5 |
|
स्त्री. |
તત્ત્વજ્ઞાન સંબંધી હરકોઈ ગ્રંથ. ગીતા એ શબ્દ સાતસો શ્લોકવાળી ભગવદ્ગીતાને લાગું પાડવા ઉપરાંત રૂઢ અર્થમાં તત્વજ્ઞાન ઉપરના અનેક ગ્રંથોને લાગુ પાડવામાં આવેલો જોવામાં આવે છે. દાખલા તરીકે, મહાભારમાં શાંતિપર્વમાં આવેલા મોક્ષપર્વમાં કેટલાક પરચૂરણ પ્રકરણ પિંગલગીતા, શંપાકગીતા, મંકિગીતા, બોધ્યગીતા, વિચખ્યુગીતા, હારિતગીતા, વૃત્રગીતા, પરાશરગીતા અને હંસગીતા એવાં નામથી ઓળખાય છે. અશ્વમેધ પર્વમાં અનુગીતાના એક ભાગને બ્રાહ્મણગીતા એવી નિરાળી સંજ્ઞા આપવામાં આવી છે. આ સિવાય અવધૂતગીતા, અષ્ટાવક્રગીતા, ઈશ્વરગીતા, ઉત્તરગીતા, કપિલગીતા, ગણેશગીતા, દેવીગીતા, પાંડવગીતા, બ્રહ્મગીતા, ભિક્ષુગીતા, યમગીતા, રામગીતા, વ્યાસગીતા, શિવગીતા, સૂતગીતા, સૂર્યગીતા વગેરે એવી બીજી પણ અનેક ગીતા પ્રસિદ્ધ છે. આમાંની કેટલીક સ્વતંત્ર નિરૂપણરૂપ છે અને બાકીની નિરનિરાળાં પુરાણોમાં આવેલી છે. આમ અનેક ગીતા હોવા છતાં નીચેની ચૌદ ગીતા પ્રસિદ્ધ મનાય છે: ગણેશગીતા, શિવગીતા, રામગીતા, અવધૂનગીતા, ભગવદ્ગીતા, પાંડવગીતા, ગુરુગીતા, ગર્ભગીતા, ઉત્તરગીતા, બ્રહ્મગીતા, હંસગીતા, યમગીતા, નિરંજનગીતા અને કપિલગીતા.
|
8 |
|
स्त्री. |
શ્રીમદ્ ભગવદ્ગીતા. ભગવદ્ગીતા ઉપનિષદનું ગીતા સંક્ષિપ નામ છે. ઉપનિષદ શબ્દ સંસ્કૃતમાં સ્ત્રીલિંગી છે, જોકે ગુજરાતી અને મરાઠી ભાષામાં એ શબ્દ નપુંસકલિંગમાં વપરાય છે. એ શબ્દ સ્ત્રીલિંગનો હોવાથી શ્રી ભગવાને ગાયેલી એટલે ઉપદેશેલી, કહેલી ઉપનિષદ એ અર્થમાં સંસ્કૃત ભાષામાં શ્રીમદ્ ભગવદ્ગીતા ઉપનિષત્ એવો વિશેષણ વિશેષ્યરૂપ સ્ત્રીલિંગમાં પ્રયોગ થાય છે. આ ગ્રંથ જો કે એક જ છે તોપણ સન્માનના અર્થમાં બહુવચનમાં તે ગ્રંથનો નિર્દેશ કરવાની પદ્ધતિ હોવાથી દરેક અધ્યાયના અંતમાં શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ એવો સપ્તમી વિભક્તિમાં બહુવચનમાં પ્રયોગ થયેલો છે. આચાર્યેના ભાષ્યોમાં પણ તે જ પ્રમાણે ઇતિ ગીતાસુ એવો આ ગ્રંથને ઉદ્દેશીને બહુવચનમાં જ પ્રયોગ જોવામાં આવે છે. પછી આ ગ્રંથનું ટૂંકું નામ આપવાને વખતે કેન, કઠ, છાંદોગ્ય વગેરે નામમાં જેમ ઉપનિષદ શબ્દ કાઢી નાખીને એકલાં નામ રહેલાં જોવામાં આવે છે, તેમ `શ્રીમદ્ ભગવદ્ગીતા ઉપનિષત્`એ એકવચનમાં તે પદના પ્રથમાન્તનો લોપ કરી પહેલે `ભગવદ્ગીતા` અને છેવટે માત્ર `ગીતા` એવો સ્ત્રીલિંગી વાત્સલ્યસૂચક અતિ ટૂંકો પ્રયોગ થયેલો છે. ગીતા શબ્દ ગૈ એટલે ગાવુ ધાતુ ઉપરથી કર્મણિ ભૂતકૃદંતનું સ્ત્રીલિંગ રૂપ છે. તેનો અર્થ ગવાયેલી એવો થાય છે. વિશેષણ અને વિશેષ્ય વચ્ચે સમાન લિંગ, વિભક્તિ અને વચન હોવાં જોઇએ તેથી ગીતા ઉપનિષદ એ પ્રયોગ શુદ્ધ છે. ઉપનિષત્ શબ્દ મૂળથી જ ન હોત તો ભાગવતમ્, ભારતમ્, ગોપીગીતમ્, આ શબ્દો પ્રમાણે આ ગ્રંથનું નામ પણ ભગવદ્ગીતમ્ અથવા માત્ર ગીતમ્ એવું નપુંસકલિંગી જ હોત; તેમ ન થતાં ભગવદ્ગીતા અથવા ગીતા એવું સ્ત્રીલિંગ નામ જે કાયમ થયું છે તે ઉપરથી ગીતા એ શબ્દ પછી ઉપનિષત્ શબ્દ હમેશા અધ્યાહાર રહે છે. લાખ શ્લોક પૂરતો મહાભારત ગ્રંથ છે, જેમાં ૧૮ મુખ્ય પર્વ છે; તેમાંના છઠ્ઠા ભીષ્મ પર્વના ૨૫ થી ૪૨ સુધીના ૧૮ અધ્યાય એઠલે ૭૪૫ શ્લોકનું આ નાનકડું પ્રકરણ છે. તેમાં શ્રીકૃષ્ણ અથવા કેશવના કહેલા ૬૨૦, અર્જુનના ૫૭, સંજયના ૬૭ અને ધૃતરાષ્ટ્રનો ૧ શ્લોક મળી કુલ ૭૪૫ ગીતાનું માન કે માપ કહ્યું છે. તેમાંથી હાલ માત્ર ૭૦૦ શ્લોક જ મળે છે. પાંડવકૌરવ વચ્ચેના યુદ્ધની શરૂઆત પહેલાં અર્જુનને મોહ થયો,ત્યારે પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી, સર્વે ઉપનિષદયુક્ત વેદશાસ્ત્રના સારરૂપ આ ગીતાશાસ્ત્ર કહી સંભળાવ્યું હતું. અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાન વચ્ચેની આ સંવાદાત્મક આખ્યાયિકા છે. એના છ છ અધ્યાયના ઝૂમખાને ષટ્ક કહે છે. ગીતામાં એવાં ત્રણ ષટ્ક છે. પ્રથમ છ અધ્યાયના ષટ્કમાં કર્મકાંડનું, બીજામાં ભગવદ્ભક્તિનું અને ત્રીજામાં જ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણા આર્યધર્મનું મૂળ વેદ છે અને તે વેદના કર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણ વિભાગમાંનો જે જ્ઞાનકાંડ તે અંતિમ ફલરૂપ હોઇ બીજા બે કાંડનો નિયામક છે. એ જ્ઞાનનો જેમાં સંગ્રહ છે તેવા ઉપનિષદ્ગત જ્ઞાનને શ્રીવ્યાસજીએ ગીતામાં સર્વાંશે સંગ્રહી સ્પષ્ટ કરેલ છે. ૐ એ શબ્દબ્રહ્મમાંથી બધી અપરા વિદ્યા વિસ્તરી છે. જેમકે, ૐ માંથી વ્યાહૃતિ, તેમાંથી ગાયત્રી, તેમાંથી વેદ, તેમાંથી ઉપનિષદ અને તેમાંથી ગીતા બ્રહ્મસૂત્ર આદિ. ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા એ પ્રસ્થાનત્રયનો સમન્વય સાધીને તેમાંથી જ શંકર, રામાનુજ, વલ્લભ, મધ્વ આદિ આચાર્યોએ પોતપોતાના મત પ્રવર્તાવેલા છે. ગીતા એ આપણા ધર્મગ્રંથોમાં એક અત્યંત તેજસ્વી અને નિર્મલ રત્ન છે. પિંડબ્રહ્માંડના બોધપૂર્વક આત્મવિદ્યાનાં ગૂઢ અને પવિત્ર તત્ત્વોને, થોડામાં પણ સંદેહ ન રહે તેવી રીતે કહી, તેના આધારથી મનુષ્યમાત્રને પોતાની આધ્યાત્મિક પૂર્ણ અવસ્થા એટલે પરમ પુરુષાર્થનું જ્ઞાન કરાવી આપનાર અને તેની સાથે જ ભક્તિનો જ્ઞાન જોડે અને આખરે તે બંનેનો શાસ્ત્રથી પ્રાપ્ત થતા વ્યવહાર જોડે સુંદર અને સારી રીતે સાંકળેલો યોગ કરાવી સંસારથી ભમી ગયેલ મનને શાંત અને વિશેષ કરીને નિષ્કામ કર્તવ્યના આચરણમાં પ્રવૃત્ત કરનાર છતાં બાલકોથી પણ સમજી શકાય તેવો, એના જેવો બીજો ગ્રંથ માત્ર સંસ્કૃતમાં જ શું, પણ જગતના કોઇ પણ વાઙ્મયમાં મળવો મુશ્કેલ છે. વેદ પણ બ્રહ્માને પ્રેરણા થઇ તે મુજબ તેના મુખમાંથી નીકળ્યા, જ્યારે સ્મૃતિઓ તો તેના અર્થ સ્મરણ કરી ઋષિઓએ કહી એવાં શાસ્ત્ર છે, પણ ગીતાજી તો જેની નાભિમાંથી બ્રહ્મા પ્રગટ્યા તે પદ્મનાભના સાક્ષાત્ શ્રીમુખથી નીકળેલ છે એટલે તેની શ્રેષ્ઠતા તે રીતે પણ અતિ વિશેષ છે. શ્રીભગવાન પોતે પણ ગીતાનું માહાત્મ્ય દર્શાવતાં કહે છે કે, ગીતા તો મારૂં હૃદય છે, હું ગીતાને આધારે રહ્યો છું, ગીતા એ મારૂં ઉત્તમ મંદિર છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને ત્રણે લોકનું હું પાલન કરૂં છું. ગીતા એ મારી પરમ વિદ્યા છે, બ્રહ્મસ્વરૂપા છે, ૐકારના ઁ એટલે મ્કારરૂપ અર્ધમાત્રાવાળી છે, અવિનાશી છે અને ગૂઢ અર્થથી ભરેલાં પદોવાળી છે. એમાં સંશ્ય નથી. તત્ત્વજ્ઞાનમાં મસ્ત બની સંન્યાસી થવું સારૂં કે ઘડામથલવાળી અવડચટ્ટી રાજકીય ધમાલમાં પડીને રાજનીતિજ્ઞ તરીકે પંકાવું તે સારૂં, તેનો એસ્ટિટોટલે કરેલો નિર્ણય પણ ગીતામાં છે. મનુષ્ય જે કાંઇ પાપ કરે છે તે અજ્ઞાનને જ આભારી છે એવો જે સોક્રેટીસનો મત છે, તેનો પણ ગીતામાં સમાવેશ થયેલ છે. પરમ જ્ઞાનની દશાએ પહોંચેલા પુરુષનું વર્તન સર્વને માટે પ્રમાણભૂત હોય છે એવો એપીક્યુરિયન અને સ્ટોઇક પંથોના ગ્રીક પંડિતોનો મત પણ ગીતાને માન્ય છે. દરેક મનુષ્યે માનવજાતિના શ્રેય માટે શ્રમ લેવો જ જોઇએ, એવી મિલ, સ્પેન્સર વગેરે આધિભોંતિકવાદીઓની જે નીતિ છે, તેનો યે ગીતામાં યોગ્ય રીતે સંગ્રહ થયો છે. કેન્ટ ને ગ્રીન જેવા નીતિજ્ઞોના ઇચ્છાસ્વાતંત્ર્યના સિદ્ધાંતો પણ ગીતામાં આવેલા છે. વાસનાનો ક્ષય કરવો એ જ મનુષ્યમાત્રનું કર્તવ્ય છે એવો શોપનહોંએરનો સિદ્ધાંત પણ ગીતાને ગ્રાહ્ય છે અને વાસનાની નિષ્કામતા તેમ જ સદાચાર કે નીતિનું મૂળ છે એવી ડાયસનની માન્યતાનું યે ગીતામાં પ્રતિપાદન થયેલું છે. ગીતામાં કર્મયોગીને કર્મ, જ્ઞાનમાર્ગીને જ્ઞાન, ભક્તને ભક્તિ, અદ્વેંતવાદીને અદ્વૈતભાવ, દ્વેતવાદીને દ્વૈતભાવ, પ્રવૃત્તિપરયણને પ્રવૃત્તિ, નિવૃત્તિપરાયણને નિવૃત્તિ, સંસારીને વ્યવહાર, રાજનીતિજ્ઞને રાજનીતિ અને દેશભક્તને દેશભક્તિ દૃષ્ટિગોચર થાય છે, પણ વાસ્તવિક રીતે તો ગીતાની રગેરગમાં સમત્વ સિવાય બીજું એવું પ્રધાન તત્ત્વ ભાગ્યે જ લાધે છે. જેમકે, (૧) સુખદુ:ખે સમ મોક્ષને પાત્ર છે. (૨) લાભાલાભે, જયાજયે સમને પાપ નથી. (૩) સિદ્ધિઅસિદ્ધિમાં સમ એ જ યોગ. (૪) શુભાશુભમાં સમને સ્થિતિપ્રજ્ઞ કહે છે. (૫) સિદ્ધિઅસિદ્ધમાં સમને બંધન નથી. (૬) સાંખ્ય ને યોગ જેને સમ છે એ જ દ્રષ્ટા છે. (૭) સર્વને સમ જાણનાર લેપાતો નથી. (૮) પંડિતો બ્રાહ્મણ ગાય હસ્તિ આદિમા સમદર્શી છે. (૯) પ્રિયઅપ્રિયમાં સમ બ્રહ્મમય થાય છે. (૧૦) સમલોષ્ટશ્મકાંચન યોગી કહેવાય છે. (૧૧) સુહૃદ્, અરિ, સજ્જન ને પાપીમાં સમબુદ્ધિ રાખનાર શ્રેષ્ઠ છે. (૧૨) સમદર્શી પરમ યોગી છે. (૧૩) સમબુદ્ધિ પ્રભુને પામે છે. (૧૪) સુખદુ:ખે, હર્ષશોક, શુભાશુભ અને માનાપમાને સમ એ જ પ્રિય ભક્ત છે. (૧૫) ઇષ્ટ અનિષ્ટમાં સમચિત્ત એ જ્ઞાન છે. (૧૬) ઈશ્વરને સમજનાર પરમ બુદ્ધિને પામે છે. (૧૭) પૃથક્ભાવે જે સમભાવી તે બ્રહ્મ પામે છે. (૧૮) સમલોષ્ટાશ્મકાંચન ગુણાતીત છે. (૧૯) પ્રિયઅપ્રિયે, માનાપમાને અને મિત્રઅરિમાં સમ તે ગુણતીત છે. (૨૦) સર્વભૂતે સમભાવ એ જ સાત્ત્વિક જ્ઞાન છે. (૨૧) સિદ્ધિઅસિદ્ધિમાં સમને સાત્ત્વિક કર્તા કહે છે. (૨૨) પ્રવૃત્તિનિવૃત્તિમાં સમ એ જ સાત્ત્વિક બુદ્ધિ છે. (૨૩) સર્વભૂતે સમ પરમ ભક્તિ પામે છે. તાત્પર્ય કે ગીતામાં મોક્ષ, યોગ, સ્થિતપ્રજ્ઞ, મુક્તિ, દ્રષ્ટા, નિર્લેપ, સમદર્શી, બ્રહ્મમય, યોગી, શ્રેષ્ઠ, પરમ યોગી, પ્રિય ભક્ત, જ્ઞાન, પરમબુદ્ધિ, બ્રહ્મપ્રાપ્તિ, ગુણાતીત, સાત્ત્વિક જ્ઞાન, સાત્ત્વિક કર્તા, સાત્ત્વિક બુદ્ધિ અને પરમ ભક્તિ આદિની વિવિધ વ્યાખ્યાઓ આપતાં જુદેજુદે પ્રસંગે તેનાં લક્ષણ તરીકે માત્રએક સમત્વને જ પ્રધાનપદ આપવામાં આવ્યું છે, તે ગીતાકારના જ શબ્દોનું પ્રત્યક્ષ પ્રમાણ છે. વિભિન્ન મતોનું સંગતિકરણ કરીને તેમની અંદર જે અભેદ છે, તે પ્રતિ અભ્યાસકોનું આકર્ષણ કરાવવા માટે ગીતાશાસ્ત્ર ઉત્પન્ન થયેલું છે. બાકી તો ગીતાના ઉપદેશ અનુસાર આચરણ કરીને જ `ગીતા સુગીતા` પરિણમે. ગીતા એ એક શાશ્વત માગદર્શિકા છે. તેનો ઉદ્દેશ તો આપણા હૃદયની અંદર દીવો કરીને તે હૃદય આપણી પાસે તપસાવવાનો છે.
સૌ ઉપનિષદો ગાયો દ્હોનારા નંદનંદન, પાર્થ વચ્છ, સુધી ભોક્તા, દૂધ ગીતા અમી વડું. – ગીતા માહાત્મ્ય
હિંદુસ્તાનની સર્વ પ્રાકૃત ભાષા ઉપરાંત અરબી ફારસીમાં આ ગ્રંથનાં અનેક ભાષાંતર, તેના ઉપર અનેક ટીકા અને તેનાં અનેક નિરૂપણ થયાં છે. પાશ્ચાત્ય સંસ્કૃતિનો ઉદય થયો તે પછી ગ્રીક, લેટિન, જર્મન, ફ્રેંચ, અંગ્રેજી વગેરે ભાષાઓમાં પણ ગીતાનાં અનેક ભાષાંતર થયાં છે. ભારતીય યુદ્ધને આરંભે શ્રીકૃષ્ણે અર્જુનને જે ગીતા ઉપદેશેલી છે તેનો પછી લોકમાં કેવી રીતે ફેલાવો થયો તેની પરંપરા હાલના મહાભારતમાં એવી રીતે વર્ણવેલી છે કે, યુદ્ધને આરંભે વ્યાસ ધૃતરાષ્ટ્ર પાસે ગયા અને તેને કહ્યું કે યુદ્ધ જોવાની તારી ઇચ્છા હોય તો હું તને દિવ્યચક્ષુ આપું. પરંતુ મારા કુલનો ક્ષય થતો જોવાની મારી ઇચ્છા નથી એવો ધૃતરાષ્ટ્રે જવાબ આપ્યો ત્યારે વ્યાસે સંજય નામના સૂત જે ત્યાં હતા તેને ત્યાં ને ત્યાં જ બેઠાં બેઠાં જ બધું પ્રત્યક્ષ જ્ઞાન થાય એવી દિવ્યદૃષ્ટિ આપી અને તેણે ધૃતરાષ્ટ્રને બધી યુદ્ધની હકીકત કહેવી એવી વ્યવસ્થા કરી વ્યાસજી ત્યાંથી ચાલ્યા ગયા. પછી આ વ્યવસ્થા પ્રમાણે યુદ્ધમાં ભીષ્મ પડ્યા ત્યારે તેની ખબર આપવા પહેલાં સંજય તેમની પાસે ગયા. ત્યારે ભીષ્મ માટે શોક કરી યુદ્ધની સર્વ હકીકત કહેવાને ધૃતરાષ્ટ્રે સંજયને આજ્ઞા કરી. સંજયે પહેલાં બંને પક્ષના સૈન્યનું વર્ણન કર્યું અને પછી ધૃતરાષ્ટ્રના પ્રશ્ન ઉપરથી ગીતા કહેવાની શરૂઆત કરી. તે જ હકીકત પછીથી વ્યાસે પોતાના શિષ્યોને, તે શિષ્યો માંહેના વૈશંપાયને જનમેજયને અને છેવટ સૂતે શૌનકને કહેલી છે. ગીતા અભ્યુદય અને આત્યંતિક કલ્યાણનું સાધન છે. મનુષ્યમાત્ર એનો અધિકારી છે. કર્મયોગ એનો પ્રતિપાદ્ય વિષય છે. ગીતા એટલે આત્મજ્ઞાનપૂર્વક ભક્તિભાવે નિષ્કામ કરવા પ્રેરનારૂં દૈવી ગીત. પરમાત્માના મધુરતમ વાક્યોની એ સંહિતા છે. મંગલ વાણીનો એ સંગ્રહ છે. એ પરમ કવિનું પરમ જીવનકાવ્ય છે. આ ગ્રંથ ભગવાનના મુખકમળમાંથી સરેલાં વાક્યોનો સમૂહ છે. ગીતાની અંદર સાંખ્ય અને વેદાંતનો સંન્યાસ પાંચ રાત્રનો કર્મયોગ, હિંદી સંતોનો ભક્તિયોગ અને પતંજલિનો ધ્યાનયોગ એ બધાને સમાવેશ થયેલો જોવામાં આવે છે. શંકર આખી ગીતાને સંન્યાસ પ્રતિપાદન કરતી બતાવે છે, જ્યારે તિલક કર્મયોગ પ્રતિપાદન કરતી બતાવે છે, શંકર આગ્રહપૂર્વક કહે છે કે કર્મ ચિત્તશુદ્ધિ માટે જ ઉપયોગનું છે. માત્ર સંન્યાસથી મેળવી શકાતા મોક્ષ મળ્યા પછી જ તે છોડી દેવા યોગ્ય છે. વિશિષ્ટાદ્વૈત અને ભક્તિમાર્ગના સિદ્ધાંત પ્રમાણે રામાનુજ ગીતાનો જુદી જ રીતે અર્થ કરે છે. પોતાના દ્વૈત સિદ્ધાંત પ્રમાણે માધવ વળી ત્રીજી જ રીતે સમજાવે છે. વલ્લભ એથી યે આગળ જઇને શ્રીકૃષ્ણની ભક્તિરૂપે દુનિયાના સુખનો ઉપદેશ કરે છે. પણ ગીતા એ બધાને મધ્યમ માર્ગ સૂચવે છે. નૈતિક તત્ત્વવિદ્યા એવું પ્રતિપાદન કરે છે કે નૈતિક કર્તવ્યનો પાયો એવો હોવો જોઇએ કે જેથી મોટામાં મોટી સંખ્યાનું વધારેમાં વધારે ભલું થાય. તિલક એમ દલીલ કરે છે કે ગીતાના કહેવા પ્રમાણે આખી દુનિયામાં પ્રસરી રેહલા બ્રહ્મના સિદ્ધાંત ઉપર જ નીતિનો આધાર રહેલો છે આત્મૌપમ્ય અથવા બીજા તરફથી જેવી વર્તણૂક તમે ઇચ્છો તેવી જ રીતે તમારે બીજાઓ તરફ વર્તવું જોઇએ.
|