Home » Gujarati to Gujarati Translation » ધર્મ
પું○
ગુણ, લક્ષણ, ખાસિયત, ‘ક્વૉલિટી,’ ‘પ્રોપર્ટી’. (મ○ન○) (૨) કર્તવ્ય, ફરજ. (૩) યોગ્યતા, અયોગ્યતાનો વિચાર, ઐહિક નીતિવિચાર. (૪) નૈતિક જીવન, સદાચરણ. (૫) ચાર પુરુષાર્થોમાંનો પહેલો પુરુષાર્થ, બહારની અને અંદરની શુદ્ધિ. (૬) નિ:શ્રેયસ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા, ઇંદ્રિયોને પૂર્ણ રીતે કાબૂમાં રાખી આત્મદર્શન તરફ ગતિ. (૭) દુન્યવી ભ્રામક આકર્ષણોમાંથી ચિત્તવૃત્તિઓને ખેંચી માનવ તરીકે ઉત્તમ રીતે જીવવાનો પ્રકાર. (૮) જગતના સર્વ ચેતન પદાર્થો તરફ સમાન ભાવની દૃષ્ટિ અને વર્તાવ, દયાધર્મ. (૯) પંથ, સંપ્રદાય. (૧૦) તે તે પંથ કે સંપ્રદાયની પ્રક્રિયા. (૧૧) દાન, પુણ્ય વગેરે, ધર્માદો. (૧૨) પૌરાણિક માન્યતા પ્રમાણે પાપ પુણ્યોનો નિર્ણય લાવી આપનાર એક દેવ યમરાજા. (સંજ્ઞા.) (૧૩) પાંચ પાંડવોમાંના મોટા ભાઈ યુધિષ્ઠિર. (સંજ્ઞાં.)
ક્રમાંક | વ્યુત્પત્તિ | વ્યાકરણ | અર્થ |
1 | પું○ | ગુણ, લક્ષણ, ખાસિયત, ‘ક્વૉલિટી,’ ‘પ્રોપર્ટી’. (મ○ન○) (૨) કર્તવ્ય, ફરજ. (૩) યોગ્યતા, અયોગ્યતાનો વિચાર, ઐહિક નીતિવિચાર. (૪) નૈતિક જીવન, સદાચરણ. (૫) ચાર પુરુષાર્થોમાંનો પહેલો પુરુષાર્થ, બહારની અને અંદરની શુદ્ધિ. (૬) નિ:શ્રેયસ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા, ઇંદ્રિયોને પૂર્ણ રીતે કાબૂમાં રાખી આત્મદર્શન તરફ ગતિ. (૭) દુન્યવી ભ્રામક આકર્ષણોમાંથી ચિત્તવૃત્તિઓને ખેંચી માનવ તરીકે ઉત્તમ રીતે જીવવાનો પ્રકાર. (૮) જગતના સર્વ ચેતન પદાર્થો તરફ સમાન ભાવની દૃષ્ટિ અને વર્તાવ, દયાધર્મ. (૯) પંથ, સંપ્રદાય. (૧૦) તે તે પંથ કે સંપ્રદાયની પ્રક્રિયા. (૧૧) દાન, પુણ્ય વગેરે, ધર્માદો. (૧૨) પૌરાણિક માન્યતા પ્રમાણે પાપ પુણ્યોનો નિર્ણય લાવી આપનાર એક દેવ યમરાજા. (સંજ્ઞા.) (૧૩) પાંચ પાંડવોમાંના મોટા ભાઈ યુધિષ્ઠિર. (સંજ્ઞાં.) |
ક્રમાંક | વ્યુત્પત્તિ | વ્યાકરણ | અર્થ |
1 | પુંo | નીતિ, સદાચાર વિશેનું તથા મરણ, સાંપરાય, ઈશ્વરાદિ ગૂઢ તત્ત્વો વિશેનું જ્ઞાન, શ્રદ્ધા કે માન્યતા (2) શાસ્ત્રોક્ત વિધિનિષેધ – આચાર (3) પુણ્ય; દાન (4) ફરજ; કર્તવ્ય (5) ચાર પુરુષાર્થોમાંનો એક (6) ગુણ; લક્ષણ; સ્વભાવ (7) (સં.) ધર્મરાજ; યમ (8) યુધિષ્ઠિર |
ક્રમાંક | વ્યુત્પત્તિ | વ્યાકરણ | અર્થ |
1 | [ સં. ] | पुं. |
અવશ્ય કરવા યોગ્ય અને પાળવા યોગ્ય આચાર, વિચાર ને કર્તવ્ય; વેદશાસ્ત્ર પ્રમાણેનું આચરણ; સદાચરણ; શાસ્ત્રોક્ત વિધિનિષેધ. સ્મૃતિઓમાં આચારને પરમ ધર્મ કહેલ છે. અને વર્ણ તથા આશ્રમ અનુસાર તેની વ્યવસ્થા કરી છે. જેમકે, બ્રાહ્મણનો ધર્મ ભણવું ને ભણાવવું, દાન લેવું અને દાન દેવું, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો; ક્ષત્રિયનો ધર્મ પ્રજાની રક્ષા કરવી ને દાન દેવું; વૈશ્યનો ધર્મ વ્યાપાર કરવો અને શૂદ્રનો ધર્મ ત્રણે વર્ણની સેવા કરવી. જ્યાં દેશકાળની વિપરીતતાને અંગે પોતપોતાના વર્ણ કે ધર્મ દ્વારા નિર્વાહ ન થઈ શકે ત્યાં શાસ્ત્રકારોએ આપદ્ધર્મની વ્યવસ્થા કરી છે, જે અનુસાર કોઈ વર્ણનો મનુષ્ય પોતાનાથી ઊતરતી વર્ણની વૃત્તિનો સ્વીકાર કરી શકે છે. જેમકે, બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્યની, ક્ષત્રિય વૈશ્યની અને વૈશ્ય શૂદ્રની. પરંતુ પોતાનાથી ઉચ્ચ વર્ણની વૃત્તિ ગ્રહણ કરવાનો આપત્કાલમાં પણ નિષેધ છે. એ પ્રમાણે બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસીના ધર્મનું પણ અલગ અલગ નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમકે, બ્રહ્મચારીને માટે સ્વાધ્યાય, ભિક્ષા માગી ભોજન કરવું, જંગલમાંથી લાકડાં લાવવાં, ગુરુની સેવા કરવી વગેરે. ગૃહસ્થને માટે પંચમહાયજ્ઞ, બલિ, અતિથિઓને ભોજન અને ભિક્ષુક, સંન્યાસીઓને ભિક્ષા દેવી વગેરે. વાનપ્રસ્થાને માટે સામગ્રી સહિત ગૃહની અગ્નિ લઇ વનમાં વાસ કરવો જટા, નખ, મૂછ, આદિ રાખવાં, ભૂમિ ઉપર સૂવું, શીત, તાપ સહેવાં, અગ્નિહોત્ર, દર્શપૌર્ણમાસ, બલિકર્મ આદિ કરવાં વગેરે. સંન્યાસીઓને માટે બધી વસ્તુઓનો ત્યાગ, અગ્નિ અને ગૃહથી રહિત થઈ ભિક્ષા દ્વારા નિર્વાહ કરવો, મૂછ, નખ, આદિ કપાવવાં અને દંડ કમંડલુ ધારણ કરી રહેવું આ વર્ણ અને આશ્રમના અલગ અલગ ધર્મ થયા. આ બંનેના સંયુક્ત ધર્મને વર્ણાશ્રમ ધર્મ કહેવામાં આવે છે. જેમકે, બ્રાહ્યણ બ્રહ્યચારીએ પલાશદંડ ધારણ કરવો. કોઈ ગુણ કે વિશેષતાના કારણરૂપ ધર્મને ગુણધર્મ કહે છે. જેમકે, શાસ્ત્રોક્ત રીતિથી અભિષેક થયો હોય તે રાજાએ પ્રજા પાલન કરવું. કોઈ નિમિત્તથી કરવામાં આવે તે નિમિત્તધર્મ કહેવાય છે. જેમકે, શાસ્ત્રોક્ત કર્મ નહિ કરવાથી અથવા શાસ્ત્રસિધ્ધ કર્મ કરવાથી પ્રાયશ્રિત્ત કરવું. એ પ્રમાણે વિશેષ ધર્મ, કુલધર્મ, જાતિધર્મ વગેરે છે. કેટલાક પ્રાચીન ધર્મના પાંચ પ્રકાર કહે છેઃ અનુગામી, બિંબપ્રતિંબિબ, ભાવાપન્ન.ઉપચરિત અને વસ્તુપ્રતિવસ્તુભાવાપન્ન યજ્ઞ, અધ્યયન, દાન, તપ, સત્ય, ધૃતિ, ક્ષમા અને અલોભ એ ધર્મના આઠ પ્રકાર કહ્યા છે. તેમાં પહેલા ચાર એટલે યજ્ઞ, અધ્યયન, દાન તથા તપ એ દંભથી પણ લોકો કરી શકે છે. પરતું સત્ય, ધૃતિ, ક્ષમા અને અલોભ કોઈ સાઘારણ માણસથી થઈ શકે તેમ નથી. ધર્માચરણ શાસ્ત્રવિહિત વર્ણાશ્રમાદિ ધર્મનું યથાવત્ પરિપાલન સાત્વિક લક્ષણ છે. કણાદ મુનિ વૈશેષિક દર્શનારંભમાં કહે છે. કે જે વૈદિક આચરણ વિશેષથી આ લોક સંબંધી તથા પારલૈકિક સ્વર્ગાદિ તેમ જ મોક્ષસુખની પ્રાપ્તિ થાય તે ધર્મ, અર્થાત્ દાનાદિ ધર્માચરણ અભ્યુદયનો હેતુ છે તથા શ્રવણ મનન નિદિધ્યાસનરૂપ ધર્માચરણ નિશ્રેયસ મોક્ષનો હેતુ છે. ધર્મના દેશધર્મ, કુલધર્મ, જાતિધર્મ, વયોધર્મ, ગુણધર્મ. શરીરધર્મ, કાળધર્મ, આપદ્ધર્મ ઇત્યાદિ અનેક ભેદ મહાભારતમાં કહ્યા છે. દક્ષિણમાં બ્રાહ્મણો પણ માતુલ કન્યાનું પાણિગ્રહણ કરે છે તે દેશધર્મ કહેવાય છે. વસિષ્ઠ ગોત્રીઓ બાળકને બાળમોવાળા ઉતરાવતી વેળા પાંચ જુલફાં રાખે એ કુળધર્મ ગણાય. છ અંગ સહિત વેદનું અધ્યયન કરવું તથા અર્થજ્ઞાન સંપાદન કરવું એ જાતિધર્મ કહેવાય. આઠ વર્ષના બ્રાહ્મણ બાળકને ઉપનયન કરવું, કેશ કાળા હોય તેવામાં જ અગ્નિહોત્ર લેવું ઇત્યાદિ વયોધર્મ કહેવાય છે. શ્રુતિ, સ્મૃતિ, સત્પુરુષોનું આચરણ અને જે વર્તન કરવાથી પોતાનો અંતરાત્મા સંતુષ્ટ રહે તે ચારને ડાહ્યા પુરુષો ધર્મનું સાક્ષાત્ લક્ષણ કહે છે. ધર્મનું જ્ઞાન ત્રણ પ્રકારે થઈ શકે છેઃ એક તો ધર્માત્મા વિદ્વાનોની શિક્ષાથી, બીજું આત્માની બુદ્ધિ તથા સત્ય જાણવાની ઇચ્છાથી અને ત્રીજું પરમેશ્વરની કહેલી વેદવિદ્યાને જાણવાથી મનુષ્યને સત્યાસત્યનો યથાવત્ બોધ થાય છે. રૂઢિપ્રયોગ૧. ધર્મ ઉઠાવવો-ખાવો = ધર્મના સોગન ખાવા; ધર્મને સાક્ષીરૂપે રાખવો. ૨. ધર્મ કમાવો = સારાં કામ કરીને મોક્ષ પ્રાપ્ત કરવો. ૩. ધર્મ કરતાં કર્મ નડવું-ધર્મ કરતાં ધાડ આવવી-ઊઠવી = કોઈનું ભલું કરવા જતાં પોતે સંકટમાં આવી પડવું. ૪. ધર્મ કરવો = (૧) ધર્માદો કરવો; પુણ્યદાન કરવું. (૨) સત્કર્મ કરવાં. ૫. ધર્મ પાળવો-સાચવવો = પોતાના ધર્મના કાયદાનું પાલન કરવું. ૬. ધર્મ બગાડવો = (૧) પોતાના ધર્મનો નાશ કરવો. (૨) સ્ત્રીનું સતીત્વ નષ્ટ કરવું. ૭. ધર્મના કામમાં ઢીલ નહિ = સુકૃત કરવામાં વાર લગાડવી નહિ; પુણ્યનું કામ પ્રથમ કરવું; ધર્મની વારે તરત ધાવું. ૮. ધર્મની ગાય = (૧) ગરીબ; બહુ જ ભલું; સાલસ. (૨) દાનમાં આપેલી ગાય. (૩) દીકરી. (૪) બક્ષિશ. ૯. ધર્મની ગાયના દાંત ન જોવા = મફત મળતી વસ્તુમાં સારાખોટાપણું જોવું નહિ. ૧૦. ધર્મની ચિઠ્ઠી = ધર્મની કાંટે જોખ કરી તથા કસોટી કરી આપી કાઢી આપવામાં આવતી. ચિઠ્ઠી. છાસિયા સોનાથી માંડી ઊંચા તેજાબના સોના સુધીની ખરી કસોટી કાઢી પૈસો પણ લીધા વગર ધર્મની પેઢીઓ ધર્મની ચિઠ્ઠી કરી આપે છે.-અમરૂશતક. ૧૧. ધર્મની જે =ધર્મની જય હો કે ધર્મની જે થાઓ, એનું ટૂંકું રૂપ. આ પ્રમાણે માગવા આવનાર આશીર્વાદ આપે છે. ૧૨. ધર્મની પેઢી = ધર્મની કાંટે દાગીનાની કસોટી કરી ચિઠ્ઠી કાઢી આપનાર પેઢી. છાસિયા સોનાથી માંડી ઊંચા તેજાબના સોના સુધીની ખરી કસોટી કાઢી પૈસો પણ લીધા વગર ધર્મની પેઢીઓ ચિઠ્ઠી કરી આપે છે. – અમરૂશતક. ૧૩. ધર્મનો કાંટો = જેની ઊપજ પુણ્યદાનમાં અપાતી હોય એવો જોખ. ૧૪. ધર્મે જય ને પાયે ક્ષય = પુણ્યદાન કરવાથી સફળતા તથા કલ્યાણ અને પાપથી ક્ષય કે નાશ થાય છે. ૧૫. ધર્મો જય = ધર્મથી ફતેહ છે; ધર્મથી શ્રેય છે. બ્રાહ્મણો ત્રણે વર્ણને આ પ્રમાણે આશિષ દે છે. |
2 | पुं. |
અહિંસા. |
|
3 | पुं. |
આત્મા; જીવ. ધર્મ શબ્દ ધૃ ધાતુ જેનો અર્થ ધારણ કરવું થાય છે, તેના ઉપરથી થયો છે. શરીર, ઇંદ્રિયો વગેરેના સંઘાતનો ધારણ કરનારો હોવાથી ધર્મ શબ્દનો અર્થ આત્મા થાય છે. એ આત્મા સૂક્ષ્મ છે. અહીં સૂક્ષ્મ એટલે આંખથી ન જોવાય એવો અર્થ નથી. સૂક્ષ્મતાનો અર્થ પવિત્રતાથી ગ્રાહ્ય એવો અનુભવ પકડાય છે આત્મા સૂક્ષ્મ છે, એટલે કે મેલા હૃદયવાળાથી કોટિ વર્ષે એ સમજાય તેવો નથી. પવિત્ર અંતરવાળાને માટે તો આત્મજ્ઞાન સહજ છે. આથી આત્મા એ કંઈ સુવિજ્ઞેય નથી. ઉપયોગદેવો વળી જ્યાં કરતા જ શંકા, એ ધર્મ વિજ્ઞેય નથી મનાતો. – કઠોપનિષદ. |
|
4 | पुं. |
( જૈન ) આત્માનો સ્વાભાવ. |
|
5 | पुं. |
ઈમાન; પ્રામણિકપણું. ગાંધીજી કહે છે. કેઃ એક સર્વોપરી અદશ્ય શક્તિને વિષે જીવતી અચળ શ્રદ્ધા એનું નામ મારે મન ધર્મ. ધર્મ એક વ્યક્તિગત સંગ્રહ છે. તેને માણસ પોતે જ રાખી શકે છે. અને પોતે જ ખુએ છે. સમુદાયમાં બચાવી શકાય તે ધર્મ નથી, મત છે. મરણાંત લગી પાળ્યો એ જ ધર્મ, સારી સગવડ કે વિનોદ. ધર્મ સીધી લીટી નથી, એ તો વિશાળ વૃક્ષ છે. તેનાં કરોડો પાંદડાંમાંનાં બે પણ સરખાં નથી હોતાં. પ્રત્યેક ડાળીમાં પણ ભેદ છે. તેમાંની એક પણ આકૃતિ ભૂમિતિની આકૃતિ જેવી માપસર નથી હોતી. તેમ છતાં આપણે જાણીએ છીએ કે બીજ, ડાળ અને પાતરાં એક જ છે. ધર્મ સીધી લીટી નથી, પણ વાંકીયે નથી. સીધી લીટીથી તે પર છે, કેમકે બુદ્ધિથી પર છે. તે અનુભવથી ઓળખાય છે. |
|
6 | पुं. |
ઈશ્વરને ઓળખવાનો, તેનાથી ડરીને ચાલવાનો અને તેનું ભજન, કીર્તન વગેરે કરવાનો પવિત્ર માર્ગ; પુણ્ય માર્ગ; શ્રેય માર્ગ. વેદકાળમાં સૌથી શ્રેષ્ઠ પ્રજામાં પ્રથમ આર્યો હતા ને તેઓનો જે ધર્મ તે સનાતન ધર્મ ને તે ધર્મ તે વેદોક્ત ધર્મ છે. આર્યોના સંબંધમાં તે ધર્મ સંબંધે જે સત્ય વાત છે તે આ છેઃ વેદમાં કહેલા બોધનું બુદ્ધિપૂર્વક સમજીને શ્રદ્ધાપૂર્વક પાલન કરવું ને ક્ષુદ્ર જીવાત્માએ શુદ્ધ સત્ત્વગુણી સ્થિરચિત્ત થઈ પરમાત્મા સાથે એકતાર થવું, તે ધર્મનો મુખ્ય લાભ. આવો વિચાર પરાપૂર્વથી ચાલતો આવેલો છે. ધર્મ જો જ્ઞાન સાથે હોય તો જ તે નભી શકે. જ્ઞાન વગરનો ધર્મ મોળો અથવા નિસ્તેજ છે. તે ઝાઝી વાર ટકતો પણ નથી ધર્મ સ્થપાય છે જ્ઞાનથી ખરો, પણ તે એકલવાયો છે,તથા જ્ઞાન હોય તો સ્થપાયેલો ધર્મ સુદૃઢ થાય, ને ધર્મ જ્ઞાનને અનુસરી વિશેષ સબળ થાય. છતાં આ વળી જાણવા યોગ્ય છે કે, જ્ઞાન વિકટ ને દુલર્ભ છે, તે થોડાને માટે છે, ગહન ને સૂક્ષ્મ છે; ને ધર્મ સુલભ ને સૌ જન માટેનો છે. ધર્મના પણ બે ભેદ છેઃ નિવૃત્તિ ને પ્રવૃત્તિ. નિવૃત્તિ ધર્મ બહુ કાળ તપે છે ને પ્રવૃત્તિ ધર્મ સહજમાં પડી ભાંગે છે. વળી નિવૃત્તિ ધર્મમાં પણ બે ભેદ છે: નિત્ય અને અનિત્ય. આર્ય પ્રજાનો જે ધર્મ તે નિવૃત્તિમાન, નિત્ય ને સત્વગુણી છે ને તેથી કાળના કાળ વહી ગયા, તેના ઉપર ઘણા ઘણા પ્રહારો થયા. ધણી આસમાનીસુલતાની થઈ, તોપણ તે જેવો ને તેવો જ સ્થિર, દીપતો, ઝળકતો ને તપતો રહ્યો છે. એ એનો જય અવર્ણનીય છે. સર્વ રીતનું તાત્પર્ય જોતાં એમ જણાય છે કે, આર્યાવર્તની પ્રજાનો જે શ્રેષ્ઠ ધર્મ તે વેદ છે. વેદમાં જે ધર્મ છે તે જ્ઞાનયુક્ત નિવૃત્તિ ઉપર પણ છે, ને તેના સ્થાપનાર ઋષિઓ છે. એ ધર્મ સ્થાપવાનો મુખ્ય હેતુ જીવોનું પરમ કલ્યાણ કરવું આ જ છે. ઘણા કાળ સુધી એ ધર્મ પ્રવૃત્ત હતો, પણ વખત બદલાતો ગયો તેમ તેમ વેદ ધર્મ કર્મ મોળાં પડતાં ગયાં. તેમાં માત્ર જ્ઞાનધર્મ, વેદાંત જ્ઞાન હોવાથી, જાડી બુદ્ધિના જનોને તે રુચ્યો નહિ ને તેથી ધર્મ સમજાવવાને, તેને પાળવા પળાવવા માટે સ્મૃતિઓ રચાઈ. આ સ્મૃતિ ધર્મ કેટલાક કાળ સુધી ચાલ્યો, પરંતુ તેમાં યે ધર્મ ને જ્ઞાન મુખ્ય હતાં અને પરમાત્માને જાણવાને માટે ગહન વિકટ શ્રદ્ધાવાળાં સાધન હોવાથી લોકોની સમજમાં ઊતર્યાં નહિ ને તેથી ધણા કાળે પુરાણોની રચના થઈ. મનુષ્ય માત્રને ધર્મ પાળવો તો અવશ્યનો છે જ, તે પાળ્યા વિના આત્માને શાંતિ મળતી નથી. વળી જ્ઞાન એ થોડાને માટે ને દુલર્ભ છે અને ઈશ્વરને ઓળખ્યા વિના વિનાશી પામર જીવનું કલ્યાણ નથી, તેથી ઈશ્વરને ઓળખાવવા અથવા ઓળખવા, તેનું જ્ઞાન મેળવવા માટે પુરાણ ધર્મની સ્થાપના થઈ. આ પુરાણ ધર્મની સ્થાપના ક્યારે થઈ, તેને માટે અનેક પ્રકારનો વાદવિવાદ ચાલે છે. કેટલાક ઈ.સ. પૂર્વે ૩૦૦૦ વર્ષ ઉપર થયેલી ગણાવે છે, કેટલાક ઈ.સ. પૂર્વે ૮૦૦ થી ૫૦૦ વર્ષ ઉપર ને કેટલાક ઈ. સ. ૮૦૦ થી ૧૫૦૦ સુધીમાં જણાવે છે. યરપિયન વિદ્વાનોના તર્કવાદો, તેઓના આર્ય પ્રજાના સંબંધના વિચારો ને સૃષ્ટિની રચનાના સંબંધમાં જે જે ગણતરી તેઓએ કરી છે, તે કેવળ મિથ્યાવાદ અથવા વિતંડા જેવી છે. તેઓના આર્ય પ્રજાના સંબંધમાં તેમાંનાં ઘણાંક અનુમાનો ખોટાં પડ્યાં છે ને ખોટાં પડતાં જાય છે. તો પછી વેદકાળ, સ્મૃતિકાળ ને પુરાણકાળના સંબંધમાં તે જે જણાવે તે આર્યેપ્રજા માનવાને બંધાતી નથી. આટલું તો દૃઢતાથી કહી શકાશે કે ઈ.સ. પૂર્વે ૨૦૦ થી ૧૦૦ વર્ષ સુધીમાં આર્યાવર્તમાં પુરાણ ધર્મ બહુ સારી રીતે પ્રસરેલો હતો ને શિવશક્તિનું પૂજન પ્રેમે થતું હતું અર્થાત્ પુરાણ ધર્મ ઈ.સ. પૂ.માં પ્રવર્તેલો હતો જ અને જ્યારે ઈ.સ. પૂ.માં તે સુદૃઢ હતો, ત્યારે તેની સ્થાપના ધણાં વર્ષ પૂર્વે થયેલી હોવી જોઈએ. હવે વેદોક્ત ધર્મમાંથી પુરાણોક્ત ધર્મ ક્યારે નીકળ્યો તે નક્કી થવું મુશ્કેલ નથી. વેદધર્મ તે જ્ઞાનપ્રધાન ધર્મ છે અને પુરાણ ધર્મ તે ભક્તિપ્રધાન ધર્મ છે. વેદમાર્ગ કે ઉપનિષદમાર્ગ એ એટલા બધા તો કઠિનતાવાળા છે કે, સામાન્ય મનુષ્યથી તે વિધિએ વર્તાય તેવો ઘણો થોડો સંભવ રહે છે. જોકે વેદવેદાંતના ધર્મનું પરમ ફળ મોક્ષ છે, તોપણ તે જ્ઞાનમાર્ગનો ધર્મ અલ્પમતિ મનુષ્યને ભાગ્યે જ સાનુકૂળ થઈ પડે ને તેથી જ પુરાણોનો જન્મ થયો છે. વેદમાં જે ધર્મ કહ્યો છે તે પુરાણમાં રૂપાંતરથી કહ્યો છે. વેદમાં ત્રણ દેવો મુખ્યત્વે કરીને મનાય છે, તેમનું ઉપાસન પુરાણમાં છે, પણ નહિ સમજનારા કેટલાક તેના સંબંધમાં ઘણા જુદા જુદા અર્થો કરીને ગૂંચવાડો ઉત્પન્ન કરે છે. કાલિદાસના સમયમાં શિવશક્તિનાં પૂજન કેવાં હતાં ! તે ઉપરથી જણાય છે કે, પુરાણ ધર્મ પ્રવર્તેલો હતો. વેદોક્ત ધર્મની પ્રવૃત્તિ ઘણી ન હોવાથી, તેનો લોપ થવાનો સમય આવેલો હશે તે વેળાએ પુરાણગ્રંથો થયા છે. પુરાણમાં ત્રણ દેવનું ગમે તે પ્રકારે પણ પૂજન છેઃ બ્રહ્મા, વિષ્ણુ ને રુદ્ર. બ્રહ્માનું ઉપાસન નિસ્તેજ થઈ ગયું છે, પણ શિવ ને વિષ્ણુનાં ઉપાસન તો ચાલુ જ છે. મનુષ્યના મનને શાંતિ દેનાર ધર્મ છે, તેના દુઃખની નાસ્તિ કરનાર ને સુખની વૃદ્ધિ કરનાર ધર્મ છે, તેની વાસના અથવા મનોવૃત્તિની વૃદ્ધિને સંકોચનાર, જ્ઞાન દેનાર, પ્રજ્ઞાનમય બ્રહ્મનો બોધ કરનાર, સંસારવ્યવહારમાં તેજવંત કરનાર, ક્ષણિક જગતમાંથી તારનાર, દુઃખિત જીવિતમાંથી સુખમય ધામમાં પહોચાડનાર, પુનર્જન્મમાંથી બચાવનાર, કર્મવાસનાને ટાળનાર, અજ્ઞાનાંધકારનો નાશ કરનાર, ત્યાગવૃત્તિમય નીતિએ દોરનાર, નિર્વાણપદ ઉપર પહોંચાડનાર, માયામોહથી બચાવનાર, દયા પ્રેમમાં મસ્ત કરનાર, અક્ષરબ્રહ્મને પમાડનાર, ધર્મમાર્ગના પ્રવેશ કરાવનાર, ઈહલોકમાં સુખ આપનારને પરલોકમાં મોક્ષ આપનાર, સર્વોપરી ઇંદ્રિયજન્ય જ્ઞાનથી પર, સંસ્કારી બુદ્ધિએ નિર્ધારેલો નહિ પણ ઈશ્વરે આપેલો તે ધર્મ છે, જે મનુષ્ય અથવા અલ્પ પ્રાણીને ઉત્તમ, સત, અવિનાશી, અપૂર્વ ગતિ આપે છે, ધર્મથી સૃષ્ટિની રચના, સ્થિતિ ને સંહાર થાય છે: મનુષ્યપ્રાણી સત્કર્મમાર્ગે પ્રવર્તે છે. ધર્મને શોધવા ખોળવાને માટે મોટા મોટા ઋષિઓ, પંડિતો, વિદ્વાનો ને ફિલસૂફો મથન કરે છે, છતાં કોઈ ને પણ તે અકલ્પ ધર્મ સાંપડતો નથી તે છતાં તે મેળવવાને ફાંફા મારે છે. ધર્મ છે તે એક જ છે ને ઈશ્વરપ્રેરિત છે. તેમાં અસત નથી, પાખંડ નથી, દંભ નથી, અહંકાર નથી, પણ તે સત્ ચિત્ આનંદમય છે ને તેવો ધર્મ છે તે આપણો વૈદિક આર્યાવર્તનો સનાતન સર્વોપરી ધર્મ છે. તેવા ધર્મનું રહસ્ય સમજાવનાંરા કોઈ પણ શાસ્ત્રીય ગ્રંથો હોય તો તે આર્યાવર્તમાં જ છે ને તેઓમાંનો એક શ્રેષ્ઠ ગ્રંથ તે શ્રીવેદવ્યાસપ્રણીત શ્રીમદ્ભાગવત ગ્રંથ છે. ધર્મ શબ્દનો અર્થ, વ્યાખ્યા, રહસ્ય બહુ જ ગહન છે. ભિન્ન ભિન્ન દેશના ભિન્ન ભિન્ન પંડિતો તેના સંબંધમાં ભિન્ન ભિન્ન વિચાર દર્શાવી ગયા છે. તે બધાનું એક સ્વરૂપ બાંધીએ તોપણ સર્વમાન્ય ધર્મવિચારના આરંભનું સ્વરૂપ પણ વાસ્તવિક રીતે આપણે યથાર્થપણે બાંધી શકીએ તેમ નથી, કારણ કે દરેક વ્યક્તિએ ધર્મ માટે જુદા જ વિતર્કો કીધા છે. તેથી ધર્મની વ્યાખ્યા સંબંધે કોઈ પણ નિશ્ચયાત્મક વિચાર આપવો, એ કેવળ ઉચ્છ્રંખળપણાની અધમ નિશાની છે. તેથી માત્ર આટલું જ માની લેવું કે, ધર્મ એ અનાદિ કાળથી સ્થાપિત થયેલો છે ને તે વિશ્વરચનાની સાથે ઈશ્વરથી અપાયેલો છે. પછી જેવી જેવી જેની પ્રતિભાની સ્ફુટતા, તે તે પ્રમાણે તેણે ધર્મના રહસ્ય સંબંધે વિચાર કર્યો છે. ધર્મની અનેક વ્યાખ્યા આ દેશના ને પરાયા દેશના વિદ્વાનોએ કીધી છે. નારદ મુનિ કહે છે કેઃ ધર્મ તેને જ જાણવો કે જેથી પરબ્રહ્મનું યથાર્થ જ્ઞાન થાય. પણ બીજે સ્થળે વળી એવું કહે છે કે, આત્મા પરમાત્માની એકતા કરવી તે ધર્મ. વસિષ્ઠ મુનિ કહે છેઃ પિંડ બ્રહ્માંડની એકતા થવી તે ધર્મનું મુખ્ય સ્વરૂપ. મહાત્મા જૈનાચાર્ય ગૌતમ જણાવે છે કેઃ જેથી સર્વ દુઃખનો નાશ થાય અને આનંદમય નિર્વાણપણાને પામવું તે ધર્મ. વેદવ્યાસ કહે છે. કેઃ આત્મા પરમાત્માની એકતા તો ખરી, તે સાથે નિરંતરની જ્ઞાનવૃત્તિ રહેવી તે ધર્મ, મોક્ષ ને સુખ શાંડિલ્ય સૂત્રકાર લખે છે કેઃ ભક્તિભાવ સાથે અનંતને પિછાણવો તે ધર્મ. વલ્લભાચાર્ય કહે છેઃ ભક્તિમાં પૂર આસક્તિ ધરી પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણને ભજવા તે ધર્મ અને શંકરાચાર્ય કહે છેઃ આત્માને જડવૃત્તિમાંથી કાઢી ચૈતન્યમાં આણવો તે ધર્મ. આમ અનેક ઋષિઓએ અને આચાર્યોએ અનેક પ્રકારે ધર્મના ભિન્ન ભિન્ન સ્વરૂપ બાંધ્યાં છે. કોઈ પિંડ બ્રહ્માંડની એકતા, કોઈ આત્મા પરમાત્માની એકતા, જીવાત્મા પરમાત્માની એકતા, બ્રહ્મમાં લીનતા ને કોઈ સ્વસ્વરૂપાનુસંધાન, એમ ધર્મના ભેદ ધારે છે. પદ્મપુરાણમાં એક સ્થળે કહે છે. કેઃ ધર્મ તે જ કે જે યથાર્થ જ્ઞાન આપે, અર્થાત્ જે ખરૂં સત્ય જ્ઞાન આપે તે ધર્મ. અને ખરૂં ને સત્ય જ્ઞાન તે એ જ કે આત્મા પરમાત્માની ખરી સ્થિતિ જાણી એકતા કરવી. પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એ બે ગ્રંથોમાં સનાતન ધર્મનું યથાર્થ જ્ઞાન આપવામાં આવ્યું છે. પૂર્વ મીમાંસામાં વેદમાંના કર્મમાર્ગને કેવા પ્રકારે અનુસરીને વર્તવું તે વિષય સંબંધી વર્ણન કરેલું છે. જૈમિન ઋષિ એમ સમજાવે છે કેઃ ષડંગ વેદ અર્થ સાથે જાણવાથી પૂર્ણ રીતે પ્રભુ જાણવામાં આવે છે ને પ્રભુને જાણવા એ જ ધર્મ જાણવા જોગ છે. ઉત્તર મીમાંસાના કર્તા વેદવ્યાસ મુનિ છે. તેમણે જ્ઞાનધર્મ સમજાવવા માટે વિશ્વરચનાના સંબંધમાં બહુ જ કઠિનતાથી એટલે ગૂઢતાથી વર્ણન કરેલું છે. મીમાંસાનો અને સાંખ્યવાળાનો મૂળ એક મત છે, પણ સાંખ્યમત મીમાંસકોના મતથી થોડો વિપરીત છે. સાંખ્યના બે મોટા આચાર્યો છે, કપિલ ને પતંજલિ. કપિલે નિરીશ્વરવાદ પ્રકટ કીધો છે. ને તે આત્માને માનતાં પરમાત્માને ભૂલી જાય છે. પણ પતંજલિ કહે છે કેઃ સર્વે આત્માની એક જુદો જ પુરુષ છે, જેને દુઃખ, સુખ, જન્મ મરણ કંઈ લાગતું નથી, ને તેને પામવાનો જે યોગર્માગ તે જ ધર્મ. એ યોગ દ્વારા પ્રાણાયામથી અને પ્રત્યાહારથી આત્મા પરમાત્માનું ઐક્ય થાય. ઐક્ય થતાં જન્મ મરણ ટળે છે ને બ્રહ્મૈક્યતા થાય છે. ગૌતમ ધર્મનું રહસ્ય સમજાવતાં કહે છે. કેઃ આત્મા અનાદ્યંત, પ્રકૃતિ રહિત ને સ્વતંત્ર છે. પરમાત્મા અથવા ઈશ્વર અનાદ્યંત, જ્ઞાનનિધિ, સર્વનો નિયંતા ને સર્વે વસ્તુનો પ્રેરક છે. તેને યથાર્થ જાણવામાં સર્વ ધર્મ સમાય છે. આ તો પ્રાચીન વિદ્વાનોના મત વિષે વિચાર થયો. પણ પાશ્ચાત્ય લોકો કે જેઓ આજે પ્રવૃત્તિના જીવ છે, જેઓ વિદ્યાકળાને આધારે ધર્મમાં પણ, બાળક પેરે અનેક જાતના તર્કવિતર્ક કરે છે, તેઓ શું કહે છે તે તપાસીએ. બોરો નામનો એક વિદ્વાન કહે છે કેઃ ધર્મ તે ગુપ્ત સદ્ગુણ છે અને પ્રસિદ્ધમાં શ્રદ્ધાવંત કહેવડાવે છે. તે દરેક જનના સુખનું કારણ ને પ્રજાની આબાદી છે. આ વિચારમાં ધર્મ સંબંધે કશું પણ નથી. હોર્ન નામનો એક વિદ્વાન કહે છે. કેઃ ધર્મ છે તે હડાપણનો ભંડાર, પૂર્ણ પવિત્ર માર્ગ સૂચવનાર, વિશ્રામનું મધુરૂં ફળ છે. કાંત નામનો એક જર્મન વિદ્વાન કહે છે કેઃ ધર્મ એટલે નીતિ, અર્થાત્ સુનીતિએ રહેવું, સુનીતિએ વર્તવું ને સુનીતિએ ઈશ્વરાજ્ઞા માથે ચડાવવી, એટલે બસ થયું. જેમેસન નામનો એક સાધુ કહે છે કેઃ ધર્મ એટલે ઈશ્વર થવું. ઈશ્વરપણું પામવું જેમાં ઈશ્વર થવાના વિચાર નહિ હોય તે ધર્મ નહિ. ફિસ્તે નામનો વિદ્વાન કહે છે. કેઃ ધર્મ એટલે જ્ઞાન. પ્લેટો કહે છે કેઃ ધર્મ એટલે ઈશ્વરને સંપૂર્ણ જાણવો, પણ કેવા પ્રકારે તેનું કંઈ પૃથક્કરણ તે કરતો નથી. આનાકસાગોરાસ કહે છે. કેઃ એક ઈશ્વર છે ને તે સર્વજ્ઞ છે, જેણે ચૈતન્ય વિનાનાં જડ પરમાણુઓને ગતિમાન કીધાં છે; તે સર્વમાં છે, પણ તેનામાં કોઈ નથી. એને જે જાણવો તે ધર્મ. સોક્રેટીસ કહેતો હતો કેઃ મરણ પછી ઉત્તમ ગતિ જીવનની થાય ને કોઈક ઈશ્વરી સત્તા વિશ્વમાં વ્યાપક છે જે વળી અવ્યાપકમાં પણ વ્યાપક છે તેને જાણવાનું નામ ધર્મ. ને ધર્મ એ શાંતિકર ને સુખકર છે. પ્લેટો ઈશ્વરની સચરાચર વ્યાપકતા સારી રીતે માનતો હતો. તે કહેતો કે, ઈશ્વર આદ્યંત રહિત, સ્વયંભૂ, કારણનું કારણ ને સકળ પદાર્થનો પિતા હોવો જોઈએ ને તે સંપૂર્ણ, એટલે જેવા આપણા ભગવાનને પરિપૂર્ણ ષડ્ ઐશ્વર્યવાળા કહીએ છીએ તેવો અતિ ઘણો ધર્મબુદ્ધિમાન ને સકળ શક્તિમાન છે. વળી તે જ્ઞાનીઓને પણ જાણવો દુર્લભ છે ને અલ્પમતિના તો લક્ષમાં કાળાંતરે આવે તેવો નથી. તેને જે જાણવો, તેનામાં એક થવું તે ધર્મ. એરિસ્ટોટલ નામનો વિદ્વાન કહે છે કેઃ આત્માને પૂર્ણ રીતે જાણવો તે ધર્મ. ઝીનોના ધર્મ સંબંધી વિચાર આવા છેઃ સૃષ્ટિ તે જ ઈશ્વર. ઈશ્વરને જાણવો હોય તો સૃષ્ટિને જાણવી. એ ઈશ્વર અનાદિ ને જ્ઞાનમય છે. એને જાણ્યાથી ધર્મની હદ આવે છે. જિસસ ક્રાઇસ્ટનો મુખ્ય ચેલો સેંટ મેથ્યુ ધર્મની વ્યાખ્યા આ પ્રમાણે કરે છેઃ શત્રુને ચાહો, શાપ દે તેને આશિષ દો; ધિક્કારે તેનું રૂડું કરો ને તેના રૂડા માટે પ્રાર્થના કરો. ધર્મ તે જ છે કે જે શત્રુને મિત્ર ગણે, ભૂંડું કરનારનું ભલું કરે; અર્થાત્ જિસસ ક્રાઇસ્ટના ચેલાઓનો બહુ મત એવો છે કે, નીતિથી વર્તવું. શ્લાવરમેકર નામનો એક જર્મન વિદ્વાન કહે છે કેઃ ધર્મ એટલે પૂર્ણ પરાધીનતા. હેગલ નામનો વિદ્વાન કહે છે કેઃ ધર્મ એટલે પૂર્ણ સ્વાધીનતા. ફાઇરબાક નામનો એક બીજો જર્મન કહે છે કે, ધર્મ એ કંઈ નથી, પણ એક રોગ છે ને એ પવિત્ર રોગ છે. મોઝીઝ નામનો એક ઇજિપ્સિયન વિદ્વાન ઈ.સ. પૂર્વે બે હજાર વર્ષ ઉપર લખી ગયો છે કેઃ જેણે આ સૃષ્ટિ રચી છે, જે સર્વનો પ્રેરક છે ને જેણે પ્રાણી માત્રને સારાસાર સમજવાની બુદ્ધિ આપી છે, તેને પિછાણવો તે ધર્મ. મેક્સ મુલર કહે છે કેઃ અનંત શક્તિવાળા કે અનંતને પિછાણવો તે ધર્મ જિસસ ક્રાઇસ્ટ કહે છે કેઃ ધર્મ એ જ કે કષ્ટ સહન કરવાં, આત્માને ઓળખવો, પરમાત્માને જાણવો ને પાપ માટે ડરવું. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ લખે છે કેઃ જો આપણે ઐતિહાસિક દૃષ્ટિ ધારણ કરીએ તો આપણો ઈતિહાસ ગંગાના પ્રવાહ જેવો દેખાય છે. એ એટલો પ્રાચીન છે કે, જેમ હિમાલયની ઉપત્યકામાં ઊભો રહીને મનુષ્ય દૂર પહાડમાંથી ગંગા ચાલી આવે છે એટલું જ કહી શકે છે, પરંતુ તેનું મૂળ જોઈ શકતો નથી. તે રીતે આપણો ધર્મ અતિ પ્રાચીન છે, પરંતુ તે કેટલો પ્રાચીન છે એ આપણે બરાબર કહી શકીએ તેમ નથી. પરંતુ આ ઉપરથી એમ સમજવાનું નથી કે કેવળ પુરાતનતાને લીધે કોઈ પણ ધર્મ સનાતન ધર્મની પદવી લઈ શકે છે. એસિરિઅ, બૅબિલોન, ગ્રીસ, રોમ એ દેશોનો ધર્મ કેવળ સ્મૃતિશેષ થઈ ગયો છે. આપણો ધર્મ જ એવો છે કે જે અતિ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે અને ચાલ્યા કરશે. આ ધર્મને હું વૈદિક ધર્મ નહિ કહું જૈન ધર્મ નહિ કહું, તેમ બૌદ્ધ ધર્મ નહિ કહું. હું એને કેવળ સનાતન ધર્મ કહીશ. વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણે એક જ સનાતન ધર્મનાં યદા યદા હિ ધર્મસ્ય ઇત્યાદિ મહાવાક્ય અનુસાર ઉત્પન્ન થયેલાં રૂપો છે. જે રીતે ગંગામાં અનેક ઝરણાં મળે છે, તોપણ ગંગાની એકતા અબાધિત રહે છે, તે પ્રકારની સનાતન ધર્મની એકતા નથી. પરંતુ જેમ નદીનો પ્રવાહ પથ્થર કે શિલાથી રોકાઈને અટકતો નથી, પરંતુ વિભક્ત બનીને રહે છે, તે રીતે આપણા ભારતવાસીઓનો સનાતન ધર્મ વૈદિક, જૈન અને બૌદ્ધ એવા ત્રણ પ્રવાહમાં વિભક્ત બનીને ચાલ્યો આવે છે. પરંતુ એટલું સમજવું જોઈએ કે એ બધું એક જ ગંગાજળ છે. કેવળ પુરાતનતાથી ઉત્તમતા સિદ્ધ થતી નથી. વળી બધા ધર્મગ્રંથોમાં વેદ અધિક પુરાતન છે. વેદમાં પ્રતિપાદિત કરેલો ધર્મ બ્રાહ્મણોએ ઉત્પન્ન કરેલો ધર્મ નથી. વેદથી પણ વધારે પ્રાચીન સમયથી ચાલ્યો આવતો ધર્મ વેદમાં શબ્દરૂપે આવિર્ભાવ પામ્યો છે વેદમાં મુખ્ય કર્મ અગ્નિહોત્ર છે અને એ અગ્નિહોત્રનું તત્ત્વ આત્મબલિદાન છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને એ તત્ત્વને કાશ્યપધર્મ અર્થાત્ ઋષભદેવજીએ પ્રતિપાદન કરેલો ધર્મ કહેવામાં આવ્યો છે. સમસ્ત મહાભારતમાં મણિગણમાં સૂત્રની પેઠે એક ઉપદેશ પરોવાયેલો છે તે એ છે કે, યતઃ કૃષ્ણસ્તતો ધર્મઃ યતો ધર્મસ્તનો જયઃ અર્થાત્ જ્યાં કૃષ્ણ ત્યાં ધર્મ, જ્યાં ધર્મ ત્યાં જય. આ જ મહાભારતનો કેંદ્રસ્થ ઉપદેશ છે. એનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે, સંસારમાં પરમાત્માનો અવતાર થાય છે એમ સમજી પરમાત્માનું સખ્ય કરવું, એની સહાયતા લેવી અને મનુષ્યજીવનરૂપી રથમાં બેસીને પરમાત્માને સારથિ બનાવી, આસુરી સંપત્તિની સામે યુદ્ધ કરવું એ ધર્મ; આ ધર્મ જ્યાં હોય ત્યાં જય જ છે. ઉપયોગધર્મ દેહરખો કે હું ક્ષેત્રરખો ન માનતો, સિદ્ધ આ કરવાની હું શક્તિ યાચું પ્રભુ કને. – ગાંધીગીતા |
|
7 | पुं. |
ઉચિત અનુચિતનો વિચાર કરનારી ચિત્તવૃત્તિ; ન્યાયબુદ્ધિ; વિવેક. |
|
8 | पुं. |
ઉપમા; ઉપમાન અને ઉપમેયમાં સામાન્ય હોય એવો ગુણ કે વૃત્તિ. |
|
9 | पुं. |
ઉષ્માંક; `કેલરિ.` |
|
10 | पुं. |
એ નામનો એક પૌરાણિક ઋષિ. તેને કોઈ વાર પ્રજાપતિઓ માંહેના એક તરીકે જાણવામાં આવે છે. તેણે તેર દક્ષની પુત્રીઓ પરણી ઘણાં સંતાનો ઉત્પન્ન કર્યાં. |
|
11 | पुं. |
( પુરાણ ) એ નામનો એક પ્રજાપતિ. તેને દક્ષની દીકરી મૂર્તિ નામની સ્ત્રી હતી. |
|
12 | पुं. |
( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે પ્રકૃતિ છંદનો એક ભેદ છે. તેમાં ભગણ, સગણ, નગણ, જગણ, નગણ, ભગણ, સગણ મળી ૨૧ વર્ણ હોય છે. |
|
13 | पुं. |
ઐહિક નીતિબંધન. ઉપયોગરાજધર્મ, પ્રજાધર્મ, દેશધર્મ, જ્ઞાતિધર્મ, કુલધર્મ, મિત્રધર્મ, વગેરે ઐહિક નીતિબંધનોને પણ ધર્મ એ શબ્દ લાગુ પાડવામાં આવે છે. – ગીતારહસ્ય |
|
14 | पुं. |
કર્તવ્ય; ફરજ. |
|
15 | पुं. |
કાયદો; નીતિ; ન્યાયવ્યવસ્થા; કાનૂન. ઉપયોગમારા રાજ્યાભિષેકના છવ્વીશમા વર્ષમાં ધર્મ ( કાયદા ) ને લગતો આ લેખ મેં લખાવ્યો છે. – હિંદુરાજ્યવ્યવસ્થા |
|
16 | पुं. |
કોઈ સંબંધ, સ્થિતિ કે ગુણ વિશેષના વિચારથી ઉચિત અને આવશ્યક કર્મ; સમાજના કાર્ય વિભાગના નિર્વાહ માટે આવશ્યક અને ઉચિત કર્મ; કોઈ જાતિ, કુળ, વર્ગ, પદ વગેરે માટે ઉચિત કરેલ વ્યવસાય કે વ્યવહાર; કર્તવ્ય; ફરજ. જેમકે, બ્રાહ્મણનો ધર્મ, ક્ષત્રિયોનો ધર્મ, માતાપિતાનો ધર્મ, પુત્રનો ધર્મ. |
|
17 | पुं. |
ખાસિયત; ખાસ ગુણ; લક્ષણ; સ્વભાવ. |
|
18 | पुं. |
( જૈન ) ગતિસહાયક ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય. તે દરેક વસ્તુને ગતિ આપવામાં મદદ કરે છે. ઉપયોગધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે અમૂર્ત હોવાથી ઇંદ્રિયગમ્ય નથી. – તત્ત્વાર્થસૂત્ર |
|
19 | पुं. |
( જૈન ) ચાલુ અવસર્પિણી કાળના ભરતક્ષેત્રમાં થયેલા એ નામના પંદરમા તીર્થંકર. |
|
20 | पुं. |
( ન્યાય ) ચોવીશ માંહેનો એક ગુણ. ચોવીશ ગુણઃ રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિણામ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ અને શબ્દ. |
|
21 | पुं. |
છંદઃશાસ્ત્ર પ્રસિદ્ધ એક પ્રસ્તાર. |
|
22 | पुं. |
જેનાથી ઉચ્ચ ઉચ્ચ ગતિ પ્રાપ્ત થાય તેવી ક્રિયા; જેના વડે અભ્યુદય અને મોક્ષની સિદ્ધિ થાય તેવી ક્રિયા. |
|
23 | पुं. |
તડકો; તાપ. |
|
24 | पुं. |
( પુરાણ ) ત્રીજા ઉત્તમ મન્વંતરમાંના સત્યસેનનો પિતા. તેની સ્ત્રી સુનૃતા હતી. |
|
25 | पुं. |
ત્રેતાયુગમાં ઈ.સ. પૂર્વે ૩૮૦૦માં થયેલ એ નામનો પુરુષ. તેણે ધર્મારણ્ય નામના ફળદ્રુપ દેશની સ્થાપના કરી હતી. |
|
26 | पुं. |
દાન; પુણ્ય. |
|
27 | पुं. |
ધનુષ. |
|
28 | पुं. |
( જ્યોતિષ ) ધ્રુવ મંડળની આજુબાજુ ફરનાર એક તારો. એ શિશુમાર ચક્રના પૂંછડાની જગ્યાએ આવેલો છે. |
|
29 | पुं. |
નવની સંખ્યાસૂચક સાંકેતિક શબ્દ. |
|
30 | पुं. |
નીતિ. સદાચાર વિષેનું તથા મરણ, સાંપરાય, ઈશ્વરાદિ ગૂઢ તત્ત્વો વિષેનું જ્ઞાન, શ્રદ્ધા કે માન્યતા; ઈશ્વર સંબંધી આસ્તિક મંતવ્ય. |
|
31 | पुं. |
પરસ્પર વિરોધ ન આવે તેવાં શાસ્ત્રોક્ત પ્રમાણવાળાં યથાર્થ વચનોથી જણાવેલું અને મૈત્રી વગેરે ભાવનાથી યુક્ત એવું અનુષ્ઠાન. |
|
32 | पुं. |
પંથ; સંપ્રદાય. |
|
33 | पुं. |
પુરુષાર્થના ચાર માંહેનો એ નામનો એક પ્રકાર. |
|
34 | पुं. |
પુરુષોત્તમનાં હજાર માંહેનું એક નામ. સર્વ ભૂતોને ધારણ કરે છે તેથી તે ધર્મ કહેવાય છે. વળી પરલોકમાં સદ્ગતિ સાધવા માટે જે સત્કર્મ કરવામાં આવે તે સર્વ ધર્મ, પરમધામ અને મોક્ષ તથા ઐહિક અને પારલૌકિક ફળ માટે ધારણ કરાતો જે ધર્મ તે પણ પોતે જ હોવાથી તેઓ ધર્મ કહેવાય છે. |
|
35 | पुं. |
ભગ; સંપૂર્ણ ઐશ્વર્ય. સંપૂર્ણ ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ છનું નામ ભગ છે. એ ભગ જેનામાં છે તે ભગવાન કહેવાય છે. |
|
36 | पुं. |
( જ્યોતિષ ) ભાગ્યસ્થાન; જન્મલગ્નથી નવમું સ્થાન. તેમાં જન્મનારનું ભાગ્ય કેટલું ખીલશે તે જોઈ શકાય છે. |
|
37 | पुं. |
યજ્ઞ મીમાંસા પ્રમાણે વેદવિહિત જે યજ્ઞાદિ કર્મ છે તેના વિધિપૂર્વક અનુષ્ઠાનને ધર્મ કહે છે. જૈમિનિએ ધર્મનું જે લક્ષણ આપ્યું છે તેનો અભિપ્રાય એ છે કે, જે કરવાની પ્રેરણા વેદ વગેરેમાં હોય તે ધર્મ છે. સંહિતાથી માંડીને સૂત્રગ્રંથો સુધી ધર્મની આ મુખ્ય માન્યતા રહી છે. કર્મકાંડનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરનાર જ ધાર્મિક કહેવાતો હતો. જોકે શ્રુતિઓમાં ન હિંસ્યાત્ સર્વભૂતાનિ એટલે પ્રાણીઓની હિંસા ન કરવી વગેરે વાક્યો વડે સાધારણ ધર્મનો પણ ઉપદેશ છે, પરંતુ વૈદિક કાળમાં વિશેષ લક્ષ્ય કર્મકાંડ તરફ જ હતું. |
|
38 | पुं. |
યમરાજા; પ્રાણીઓને પુણ્યપાપનાં ફળ આપનારો દેવ. |
|
39 | पुं. |
યયાતિ રાજાનો એ નામનો પૌત્ર. |
|
40 | पुं. |
યુધિષ્ઠિર. |
|
41 | पुं. |
રીત; વ્યવહાર; આચાર. રૂઢિપ્રયોગધર્મમાં આવવું = સ્ત્રીને પહેલી વખત રજોદર્શન થવું. |
|
42 | पुं. |
લોક કે સમાજની સ્થિતિ માટે આવશ્યક વૃત્તિ કે આચરણ; જેથી સમાજની રક્ષા અને સુખશાંતિની વૃદ્ધિ થાય તથા પરલોકમાં પણ ઉત્તમ ગતિ મળે તેવો આચાર; કલ્યાણકારી કર્મ; સુકૃત; સદાચાર; સત્કર્મ સ્મૃતિકારોએ વર્ણ, આશ્રમ, ગુણ અને નિમિત્ત ધર્મ ઉપરાંત સાધારણ ધર્મ પણ કહેલ છે. આ ધર્મનો સ્વીકાર બ્રાહ્મણથી માંડી ચાંડાલ સુધીને માટે સમાનરૂપે આવશ્યક છે. મનુએ વેદ, સ્મૃતિ, સાધુના આચાર અને પોતાના આત્માની તુષ્ટિના ધર્મનાં સાક્ષાત્ લક્ષણ બતાવી સાધારણ ધર્મમાં દશ વાત કહી છે. દશ લક્ષણઃ ધીરજ, ક્ષમા, મનોનિગ્રહ, અસ્તેય, પવિત્રતા, ઇંદ્રિયનો નિગ્રહ, ધી, વિદ્યા, સત્ય અને અક્રોધ. મનુષ્ય માત્રને માટે જે સામાન્ય ધર્મ નક્કી કરાયેલ છે તે સમાજે ધારણ કરવા જોગ છે. તેના વિના સમાજની રક્ષા શક્ય નથી. મનુએ કહેલ છે કે, રક્ષા કરેલ ધર્મ રક્ષા કરે છે. આથી દરેક સભ્ય દેશના જનસમુદાયની વચ્ચે શ્રદ્ધા, ભક્તિ, દયા, પ્રેમ વગેરે ચિત્તની ઉદાસીન મનોવૃત્તિઓ સાથે સંબંધ રાખનાર પરોપકાર ધર્મની સ્થાપના થઈ છે. તે એટલે સુધી કે પરલોક વગેરેની શ્રદ્ધા વગરના યરપના આધિભૌતિક તત્ત્વવેત્તાઓને પણ સમાજની રક્ષા માટે સામાન્ય ધર્મનો સ્વીકાર કરવો પડ્યો છે. તેઓએ આ ધર્મનું લક્ષણ એવું બતાવ્યું છે કે, જે કર્મથી વધારે મનુષ્યોને વધારે સુખ મળે તે ધર્મ. બૌદ્ધ ધર્મમાં આ ધર્મને શીલ કહેલ છે. જૈનશાસ્ત્રોમાં અહિંસાને પરમધર્મ માનેલ છે. |
|
43 | पुं. |
શિવનો એ નામનો નંદિ. |
|
44 | पुं. |
સત્સંગ. |
|
45 | पुं. |
સદાચારી પુરુષ. |
|
46 | पुं. |
સદ્દગુણ. રૂઢિપ્રયોગ૧. ધર્મ દોડે ત્યાં પાપ બોડે = સારાની સામે નરસું કે ખરાબ તો ઊભું જ હોય. ૨. ધર્મ ફરી વળવો = સારી ચાલ ચાલવાથી પરમેશ્વરે બદલો આપવો. |
|
47 | पुं. |
સરખાપણું. |
|
48 | पुं. |
સૂર્યનું એક નામ. |
|
49 | पुं. |
સોમપાન કરનાર માણસ. |
|
50 | पुं. |
( પુરાણ ) સોમવંશી દ્રુહ્યુકુળોત્પન્ન ગાંધાર રાજાનો પુત્ર. તેનો પુત્ર ધૃત હતો. |
|
51 | पुं. |
( પુરાણ ) સોમવંશી યદુપુત્ર કોષ્ટાના વંશના પૃથુશ્રવા રાજાનો પુત્ર. તેનો પુત્ર ઉશના હતો. |
|
52 | पुं. |
( પુરાણ ) સોમવંશી યદુપુત્ર સહસ્ત્રાજિતના વંશના હૈહય રાજાનો પુત્ર. તેનો પુત્ર નેત્ર હતો. |
|
53 | पुं. |
સ્વવૃત્તિ પદાર્થ; આધેય. |
|
54 | पुं.; न. |
ઉપનિષદ. |
|
55 | पुं.; न. |
( જૈન ) દુર્ગતિમાં પડતાં ધરી રાખનાર જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મ; દયા, ક્ષમા, સદાચાર આદિ આત્મશ્રેયની સામગ્રી. |
|
56 | पुं.; न. |
( જૈન ) વસ્તુનો સ્વભાવ. |
|
57 | न. |
કાલી નદીના મૂળ પાસે આવેલું એ નામનું એક ગામ. |
|
58 | न. |
( જૈન ) ચાર માંહેનું એક પ્રકારનું ધ્યાન. ચાર પ્રકારનાં ધ્યાનઃ આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. પહેલાં બે ધ્યાન ત્યાગવા યોગ્ય છે, પાછળનાં બે ધ્યાન આત્મસાર્થકરૂપ છે. image@9216_1-1@ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.