1 |
[ સં. તરવારિ ] |
स्त्री. |
તરવાર. તરવારનો વ્યવહાર બધા દેશોમાં અત્યંત પ્રાચીન કાળથી ચાલતો આવ્યો છે. ધનુર્વેદ આદિ ગ્રંથો જોવાથી માલૂમ પડે છે કે, હિંદુસ્તાનમાં પહેલાં ઘણી સરસ તલવારો બનતી હતી, જેનાથી પથ્થર પણ કાપી શકાતો હતો. પ્રાચીન સમયમાં ખટ્ટર દેશ, અંગ, બંગ, મધ્યગ્રામ, સહગ્રામ, કાલિંજર વગેરે સ્થળો તલવારને માટે પ્રસિદ્ધ હતાં. પુસ્તકોમાં લોઢાની ઉપયોગિતા, તલવારોનું વિવિધ પરિણામ તથા તેને બનાવવાની રીત પણ આપવામાં આવી છે પાણી પાવા માટે લખ્યું છે કે, ધાર ઉપર મીઠું અથવા ક્ષારવાળી ભીની માટીનો લેપ કરીને તલવારને અગ્નિમાં તપાવી પાણીમાં બોળી દેવી. ઉશના અને શુક્રાચાર્યે પાણી સિવાય લોહી, ઘી, ઊંટનું દૂધ વગેરેમાં બોળી દેવાનું પણ વિધાન બતાવ્યું છે. તલવારના ઝણકાર પ્રમાણે તથા તેના પાના ઉપર એની મેળે પડેલાં ચિહ્નો પ્રમાણે તલવાર શુભ, અશુભ અથવા સારીનરસી હોવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એવા નિર્ણયને માટે કરાતી પરીક્ષાને અષ્ટાંગ પરીક્ષા કહે છે. તલવાર ચલાવવાના હાથ ૩૨ ગણાવ્યા છે, તેનાં નામ ભ્રાંત, ઉદ્દભ્રાંત, આવિદ્ધ, આપ્લુત, વિપ્લુત, સૃત, સંચાંત, સમુદીર્ણ, નિગ્રહ, પ્રગ્રહ, પદાવકર્ષણ, સંધાન, મસ્તકભ્રામણ, ભુજભ્રામણ, પાશ, પાદ, વિબંધ, ભૂમિ, ઉદ્દભ્રમણ, ગતિ, પ્રત્યાગતિ, આક્ષેપ, પાતન, ઉત્થાનક, પ્લુતિ, લઘુતા, સૌષ્ઠવ, શોભા, સ્થૈર્ય, દૃઢમુષ્ટિતા, તિર્યક્પ્રચાર અને ઉર્દ્ધપ્રચાર. એવી રીતે પટ્ટિક, મૌષ્ટિક, મહિપાક્ષ વગેરે તલવારના સત્તર ભેદ પણ બતાવવામાં આવ્યા છે. આજકાલ પણ તલવારોના ઘણા યે ભેદ છે. જેમકે, ખાંડા, જે સીધી અને અણી ઉપર પહોળી હોય છે. સૈફ, જે લાંબી, પાતળી અને સીધી હોય છે. દુધારા, જેની બંને બાજુ ધાર હોય છે. એથી વિશેષ સ્થાનભેદે પણ તલવારોનાં કેટલાંયે નામ છે. જેમકે, સિરોહી, બંદરી, જુનૂબી, વગેરે એક પ્રકારની બહુ જ પાતળી અને લચીલી તલવાર ઊના કહેવાય છે. જેને રાજાઓ તકિયામાં રાખતા અથવા કેડ ઉપર લપેટી રાખી શકતા. તલવાર દુર્ગાદેવીનું મુખ્ય અસ્ત્ર છે, તેથી કરીને કોઈ કોઈ વાર તલવારને દુર્ગા પણ કહે છે.
|