4 |
[ સં. કડંગર] |
स्त्री. |
જેમાંથી ધોળા કે લાલ ચોખા નીકળે છે એવું છાલાવાળું ઘાસિયા ધાન્ય; શાલી; ભાત. પ્રાચીન ઇતિહાસકારો કહે છે કે ઇ.સ.૨૮૦૦ પૂર્વે ચીન દેશના મહારાજાએ એક ક્રિયા સ્થાપન કરી હતી, જેની અંદર ભાતની વાવણી એ સંસ્કારનો એક ભાગ હતો. તેથી જણાય છે કે ભાતની ખેતી કમમાં કમ એટલી તો જૂની છે. પૃથ્વીના પૂર્વના મુલકોમાં ડાંગર એ હમેશા ઘણો ઉપયોગી ધાન્યનો પાક ગણાતો આવ્યો છે. બીજા પાકોથી વિરુદ્ધમાં તેની જિંદગીના મોટા ભાગમાં ઘણા પાણીની જરૂરિયાત હોવાની ખાસિયત છે, છતાં પણ આ ઇલાકામાં બીજી જાતો છે જેને થોડાં પાણીથી પણ ચાલી શકે છે. ભરૂચ જિલ્લામાં ઢૂંઢણી નામની ડાંગર આવી રીતે થાય છે. પૃથ્વી ઉપર ડાંગરની ૨૦૦૦ જાત છે. તેમાંથી તળાવ કાંઠે ઊગતી દેવભાત નામે છે. એવી જ જાત બંગાળમાં ૧૫ થી ૨૦ ફૂટ પાણીમાં ઊગનાર છે. જંગલી ડાંગરને પાક્યા પછી બી પાણીમાં ખેરવી દેવાની ટેવ છે. માટે જંગલી જાતનો નાશ કરવો જોઈએ, ડાંગર વર્ષાઋતુમાં થાય છે, પણ પાણી મળી આવે તો ઠંડી ઋતુમાં પણ થઈ શકે છે. રત્નાગીરીજિલ્લામાં વૈનગન નામની ડાંગર થાય છે. ડાંગરનો મોટો ભાગ મીઠી જમીનમાં થાય છે, છતાં કેટલીક જાતો દરિયા કિનારે ખારી જમીનમાં પણ થાય છે. ડાંગર કરવાની ઘણી રીતો છે. કોંકણ, માવળ, મુંબઈ અને પૂના તરફ ડાંગરના પ્રદેશમાં છાણાં કે ઝાડનાં ડાળાં બાળવામાં આવે છે. બાળેલી જમીનને રેબિગ કરેલી જમીન કહે છે. આ ક્રિયાનું મૂળ અંધકારમાં છે પણ ધરુવાડિયા કરવાનાં હોય ત્યાં રેબિગ કરે છે જેથી તે જમીનમાં પ્રબળ છોડો ઊગી નીકળે છે. રેબિગથી ખાતર બળી બળી જાય છે તેની સાથે ઘાસનાં બી પણ બળી જાય છે. ધરુવાડિયાનું ધરુ રોપવાના કામમાં લે છે. બેલગામ, ધારવાડ, કાનડા જિલ્લા અને મુંબઈ ઇલાકાના બીજા ભાગોમાં ડાંગરને રોપવામાં આવતી નથી, પણ છાંટવામાં કે ઓરવામાં આવે છે. છાંટવાની ડાંગર વરૂડ કરવામાં આવે છે એટલે પાણીમાં પલાળી ઉગાડવામાં આવે છે. ડાંગરનું બીજ અથવા ફળ ઘઉંની જાતનું છે.પાણી ભરેલા પ્યાલામાં તેની અજમાયશ થઈ શકે. ધરુ અમુક કદનું થયા પછી ધાવલ એટલે કાદવ જેવી કરેલી જમીનમાં રોપી દેવામાં આવે છે. ત્યાર પછી તે પાકી જાય ત્યાંસુધી વધ્યા જ કરે છે. જે જાત વહેલી કે મોડી થનારી હોય તે પ્રમાણે ત્રણ કે ચાર માસમાં તેની કંટીઓ એટલે ડૂંડીઓ પાકી જાય છે. ડાંગરની કંટી કે કણસલાની શાખાઓ છેટે છેટે હોય છે, ઘઉંની માફક પાસે પાસે હોતી નથી. દરેક વિડંડિકા એટલે ભાત, જુવાર, ઘઉં, જવ, ઓટ વગેરેનાં ફૂલમાં એક ફૂલ અને સાત પુંકેસર, ગર્ભાશય અને વચ્ચે રૂંવાંદાર યોનિછત્ર હોય છે. પુંકેસર અને ગર્ભાશયના પાયા આગળ બે ઘણી નાની માવાદાર વલ્કપત્તિઓ હોય છે. જેને વલ્કી વૃંતપટા કહે છે. જયારે વિડંડિકા ખીલવા તૈયાર થાય છે ત્યારે આ ગ્લુમસ એટલે ઉપલાં છોડાંને ઉગાડવામાં મદદ કરે છે. ડાંગરમાં આત્મચેતન ક્રિયા થાય છે, કોઈ વખત પરસેચન ક્રિયા પણ થાય છે. બહારનાં બે છોડાં નાનાં હોય છે. તે પછીનાં બે મોટાં અને થોડાંઘણાં રૂંવાંદાર પણ હોય છે. ડાંગરની એવી ઘણી જાતો છે કે જેમાં બહારનાં છોડાં અંદરના છોડાં કરતાં લાંબાં હોય છે. આમાંની એક જાત બહારનાં લાંબાં છોડાંથી પાંખ જેવો આકાર દેખાવાથી પંખાળી કહેવાય છે. અમદાવાદ જિલ્લામાં આ જાત થાય છે. ડાંગરનો દાણો પાકે છે ત્યારે તેને છોડાં સખત ચોંટી રહેલાં હોય છે. તે ભરડવાથી કે ખાંડવાથી જુદાં પાડી શકાય છે. છોડાંનો રંગ તેની જાત પ્રમાણે ઝાંખો, પીળો, લાલ, ખાખી, જાંબુડો કે કાળો હોય છે.કોઈ વખત વધારે ઓછો ચટાપટાવાળો હોય છે. જ્યારે છોડાં દૂર કરવામાં આવે ત્યારે દાણો કેવો છે તે જાણાય છે. કોલાબા જિલ્લામાં થતી મહાડીનો લાલ અને ભડરીનો રંગ ધોળો હોય છે. બ્રહ્મદેશમાં કેટલીક જાતના ચોખા કાળા રંગના પણ થાય છે. પૂના જિલ્લાની આંબામોર, નાસિક જિલ્લાની કમોદ કે રાયભોગના ચોખા સુગંધિત હોય છે. થાણા જિલ્લાની કોલંબા કે પટનીની માફક કેટલાક ચોખા અસુગંધિત પણ હોય છે. મહાડી અને ભસની માફક કેટલાક ચોખા મોટા હોય છે. કોલાબાના ગોસાલવેલ અને મહાદયવારંગલના જેવા કેટલાક ચોખા લાંબા અને પાતળા હોય છે. આંબામોરના ચોખા ઘણા ટૂંકા ને સુંદર છે. ડાંગરના પાકને જીવજંતુના તેમ જ ફૂગ રોગ પણ લાગુ પડે છે. હલધરવા તથા આંજિયા નામના રોગથી ડાંગરના પાકને નુકસાન થાય છે. આમાંથી પહેલા રોગને લીધે ઘણું નુકસાન થાય છે, કારણકે તેથી દાણા બેસતા જ નથી. કંટી સફેદ અને પીછા જેવી થઈ જાય છે. રોગ લાગુ પડેલા છોડના થડની બેમાંથી નીચેની ગાંઠ ચીરવાથી અંદરની બાજુએ નાની ગોળ કાળી ચમકતી ગાંઠો દેખાશે. આ ગાંઠથી રોગ પ્રસરે છે. આંજિયાનો રોગ એટલો બધો નુકસાનકારક નથી. તેનાથી કંટીના થોડા દાણા જ બગડે છે ને બાકીની કંટી તંદુરસ્ત રહે છે. રોગવાળા દાણાનું ઘેરા લીલા ભૂકાથી ભરેલા મોટા લીલાશ પડતા લોચામાં રૂપાંતર થઈ જાય છે. આ લોચમાં ફૂગનાં બીજ હોય છે, જેનાથી રોગની ઉત્પત્તિ થાય છે. જીવાત રોગમાં ડાંગરના થડમાં પડતો કીડો ઘણો નુકસાનકારક છે, કારણકે તે થડ અને ગ્રંથિને કોતરે છે અને દાણા ભરાવામાં રોકાણ કરે છે. આ રોગમાં કંટી ધોળી અને પીછા જેવી થઈ જાય છે. ડાંગરનો છોડ ઢીંચણથી તે માથોડું પર્યંત ઊંચો વધે છે. એને સર્વ પાંદડાં જ હોય છે. એનાં પાકેલાં પાંદડાંને પરાળ કહે છે. એ પાંદડાંમાંથી ગોળ પોલી એક સળી નીકળે છે. તે સળીને છેવટે ડાંગરની ઉંબી બાઝે છે. એમાં જે દાણા થાયછે તેને ચોખા કહે છે. ચોખા એ શીતળ અને શકત્યુત્પાદક અન્ન છે. ચોખાનો લોટ કરી તેમાંથી દશમી, ભાખરી, પૂરી તથા રોટલા વગેરે પદાર્થો કરે છે. ચોખાની ખીર સારી થાય છે. ચોખાનું ઉત્તમ પકવાન્ન કેસરી ભાત થાય છે. ચોખાના લાડુ પણ થાય છે. ચોખાની કણકીને પાણી કે છાશમાં રાંધી ઘેંસ કરે છે નાનાં બાળક, રોગી તથા અશક્ત માણસને એ ઘેંસ બહુ ઉપયોગી મનાય છે. ચોખાનુંપરાળ ઢોરને ખાવાના કામમાં આવે છે. ડાંગરના તુષનો પણ ઘણો ઉપયોગ થાય છે. રાયભોગ ડાંગર ધોળી, કાળી અને રાતી એવી ત્રણ પ્રકારની થાય છે. તે સ્નિગ્ધ, મધુર, અગ્નિદીપક બલકર, કાંતિકર, ધાતુવર્ધક, પથ્યકારક, ત્રિદોષનાશક તથા લઘુ છે. રાતી ડાંગર લઘુ, સ્નિગ્ધ, મધુર, પથ્યકારક, રુચિકારક, બલકર, વર્ણકર, ચાક્ષુષ્ય, અગ્નિદીપક, મૂત્રલ, શુક્ર્લ, સ્વર્ય, હૃદ્ય તથા પુષ્ટિકારક છે અને ત્રિદોષ, રક્તરોગ, દાહ, તૃષા, વ્રણ, વાયુ, વિષ, પિત્ત,શ્વાસ, કાસ તથા જવરનો નાશ કરે છે. ધોળા સાઠી ચોખા રુચિકર, શીતળ, બલકર, પથ્ય, વીર્યવર્ધક, ગ્રાહક, દીપન તથા મીઠા છે. તે તાવ તથા ત્રિદોષનો નાશ કરનાર મનાય છે. કાળા સાઠી ચોખા ગુણમાં અધિક છે. દેવ ડાંગર કૃષ્ણ, પાટલ, શાલીમુખ, કુક્કુટાંડ અને જંતુભેદ એવા પાંચ પ્રકારની છે. તે પાકકાળે મધુર, શીતળ, મલસ્થંભક તથા અભિષ્યદકારક છે. એમાં કાળી વધારે ગુણવાળી છે. ડાંગરનાં નામ: કોલર, સાઠી, મઠી, જીરાસાળ, સૂતરસાળ, વાંકલો, વાંકલી, ગાંળાસાળ, પરિમલ, સુખવેલ, બાસમતી, લક્ષકારી, અલાયચી, પરિમલ, સુખવેલ, બાસમતી, લક્ષકારી, અલાયચી, બોરી ઉતાવળી, પંખાળી કમોદ,લીલીપટી, કલુડી.
|