1 |
[ સં. ] |
स्त्री. |
શિક્ષણ આપવાની ભાષા; માધ્યમ; શિક્ષણનું વાહન. રાજભાષા માટે હિંદીનો સ્વીકાર તો કરાય છે, પરંતુ બોધબાષા એટલે શિક્ષણભાષા તરીકે પણ હિંદી રાખવી જ કે નહિ, તે પ્રશ્ન ચર્ચાસ્પદ છે. હિંદીના હિમાયતીઓ પણ એટલું કબૂલ કરે છે કે, માધ્યમિક શ્રેણી સુધી તો શિક્ષણ માતૃભાષા દ્વારા જ આપવું જોઈએ. કેળવણીકારો સર્વત્ર કબૂલે છે કે, શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ જોઈએ અને તેથી વિદ્યાર્થીઓની શક્તિનો વિકાસ સારી રીતે થાય છે, તેમ જ મૌલિક વિચાર કરવાની તેની શક્તિ ખીલે છે. છતાં યે એમ આગ્રહ થાય છે કે, ઉચ્ચ શિક્ષણનું માધ્યમ રાષ્ટ્રભાષા જ થવું જોઈએ. આ આગ્રહને ઘણાખરા પ્રાંતનો સાથ છે. હિંદીની તરફેણ કરવામાં નીચેનાં કારણો આપવામાં આવે છેઃ-(૧) હિંદી માધ્યમ વિદ્યાપીઠોમાં દાખલ થવાથી હિંદી ભાષા ઉપર પ્રભુત્વ આવશે. (૨) રાષ્ટ્રની એકતા વધશે અને પ્રાંતીયતા ઘટશે. (૩) આપણા વિદ્યાર્થીઓ અન્ય પ્રદેશની વિદ્યાપીઠોમાં જઈ શકશે અને બીજા પ્રદેશના વિદ્યાર્થીઓ આપણી વિદ્યાપીઠોમાં આવી શકશે. (૪) વિજ્ઞાન પરિભાષાના પ્રશ્નનો જલદી નિકાલ થશે. ફક્ત હિંદી શબ્દો જ રચવા પડશે. (૫) વિજ્ઞાન વગેરે વિષયમાં થયેલી શોધખોળનો લાભ દરેક પ્રદેશને મળી શકશે. (૬) પ્રયોગશાળાઓ અને સંશોધન સંસ્થાઓ જુદા જુદા પ્રદેશોમાં બેવડાય નહિ, અનુકૂળ સ્થળોએ ખાસ વિષયો માટે કેંદ્રો સ્થપાય અને તેનો લાભ સર્વ પ્રદેશોના વાસીઓને મળે. આ અને આવાં અન્ય કારણો હિંદીની તરફેણમાં આપવામાં આવે છે. પ્રથમ કારણમાં હિંદી ભાષા ઉપર પ્રભુત્વ મેળવવાનું છે. આવું પ્રભુત્વ મેળવવું જરૂર ઇચ્છવા યોગ્ય છે, પરંતુ તે માટે સર્વજ્ઞાન ઉપરનું પ્રભુત્વ ગુમાવવું યોગ્ય નથી. અંગ્રેજી એક પરદેશી ભાષા હતી, તે દ્વારા એ શિક્ષણ હિંદમાં અપાયું, તેથી તેનો વિસ્તાર વધ્યો નહિ અને વિદ્યાર્થીઓમાં મૌલિકતા આવી નહિ, એવી ફરિયાદ સામાન્ય છે. અંગ્રેજીથી ઓછી પરંતુ હિંદી પણ આપણા પ્રાંતમાં યે પરપ્રાંતીય ભાષા તો ખરી જ. એ શિક્ષણના વાહન તરીકે સ્વાભાવિક ભાષા થઈ શકે જ નહિ. માધ્યમિક શ્રેણીમાં હિંદી શીખ્યા પછી વિદ્યાર્થીઓ હિંદીમાં વિચાર કરતા નહિ હોય અને અંગ્રેજી માધ્યમ વિરુદ્ધની સર્વ દલીલો હિંદી માધ્યમ વિરુદ્ધ પણ કરી શકાશે. હિંદી ઉપર પ્રભુત્વ મેળવવા માટે આખાયે સિદ્ધાંતનો ભોગ અપાય નહિ. જેઓને કેંદ્રમાં નોકરી કરવી હશે, તેઓ અન્ય સાધનોથી હિંદી ઉપર જરૂર પ્રભુત્વ મેળવશે. હિંદી રાષ્ટ્રભાષા થઈ શકે, રાજ્યભાષા થઈ શકે, પણ માતૃભાષા તો નહિ જ થઈ શકે. પ્રાંતીયતા ઘટાડવા માટે પણ આ સાધન યોગ્ય નથી. એક તરફથી આપણે ભાષાવાર પ્રાંતોની રચનાનો વિચાર કરીએ, પ્રાદેશિક વિદ્યાપીઠોનું સ્થાપન કરીએ, બીજી તરફથી પ્રાદેશિક વિદ્યાપીઠોનું શિક્ષણનું માધ્યમ હિંદી રાખીએ અને તે પણ પ્રાંતીયતા ઘટાડવા માટે જ; તે ઘણું અજુગતું અને અસ્વાભાવિક છે. રાષ્ટ્રભાવના પોષવાના અને રાષ્ટ્રીય ઐક્ય સાચવવાના અનેક માર્ગ છે. ભાષાવાર વિદ્યાપીઠોની સ્થાપનાના મૂળમાં જ માતૃભાષા દ્વારા શિક્ષણ આપવાનો હેતુ છે, તે બદલીને હિંદી માધ્યમ ઠરાવવાથી આ વિદ્યાપીઠો નિષ્ફળ નીવડશે. જો એક પ્રદેશના વિદ્યાર્થીને અમુક યોગ્ય કારણસર અન્ય પ્રદેશની વિદ્યાપીઠમાં જવું હોય તો તેણે તે અન્ય પ્રદેશની ભાષા શીખવી જ જોઈએ. કોઈને ઇંગ્લંડ કે અમેરિક વધુ અભ્યાસ માટે જવું હશે તો તે અંગ્રેજી ઉપર પ્રભુત્વ મેળવી જ લેશે. આવા પાંચ ટકા વિદ્યાર્થીઓ માટે સર્વ વિદ્યાર્થીઓની બોધભાષા અસ્વાભાવિક બનાવવી તે વાજબી નથી. પારિભાષિક શબ્દો એકલા હિંદીમાં જ રચીને સંતોષ માની શકાશે નહિ. માધ્યમિક ક્રમમાં પણ ઘણા યે પારિભાષિક શબ્દોની જરૂર પડશે. વૈદ્યકીય શબ્દ રોજની બોલીમાં પણ વપરાશે અને સમાચારપત્રો, રેડિયો સમાચાર પ્રાદેશિક ભાષામાં હોવાથી વ્યવહાર માત્રમાં વપરાતા પારિભાષિક શબ્દો દરેક પ્રદેશની ભાષામાં રચવા પડશે. ક્રિકેટની રમતની પરિભાષા, હવાઈ વિમાનોની પરિભાષા, શોધખોળોની સામાન્ય ભાષા વગેરે પ્રાંતીય ભાષામાં જોઈશે જ. વળી લશ્કરી ભરતીમાં આવનારા અને યુદ્ધ તથા નૌકાશાળામાં શીખવા જનારા માટે તેમની બોલીમાં યુદ્ધ પરિભાષા રચવી જ પડશે. પ્રાંત ભાષાઓના સર્વદેશીય વિકાસ માટે પણ તેમાં પારિભાષિક શબ્દોની જરૂર પડશે. એટલે બોધભાષા હિંદી હશે, તોપણ પારિભાષિક શબ્દો દરેક માતૃભાષામાં પણ રચવા જ પડશે. શોધખોળનો લાભ પણ દરેક પ્રદેશને મળશે જ, કારણ કે કોઈ પણ પ્રદેશમાં થયેલી શોધખોળ, પોતાની ખ્યાતિ માટે કે અન્ય લાભ માટે, શોધ કરનાર અથવા તો તેની વિદ્યાપીઠ અથવા તો પ્રાદેશિક સરકાર, રાષ્ટ્રભાષા દ્વારા અન્ય મંડળોમાં જાહેર કરશે જ અને દરેક શોધખોળ કરનાર પૃથ્વીના સર્વ દેશોમાં એ વિષય ઉપરની શોધખોળની પ્રગતિથી માહિતગાર રહેશે જ. શ્રી. જગદીશચંદ્ર બોઝ કે શ્રી. રમણની શોધો વિષેની માહિતી અંગ્રેજી જાણનાર દેશો જ નહિ, પણ અન્ય સર્વ આગળ વધેલા દેશો ધરાવતા હતા. ખાસ પ્રયોગશાળા કે સંશોધનકેંદ્રો ઘણુંખરૂં તો મધ્યસ્થ સરકાર સ્થાપિત હશે. આ કેંદ્રોમાં કાંઈ વિદ્યાપીઠ જેવું શિક્ષણ અપાતું નહિ હોય. એ તો સંશોધન કરનારને કામ કરવાનાં ક્ષેત્ર હશે. તે માટે તો શિક્ષણભાષા કોઈ હોય જ નહિ. રાષ્ટ્રભાષા જાણનાર સર્વ કોઈ તેમાં પૂછરપછ કરી શકે. તે માટે વિદ્યાપીઠની બોધભાષા હિંદી રાખવાની જરૂર નથી. ભૂલવું ન જોઈએ કે, સર્વ વિદ્યાર્થીઓને હિંદી તો આવડવાનું જ છે. અન્ય પ્રદેશોમાં જવાની, શીખવાની, નોકરી કરવાની આકાંક્ષાવાળા સર્વ વિદ્યાર્થીઓ હિંદી ઉપર પ્રભુત્વ મેળવી જ શકશે. બોધભાષાનો પ્રશ્ન શિક્ષણની દૃષ્ટિએ વિચારવાનો છે. ચાલુ રાજકીય પ્રવાહોમાં તણાયા વિના, નિષ્પક્ષ વૃત્તિથી આ પ્રશ્ન વિચારવો ઘટે છે. ગાંધીજીને પૂરું સમજવા ગુજરાતીનો અને ટાગોરજીને સમજવા તથા તેમનાં કાવ્યો વાંચવા બંગાળીનો અભ્યાસ કરનારના દાખલા છે. તેવી જ રીતે કોઈ વિદ્યાપીઠની ખાસ પ્રતિષ્ઠા હશે તો તેની બોધભાષાનો અભ્યાસ પણ થશે.
ઉપયોગ
ઉચ્ચ શિક્ષણમાં ગુજરાતી ભાષાને બોધભાષા તરીકે વાપરવા પ્રબંધ થયેથી `ભગવદ્ગોમંડલ` કોષ વિદ્યાર્થીઓ માટે ઘણો જ અગત્યનો નીવડશે. – હરસિદ્ધભાઈ દીવેટીયા
|