ પહેલાં પાકિસ્તાનમાંથી હિજરત કરી ભારતમાં કાયમનો વસવાસ કર્યો હોય કે સદર તારીખ પછી ભારતમાં આવી તે માટે નિર્મલા ખાસ અધિકારીને નાગરિકત્વ માટે અરજી કરી હોય કે જે ભારતનાં હોય છતાં બહાર વસતાં હોય અને ત્યાંના ભારતના એલચી દ્વારા નાગરિકત્વ માટે અરજી કરેલ હોય તેવાં બધાં ભારતના નાગરિક ગણી શકાય છે. ઉપરના ભારતના બંધારણ અનુસાર ધારાસભાઓ માટેની ચૂંટણી માટે જુદા જુદા રાજકીય પક્ષો તરફથી નીચે મુજબ પ્રતીકો રાખવામાં આવ્યાં હતાં: (૧) બે બળદ જોડેલું ઘોંસરૂં-કોંગ્રેસ. (૨) ઝાડ-સામ્યવાદી પક્ષ. (૩) ઊભો રહેલો સિંહ-ફોરવર્ડ બ્લોક ( માર્કસવાદીઓ ). (૪) માણસનો હાથ-ફોરવર્ડ બ્લો ( રૂઇકર પક્ષ ). (૫) ઘોડો અને ઘોડેસવાર-હિંદુ મહાસભા. (૬) ઝૂંપડી-કિસાન મઝદૂર પ્રજાપક્ષ. (૭) ઊગતો સૂર્ય-રામરાજ્ય પરિષદ. (૮) હાથી-પછાત વર્ગ સંઘ ( શિડ્યુલ્ડ કાસ્ટસ ફેડરેશન). (૯) અનાજનાં ડૂંડાં તથા દાતરડું-સમાજવાદી પક્ષ. (૧૦) પાવડો અને સ્ટોકર; એંજિનમાં કોલસા નાખવાવાળો: ક્રાંતિવાદી સમાજવાદ પક્ષ (રેવોલ્યુશનરિ સોશ્યાલિસ્ટ પાર્ટિ ). (૧૧) સળગતી મસાલ-ક્રાંતિવાદી સામ્યવાદ પક્ષ ( રેવોલ્યુશનરિ કોમ્યુનિસ્ટ પાર્ટિ). (૧૨) તારો-બોલશેવિક પાર્ટિ. (૧૩) અનાજ ઝાટકતો ખેડૂત-કૃષિકાર લોકપાર્ટિ. (૧૪) દીપ-જનસંઘ ભારતની પરદેશનીતિ: ભારતની પરદેશનીતિના સંબંધમાં નીચે મુજબના આક્ષેપો જુદા જુદા રાજદ્વારી પુરુષો તરફથી કરવામાં આવેલ છે: (૧) પાકિસ્તાનની બાબતમાં ભારતની નીતિ ઢીલી છે. (૨) આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારત કાંઈ મહાસત્તાની બાજુ લીધા વગર, તટસ્થ રહેલ છે. (૩) ભારતની નીતિ એંગ્લો અમેરિકન જૂથને આવકારે છે. (૪) ભારતની નીતિ રશિઅને તરફેણ કરે છે. (૫) ભારત ચીન તરફ તરફદારી કરે છે. (૬) ભારતની નીતિથી પરદેશમાં તેના મિત્રો ઘટ્યા છે અને દુશ્મનો વધ્યા છે. ઉપરની બાબત ઝીણવટથી તપાસતાં જણાશે કે, ભારતની નીતિ સ્પષ્ટ અને મક્કમ છે. પાકિસ્તાનની બાબતમાં ભારતની નીતિ ઘણી સ્પષ્ટ અને મક્કમ છે. કશ્મીર માટેના ઝઘડાથી ગમે તે જોઈ શકશે કે, આપણે કેટલા મક્કમ છીએ. એટલું જ નહિ પણ એ પણ સ્પષ્ટ કરી દીધેલ છે. કે, ભારત દરેક પ્રજાના સ્વાતંત્ર્યમાં માને છે અને તેના સિદ્ધાંત લોકશાહી છે. હાલનું રાજકારણ જોતાં ભારત તટસ્થ રહે તે જ ઇચ્છવા યોગ્ય છે અને તેથી જ આપણા વિધાતાઓએ તેમને લડાઈ કે ઝઘડામાં ભાગ લેતા અટકાવી, વ્યર્થ ખુવારી અટકાવી છે. બીજી વસ્તુ પણ એટલી જ સત્ય છે કે, ભારત કોઇ પણ જૂથની ખોટી ખુશામદ કરતું નથી. ફક્ત હિંદને આજની અદ્યતન દૃષ્ટિએ અમેરિક સાથે મિત્રતા છે અને દરેક કબૂલ કરશે કે તે દૃષ્ટિએ મિત્રતા અત્યારે જરૂરી છે. ભારતની રશિઅ તરફેણની નીતિ છે. એ પણ એટલું જ ખોટું છે. જોકે પંત પ્રધાન મજૂરોની સ્થિતિ સુધરે, દેશમાંથી દુ:ખ, દર્દ અને ગરીબાઈ નાશ પામે. તે માટે અંગત રીતે ગાંધીજીના નાશ પામે, તે માટે અંગત રીતે ગાંધીજીના મત સાથે સંમત થાય છે. ચીનની તરફદારી બાબતમાં એટલુંજ કહેવું જોઇએ કે, ચીને આપણને અનાજની બાબતમાં ઘણી મદદ કરેલ છે અને દૂરના પૂર્વમાં એકલું જ તે આપણું મિત્ર છે. જ્યારે ખાસ કરીને આપણી પરદેશનીતિથી પરદેશનાં નાનાં રાજ્યો આપણા નિકટ મિત્રો બન્યા છે.
|