1 |
[ સં. બાલ ( છોકરૂં ) + ક ( લઘુતાવાચક પ્રત્યય ) ] |
न. |
બાળ; છોકરૂં; બાલક. તંદુરસ્ત બાળક સંબંધી કેટલીક માહિતી નીચે મુજબ છેઃ

બાળકના દાંતની કુલ સંખ્યા ૨૦ની હોય છે. તે નીચે પ્રમાણે આવે છેઃ બે દાંત આગલા નીચેના જડબામાં છઠ્ઠે મહિને, બે દાંત આગલા ઉપરના જડબામાં સાતમે મહિને, બે દાંત બાજુના ઉપરના જડબામાં આઠમે મહિને, બે દાંત બાજુના ઉપરના જડબામાં નવમે મહિને, બે આગલી દાઢો નીચેના જડબામાં અગિયારમે મહિને, બે આગળ દાઢો ઉપરના જડબામાં બારમે મહિને, બે રાક્ષસીઓ ઉપરના જડબામાં સત્તરમે મહિને, બે રાક્ષસીઓ નીચેના જડબામાં અઢારમે મહિને, બે પાછલી દાઢો નીચલા જડબામાં બાવીશમે મહિને, બે પાછલી દાઢો ઉપરના જડબામાં બીજે વર્ષે. બાળક માટે ગાંધીજી લખે છે કેઃ એક મહાપુરુષે કહ્યું છે કે, આપણે સ્વર્ગમાં જવું હોય તો બાળકના જેવું થવું જોઈશે. બાળકના જેવું થવું જોઈશે એનો અર્થ એ છે કે, બાળકની નિર્દોષતા અને હિંમત જોઈશે. એડ્વિન આર્નોલ્ડે એક બાળકની નિર્દોષતા સરસ રીતે વર્ણવી છે. બાળક વીંછીને પકડે છે, સાપને પણ પકડી શકે છે, આગમાં હાથ નાખી શકે છે, તેને ડરનું જરા યે ભાન નથી હોતું. બાળકોના વિકાસની પદ્ધતિ વિષે ગાંધીજી લખે છે કેઃ હરિજન બાળકો શાળામાં પહેલવહેલાં દાખલ થાય, ત્યારે તેમનાં શરીરની ઝીણવટથી તપાસ કરવી જોઈએ અને પૂરેપૂરૂં સાફ કરવું જોઈએ. એટલે કેટલાક દિવસ સુધી રોજ સૌથી પહેલું શિક્ષણ શરીર અને આસપાસની જગા સાફ રાખવાનું અને કપડાંને થીગડાં મારતાં શીખવવાનું રહેશે. કદાચ પહેલું આખું વરસ હું એમને માટે ચોપડી વાપરૂં જ નહિ. જે વસ્તુઓથી તેઓ પરિચિત હોય, તેની વાતો તેમની જોડે કરૂં અને એમ કરતાં તેમના ઉચ્ચાર સુધારૂં, વ્યાકરણનો કંઈક ખયાલ આપું ને નવા શબ્દો શીખવું. તેઓ દરરોજ જે નવા શબ્દો શીખતાં જાય તે બધા હું નોંધી રાખું અને તે જ્યાંસુધી તેમના મનમાં ચોંટી જાય, ત્યાંસુધી ફરી ફરીને વાપરૂં. શિક્ષક ભાષણ ન આપે, પણ વાતચીતની પદ્ધતિથી ભણાવે. વાતચીત દ્વારા તે પોતાના વિદ્યાર્થીઓને ઇતિહાસ, ભૂગોળ અને ગણિતનું નવું નવું જ્ઞાન આપતો જાય. ઇતિહાસનો આરંભ આપણા પોતાના સમયથી અને તેમાં પણ આપણી નજીકમાં નજીકના બનાવો ને માણસોથી થાય. ભૂગોળનો આરંભ નિશાળની આસપાસનાં સ્થાનોથી થાય. ગણિતનો આરંભ વિદ્યાર્થીના ઘરને લગતા હિસાબોથી થાય. આ પદ્ધતિ મેં જાતે અજમાવી છે, એટલે હું જાણું છું. અમુક વખતમાં પ્રચલિત પદ્ધતિથી વિદ્યાર્થીને આપી શકાય છે, તેના કરતાં પાર વિનાનું વધારે જ્ઞાન, વિદ્યાર્થીના મગજ ઉપર બોજો પાડ્યા વિના આ પદ્ધતિથી આપી શકાય છે. કક્કાના જ્ઞાનને સાવ નોખો જ વિષય ગણવો જોઈએ. અક્ષરો એ ચિત્રો હોય એવી રીતે બાળકોને બતાવવા જોઈએ, અને ઓળખીને તેનું નામ દેતાં શીખવવું જોઈએ. ચીતરવાનું શીખવતાં શીખવતાં પછી લખવાનું શીખવી દેવાય. કીડી મંકોડા જેવા અક્ષર કાઢવાને બદલે બાળકોને તેમની સામે મૂકેલા નમૂનાની સંપૂર્ણ નકલ કરતાં આવડવું જોઈએ. એટલે જ્યાંસુધી તેઓ આંગળીઓ અને કલમ ઉપર કાબૂ ન મેળવે, ત્યાંસુધી તેમની પાસે અક્ષર ન ચિતરાવવા જોઈએ. વરસમાં બાળક જેમ તેમ વાંચી શકે એટલું જ ચોપડીમાંથી શીખવીને બાળકના માનસિક વિકાસને રોકવો એ ગુનો છે. બાળકની સ્વચ્છતા ને સુઘડતા વિષે ઉલ્લેખ કરતાં ગાંધીજી જણાવે છે કેઃ મને લાગે છે કે, જેમ ચેપી રોગવાળાં બાળકોને નિશાળમાં આવવાની મનાઈ હોવી જોઈએ તેમ જ જે બાળકોનાં કપડાં કે શરીર મેલાં હોય, જેનાં કપડાં ફાટી ગયેલાં હોય, તેમને નિશાળોમાં આવવાની મનાઈ હોવી જોઈએ. જો એમ કહેવામાં આવે કે, એમ થાય તો બાળકો સુઘડતા ક્યારે ને ક્યાં શીખે ? તો તેનો ઇલાજ સહેલો છે. જે બાળક એવી સ્થિતિમાં આવે, તેને પ્રથમ તો નિશાળને લગતી એક નાહવાની જગ્યા હોય ત્યાં મોકલી નવડાવવું જોઈએ, તેનાં કપડાં તેને હાથે જ ધોવડાવવાં જોઈએ ને તે કપડાં સુકાય ત્યાં લગી તેને નિશાળમાંથી કપડાં આપવાં જોઈએ. તેનાં કપડાં સુકાઈ જાય એટલે તે પહેલી લે ને નિશાળનાં ધોઈ. સૂકવી, ગડી કરી પાછાં આપી દે. આમ કરતાં ખર્ચ વધવાનો ભય હોય તો બાળકને ચિઠ્ઠી આપી તેને ઘેર મોકલવું જોઈએ ને સાફ થઈ આવે એટલે પછી તે દાખલ થઈ શકે. બાહ્ય સ્વચ્છતા ને સુઘડતા એ તો પહેલો પાઠ હોવો જોઈએ. બાળકો ઉપર અંકુશ વિષે ઉલ્લેખ કરતાં ગાંધીજી લખે છે કે: કેટલીક વસ્તુઓને વિષે આપણે બાળકોની ઉપર અંકુશ મૂક્યા વિના ચાલશે જ નહિ. જેમકે, જંગલમાંથી આવેલું બાળક તદૄન નગ્નાવસ્થામાં હશે તેને આપણે વસ્ત્ર પહેરાવીશું જ, પછી ભલે તે તેને ઘેર જઈ નગ્ન થઈ જાય. બાળકની ભાષા ગંદી હશે તો તેને આપણે અટકાવીશું જ. આવા અનેક અનિવાર્ય પ્રતિબંધો દરેક શિક્ષક પોતાની મેળે ઘટાવી શકશે. બાળ ક્વાયત વિષે ઉલ્લેખ કરતાં ગાંધીજી કહે છે કેઃ જેમ સ્વચ્છ કપડાં તેમ જ ક્વાયત. બાળકોને ચાલતાં, બેસતાં, ઊઠતાં, હજારોની ટોળીમાં હરતાં ફરતાં પણ આવડવું જોઈએ. કોઈ બાળક ખૂંધ કાઢીને બેસે તો કોઈ પગ લાંબા કરીને, કોઈ આળસ જ મરડ્યા દરે તો કોઈ બેઠો બેઠો રડ્યા કરે. ને સાથે ચાલતાં તો તેને આવડે જ શાનું ? આ વસ્તુનું શિક્ષણ પણ બાળકોને આરંભમાં જ મળવું જોઈએ. તેથી બાળકો શોભે, નિશાળને શોભાવે ને તેમનામાં એક પ્રકારનો ઉત્સાહ પેદા થાય. વળી એમ કવાયત શીખેલાં બાળકો હજારોની સંખ્યામાં જ્યાં લઈ જવાં હોય ત્યાં મુશ્કેલી કે ખળભળાટ વિના હેરવી ફેરવી શકાય.
ઉપયોગ
બાળક માતાપિતાને અનુસરે સ્વભાવથી, જેવાં માબાપ તેવાં છે બાળકો આપણાં બધા. – ગાંતીગીતા
|