1 |
|
पुं. |
બદામનો બનાવાતો એક જાતનો પાક. તે બનાવવાની એક રીત એવી છે કે, બશેર બદામ લઈ તેને પાણીમાં બાફી, ફોતરી ઉતારી લેવી. પછી તેને સૂકવી ખાંડી ચાળી ભૂકો કરવો. શેર સાકરની ચાસણી બદામનો ભૂકો નાખી થોડી વાર રાખી તેમાં ત્રણ શેર ઘી રેડવું. તેમાં ત્રણ તોલા એલચી, પાંચ તોલા ખસખસ, દસ તોલા પિસ્તાં, પાંચ તોલા ચારોલી અને એક તોલો કેસર નાખવું. તેનાં ઠારીને ચોસલાં પાડવાં. આ પાકને અમૃતપાક પણ કહે છે. તે બેથી પાંચ તોલાની માત્રામાં લેવાય છે. બદામપાક બનાવવાની બીજી રીત: બદામનાં ચોખ્ખાં કરેલાં મીંજ સવા શેર, દૂધનો માવો દોઢ શેર અને સાકર ચાર શેર લેવાં. સાકરની ચાસણી કરી તેમાં માવો તથા ખાંડેલાં મીંજ નાખી જરા વાર હલાવી થાળમાં ઠારવું. તેમાં ખસખસ, એલચી વગેરે જે જે તેજાનો નાખવો હોય તેનો ભૂકો નાખી, મિશ્ર કરી તેનાં ચોસલાં પાડવાં, નબળાઈ, ધાતુક્ષીણતા, આંખ અને માથાની ગરમી ઉપર દરરોજ સવારમાં એક ચોસલું ખવાય છે. આર્યભિષકમાં લખ્યું છે કે: બદામ ૩૨ તોલા, માવો ૧૬ તોલા, બેદાણા ૪।। તોલા, લવિંગ ૦।। તોલો, જાયફળ ૦।। તોલો, વંશલોચન ૦।। તોલો, કમળકાકડી ૦।। તોલો, એલચી ૧ તોલો, તજ ૧ તોલો, તમાલપત્ર ૧ તોલો, નાગકેસર ૧ તોલો, સાર ૧૬૦ તોલા અને ઘી ૧૬ તોલા લઈ એનો વિધિ પ્રમાણે પાક કરવો. આ પાક ખાવાથી વીર્યવૃદ્ધિ થઈ પુષ્ટિ થાય તેમ જ વાતરોગ પણ દૂર થાય. તાવમાંથી ઊઠેલા માણસને શક્તિ આપવા માટે આ પાક ઘણો ઉપયોગી મનાય છે.
|