न.
[ અં. બૉક્સિંગ ]
એ નામની કુસ્તી જેવી એક રમત; મુષ્ટિયુદ્ધ. આ કસરતથી માણસ પોતાની જાતને બચાવવાનું કૌશલ્ય પ્રાપ્ત કરે છે, તેમ જ તે ફસાણો હોય, ત્યારે આક્રમણ કરવાની કળા મેળવે છે. તેનાથી લડવાના જુસ્સાને ઘણો જ વેગ મળે છે અને આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય છે. આ કસરત સાધારણ વિદ્યાર્થીઓમાં હજુ બરાબર ઉત્સાહ ઉત્પન્ન કરી શકી નથી. માબાપ તેને ભયંકર કસરત માને છે. આ વસ્તુસ્થિતિ થોડેઘણે અંશે સત્ય પણ છે, પણ જુવાન વયના છોકરાઓને માટે તે ઘણો ઉત્સાહ તેમ જ જુસ્સો પ્રેરે છે. શરૂઆતમાં ખાસ ખયાલ એ રાખવાનો હોય છે કે, શિક્ષકે અસમાન વજનના છોકરાઓને કદી સામસામા રાખવા નહિ. બીજું, શિક્ષકે પહેલાં પોતાની સાથે છોકરાને મુષ્ટિયુદ્ધ કેમ કરવું તે બરાબર તેની ખૂબીઓની સાથે શિખવાડવું. જ્યાંસુધી વિદ્યાર્થીને બરાબર ન આવડતું હોય, ત્યાંસુધી ભારે પ્રહારો કરવા નહિ. જે જગ્યાએ મુષ્ટિયુદ્ધ કરવામાં આવતું હોય, તે જગ્યાની આસપાસ ચોખંડ મર્યાદા બાંધવાની હોય છે. તેને માટે સાધારણ કાથીનું દોરડું પણ ચાર ખૂણા ઉપરના ચાર થાંભલાને ફરતું વીંટાળવામાં આવે છે. ખાસ બનાવટના ચામડાનાં હાથમોજાંની પણ આમાં જરૂર પડે છે. બોક્સિંગ રમનાર હમેશા પોતાનો ડાબો પગ આગળ રાખીને ઊભો રહે. પછી પગલું આગળ ભરે ત્યારે ડાબો અંગૂઠો હમેશા પ્રતિસ્પર્ધી તરફ રાખે અને જમણો અંગૂઠો હમેશા સહેજ આગળની બાજુએ વળેલો રાખે. શરીરનું વજન બંને પગ ઉપર સમતોલ ગોઠવવું અને એડી જમીનથી જરા ઊંચી રાખવી. ડાબો હાથ હમેશ આગળ કોણી આગળથી વળેલ રાખવો અને હાથનો ખભાથી કોણી સુધીનો ભાગ હમેશા શરીરને અડાડીને રાખવો. જમણો હાથ પોતાના બચાવ માટે શરીરની આગળ અને મૂઠી દાઢી નીચે રાખવી. દાઢીને ડાબા ખભા પાસે રાખવી. આ સ્થિતિ તદ્દન અનુકૂળ, ચપળતા ભરેલ તેમ જ આક્રમણ કે બચાવ માટે સુલભ છે. બોક્સિંગની અંદર યોગ્ય રીતે થતું પગનું કાર્ય મહત્ત્વનો ભાગ ભજવે છે. સામાન્ય રીતે ડાબો પગ જમણા પગની આગળ રાખવો, જેથી દરેક જાતની હિલચાલ થઈ શકે તેમ જ સામા માણસ ઉપર પ્રહાર થઈ શકે. કોઈ વખત પગની આંટી આવે તેમ ઊભા રહેવું નહિ, તેમ જ તેવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય તેનો ખયાલ રાખવો. જ્યારે બાજુ ઉપર ખસવાનો પ્રસંગ આવે, ત્યારે પહેલાં જે બાજુ ખસવું હોય તે પણ ઉપાડવો અને પછી બીજો પગ ખસેડવો. આગળપાછળ, આજુબાજુ હમેશ નાના પગલાથી ખસવું, પણ કદી મોટી ડાંફો ભરવી નહિ. બોક્સિંગના ખેલાડીએ હમેશા પોતાની નજર પોતાના હરીફ ઉપર રાખવી જોઈએ. આ રમતમાં ઘણા પ્રકારના ફટકા મારવામાં આવે છે. સૌથી સુંદર ફટકા સીધા ડાબી બાજુ, સીધા જમણી બાજુ, રાઈટ હૂક, લેફ્ટ હૂક અને નોકઆઉટ છે. સીધી ડાબી બાજુનો પ્રહાર કરવામાં ડાબા હાથની મૂઠી વાળી જમણો પગ આગળ લઈ સામાવાળાના મોઢા ઉપર કે શરીરમાં મારવું. ડાબો પગ થોડો થોડો આગળ આવે, અંગૂઠો આગળની બાજુ અને જમણો પગ જમીન સાથે બરાબર સ્થિર રહે. જમણી બાજુનો પ્રહાર કરવામાં સાધારણ રીતે બોક્સિંગનો ખેલાડી હમેશ પોતાના ડાબા હાથથી પ્રહારની શરૂઆત કરે છે અને જમણો હાથ હમેશ બચાવ માટે રાખે છે. કોઈ કોઈ વાર તેનાથી પણ તક મળ્યે પ્રહાર કરવામાં આવે છે. જમણા હાથથી બધી જાતના સુંદર ફટકા મારી શકાય છે, તેમાં મોઢા ઉપર તથા ચહેરા ઉપર સીધા ફટકા ખાસ અસરકારક છે. જમણો હાથ આક્રમણમાં રોકાયેલો હોય ત્યારે ડાબો હાથ હમેશ બચાવનું કામ સંભાળે છે. મૂઠી હમેશ અંદરની બાજુએ વળેલી રાખવી સારી છે. શરીરનું વજન બંને પગ ઉપર બરાબર સમતોલ રાખવું અત્યંત જરૂરનું છે. આમ ડાબા હાથથી અને જમણા હાથથી ઠોંસા મારી શકાય છે. બચાવની અંદર ખાસ કરીને અડચણ દૂર કરવાના, આક્રમણ કરી હટાવવાના, માથાની આડાઅવળી હિલચાલ કરવાના, સરકવાના, પાછા હટવાના, એક બાજુ ખસવાના, સામા પ્રહાર કરવાના અને સામાવાળાને યુક્તિપ્રયુક્તિથી છેતરવાના દાવો ઘણા જ પ્રચલિત છે. સામા માણસનો પ્રહાર હથેળીથી કે એક હાથ આડો રાખવાથી રોકી શકાય છે. આક્રમણ પાછું ઠેલવામાં આગલો હાથ જરા આગળ રાખવો કે જેથી સામાનો પ્રહાર પાછો ઠેલાય. માથાની હિલચાલ ઉપર નીચે આડીઅવળી કરવાથી પણ સામાનો પ્રહાર રોકી શકાય છે. માથાની હિલચાલ વખતે પગ ખસવા ન જોઈએ. બચાવ માટે સરકવાની રીત ઘણી સારી છે, પણ તેનો ઉપયોગ ફક્ત સામાવાળો જ્યારે એકદમ ધસારો કરે ત્યારે જ થાય. જ્યારે ધસારો આવે ત્યારે બચાવ માટે જરાક જમણી બાજુ ખસવું. ખસતાં ધ્યાન રાખવાની જરૂર એટલી છે કે, પહેલાં જમણો પગ ખેસવી પછી ડાબો પગ ખેસવવો. આમ કરવાથી સામાની સીધી ડાબી બાજુ મારવાની ધારણા તદ્દન નિષ્ફળ જશે. આમ ડાબી બાજુ પણ સરકી શકાય અને તેથી જમણી બાજુનો ઘા નિષ્ફળ કરી શકાય. થોડા ઇંચ પાછળ હટવાથી પણ ઘા નિષ્ફળ કરી શકાય. હરીફનો પ્રહાર પડે તે પહેલાં જો સામો પ્રહાર કરવામાં આવે, તોપણ સામાનો ઘા નિષ્ફળ જાય અથવા બહુ જ ધીમો પડી જાય. જે જગ્યાએ પ્રહાર કરવો હોય તે જગ્યા સિવાય બીજે મારવાનો ખોટો દેખાવ કરવામાં આવે તે બોક્સિંગની એક અગત્યની યુક્તિ ગણાય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.