1 |
[ સં. ] |
पुं. |
ગવૈયો; ગાવાનો ધંધો કરનાર માણસ; ગાન કરી આજીવિકા ચલાવનાર માણસ. જે માથું ધુણાવનાર ન હોય, શરીરના બધા અવયવોથી પૂરો હોય, નઠારા રાગવાળો ન હોય, રાગ, માર્ગ તથા લયને જાણનારો હોય, ત્રણ પ્રકારના સ્થાયી સ્વરોને સ્થાપન કરવામાં કુશળ એટલે સ્થાયીને ફેલાવવામાં હોશિયાર હોય, ભાવ બતાવવામાં ડાહ્યો, સુસ્વરનો, તાલમાં નિપુણ, રાગના માર્ગમાં બુદ્ધિવાન, અકળામણ વિનાનો, સારા રૂપવાળા સ્વરોના અલંકારનો બનાવનાર, સભાક્ષોભ વગરનો અને રૂઢ મનનો જે પુરુષ હોય તે ઉત્તમ ગાયક ગણાય છે. તેને વ્યાકરણશાસ્ત્ર, છંદના ભેદ, ઉપમા વગેરે અલંકાર, અનુપ્રાસ, નવ રસ, બધી કલા, સંગીત, નૃત્ય, વાદ્ય, દ્રુતાદિ લય અને તાલનું પણ સારૂં જ્ઞાન હોય છે. વળી તે સભાને જીતવામાં વાફપટુ, રાગદ્વેષ નહિ કરનાર, આર્દ્ર ચિત્તવાળો, ઉચિત અનુચિતને જાણનાર, સુંદર વાણીના પ્રબંધ કરનાર, નવી નવી ચીજોને બનાવનાર, બીજાના ચિત્તને જાણનાર, પ્રબંધ રચવામાં ચતુર, દ્રુતગીતોને રચનાર, વિવિધ પ્રકારનાં ગીતોની છાયાનું અનુકરણ કરી ગીત કરનાર, ગમકોમાં ચતુર, રાગાલાપ અને રૂપકાલાપમાં પ્રવીણ, એકાગ્ર ચિત્તવાળો, અવધાની અને સુંદર ગુણોથી યુક્ત હોય છે.
|