9 |
|
न. |
તત્ત્વજ્ઞાન સંબંધી પુસ્તક; તાર્કિક વિચારનાં લખાણવાળો ગ્રંથ; જીવ, જગત અને ઈશ્વર સંબંધી તાત્ત્વિક નિર્ણય કરનારૂં શાસ્ત્ર. પહેલાં પ્રાચીન આર્યો અનેક પ્રકારના યજ્ઞ તથા કર્મકાંડ દ્વારા ઇંદ્ર, વરુણ, સૂર્ય ઇત્યાદિ દેવતાઓને પ્રસન્ન કરી સ્વર્ગ મેળવવા વગેરેના પ્રયત્નમાં લાગ્યા રહેતા. પાછળથી સૃષ્ટિની ઉત્પત્તિ વગેરેના સંબંધમાં તેમના મનમાં પ્રશ્ન ઊઠવા લાગ્યા. આ પ્રકારના શંકાવાળા પ્રશ્નો ઘણા વેદમંત્રોમાં છે. ઉપનિષદકાળમાં બ્રહ્મ, સૃષ્ટિ, મોક્ષ, આત્મા, ઇંદ્રિય વગેરે વિષયોની ચર્ચા બહુ વધી. ઘણા ગૂઢ દાર્શનિક સિદ્ધાંતોનો આભાસ ઉપનિષદોમાં જોવામાં આવે છે. ઉપનિષદો પછી સૂત્રરૂપમાં તત્ત્વોનું ઋષિઓએ સ્વતંત્રાપૂર્વક નિરૂપણ કર્યું અને છ દર્શન ઉપસ્થિત થયાં. વેદમાં જે કહેલું છે તે જોવા માટે જુદા જુદા બ્રાહ્મણ શાસ્ત્રકારોએ છ દર્શન એટલે જોવાનાં સાધન રચ્યાં છે. તેનાં નામ: સાંખ્ય, યોગ, વૈશેષિક, ન્યાય, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા એટલે વેદાંત. (૧) સાંખ્ય શાસ્ત્રમાં તત્ત્વોની ગણના કરવામાં આવી છે. એના પ્રણેતા કપિલાચાર્ય મનાય છે. આ શાસ્ત્ર પ્રમાણે મૂળતત્ત્વોના બે વર્ગ પડે છે: (૧) પુરુષ એટલે ચેતન, જે માત્ર શક્તિવાળો છે. (૨) પ્રકૃતિ એટલે જડ. તે ક્રિયાશક્તિવાળી અને દૃશ્ય છે. તેનું બીજું નામ પ્રધાન છે. પ્રકૃતિ અને પુરુષ નિત્ય છે. પ્રકૃતિનું સ્વરૂપ સત્ત્વ, રજ અને તમ એ ગુણોનું સામ્ય છે. પ્રકૃતિના પહેલા વિકારને મહત્ કહે છે. તેમાંથી અહંકાર, અહંકારમાંથી દશ ઇંદ્રિયો, મન, પાંચ તન્માત્રા અને પાંચ તન્માત્રામાંથી પૃથ્વી વગેરે પાંચ ભૂતો મળી એકંદરે ચોવીશ જડ તત્ત્વોની સંખ્યા થાય છે. તે પ્રકૃતિમાંથી ઉદય, સ્થિતિ અને લય પામે છે. પચીશમો પુરુષ તે સ્વતંત્ર દ્રષ્ટા છે. આ ખરો વિવેક જેને થાય તે મુક્ત, અને જેને અવિવેક રહે તે બંધ પામેલ એટલે જીવ કહેવાય એમ સાંખ્ય શાસ્ત્ર કહે છે. સાંખ્ય આત્માને પુરુષ કહે છે અને તેને અકર્તા, સાક્ષી અને પ્રકૃતિથી ભિન્ન માને છે. પણ આત્મા એક નહિ, પણ અનેક છે. આથી સાંખ્યામાં પરમાત્મા એટલે કે ઈશ્વરનું પ્રતિપાદન નથી. પ્રકૃતિને જગતનું મૂળ માની તેના સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણો અનુસાર સંસરના બધા વ્યાપાર માનેલ છે. સૃષ્ટિને પ્રકૃતિની પરિણામપરંપરા માનવાના કારણથી આ મત પરિણામવાદ કહેવાય છે. સૃષ્ટિને સંબંધી સાંખ્યનો આ મત ઇતિહાસ, પુરાણ વગેરે બધે સ્થળે સ્વીકારાયો છે. (૨) યોગ દર્શન એ સાંખ્ય દર્શનમાં કહેલાં તત્ત્વોનો સ્વીકાર કરે છે. તેના પ્રણેતા પતંજલિ ગણાય છે. સાંખ્યની વિચારમયી પદ્ધતિને ચિત્તના નિરોધ વડે અનુભવમાં લાવવા સારૂ આ શાસ્ત્ર છે. એ દર્શનમાં નિત્યસિદ્ધ અને નિત્યમુક્ત પુરુષનો સ્વીકાર કરે છે. તેનું બીજું નામ ઈશ્વર છે. તેનું સ્વરૂપ અને ધ્યાન કરીને મોક્ષ મેળવવાની પદ્ધતિ આ શાસ્ત્રમાં વર્ણવી છે. યોગ દર્શનમાં કલેશ, કર્મવિપાક અને આશયથી રહિત એક પુરુષ વિશેષ એટલે કે ઈશ્વરને માનેલ છે. યોગ દર્શનમાં કોઈ મત ઉપર વિશેષ તર્કવિતર્ક કે આગ્રહ નથી. મોક્ષપ્રાપ્તિના નિમિત્તરૂપ યમ, નિયમ, પ્રાણાયામ, સમાધિ ઇત્યાદિના અભ્યાસ દ્વારા પરમાવસ્થાની પ્રાપ્તિનાં સાધનોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. (૩) વૈશેષિક શાસ્ત્રના પ્રણેતા કણાદ ગણાય છે. એમાં વિશ્વનું વર્ગીકરણ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એવા છ પદાર્થમાં કરવામાં આવ્યું છે. પાછળથી અભાવ પદાર્થ ઉમેરીને સાત પદાર્થોનું વર્ગીકરણ થયું છે. આ શાસ્ત્ર ઘણે ભાગે પ્રમેયનું એટલે જ્ઞેય જગતનું ચિંતન કરે છે અને પ્રમાણમાં ન્યાયને અનુસરે છે. વૈશેષિકમાં દ્ર્વ્યો અને તેના ગુણોનું વિશેષરૂપે નિરૂપણ છે. પૃથ્વી, પાણી વગેરે ઉપરાંત દિક્, કાળ, આત્મા અને મનને પણ દ્રવ્ય માનેલ છે. ન્યાયની માફક વૈશેષિકમાં પણ જગતની ઉત્પત્તિ પરમાણુઓથી બતાવી છે. ન્યાયમાં અને વૈશેષિકમાં તફાવત બહુ ઓછો છે. તેથી વૈશેષિક મત પણ ન્યાયનો મત કહેવાય છે. તે બંને સૃષ્ટિના કર્તાને માને છે, તેથી તેઓનો મત આરંભવાદ કહેવાય છે. (૪) ન્યાય દર્શનના પ્રણેતા ગૌતમ મનાય છે. તેમાં સોળ પદાર્થોમાં જગતનાં તત્ત્વોનો સમાસ કર્યો છે. અને તર્ક વડે વસ્તુ નિર્ણય કરવાનું પ્રમાણશાસ્ત્ર તેમાં અંતર્ગત કરવામાં આવ્યું છે. ન્યાય દર્શનમાં યુક્તિ યા તર્ક કરવાની પ્રણાલી ઘણા વિસ્તારથી સ્થિર કરવામાં આવી છે, જેનો ઉપયોગ પંડિતો શાસ્ત્રાર્થ કરવામાં સારી રીતે કરે છે. ખંડનમંડનનો નિયમ આ શાસ્ત્રમાં મળે છે, જેનો મુખ્ય વિષય પ્રમાણ તથા પ્રમેય છે. ન્યાયમાં ઈશ્વરને નિત્ય, ઇચ્છા, જ્ઞાન વગેરે ગુણયુક્ત અને કર્તા માન્યો છે, જીવને કર્તા ને ભોકતા બંને માનેલ છે. (૫) પૂર્વમીમાંસાના સૂત્રકાર જૈમિનિ ગણાય છે. વેદના કર્મકાંડના મંત્રો અને બ્રાહ્મણોના અર્થના નિર્ણયો ન્યાયાનુસાર શી રીતે કરવા, વેદનું પ્રામાણ્ય કેવા પ્રકારનું છે, તર્કનું સ્થાન કેટલા અંશમાં છે, એવી યજ્ઞ અથવા વૈદિક કર્મને લગતી વિદ્યાનું શાસ્ત્ર એ પૂર્વમીમાંસા છે. મતલબ કે તેમાં વૈદિક કર્મ સંબંધી વાક્યોનો અર્થ નક્કી કરવાના નિયમનું નિરૂપણ છે. તેનો મુખ્ય વિષય વૈદિક કર્મકાંડની વ્યાખ્યા છે. તેથી યજ્ઞમીમાંસા, અધ્વરમીમાંસા અને કર્મમીમાંસા એવાં એનાં બીજાં નામ કહેવાય છે. એમાં બાર અધ્યાય છે. (૬) ઉત્તરમીમાંસા એટલે વેદાંતના પ્રણેતા ભગવાન વ્યાસ ગણાય છે. એ શાસ્ત્રમાં વેદના કાંડને લગતું ચિંતન છે. તેના સૂત્રકાર બાદરાયણ ગણાય છે. આ શાસ્ત્રને વેદાંત શાસ્ત્રનું ન્યાય પ્રસ્થાન કહે છે, કેમકે વેદાંત કે ઉપનિષદનાં વાક્યોના અર્થનો નિર્ણય ન્યાયની રીતિએ તેમાં કરવામાં આવ્યો છે. આ શાસ્ત્રના ચાર અધ્યાય છે અને દરેક અધ્યાયના ચાર પાદ છે. આ શાસ્ત્ર ઉપર અનેક આચાર્યોએ ભાષ્યો કર્યા છે, તેમાં શ્રીમચ્છંકરાચાર્યનું ભાષ્ય હાલ ઉપલબ્ધ છે. આ શાસ્ત્ર ઉપર કેવલાદ્વૈત, શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈત, દ્વૈતાદ્વૈત, અવિભાગાદ્વૈત એવા તત્ત્વવિદ્યાના ઘ્ણા મત બંધાયા છે. ઉત્તરમીમાંસા એ ઘણી જ ઊંચી કોટિની વિચારપદ્ધતિ દ્વારા એક માત્ર બ્રહ્મને જગતનું અભિન્નનિમિત્તોપાદાન કારણ બતાવે છે, એટલે કે જગત અને બ્રહ્મની એકતાનું પ્રતિપાદન કરે છે, તેથી તે મત વિવર્તવાદ અને અદ્વૈતવાદ કહેવાય છે. ભાષ્યકારોએ આ સિદ્ધાંત લઈને આત્મા અને પરમાત્માની એકતા સાબિત કરી છે. અરબસ્તાન, ઈરાન આદિ દેશોમાં આ મત સૂફી મતને નામે પ્રસિદ્ધ થયો. આજકાલ યરપ, અમેરિક વગેરે દેશોમાં પણ આ મતની વિશેષ પ્રવૃત્તિ છે. યરપમાં યૂનાન આ શાસ્ત્રના વિવેચનમાં સૌથી પહેલો હતો. અહીં સો વર્ષ પહેલાં દર્શનનો પત્તો લાગ્યો હતો. ત્યાં સોક્રેટીસ, પ્લેટો, એરિસ્ટોટલ વગેરે મોટા મોટા દાર્શનિક થઈ ગયા. આધુનિક કાળમાં યરપમાં દર્શનની મહાન ઉન્નતિ થઈ છે. પ્રત્યક્ષ જ્ઞાનનો આશ્રય લઈ દાર્શનિક વિચારની અત્યંત વિશદ પ્રણાલી ત્યાં નીકળી છે. પૂર્વકાલથી એટલે આશરે અઢી હજાર વર્ષથી આત્માનાત્મ વિચારના શાસ્ત્રોને દર્શન એવું નામ આપવામાં આવ્યું છે. તેટલા જ સમયથી દર્શનના બે ભાગ પડી ગયા છે. તેમાંનાં એકને વૈદિક અથવા આસ્તિક દર્શનો કહે છે અને બીજાને અવૈદિક અથવા નાસ્તિક દર્શનો કહે છે. સાંખ્ય, યોગ, વૈશેષિક, ન્યાય, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા એ છ આસ્તિક દર્શન કહેવાય છે અને ચાર્વાક મત, જૈન મત, બૌદ્ધના ચાર સાંપ્રદાયિક મતો, વૈભાષિક, સૌત્રાંતિક, યોગાચાર અને માધ્યમિક એ નાસ્તિક દર્શન કહેવાય છે. ભારતીય દર્શનો મુખ્યપણે વૈદિક, જૈન અને બૌદ્ધ એમ ત્રણ ભાગમાં વહેંચાય છે. તેરમાં સૈકામાં થઈ ગયેલા માધવાચાર્ય (૧) ચાર્વાક, (૨) બૌદ્ધ, (૩) આર્હત, (૪) રામાનુજ, (૫) પૂર્ણયજ્ઞ, (૬) નકુલીશ પાશુપત, (૭) શૈવ, (૮) પ્રત્યભિજ્ઞા, (૯) રસેશ્વર, (૧૦) ઔલૂક્ય (૧૧) અક્ષપાદ, (૧૨) પાણિનિ, (૧૩) સાંખ્ય, (૧૪) પાતાંજલ અને (૧૫) શાંકર એ પ્રમાણે પંદર દર્શનો ગણે છે. કાલેલકર કહે છે કે, જેમ અત્યારની વ્યવસ્થા સ્મૃતિઓમાં થઈ તેમ ધાર્મિક અને તાત્ત્વિક વિચારની વ્યવસ્થા દર્શનોમાં થઈ છે. આત્માનું દર્શન કરવા માટે આ ગ્રંથો ઉપયોગી છે, એમ જાણી આ ગ્રંથોને જ દર્શન કહેવા લાગ્યા. સાંખ્ય અને વૈશેષિક એ બે દર્શનો બુદ્ધ પહેલાં હતાં તેમ અનુમાન થઈ શકે છે. પરંતુ બાકીનાં બધાં દર્શન બુદ્ધની પછી ઉત્પન્ન થયાં છે એવો એક મત છે. ખરું જોતાં ભગવાન બુદ્ધના સમય પછી બ્રાહ્મણ ધર્મ અને બૌદ્ધ ધર્મ વચ્ચે થતા વિવાદોએ દર્શનોના સિદ્ધાંતોને પદ્ધતિસર કરવાની આવશ્યકતા ઊભી કરી હોય એમ જણાય છે.
|