पुं.
ગોંડલના કોષકાર મહારાજા ભગવત્ સિંહજી સંપાદિત ગુજરાતી ભાષાનો સર્વાગસંપૂર્ણ વિશ્વકોષ. આ કોષને માટે સૂચવાયેલ અનેકવિધ નામોમાં વિહારીસૂચિત ભગવદ્ગોમંડલ નામ તેના અનેકાર્થને લીધે પસંદ કરવામાં આવ્યું. ભગવદ્ગોમંડલ નામ ભગવત્ અને ગોમંડલ એમ બે શબ્દનું બનેલું છે. એ બે શબ્દના અનેકાર્થ એમ છે કે: ભગવત્ એટલે (૧) ભગવત્ સિંહજી, (૨) બૃહત્, (૩) સમૃદ્ઘિવાન, (૪) જ્ઞાનભર્યો, (૫) પ્રભુપ્રેરિત, (૬) ગૌરવવંતુ. ગોમંડલ એટલે (૧) શબ્દસંગ્રહ, (૨) શબ્દોકોષ, (૩) જ્ઞાનકોષ, (૪) સરસ્વતી ભંડાર, (૫) વ્યાપક વાણી અને (૬) ગોંડલ. આ ઉપરથી ફલિત છે કે, ભગવદ્ગોમંડલ એટલે (૧) ભગવત્ સિંહજી શબ્દસંગ્રહ, (૨) બૃહત્ શબ્દોકોષ, (૩) સમૃદ્ધિવાન જ્ઞાનકોષ, (૪) જ્ઞાનભર્યો સરસ્વતી ભંડાર. (૫) પ્રભુપ્રેરિત વ્યાપક વાણી અને (૬) ગૌરવવંતું ગોંડલ. આ બૃહત્ શબ્દકોષ શરૂ થયા પહેલાં જ કોષકાર મહારાજાએ અથાગ શ્રમ લઈને હજારો શબ્દ વિવિધ રીતે એકઠા કર્યા હતા. તેમની શબ્દો એકઠા કરવાની રીત અનોખી હતી. કોઇની સાથે વાતચીત કરતાં કે કોઈનાં અરજઅહેવાલ સાંભળતાં એવો કોઈ તળપદો શબ્દ જણાય તો તેની નોંધ તેઓ તરત જ કરી લેતા. ખેતરોમાં કે વાડીપડામાં ખેડૂતો સાથે વાચતીત કરતાં ભાંગ્યાતૂટ્યા સંભળાયેલ શબ્દો અચૂક એમના અંગરખાની ચાળ ઉપર લખાઈ જતા. પોતાના પુસ્તકાલયમાં મળવા આવનાર મહેમાનોની વાચતીતમાંથી જે કોઇ એવા નવીન શબ્દો એમને લાધતા તે તે જ મહેમાનની મુલાકાત માટેની કાપલી પાછળ લખી લેતા. આથી કરીને એ શબ્દ માટે ભવિષ્યમાં કંઈક વિશેષ માહિતી મેળવવી હોય તો જેની તેની પાસેથી તરત જ મેળવી શકાતી. આવી અનોખી રીતે એકઠા કરેલ જે શબ્દો ગુજરાતી ભાષાના તે વખતના કોષોમાં, માલૂમ ન પડતા તે શબ્દો પોતાની પાસેના મોટા કદના જૂના તારીખિયાની પાછળની કોરી બાજુ ઉપર કક્કાવારી પ્રમાણે સ્વહસ્તે લખી લેતા. તારીખિયાનું આવું કોરૂં પાનું પૂરૂં થતાં બાકી રહેલ શબ્દો બીજા કોરા પાને લખતા ને અનુસંધતા જાણવા માટે જુઓ ફલાણી તારીખ, પાછળ એમ દર્શાવતા. પ્રમાણભૂત ગ્રંથો, મહત્ત્વનાં પુસ્તકો, નવલકથાઓ, કાવ્યસંગ્રહો વગેરે ગુજરાતી અંગ્રેજી સાહિત્ય વાંચતી વખતે તેઓ કંઈ ને કંઈ લેવા યોગ્ય લાગતા શબ્દો કે વિગત માટે પાને પાને નિશાનીઓ કરતાં, જે ઉપરથી તેનો સમાવેશ કોષમાં થતો. વર્તમાનપત્રો, માસિકો, નિવેદનો, જાહેખબરો, નાટકસિનેમાનાં ચોપાનિયાં, ચીજ વસ્તુઓની મૂલ્યપત્રિકાઓ કે એવા કોઇ પણ રદ્દી જેવા લાગતા ફરફરિયામાં પણ કોઇ શબ્દ એમને નવા જેવો લાગતો તે તે શબ્દ નીચે તેઓ જેની તે વખતે કરકરિયાં કરી લઈ તેનો આસપાસના સંબંધ સાથે સંગ્રહ કરવા ચૂક્તા નહિ. અંગત પત્રો, અરજીઓ, વિધવિધ ઓળખવાળાં નોકરી માટેનાં પ્રમાણપત્રો કે એવા કોઈ પણ લેખ દસ્તાવેજમાં આવી જ જાતના નવીન શબ્દો લેવા માટેના કરકરિયાંની નિશાની કરી આસપાસનો સંબંધ જાણી, જોઈતી હકીકત સ્પષ્ટ લેવા માટે કોષકચેરીને સુપરત કરતા. આ ઉપરાંત જુદા જુદા વિષયોના જુદે જુદે સ્થળેથી, જુદી જુદી વ્યક્તિઓ પાસેથી મેળવેલા અતિ મહત્ત્વના શબ્દો તેનાં ઉચ્ચાર, વ્યાકરણ, વ્યુત્પત્તિ, અર્થ, પર્યાય, વિગત, અવતરણ, આધાર અને રૂઢિપ્રયોગ સાથે તેઓ કોષમાં દાખલ કરાવતા. પોતાના મિત્રો, સ્નેહીઓ, સંબંધીઓ અને જેના તે વિષયમાં નિષ્ણાત ગણાતી સંસ્થાઓ સાથે જરૂર પડ્યે, તેઓ પત્રવ્યવહાર ચલાવીને શબ્દોનાં વિવાદિત અર્થ, પ્રયોગ અને વિગત માટે છેવટનો નિર્ણય આપવા માટે સામગ્રી મેળવી લેતા. અંગ્રેજી, ગુજરાતી, ફરસી આદિના પ્રમાણભૂત ગણાતા કોષોમાંથી તેઓ શબ્દવધારો, ઉચ્ચારભેદ, વ્યુત્પત્તિવૈવિધ્ય, અર્થસમૃદ્ધિ અને પ્રમાણભૂત વિગત ઉમેરાવતા. ફેલન અને ફોર્બ્સ નામના અંગ્રેજ લેખકોએ બનાવેલ હિંદી કોષોમાંથી તેઓએ થોકબંધ સપ્રમાણ શબ્દો ઉમેરાવ્યા છે. કાળચક્રમાં આવી વીસરાઈ જઈ વિલુપ્ત થતાં કંઠસ્થ, તળપદા અને ઘરગથ્થુ શબ્દો પ્રથમ કાઠિયાવાડ ગુજરાતમાંથી એકઠા કરવામાં આવ્યા; કેમકે આવા જ શબ્દો પહેલી તક સંગ્રહી લેવાનું પ્રધાન લક્ષ હતું. કંઠસ્થ શબ્દોનો સંગ્રહ પૂરો થયા પછી ગુજરાતી ભાષાના પ્રાચીન અર્વાચીન, પ્રસિદ્ધ અપ્રસિદ્ધ સાહિત્યમાંથી સંશોધન કરીને અવતરણો સાથે શબ્દ સંગ્રહવાનો મહારાજએ ભગીરથ પ્રયત્ન કર્યો. અપ્રસિદ્ધ એવાં ખત, કાવ્યો ને જૈન આદિના અનેક રાસાઓમાંથી તેમ જ નરસિંહયુગથી માંડી ગાંધીયુગ સુધીના ગુજરાતી ભાષાના વિકાસના યુગોમાંથી જે તે યુગના કવિઓ અને લેખકોના નિષ્ણાતો, અભ્યાસકો અને પ્રશંસકો પાસે સંશોધનો કરાવી નવીન શબ્દો, તેના વિવિધ અર્થો, તેના વિશિષ્ટ ઉપયોગ અને તેનાં બંધબેસતાં અવતરણો એકઠાં કરવામાં આવ્યાં. આ કોષની વિશિષ્ટતાઓ નીચે પ્રમાણે છે: આદર્શ કોષનાં જે જે અતિ આવશ્યક અંગો ગણાય છે તે તે આવશ્યક અંગો ફૂલ નહિ તો ફૂલની પાંખડીરૂપે આ કોષમાં યથાશક્તિ સાચવવામાં આવ્યાં છે. પ્રથમ તો ગુજરાતી ભાષઆનો શબ્દસંગ્રહ પૂરો કરવા માટે નવા તથા જૂના ગુજરાતી સાહિત્યમાં ઊતરેલા તથા બોલીમાં ચાલતા તમામ શબ્દો સંઘરવા માટે, ગુજરાતના બોલીવાર જે જુદા જુદા પ્રદેશ પડેલા છે, ત્યાંના માણસોનો સહકાર સાધીને તેમ જ તે તે પ્રદેશમાંથી ખાસ નિષ્ણાતો દ્વારા શબ્દો એકઠા કરાવ્યા છે. વળી જુદાં જુદાં વિજ્ઞાનોની અને ઉદ્યોગોની પરિભાષા પણ મેળવી છે. વૈષ્ણવ અને શૈવ, જૈન અને સ્વામીનારાયણ સંપ્રદાયી, કાઠિયાવાડી અને ગાયકવાડી, મુસલમાન તેમ જ પારસી, ખ્રિસ્તી સાંપ્રદાયિક ને કોમી સાહિત્યમાં વપરાતા શબ્દો પણ જ્યાં ત્યાંથી અનેક સાધનો દ્વારા એકઠા કરીને સંગ્રહવામાં આવેલ છે. સંસ્કૃત, હિંદી, મરાઠી, અંગ્રેજી, ફારસી, અરબી, બંગાળી, ઉર્દૂ વગેરે ભાષાઓમાંથી જેટલા શબ્દો ગુજરાતી ભાષામાં વપરાયા હોય અને ભળ્યા હોય તેટલા શબ્દોને ય શોધી સ્થાન આપ્યું છે. કોષમાં ઉચ્ચારણ પણ આવવું જ જોઈએ, એ સિદ્ધાંત લક્ષમાં રાખીને જ્યાં જ્યાં ઉચ્ચારણ આપવાની જરૂર જણાયેલ છે, ત્યાં ઉચ્ચારણ પણ આપેલ છે. કોઇ પણ ભાષાના સારા ગણાઈ શકે એવા કોષમાં શબ્દના ઉચ્ચારણનું અંગ હોવું જ જોઇએ. એ આદર્શ કોષની પ્રણાલિકા છે આપણી લિપિની વિશેષતાને લઈને ઉચ્ચારણની જરૂર અંગ્રેજી જેવી ભાષાના જેટલી નથી, છતાં લિપિ સંપૂર્ણ ઉચ્ચારવાહી તો નથી થઈ શક્તી. આપણે ત્યાં પણ સંવૃત્ત નિવૃત્ત પ્રયત્ન, યશ્રુતિ, હશ્રુતિ, અનુસ્વારભેદ ઇત્યાદિ બાબતો તથા ફારસી વર્ણનો પ્રશ્ન તો રહે જ છે. એટલે તે તે ખાસિયતો નોંધવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. જુદા જુદા ઉચ્ચારભેદ માટે યોજવામાં આવેલ કેટલાક સંકેત નીચે મુજબ છે: કાઝીના ક ના ઉચ્ચાર માટે ક. આલુબુખારના ખ ના ઉચ્ચાર માટે ખ, ગાઝીના ગ ના ઉચ્ચાર માટે ગ, ઈઘલામીના ઘ ના ઉચ્ચાર માટે ઘ, અકડબાઝના ઝ ના ઉચ્ચાર માટે ઝ઼, ટ્રેઝરીના ઝ ના ઉચ્ચાર માટે ઝ, અડદના ડ ના ઉચ્ચાર ડ઼, ઈથરના થ ના ઉચ્ચાર માટે થ, ઘેટના ધ ના ઉચ્ચાર માટે ધ, આફતાબના ફ ના ઉચ્ચાર માટે ફ અહાંગળોના હ ના ઉચ્ચાર માટે હ જ્યાં શબ્દો સાથે વિસ્તારપૂર્વક વિગત આપવાની હોય છે, ત્યાં એમ કરવામાં આવેલ છે. રમતો, વનસ્પતિ, ઔષધિ, પ્રાણી, પંખી, રોગ, ઘરેણાં ઔદ્યોગિક ક્રિયાઓ, વ્રતો, ઉત્સવો, પંથ, વાદ, અવતાર, કારીગરનાં ઓજારો વગેરેના અર્થ આપતી વખતે ઓછામાં ઓછી જેટલી વિગત આપવી જોઇએ તેટલી આપવામાં કચાશ રાખી નથી. ગુજરાતી ભાષાની કહેવતો અને રૂઢિપ્રયોગો સંપૂર્ણપણે ખૂબ જ પ્રયાસ કરીને તેના અર્થ સાથે આપવામાં આવેલ છે. આ રૂઢિપ્રયોગો અને કહેવાતો તે માટેના મહત્ત્વના શબ્દોનો અર્થ વગેરે આપીને તે શબ્દની વિગતમાં છેવટે આપવામાં આવેલ છે. શબ્દોની જોડણી માટે ગુજરાત વિદ્યાપીઠના જોડણીકોષની જોડણી મુખ્યત્વે કરીને સ્વીકારવામાં આવી છે. જોડણી સાથે દરેક શબ્દના મુખ્ય મુખ્ય અર્થો પણ આપવામાં આવેલ છે અને બની શક્યું છે ત્યાં વ્યુત્પત્તિ સુદ્ધાં આપવામાં આવેલ છે. અર્થો અને વ્યાખ્યાઓ બની શકે તેટલાં પ્રમાણભૂત આપેલ છે અને તેને માટે આધારો પણ બની શકેલ છે ત્યાં વિગતે આપવામાં આવેલ છે. કોષમાં દરેક શબ્દ સાથે તેનું વ્યાકરણ પણ આપવાનો પ્રબંધ કર્યો છે, કે જેથી એ શબ્દ વિશેષ ઓળખાય અને તેને કેમ વાપરવો એનો કંઈક ખયાલ આવી જાય. શબ્દના અર્થ તથા પ્રયોગની સ્પષ્ટતાની દૃષ્ટિએ આવશ્યક જણાય ત્યાં અવતરણો સાથે આપી શકાય તેટલાં આપેલ છે. જ્યાં શક્ય હતું ત્યાં બને તેટલાં સ્થાનોએ પર્યાય શબ્દો પણ સાથોસાથ પુષ્કળ આપેલ છે અમરકોષની દૃષ્ટિએ પિંગળલઘુકોષ જેવું સાધન કરીને પર્યાયો પુષ્કળ આપેલ છે. ઉપર પ્રમાણે આ કોષની વિશિષ્ટતાઓ છે. ઉપરાંત વનસ્પતિશાસ્ત્રના કેટલાએક શબ્દો, તેઓનાં વૈજ્ઞાનિક નામો અને કુદરતી વર્ગ સાથે કોષમાં દાખલ કરવાની પહેલ કરવામાં આવી છે. પ્રાણીવિદ્યા, શારીરવિદ્યા, શરીરચનાશાત્ર્, રસાયણશાસ્ત્ર, ગણિત, વૈદ્યકશાસ્ત્ર વગેરે શાસ્ત્રોના ચુનંદા શબ્દો પણ તે તે શાસ્ત્રના પારિભાષિક શબ્દ સાથે આપેલ છે. ફેલન અને ફોર્બ્સ નામના અંગ્રેજ લેખકોએ બનાવેલ આધારભૂત પણ અપ્રાપ્ય હિંદી કોષોમાંથી અને ઇસ્ટ ઇંડિઅ કંપનિના ગ્લોસરિ ઑવ જ્યૂડિશિયલ ઍન્ડ રેવિન્યૂ ટર્મ્ઝમાંથી પણ થોકબંધ સપ્રમાણ શબ્દો આ કોષમાં લેવામાં આવ્યા છે. આ કોષની શરૂઆત તારીખ ૧ ઓક્ટોબર, ૧૯૨૮ના શુભ દિને મહારાજાશ્રી તરફથી મળેલ વીશેક હજાર શબ્દોથી થઈ હતી. કોષનું સંપાદનકાર્ય ગોંડલ રાજ્યના તે વખતના વિદ્યાધિકારી અને હાલ સૌરાષ્ટ્ર સરકારના અસિસ્ટંટ ડિરેક્ટર ઑવ ઍડલ્ટ એજ્યુકેશન અને વિશિષ્ટ કોષાધ્યક્ષ શ્રી ચંદુલાલ બહેચરલાલ પટેલને સોંપવામાં આવ્યું. તેમણે કાઠિયાવાડ, ગુજરતનાં ઝૂંપડે ઝૂંપડાંમાંથી તેમ જ શહેરે શહેરના સાહિત્યપ્રેમી સજ્જનો પાસેથી મેળવીને શબ્દસંખ્યા બે લાખ ઉપરની કરી. તેમના હાથ નીચેના તંત્રીમંડળના ભિન્ન ભિન્ન વિષયના નિષ્ણાત કાર્યકરોએ તૈયાર કરેલાં ભગવદ્ગોમંડલનાં છેવટનાં એકેએક પ્રૂફ કોષકાર મહારાજાની તપાસણી માટે રજૂ કરવામાં આવતાં. તે પ્રૂફો મહારાજા અભ્યાસ તરીકે વાંચી જઇને પ્રમાણભૂત સુધારાવધારા સૂચવતા. તેમણે સૂચવેલા સુધારાવધારા કાર્યકરો જોઇ જતા અને તે ઉપરથી જે કંઈ કહેવા કરાવવાનું હોય તે બધું આધાર સાથે લખીને તેઓની ફરી નિગાહમાં મૂકવામાં આવતું. તંત્રીમંડળના કાર્યકરોનો પોતાની સૂચનાઓ સરળતાથી સમજી શકાય એટલા માટે પ્રમાણોના કે આધારોના નાના મોટા ગ્રંથો લાવીને મહારાજા પોતાના સુધારાવધારાની ખાતરી કરાવતા; એટલું જ નહિ પણ સમજવામાં માર્ગદર્શક થઈ પડે એવા નમૂનાઓ, ચીજો, ચિત્રો વગેરે સાધનસાહિત્યો પોતાની સાથે લાવી કાર્યકરોને તે નજરે બતાવતા. કોઈ દિવસ વનસ્પતિ આદિ બતાવવા માટે વેલ કે ફૂલ પણ લાવી બતાવતા. કોઈ કોઈ વાર જીવજંતુઓ નજરે બતાવવાનો પ્રબંધ કરતા. કોઈ વાર ઓજાર, હથિયાર, જરૂર જોગાં રેખાચિત્રો દોરી દોરાવીને પણ નજરે બતાવતા. દરરોજ દશ દશ ગેલીનાં પ્રૂફ મહારાજ તપાસતા અને તેમાં સુધારાવધારાના સંકેતો લખી કોષકચેરીને આપતા. પશુ, પંખી, વનસ્પતિ, વૈદ્યક, રસાયણ, ખગોળ, ભૂગોળ, વિજ્ઞાન આદિના શબ્દોની વ્યાખ્યા શકમંદ કે અપૂર્ણ જણાય ત્યાં તેઓ D નિશાની કરતા, એટલે કે તે ઠેકાણે પ્રમાણભૂત ડિકશનરિમાંથી મહત્ત્વની વિગત લઈ વ્યાખ્યા પૂરી કરવી. તેઓ પોતાના સમૃદ્ધ પુસ્તકાલયમાંથી આધારભૂત અંગ્રેજી કોષો લઈ આવતા અને તેમાંથી શું શું ઉમેરવા પાત્ર છે તે જણાવતા. આ રીતે જે હકીકત ઉમેરાતી તે આપણા કોઈ પણ પ્રચલિત કોષમાં ન હોય એવી નીવડતી. આ રીતે એકઠા કરેલ શબ્દો સુધારીવધારી પ્રમાણભૂત બનાવી ભગવદ્ગોમંડલ કોષના અત્યાર સુધીમાં વેબ્સ્ટર કોષના કદના છ ભાગ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. પહેલો ભાગ ૧૦ વર્ષે એટલે સને ૧૯૩૮માં, બીજો ભાગ ૬ વર્ષે એટલે સને ૧૯૪૪માં, ત્રીજો ભાગ ૨ વર્ષે, ચોથો ભાગ ૧।।। વર્ષે, પાંચમો ભાગ ૧।।। વર્ષે અને છઠ્ઠો ભાગ ૧।।। વર્ષે એટલે તા. ૧૫ ઓગસ્ટ ૧૯૫૧ના દિને પ્રસિદ્ધ થયેલ છે. આ છ ભાગમાં સ્વરવિભાગ ઉપરાંત કથી ફ સુધીના ૧,૯૭,૮૫૯ શબ્દનો સમાવેશ થયો છે. કોષના પહેલા ગ્રંથની કાચી બાંધેલી પહેલી પ્રત સંવત ૧૯૯૪ના દેવદિવાળીના સપરમે દિવસે ડાકોરમાં શ્રી રણછોડરાયજીને ચરણે ધરવામાં આવી હતી અને તેની પાકી બાંધેલી પહેલી પ્રત સને ૧૯૩૮માં રાજકોટ મુકામે આદરેલ આમરણાંત ઉપવાસના આખરી દિવસે મહાત્મા ગાંધીજીને અર્પણ કરવામાં આવી હતી. ગુજરાતી ભાષાના આવા અનન્ય વિશ્વકોષના પ્રસિદ્ધ થયેલ છ ભાગનાં જુદાં જુદાં વર્તમાનપત્રો, સમર્થ સાહિત્યકારો તથા સાક્ષરો તરફથી અવલોકન પ્રસિદ્ધ થયાં છે, જેમાંની થોડીઘણી પ્રસાદી અહીં આપવામાં આવે છેઃ (૧) વેબ્સ્ટર ડિકશનરિ, ઓક્સફોર્ડ ડિક્શનરિ કે અંગ્રેજી ભાષાના અત્યુત્તમ કોષ આ સાહસને મુકાબલે નિર્માલ્ય લાગે છે. એનો મુકાબલો તો એન્સાઈકલોપીડિઅ બ્રિટાનિકા કે એવી કોઈ ઘાટીના પુસ્તક સાથે જ થઈ શકે. આ કોષને ગુજરાતી ભાષાના શબ્દોની એન્સાઈકલોપીડિઅની
કક્ષામાં મૂકવો જોઈએ.- કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી. (૨) હવે ગુજરાતી કોષની ઊણપ મટશે, શબ્દકોષનાં સાંસાં હવેથી નહિ પડે તારામંડળમાં જેમ સૂર્ય દીપે તેમ બધા કોષોમાં ભગવદ્ગોમંડલ પ્રકાશશે. તેને સમ્રાટકોષ કહીને સંબોધી શકીએ છીએ. શબ્દોની સંખ્યામાં, અર્થોના જથ્થામાં અને રૂઢિપ્રયોગની વિદ્વતામાં ભગવદ્ગોમંડલ એકંદર સંપૂર્ણ ગુજરાતી વિશ્વકોષ ગણી શકાય. – રેવરંડ ફાધર કાર્લોસ સુર્યા. (૩) પર્વતોમાં હિમાલયનો હરીફ કોઈ ન હોઈ શકે, તેમ કોષ સંબંધે ભારતભરમાં ભગવદ્ગોમંડલ એકાકી, અજોડ ને અદ્ભૂત લેખાશે – શસ્ત્રવૈદ પુરુષોત્તમ ભીખાભાઈ. (૪) આ કોષને શબ્દમહાર્ણવ કહેવો ઘટે.- પોપટલાલ પુ. શાહ. (૫) આ કોષને લીધે ગુજરાતી હિંદની બીજી ભાષાઓ સામે પોતાનું મસ્તક ઊંચું રાખશે. ભગવદ્ગોમંડલ શબ્દકોષ ગુજરાતી સાહિત્યનો એક અમૂલ્ય ગ્રંથ બની રહેશે અમેરિકન વેબ્સ્ટર અને ઇંગ્લંડની ઓક્સફર્ડ ડિક્શનરિની માફક આ ભગવદ્ગોમંડલ કોષ પણ માત્ર કોષ નહિ પણ સર્વજ્ઞાનસંગ્રહ એટલે સંક્ષિપ્તમાં રજૂ કરાયેલ સર્વજ્ઞાનસંગ્રહની ખોટ પૂરી પાડે છે. વળી આ કોષ શિષ્ટ લેખકોનાં અવતરણોથી પ્રમાણભૂત, અનેક પ્રકારનાં ચિત્રોથી મનોરંજક અને નયનરંજક, ગ્રામ્યજનોના ઘરગથ્થુ શબ્દોથી પ્રાણવાન, જીવતો જાગતો અને નવયુગના શબ્દોથી નવપલ્લવિત અને મૂળ, જાતિ, વ્યાકરણ, વ્યુત્પત્તિ આદિથી સંપૂર્ણ અને આદર્શ બનેલો છે. મહત્ત્વના શબ્દો, ઐતિહાસિક નામો, ખગોળ અને વૈદ્યકના શબ્દોમાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં એ શબ્દની વિસ્તૃત પિછાન કરવામાં આવી છે– મસ્તફકીર. (૬) સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતભરમાં નહિ, પણ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાંથી ખૂણેખાંચરેથી તળિયાઝાટક વિશાળ શબ્દસંગ્રહ એકઠા કરવામાં આવ્યો છે, એટલે આ કોષમાં કોઈ પણ એક પ્રાંત કે વિભાગની વિશિષ્ટતા નથી, પરંતુ સમગ્ર ગુજરાતના ભાષાસંસ્કારનું સંપૂર્ણ મૂર્તસ્વરૂપ આ કોષમાં નજરે ચડે છે. શબ્દોનાં મૂળ અને વ્યૂત્પત્તિ આ કોષનું વિશિષ્ટ અંગ છે. રૂઢિપ્રયોગો અને કહેવતો કેમ ઉદ્ભવ્યાં તેનો પણ રસિક ઇતિહાસ ઠેકઠેકાણે કોષને અલંકૃત કરે છે. શબ્દ ગ્રહ કરતાં યે વધારે સમૃદ્ધ તો અર્થસંગ્રહ અર્થની વ્યાખ્યા સરળ અને શાસ્ત્રીય રાખવાનો આગ્રહ પ્રશંસનીય છે. જ્યાં જ્યાં વિગતની જરૂર છે, ત્યાં ત્યાં સંશોધકને ઉપયોગી થઈ પડે તેવી સામગ્રી પીરસી છે. ટૂંકમાં સાહિત્ય, વિજ્ઞાન અને કળા; લેખકો, કવિઓ અને સમાજની અગ્રગણ્ય વ્યક્તિઓ; ખેતી, વેપારવણજ અને મનુષ્યના ધંધારોજગારો; હિંદી, ઉર્દૂ અને અંગ્રેજી જેવી ભાષાના ચલણી શબ્દો- એ બધાંનો સર્વદેશીય સંગ્રહ અત્રે થયો છેઃ-વીરેન્દ્રરાય મહેતા. (૭) ફક્ત સુધરેલી કોમોમાં વપરાતા શબ્દોને જ આ કોષમાં જગ્યા મળી છે તેવું નથી, પરંતુ પછાત કોમ તેમ જ વાઘેર, આહીર, મિયાણા વગેરે કોમોના કંઠસ્થ અને ઘરગથ્થુ ભાષાના શબ્દપ્રયોગનું પણ વિવરણ કરવામાં આવેલ છે. લેખકો, પત્રકારો અને સાહિત્યમાં રસ લેનારા તમામને માટે આ શબ્દકોષ એક રેફરન્સ બુક તરીકે ખૂબ જ ઉપયોગમાં આવશે.- કાઠિયાવાડ ટાઈમ્સ. (૮) આ કોષ તૈયાર કરતાં ગુજરાતી, અંગ્રેજી, હિંદી, બંગાળી વગેરે ભાષાઓનાં પ્રમાણભૂત સાહિત્યનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત દેશપરદેશના સાક્ષરો અને ભાષાપ્રેમીઓના પ્રયાસોમાંથી પણ બની શકે તેટલું સાહિત્ય એકઠું કરીને તેનો સુંદર રીતે ઉપયોગ કરાયો છે. મહાત્મા ગાંધીજીનાં મંતવ્યોનો પણ કળામય રીતે આમાં સંગ્રહ થયો છે. આ જ રીતે શ્રી નરસિંહરાવ ભોળાનાથ, શ્રી કેશવ હર્ષદ ધ્રુવ વગેરે ભાષાશાસ્ત્રીઓના સંશોધનમાંથી પણ બની શકે તેટલી વાનગી આપવામાં આવી છે.-જીવનપ્રકાશ. (૯) આજે યુનિવર્સિટિના ઉચ્ચતમ અભ્યાસક્રમમમાં ગુજરાતીનું જે સ્થાન છે તે જોતાં આ જાતનો શબ્દકોષ આશીર્વાદરૂપ ઉપરાંત અનિવાર્ય બની રહે છે.-બાબુભાઈ પ્રાણજીવન વૈદ્ય. (૧૦) ભારતીય ભાષાઓમાં અત્યાર સુધી નીકળેલા વિશિષ્ટ કોષોમાં ભગવદ્ગોમંડલનું સ્થાન ઘણું ઊંચું છે. કોષમાં અનેક પ્રકારની વિશેષતાઓ છે. શબ્દોનો સંગ્રહ કરવામાં કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સાહિત્યને બાકાત રાખવામાં આવેલ નથી.-મુનિવર વિદ્યાવિજયજી. (૧૧) શબ્દકોષનું કામ એ છે કે, તે પ્રસુત ભાષાની સમસ્ત શબ્દસમૃદ્ધિ એવી રીતે પ્રદર્શિત કરે કે જેથી તે જ ભાષાનું સત્ય સ્વરૂપ સંપૂર્ણતયા પ્રકટ થાય. હજુ સુધી મેં કોઈ પણ વર્તમાન ભારતીય ભાષાનો એક પણ કોષ જોયો નથી કે જે આ આદર્શને શ્રી ભગવદ્ગોમંડલ જેવી ઉત્તમ રીતિથી અનુસરતો હોય.-શાર્લોટે ક્રાઉઝે. (૧૨) આ કામ ખરેખર પ્રશંસાને પાત્ર છે. જુદાં જુદાં સ્થળેથી એન્સાઇક્લોપીડિઅની દૃષ્ટિએ વિગત ભેળી કરી છે. ગુજરાતી સાહિત્ય રહેશે ત્યાંસુધી આ કોષ રહેશે. આ કોષ અનેક દૃષ્ટિએ સમૃદ્ધ બનાવ્યો છે. આદર્શ કોષનાં જે જે અતિ અતિ આવશ્યક અંગોની જરૂરિયાત છે, તે તે આવશ્યક અંગો આ બૃહત્ શબ્દકોષમાં આપી શકાયાં છે.-બળવંતરાય મહેતા. (૧૩) યરપ અને અમેરિક જેવા સમૃદ્ધ અને સાધનસંપન્ન દેશોમાં પણ જે કાર્ય ભારે ગણાય એવું આ કોષનું વિરલ સંપાદન જોઈ અમે આશ્ચર્યમુગ્ધ થઈએ છીએ. કોષમાં રસ લેનાર જુદી જુદી ભાષઓના નિષ્ણાતોને આમંત્રી તેમનું સંમેલન ભરવામાં આવે અને આ પ્રશંસનીય યોજનાથી તેમને વાકેફ કરાય, તો બીજી પ્રાંતીય ભાષાઓ પણ આ પ્રયત્નનું સાચું મૂલ્ય આંકી શકે અને પોતાના પ્રાંતમાં તેનું અનુકરણ પણ કરે.-ભગવદ્ગોમંડલ સલાહકાર. સમિતિ (૧૪) આ કોષ એ ખરેખર યુવગર્તી કાર્ય થયું. ગરવી ગુજરાતના વાગર્થકિરીટ બની રહેવાની ગુણવત્તા આ કોષમાં છે. ઘણી વાર ઘણા શબ્દોના અર્થ બીજા કોષમાં શોધ્યા નથી મળતા, તેનો પત્તો ભગવદ્ગોમંડલમાંથી અચૂક લાધે જ છે અને અર્થના બાહુલ્ય સાથે, રૂઢિપ્રયોગના ઉદ્ધરણો સાથે.-બચુભાઈ રાવત. (૧૫) ગમે તેવા અટપટા વિચારની રજૂઆત માટેની શબ્દસામગ્રી ગુજરાતી ભાષામાં છે, એમ સિદ્ધ કરતો આ કોષ સૌરાષ્ટ્ર ગુજરાતી ભાષાને આપે છે એ તેને માટે ગૌરવ લેવા જેવી હકીકત છે.-ધનવંત ઓઝા. (૧૬) આ પ્રકાશન ગુજરાતી જનતાને અત્યંત ઉપયોગી છે અને ગુજરાતી સાહિત્યમાં તેનું સ્થાન હમેશા રહેશે, કારણ કે આ કોષ જેટલો અપ્રતિમ છે તેટલો જ સંપૂર્ણ છે. ઉચ્ચ શિક્ષણમાં ગુજરાતી ભાષાને બોધભાષા તરીકે વાપરવાનો પ્રબંધ થયેથી આ કોષ વિદ્યાર્થીઓ માટે પણ ઘણો જ અગત્યનો નીવડશે. -હરસિદ્ધભાઈ દીવેટિયા. (૧૭) આવો વિશ્વકોષ ગુજરાતમાં આ પહેલો જ છે. આ માત્ર શબ્દોનો કોષ નથી, એમાં જ્ઞાનકોષમાં હોય તેવી અનેક માહિતી આપવામાં આવી છે. તેથી એની ઉપયોગિતા અનેક ગણી વધી ગઈ છે. -ડોલરરાય માંકડ. (૧૮) આ કોષમાં જે નવીનતા અને વિશિષ્ટતા છે તે એ છે કે, સામાન્ય જનતાને ઉપયોગી થવા કરતાં તે વિદ્વાનમંડળ સુધી પહોંચે છે. ને પ્રાંતીય, પરપ્રાંતીય ને છેવટ આંતરરાષ્ટ્રીય શબ્દોનો સમાવેશ થતાં સાગરની પેઠે તેણે પોતાનું વૈપુલ્ય વિસ્તાર્યું છે. -જયહિંદ. (૧૯) પ્રગટ થયેલા સર્વ શબ્દકોષ કરતાં આ ભગવદ્ગોમંડલ શબ્દની દૃષ્ટિએ, અર્થની દૃષ્ટિએ અને રૂઢિપ્રયોગની દૃષ્ટિએ અનેક ગણો સમૃદ્ધ બન્યો છે. સાહિત્યભક્તિના કીર્તિકળશસમો ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવનાર ગુજરાતી ભાષાનો આ મહાગ્રંથ સમગ્ર ગુજરાતની એક મોંઘામૂલી મિલ્કત જેવો અમે ગણીએ છીએ; કેમકે તે ગુજરાતી ભાષાના શબ્દોનો અણમૂલો ખજાનો છે.-ગોકુળદાસ દ્વારકાદાસ રાયચુરા. (૨૦) આ કોષ હરેક રીતે સંપૂર્ણ છે. ગમે તેવા અટપટા વિચાર માટે કે ગમે તેવી પરિભાષા માટે ગુજરાતીમાં પોતાના તળપદા શબ્દો છે, અગર એવા શબ્દો કુદરતી રીતે બનાવી શકાય તેવી સામગ્રી તૈયાર પડેલી છે. પ્રસ્તુત કોષ આ રીતે આપણી ભાષના ગદ્યને તથા પદ્યને વધારે તળપદુ ને તેટલા માટે વધારે સાચું બનાવશે. વળી એમાં જે જૂના શબ્દો આપ્યા છે, તે જળવાઈ રહેશે; અને જ્યારે એ શબ્દોનાં બાહ્ય ચિહ્ન ચાલુ નહિ રહ્યાં હોય, ત્યારે એ શબ્દો એ ચિહ્નોની સ્મૃતિ જાગતી રાખશે.-કાંટાવાળા, તંત્રી, સાહિત્ય. (૨૧) સંગ્રહ સુંદર છે. કોષની પ્રસ્તાવના માટે સારૂં મળે તો લેવું, નહિ તો બીજી આવૃત્તિમાં, લખાણ ઠરેલ અને વિદ્વત્તાવાળું જોઈએ. પ્રસ્તાવના વિના પણ કોષ બહાર પાડી શકાય. ચિત્રો આપવાનાં છો તે જાણી હું બહુ રાજી થયો છું. ખૂબ મોટું કામ છે. આ કામ સહેલું નથી; મુશ્કેલ છે. સંગીતના શબ્દો પણ લીધા લાગે છે. પંડિત સુખલાલજીનું સાહિત્ય લીધું છે તેથી જૈનો માટે તમે ઘણું કર્યું છે. અને તે મને બહુ ગમ્યું છે. કામ તો ઘણું સુંદર છે. જૈન અને વૈષ્ણવ ધર્મથી આપણે શિકાર ભૂલી ગયા. એવા ભુલાઈ ગયેલા શબ્દો તમે રાખ્યા તે મને બહુ જ ગમ્યું. વનસ્પતિશાસ્ત્રના શબ્દો પણ લીધા છે તે જોઈ હું બહુ ખુશી થાઉં છું, કેમકે આ દિશામાં કોઈએ પ્રયાસ કર્યા નથી.-બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. (૨૨) વિશ્વવંદ્ય મહાત્મા ગાંધીજીએ પંચગનીથી આશીર્વાદ સાથ લખ્યું હતું કે, તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ માનું છું. -મોહનદાસ કરમચંદ ગાંધી.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.