1 |
[ સં. ભક્ત ] |
पुं. |
ડાંગર; સાળ; શાલિ; કમોદ; ચોખા. જગતમાં આ ધાન્યનો સર્વ વસતી થોડોઘણો ઉપયોગ કરે છે. એની ઉત્પત્તિ ઘણું કરીને ઉષ્ણ દેશમાં થાય છે. ભારતમાં આ ધાન્ય સર્વત્ર નીપજે છે. બંગાળમાં ઉચ્ચ કોટિના ઘણા ઝીણા ચોખા થાય છે. ચોખાનો છોડ ઢીંચણથી તે માથોડું પર્યંત ઊંચો વધે છે. એને સર્વ પાંદડાં જ હોય છે. એનાં પાંદડાં પાકે એટલે એને પરાળ કહે છે. એ પાંદડાંમાંથી ગોળ પોલી એક સળી નીકળે છે. તે સળીને છેડે ડાંગરની ઉંબી બાઝે છે. એમાં ડાંગર થાય છે. એમાં જે દાણા આવે છે તેને ચોખા કહે છે. ડાંગરમાં જેટલી જાત છે તેટલી કોઇ પણ ધાન્યમાં નથી. જે ડાંગર ત્રણથી ચાર સાડાચાર મહિનામાં પાકે છે તેને હળવી કહે છે જે પાંચથી છ મહિના સુધીમાં પાકે છે તેને ગરવી કહે છે. ગરવી ડાંગર પહેલા નંબરની જમીનમાં થાય છે. કમોદ, બંગાળી કમોદ, પંસાળ, આંબામોર, રાયભોગ, જીરાસાળ, કાળીસાળ, રાતીસાળ, ખેરસાળ, ચીમેણસાર, વાંકસાળ, કોથંબરી, રાજાવળ તથા ઇલાયચી ઇત્યાદિ જાતિની ડાંગર ઉત્તમ થાય છે. ચોખા એ શીતળ અને શક્તિઉત્પાદક અન્ન છે. ઘણા લોકોનો મુખ્ય ખોરાક ચોખા જ છે. ડાંગરના જુદા જુદા પુષ્કળ પ્રકાર છે. તેના ચોખા કરી બાફી ભાત કરે છે. ભાતનું ઓસામણ ઘણું ઠંડું અને પૌષ્ટિક મનાય છે. ચોખાનો લોટ કરી તેની દશમી, ભાખરી, પૂરી તથા રોટલા વગેરે પદાર્થો કરાય છે. ચોખાની ખીર સારી થાય છે. ચોખાનું ઉત્તમ પકવાન્ન કેસરી ભાતનું થાય છે. ચોખાના લાડુ વગેરે બીજાં પકવાન્નો પણ થાય છે. ચોખાની કણકીને પાણી કે છાશમાં રાંધી ઘેંસ કરે છે. નાનાં બાળક, રોગી તથા અશક્ત માણસોને એ ઘેંસ બહુ ઉપયોગી ગણાય છે. ચોખામાં તુવેરની કે મગની દાળ નાખી તેની ખીચડી કરે છે. તે સાદા ભાત કરતાં પૌષ્ટિક ગણાય છે. ચોખાના પૌંઆ તથા મમરા પણ બનાવે છે. તેનું પરાળ ઢોરને ખાવાના કામમાં આવે છે. ડાંગરના તુષનો પણ ઘણો ઉપયોગ થાય છે. ડાંગરના મુખ્ય પ્રકાર નીચે પ્રમાણે છે: રાયભોગ ડાંગર; તે ધોળી, કાળી અને રાતી એમ ત્રણ પ્રકારની થાય છે. તે સ્નિગ્ધ, મધુર, બલકર, અગ્નિદીપક, કાંતિકર, ધાતુવર્ધક, પથ્ય, ત્રિદોષનાશક તથા લઘુ છે. રાતી ડાંગર: તે લઘુ, સ્નિગ્ધ, મધુર, પથ્ય, રુચિકારક, બળકર, વર્ણકર, ચાક્ષુષ, અગ્નિદીપક, મૂત્રલ, શુકલ, સ્વર્ય, હૃદ્ય તથા પુષ્ટિકારક છે અને ત્રિદોષ, રક્તરોગ, દાહ, તૃષા, વ્રણ, વાયુ, વિષ, પિત્ત, શ્વાસ, કાસ તથા જવરનો નાશ કરે છે. ધોળા સાઠી ચોખા; તે રુચિકર, શીતળ, બલકર, પથ્ય, વીર્યવર્ધક, ગ્રાહક, દીપન તથા મીઠા છે અને તાવ તથા ત્રિદોષનો નાશ કરે છે કાળા સાઠી ચોખા; ગુણમાં અધિક છે. દેવ ડાંગર; તે મધુર, શીતળ, મલસ્તંભક તથા અભિષ્યંદારક છે.
રૂઢિપ્રયોગ
ભાતનો સુરમો = રોમપક્ષનું ભાતને નુક્સાન કરનાર કીટક. તે ખાસ કરીને ડાંગર, જુવાર અને મકાઈને ઘણું નુક્સાન કરે છે.
|