7 |
|
न. |
ક્રિયા અને ગુણ અથવા કેવળ ગુણના આશ્રયરૂપ પદાર્થ; જેમાં કેવળ ગુણ અને ક્રિયા અથવા કેવળ ગુણ હોય અને જે સમવાયી કારણ હોય તેવો પદાર્થ. વૈશેષિક મતમાં દ્રવ્ય નવ કહેલ છેઃ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિક, આત્મા અને મન. આમાંથી પૃથ્વી, જળ, તેજ, વાયુ, મન અને આત્મા એ છ દ્રવ્યમાં ક્રિયા અને ગુણ બંને છે. આકાશ, દિક અને કાળ એ ત્રણ દ્રવ્યમાં ક્રિયા નથી, ફક્ત ગુણ છે. પાંચ દ્રવ્યોમાં માત્ર ચાર સાવયવ છેઃ પૃથ્વી, જળ, તેજ અને વાયુ. આ ચારને ઉત્પત્તિ ધર્મવાળાં માન્યાં છે. તે પરમાણુરૂપે નિત્ય અને કાર્યરૂપે અનિત્ય છે. તેના પરમાણુના યોગથી સૃષ્ટિ બને છે. પ્રશસ્તપાદ ભાષ્યમાં લખ્યું છે કેઃ જ્યારે જીવોને કર્મફળ ભોગવવાનો સમય આવે છે ત્યારે જીવોના અદૃષ્ટના બળથી વાયુના પરમાણુઓમાં ચલન ઉત્પન્ન થાય છે. આ ચલનથી પરમાણુઓમાં પરસ્પર સંયોગ થાય છે. બે પરમાણુ મળવાથી દ્વયણુક અને ત્રણ દ્વયણુકોના મળવાથી ત્રસરેણુ ઉત્પન્ન થાય છે. આ રીતે એક મહાન વાયુ ઉત્પન્ન થાય છે. મહાન વાયુમાં પરમાણુઓના પરસ્પર સંયોગથી ક્રમ પ્રમાણે જલદ્વયણુક, જલત્રસરેણુ અને પછી મહાન જલનિધિ ઉત્પન્ન થાય છે. આ જલમાં પૃથ્વી પરમાણુઓના પરસ્પર સંયોગથી દ્વયણુક વગેરેના ક્રમ પ્રમાણે મહાપૃથ્વીની ઉત્પત્તિ થાય છે. વળી તે જલનિધિમાં તેજના પરમાણુઓના પરસ્પર સંયોગથી તૈજસઠ્યણુક આદિ ક્રમ પ્રમાણે મહાન તેજોરાશિ ઉત્પન્ન થાય છે. આ પ્રકારે વૈશેષિક મતમાં ચાર ભૂતો અનુસાર ચાર પ્રકારના પરમાણુ માન્યા છેઃ પૃથ્વી પરમાણુ, જળ પરમાણુ, તેજ પરમાણુ ને વાયુ પરમાણુ. આ ચાર પરમાણુઓથી ચાર ભૂત થાય છે. પાંચમું દ્રવ્ય આકાશ નિરવયવ, વિભુ અને નિત્ય છે. તેના વિભાગ થતા નથી કે તેનો નાશ થતો નથી. આકાશની માફક કાળ અને દિક પણ વિભુ અને નિત્ય છે. આત્મા અમૂર્ત દ્રવ્ય છે. તે જ્ઞાનનું અધિકરણ અને કોઈ કોઈના મત પ્રમાણે જ્ઞાનનું સમવાયી કારણ છે. મન નિત્ય અને મૂર્ત માનેલું છે, કારણ કે મૂર્ત ન હોય તો તેમાં ક્રિયા ન હોય. વૈશેષિકો મનને અણુરૂપ માને છે, કારણ કે એક ક્ષણમાં એક જ ઇંદ્રિયનો સંયોગ તેની સાથે થઈ શકે છે. દ્રવ્યના મૂર્ત દ્રવ્ય અને અમૂર્ત દ્રવ્ય એમ બે પ્રકાર થાય છે. તેમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને મન એ પાંચ મૂર્ત દ્રવ્ય છે અને આકાશ, કાળ, દિશા અને આત્મા એ ચાર અમૂર્ત દ્રવ્ય છે. અમૂર્ત દ્રવ્યને વિભુ કહે છે. નિત્ય દ્રવ્ય અને અનિત્ય દ્રવ્ય એમ પણ દ્રવ્યના બે ભાગ છે. તેમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ એ ચાર નિત્ય અનિત્ય બંને રૂપે છે. પરમાણુરૂપે નિત્ય અને પરમાણુઓનો સમૂહ એટલે કાર્ય બની દેહ, ઇંદ્રિય, વિષય વગેરે થાય તે અનિત્ય. એ ચાર દ્રવ્ય પરમાણુ એટલે નિત્યરૂપે અને કાર્ય એટલે અનિત્યરૂપે હોઈ શકે છે, માટે તે આરંભક દ્રવ્ય કહેવાય છે અને તેનાથી સૃષ્ટિનો આરંભ થાય છે. પરમાણુ તથા દ્વયનુક અદૃશ્ય, અતીંદ્રિય છે. ત્ર્યણુક આગળથી પદાર્થો દૃશ્યરૂપ થાય છે, એટલે પરિણામ ગુણવાળા થાય છે. આકાશથી આત્મા સુધીનાં દ્રવ્ય નિત્ય અને સર્વવ્યાપી છે. મન નિત્ય છે પણ સર્વવ્યાપી નથી તથા કેવળ અણુરૂપ છે અને પ્રત્યેક આત્મા એટલે જીવને વળગેલું રહેતાં અનંત રૂપ છે. મન તથા આત્માનો યોગ થાય ત્યારે જ જ્ઞાન થાય છે, કેમકે જ્ઞાન એ આત્માનો ગુણ છે, પણ મન એ જ્ઞાનને સુખદુઃખરૂપે ગ્રહણ કરનાર છે. મન નિત્ય હોવાથી કરેલાં કર્મના સંસ્કાર તેમાં રહ્યા કરે છે અને પુનર્જન્મ થાય છે. જ્યારે ઈશ્વરકૃપાથી તત્ત્વજ્ઞાન થઈ અત્યંત દુઃખધ્વંસ થાય ત્યારે મોક્ષ મળે છે. આત્મા દ્રવ્ય બે પ્રકારે છેઃ (૧) પરમાત્મા એટલે નિત્ય જ્ઞાનવાન, સર્વજ્ઞ, કર્તારૂપ ઈશ્વર અને (૨) જીવાત્મા એટલે અસર્વજ્ઞ, અનિત્ય જ્ઞાનવાન. દ્રવ્ય માત્રને પોતપોતાના અમુક ગુણ રહેલા હોઈ તેમાંના એક મુખ્યને ઉદ્દેશી તે દ્રવ્યને ઓળખવામાં આવે છે. ગંધ, રસ, રૂપ, સ્પર્શ, શબ્દ, ભૂતભવિષ્યાદિરૂપ પરત્વાપરત્વ, દૂરસમીપાદિરૂપ પરત્વાપરત્વ, જ્ઞાન અને સુખાદિ અનુભવ એ નવ દ્રવ્યોના અનુક્રમે મુખ્ય ગુણ છે. સાવયવ સૃષ્ટિના વૈશેષિકમાં ચાર મૂળ ભૂત કહેલ છે અને તે અનુસાર ચાર પ્રકારના પરમાણુ પણ માન્યા છે. પણ પાશ્ર્ચાત્ય શોધ પ્રમાણે આ ચાર મૂળ ભૂત કહેવાતા પદાર્થ કેટલાક મૂળ દ્રવ્યના ભોગથી બનેલ મળે છે. જળ અને વાયુ કેટલાક મૂળ દ્રવ્યના યોગથી બનેલ હોવાનું સિદ્ધ થયું છે. પાશ્ર્ચાત્ય રસાયણમાં લગભગ ૭૫ મૂળ દ્રવ્ય માન્યાં છે, જેના પરમાણુઓના રાસાયણિક સંયોગથી જુદા જુદા પદાર્થ બનેલ છે. આ હિસાબે પરમાણુ પણ ૭૫ પ્રકારના થયા. ૭૫ મૂળ દ્રવ્યના પરમાણુઓના ગુરુત્વને જો પરસ્પર મેળવવામાં આવે તો તેમાં એક હિસાબે ચાલતો ક્રમ જોવામાં આવે છે, જેથી સિદ્ધ થાય છે કે, આ બધાં મૂળ દ્રવ્ય પણ એક પરમ દ્રવ્યમાંથી નીકળેલ છે.
|
8 |
|
न. |
( જૈન ) ગુણ અને પર્યાયનું આશ્રય; ધર્માસ્તિકાય વગેરે છ પદાર્થ. જૈનો છ દ્રવ્ય માને છેઃ (૧) જીવાસ્તિકાય, (૨) ધર્માસ્તિકારય, (૩) અધર્માસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય, (૫) આકાશાસ્તિકાય અને (૬) કાળ દ્રવ્ય. જેમાં ચેતના ગુણ હોય તેને જીવ, જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય તે પુદ્ગલ, જીવ અને પુદ્ગલને ગમન કરવામાં સહાયકારી તે ધર્મ, જીવ અને પુદ્ગલને સ્થિતિમાં સહાયકારી તે અધર્મ, જીવાદિક પાંચે દ્રવ્યોને રહેવાને જગ્યા આપે તે અવકાશ અને જીવાદિક દ્રવ્યોને પરિણમનમાં સહાયક તેને કાળ દ્રવ્ય કહે છે. આકાશ અને પુદ્ગલ એ બે તત્ત્વો તો વૈશેષિક, ન્યાય, સાંખ્ય વગેરે દર્શનોને પણ માન્ય છે, પરંતુ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે તત્ત્વો જૈન દર્શન સિવાય કોઈ પણ દર્શન માનતું નથી. જૈન દર્શન જેને આકાશાસ્તિકાય કહે છે તેને બીજાં દર્શનો આકાશ કહે છે. પુદ્ગલાસ્તિકાયને સ્થાને બીજાં દર્શનોમાં પ્રકૃતિ, પરમાણુ આદિ શબ્દોનો ઉપયોગ થાય છે.
|