1 |
|
पुं. |
એ નામના મહારાષ્ટ્રના એક સુપ્રસિદ્ધ દેશભક્ત; બાલ ગંગાધર તિલક. તેમનો જન્મ રત્નાગિરિ જિલ્લાના ચિખલ ગામમાં ઈ.સ. ૧૮૫૬માં થયો હતો. તેઓ મહાન દેશભક્ત, સત્યવક્તા, નીડર અને બુદ્ધિશાળી હતા. ગણિત અને સંસ્કૃતનું તેમનું જ્ઞાન અગાધ હતું. શરીરે દૂબળા હોવાથી અખાડાની કસરત કરતા. વકીલાતની પરીક્ષા પસાર કર્યા છતાં તેઓ અદાલતમાં ગયા નથી, પણ દેશની સ્વરાજની લડતમાં જોડાઈ દેશ માટે આખું યે જીવન લડ્યા છે. સ્વરાજ અમારો જન્મસિદ્ધ હક્ક છે એમ પ્રત્યેક હિંદીને તેઓએ શીખવ્યું છે. છ વર્ષ સુધી જેલ ભોગવી પ્રભાવશાળી હિંદી પ્રજામાં તેમણે પ્રાણ પૂર્યા છે. ઈ. સ. ૧૮૭૯માં કાયદાની પરીક્ષા પસાર કરી તેમણે લોકસેવા શરૂ કરી. ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ, ફર્ગસન કોલેજ, કેસરી અને મરાઠા પત્ર વગેરેમાં તેમણે પોતાની સેવા શરૂઆતમાં અર્પી હતી. ઈ. સ. ૧૮૯૧માં તેમણે કેસરી પત્રની માલિકી લીધી. ૧૮૯૨માં ઓરાયન અથવા વેદકાલનું પ્રાચીનત્વ, ૧૯૦૩માં `આર્ટિક હોમ ઓફ ધ આર્યન્સ` અથવા આર્યોનું મૂળસ્થાન અને ૧૯૧૬માં ગીતારહસ્ય નામના અદ્વિતીય ગ્રંથો બનાવ્યા. તેમને નાનપણથી જ ભગવદ્ગીતાનો અભ્યાસ હતો. તે ગ્રંથમાંના અલૌકિક સિદ્ધાંતોની તેમના મન ઉપર ઘણી જ ઉત્તમ છાપ પડેલી હતી અને ગીતારહસ્ય તેમના ઘણા લાંબા સમયના અભ્યાસનો પરિપાક છે. ઈ. સ. ૧૮૯૭માં સરકારે તિલક ઉપર રાજદ્રોહનો કેસ માંડ્યો. હિંદુસ્તાન દેશ બ્રિટિશના હાથમાં ગયા પછી રાજદ્રોહનો આ પ્રથમ કેસ હતો. તિલકે કેસરી પત્રમાં અનેક રાજકીય પ્રશ્ર્નો ઉપર લેખ લખી લોકોને રાજકીય શિક્ષણ આપવાની પહેલ કરી. કેસરીમાં રાજનું દુદૈવ નામનો લેખ લખવા માટે ફરીથી તેમના ઉપર કેસ ચલાવવામાં આવ્યો. તેમનામાં પ્રામાણિકપણું, પરોપકાર, લોકહિતાર્થે દુઃખ સહન કરવાની તત્પરતા અને દેશ માટે લાગણી એ ગુણો બહુ બહાર પડતા હતા. વળી તેમનામાં ધૈર્ય, સહિષ્ણુતા, સ્પષ્ટ વક્તાપણું, નિરભિમાનતા, દૃઢ નિશ્ર્ચય, સ્વાર્થત્યાગ એ ગુણો ખૂબ ખીલ્યા હતા. તેઓ રાષ્ટ્રીય ચળવળમાં આગળ પડતા હોવા ઉપરાંત સમાજ સુધારણામાં પણ પૂર્વજોનું ખંડન કર્યા વિના સારો ભાગ લેતા. વળી તેમને હિંદુ ધર્મનું પૂર્ણ અભિમાન હતું. એકલા હિંદમાં જ નહિ, પણ જગત આખામાં તેમની એક મહાન બુદ્ધિશાળી તરીકે ગણતરી થઈ છે. એમની દેશદાઝ, એમનો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ, એમની સેવાભાવના અદ્દભુત છે. સમાજસુધારણા સંબંધમાં તિલક એમ કહેતા કે, સમાજ ઉપર સુધારણા માટે તૂટી પડવાની કાંઈયે જરૂર નથી. સુધારણા કરવી જોઈએ, પણ ધીમે ધીમે. સમાજસુધારણા માટે કાયદાનો આશ્રય તો ન જ માગવો જોઈએ, એવો એમનો ખાસ આગ્રહ હતો. ઈ. સ. ૧૯૨૧ના ઓગસ્ટ માસની પહેલી તારીખે એમનો સ્વર્ગવાસ થયો. લોકોએ તેમને લોકમાન્યનો માનવંતો ખિતાબ આપ્યો હતો.
ઉપયોગ
અમે વીરપૂજનમાં નીસયા રે, હાર હાથે કાંતેલ થાળે ધર્યા રે, અમે તિલક તિલકને કર્યાં રે. – વિહારી
|
2 |
|
पुं. |
એ નામનો એક દ્વીપ.
|
3 |
|
पुं. |
એ નામનો એક સમુદ્ર.
|
4 |
|
पुं. |
( સંગીત ) એ નામનો ભૈરવ રાગનો પુત્રરાગ; તિલંગ. તે દિવસના બીજા પહોરે ગવાય છે. તેની જાતિ ઓડવ છે. તેમાં આરોહમાં તીવ્ર અને અવરોહમાં કોમળ સ્વર આવે છે. તેમાં ખરજ,શુદ્ધ, રિખવ તીવ્ર, ગાંધાર તીવ્ર, મધ્યમ કોમળ, પંચમ શુદ્ધ, નિખાદ ઊતરી ચડી બે આવે છે, એટલે અવરોહમાં ઊતરી નિખાદ અને આરોહમાં ચડી નિખાદ આવે છે. ધૈવત સ્વર વર્જિત છે તથા આરોહમાં રિખવ પણ વર્જ્ય છે. તેને કોઈ સંપૂર્ણ પણ લખે છે, પણ તેથી તેનું રૂપ રહેતું નથી. તેનો ગ્રહ સ્વર ગાંધાર છે તથા ન્યાસ પણ ગાંધાર છે.
|
5 |
[ સં. ] |
पुं. |
એક જાતનો રોગ.
|
6 |
|
पुं. |
એક જાતનો ઘોડો.
|
7 |
|
पुं. |
કાળો સંચળ; બિડલવણ.
|
8 |
|
पुं. |
ચામડી ઉપરનો તલ જેવો કાળા રંગનો ડાઘ.
|
9 |
|
पुं. |
ટીકા; કોઈ પણ ગ્રંથની અર્થસૂચક વ્યાખ્યા.
ઉપયોગ
કઈ મસ તિલક તે કામિની પહિલઉ પુત્ર આણે ઈ. – લાવણ્યસમય
|
10 |
|
पुं. |
તલનો છોડ.
|
11 |
|
पुं. |
( સંગીત ) ધ્રુપદના સોળ માંહેનો એક પ્રકાર. તેના દરેક પાદમાં ૨૫ અક્ષર હોય છે.
|
12 |
|
पुं. |
મરવો.
|
13 |
|
पुं. |
શિરોમણિ; શ્રેષ્ઠ વ્યક્તિ.
|
14 |
|
स्त्री. |
તલબાવળી. તેનાં ફૂલ દવાના કામમાં આવે છે.
|
15 |
|
स्त्री. |
દક્ષિણી બ્રાહ્મણની એ નામની એક અટક.
|
16 |
|
स्त्री. |
બાંય વિનાનો ઝભ્ભો.
|
17 |
|
न. |
( શિલ્પ ) ઉત્તરમાં ષટ્દારુ એટલે બે પીઢડાં તથા ચાર સ્તંભવાળી ઓરડી અને પૂર્વ તથા દક્ષિણે બે પરસાળ હોય તેવું ઘર.
ઉપયોગ
નંદઘરના આપવર્કમાં ષટદારુ આવે તો તે તિલક નામે ઘર થાય. – રાજવલ્લભ
|
18 |
|
न. |
એ નામની અટકનું માણસ.
|
19 |
|
न. |
એક જાતનું ઝાડ. તેનું લાકડું ઇમારતી કામમાં આવતું નથી.
|
20 |
|
न. |
કપાળ ઉપર કરવામાં આવતું ધર્મપંથસૂચક અથવા શોભાનું ચિહ્ન; ટીલું; ચાંલ્લો; ત્રિપુંડ્ર. ધર્મસંપ્રદાય દેખાડવાને તેના અનુયાયીઓ કપાળમાં ચંદનાદિકથી જે અમુક તરેહનું ચિહ્ન કરે છે. ભિન્ન ભિન્ન સંપ્રદાયનાં તિલક ભિન્ન ભિન્ન આકારનાં હોય છેઃ વૈષ્ણવો ઊભું તિલક કરે છે, શૈવો આડું તિરક કરે છે, શાક્ત લોકો રક્તચંદનનું આડું તિલક કરે છે. તિલક પ્રાચીન કાળમાં શૃંગાર માટે કરવામાં આવતું હતું, પણ પછી ઉપાસનાનું ચિહ્ન સમજાવા લાગ્યું.
ઉપયોગ
તિલક કરતાં ત્રેપન વહ્યાં ને જપમાળાનાં નાકાં ગયાં. – અખો
|
21 |
|
न. |
કપાળ ઉપર પહેરાતું સોના કે રૂપાનું એક ઘરેણું.
|
22 |
|
न. |
ગાદીએ બેસાડવું તે; રાજ્યાભિષેક.
|
23 |
|
न. |
નાટ્યકળામાં થતું એક જાતનું કરણ. જુઓ કરણ.
|
24 |
|
न. |
નિશાની; ચિહ્ન.
|
25 |
|
न. |
ફેફસું.
|
26 |
|
न. |
ભૂષણ; શણગાર; શોભા. સમાસમાં વપરાય છે. જેમકે, રઘુકુળતિલક રામચંદ્ર.
|
27 |
|
न. |
મૂત્રાશય.
|
28 |
|
न. |
સગપણ કર્યા પછી કન્યા પક્ષ તરફથી વરને આપવામાં આવતી ભેટ.
રૂઢિપ્રયોગ
૧. તિલક કરવું = (૧) કોઈને જવાની રજા આપવી. (૨) ગાદીએ બેસાડવું. (૩) સગાઈ કરવી.
૨. તિલક ધારણ કરવું-ધારવું = તિલક કરવું.
|
29 |
|
न. |
સગપણ સંબંધ નક્કી કરવાની રીત.
|
30 |
|
वि. |
એ નામની અટકનું.
|
31 |
|
वि. |
તલના ચિહ્નવાળું.
|