1 |
|
स्त्री. |
અક્ષરો, શબ્દો અને વાક્યોને એકબીજાની સાથે જોડીને લખવાની રીત; વર્ણવિન્યાસ; શબ્દોમાં અક્ષરોને હ્રસ્વ દીર્ઘ વગેરે ઉચ્ચાર પ્રમાણે યોજવા અને લખવાની ધરા; અક્ષરોને જોડવાની રીત. ગુજરાત વિદ્યાપીઠે નક્કી કરેલ ગુજરાતી ભાષાની જોડણીના નિયમો એમ છે કે: તત્સમ શબ્દો: (૧) સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. ઉદા. મતિ; ગુરુ; વિદ્યાર્થિની. (૨) ભાષામાં તત્સમ તથા તદ્ભવ બંને રૂપો પ્રચલિત હોય તો બંને સ્વીકારવાં. ઉદા. કઠિન-કઠણ; રાત્રિ-રાત; દશ-દસ; કાલ-કાળ; નહિ-નહીં; હૂબહૂ-આબેહૂબ; ફર્શ-ફરસ. (૩) જે વ્યંજનાંત તત્સમ શબ્દો ગુજરાતી પ્રત્યયો લેતા હોય તેમને અકારાંત ગણીને લખવા. ઉદા. વિદ્વાન; જગત; પરિષદ. આ નિયમ અંગ્રેજી, ફારસી, આરબી વગેરે ભાષાના શબ્દોને પણ લાગુ પડે છે. (૪) પશ્ચાત્, કિંચિત્, અર્થાત, ક્વચિત્ એવા શબ્દો એકલા આવે અથવા બીજા સંસ્કૃત શબ્દોની સાથે સમાસમાં આવે ત્યારે વ્યંજનાંત લખવા. ઉદા. કિંચિત્કર; પશ્ચાત્તાપ. આવાં અવ્યયો પછી જ્યારે જ આવે ત્યારે તેમને વ્યંજનાંત ન લખવાં. ઉદા. કવચિત જ. (૫) આરબી, ફારસી તથા અંગ્રેજી ભાષાના શબ્દો લખતાં તે તે ભાષાના વિશિષ્ટ ઉચ્ચારો દર્શાવવા ચિહ્નો ન વાપરવાં. ઉદા. ખિદમત; વિઝિટ; નજર. (૬) એ તથા ઓના સાંકડા તથા પહોળા ઉચ્ચારની ભિન્નતા દર્શાવવા ચિહ્નો વાપરવાં નહિ. પરંતુ અંગ્રેજી શબ્દોના એ ઓના ઉચ્ચારમાં ભ્રાંતિ ન થાય માટે, તે દર્શાવવા ઊંધી માત્રાનો ઉપયોગ કરવો. ઉદા. કૉફી; ઑગસ્ટ; કૉલમ. (૭) અનુસ્વારના ભિન્ન ભિન્ન ઉચ્ચારો દર્શાવવા ચિહ્નો વાપરવાં નહિ. નોંધ- શક્ય હોય ત્યાં અનુસ્વારના વિકલ્પમાં અનુનાસિકો વાપરી શકાય. ઉદા. અંત, અન્ત; દંડ, દણ્ડ; સાંત, સાન્ત; બૅક, બૅન્ક. હશ્રુતિ તથા યશ્રુતિ: (૮) બહેન, વહાણું, વહાલું, પહોળું, મહાવત, શહેર, મહેરબાન, મહાવરો, મહોર જેવા શબ્દોમાં તથા કહે, રહે, પહેર, પહોંચ જેવા ધાતુઓમાં હ જુદો પાડીને લખવો. (૯) નાનું, મોટું, બીક, સામું, ઊનું, મોર ( આંબાનો ), મોં, મોવું ( લોટને ), જ્યાં, ત્યાં, ક્યારે, જ્યારે, ત્યારે, મારું, તમારું, તારું, તેનું, અમારું, આવું વગેરેમાં હકાર ન દર્શાવવો. એટલે કે, હ જ્યાં દર્શાવવો હોય ત્યાં જુદો પાડીને દર્શાવવો અને ન દર્શાવવો હોય ત્યાં મુદ્દલ ન દર્શાવવો. હને આગલા અક્ષર સાથે જોડવો નહિ. (૧૦) નાહ, ચાહ, સાહ, મોહ, લોહ, દોહ, કોહ, સોહ એ ધાતુઓને અનિયમિત ગણી તેમનાં દર્શાવ્યા પ્રમાણે રૂપો સાધિત કરવાં. નાહ:-નાહું છું; નાહીએ છીએ; નહાય છે; નાહો છો; નાહ્યો, -હ્યા, -હી, -હ્યું, – હ્યાં, નાહીશ; નાહીશું; નહાશો; નહાશે; નહાત; નહાતો,-તી,-તું; નાહનાર; નાહવાનો અથવા નાવાનો; નાહેલો,-લી,-લું; નહા; નહાજે; નાહવું. નવડા(-રા)વવું; નવાવું; નવાય; નાવણ; નાવણિયો; નવેણ; નવાણ. ચાહ:-ચાહું છું; ચાહીએ છીએ; ચાહે છે; ચાહો છો; ચાહ્યો-હ્યા,-હી,હ્યું,-હ્યાં; ચાહીશ; ચાહીશું; ચાહશે; ચાહશો; ચહાત; ચહાતો,-તી,-તું; ચાહનાર; ચાહવાનો; ચાહેલો,-લી-લું; ચાહ; ચાહજે; ચાહવું; ચહવડા(-રા) વવું; ચહવાવું, ચહવાય એ રૂપો શક્ય અને વ્યાકરણદૃષ્ટિએ પ્રામાણિક લાગે છે, પણ આવા પ્રયોગો પ્રચલિત નથી. સાહ:- ચાહ પ્રમાણે. સવડા( -રા)વવું; સવાવું; સવાય. મોહ:-મોહું છું; મોહીએ છીએ; મોહે છે; મોહો છો; મોહ્યો-હ્યા,-હી,-મોહ્યું,-હ્યાં; મોહીશ; મોહીશું; મોહશે; મોહશો; મોહત; મોહતો,-તી,-તું; મોહનાર; મોહવાનો; મોહેલો,-લી,-લું; મોહ; મોહજે; મોહવું. મોહડા( -રા)વવું; મોહાવું; મોહાય. લોહ:-લોહું છું; લોહીએ છીએ; લુહે છે; લુહો છો; લોહ્યો,-હ્યા,-હી,-હ્યું,-હ્યાં; લોહીશ; લોહીશું; લોહશે; લોહશો; લોહત; લોહતો,-તી,-તું; લોહનાર; લોહવાનો અથવા લોવાનો; લોહેલા,-લી,-લું. લોહ; લોહજે; લોહવું. લોવડા(-રા)વવું; લોવાય; લોવણિયું. દોહ:-દોહું છું; દોહીએ છીએ; દુહે છે; દુહો છો; દોહ્યો,-હી,-હ્યું,-હ્યા,-હ્યાં; દોહીશ; દોહીશું; દોહશે; દોહશો; દુહત અથવા દોહત; દોહતો,-તી,-તું; દોહનાર; દોહવાનો અથવા દોવાનો; દોહેલો,-લી,-લું; દોહ; દોહજે. દોવડા( -રા)વવું; દોવાવું; દોવણ; દોણી. કોહ:-મોહ પ્રમાણે. કોવડા( -રા)વવું; કોવાવું; કોવાય; કોહપણ; કોહવાણ; કોહવાટ. સોહ:-મોહ પ્રમાણે. (૧૧) કેટલાક ઢ ને બદલે હ અને ડ છૂટા પાડીને લખે છે. જેમકે, કહાડવું, વહાડવું. તેમ ન લખતાં કાઢ, વાઢ, કઢી, ટાઢ, અઢાર, કઢવું એમ લખવું. પરંતુ લઢવું, દાઢમ ન લખતા લડવું, દાડમ એમ લખવુ. ચડવું, ચઢવું બંને માન્ય ગણવાં. (૧૨) કેટલાક શબ્દના ઉચ્ચારમાં ગુજરાતના કેટલાક ભાગમાં યશ્રુતિ થાય છે. ઉદા. જાત્ય, આંખ્ય, લાવ્ય, લ્યો, દ્યો, વગેરે. પણ તે લખવામાં દર્શાવવાની જરૂર નથી. જાત, આંખ, લાવ લો, દો એમ જ લખવું. તદ્ભવ શબ્દો: (૧૩) અલ્પપ્રાણ અને મહાપ્રાણ સંયુક્ત હોય એવા તદ્ભવ શબ્દોમાં મહાપ્રાણનું દ્વિત્વ કરવું, ઉદા. ચોખ્ખુ, ચિઠ્ઠી, પથ્થર, ઝબ્ભો, ઓધ્ધો, સુધ્ધાં, સભ્ભલર. પણ ચ્ તથા છનો યોગ હોય તો ચ્છ લખવું. છ્છ નહિ. ઉદા. અચ્છેર, પચ્છમ, અચ્છું. (૧૪) કેટલાક શબ્દોમાં ( ઉદા. પારણું, બારણું, શેરડી, દોરડું, ખાંડણી, દળવું. ચારણી, શેલડી ) ૨, ડ, ળ, લને બદલે ય ઉચ્ચાર થાય છે; ત્યાં મૂળ રૂપ જ લખવું. (૧૫) અનાદિ શના ઉચ્ચારની બાબતમાં કેટલાક શબ્દોમાં પ્રાંતિક ઉચ્ચારભેદ છે. ઉદા, ડોશી-ડોસી; માશી-માસી; ભેંશ-ભેંસ; છાશ-છાસ; બારશ-બારસ; એંશી-એંસી. આવા શબ્દોમાં શ અને સનો વિકલ્પ રાખવો. ( ૧૬) શક, શોધ, શુંમાં રૂઢ શ રાખવો; પણ સાકરમાં સ લખવો. (૧૭) વિશે અને વિષે એ બંને રૂપો ચાલે. (૧૮) તદ્ભવ શબ્દો અંત્ય ઈ તથા ઉ, સાનુસ્વર કે નિરનુસ્વાર, એ અનુક્રમે દીર્ધ અને હ્સ્વ લખવાં. ઉદા. ઘી; છું; શું; તું; ધણી; વીંછી; અહીં દહીં; પિયુ; લાડુ; જુદું. નોંધ-સામાન્ય રીતે ગુજરાતીમાં રુ અથવા રુ લખવાનો રિવાજ નથી, રૂ વિશેષ પ્રચલિત છે, પરંતુ, જ્યાં નિયમ પ્રમાણે હસ્વ રુ લખવાનું હોય ત્યાં રુ અથવા રુ લખવું. ઉદા. છોકરું-છોકરું; બૈરું-બૈરું. અપવાદૃએકાક્ષરી શબ્દોમાં નિરનુસ્વાર ઊ દીર્ધ લખવો. ઉદા. જૂ; લૂ; થૂ; ભૂ; છૂ. (૧૯) અનંત્ય ઈ તથા ઉ પર આવતા અનુસ્વારનો ઉચ્ચાર પોચો થતો હોય ત્યારે ઈ કે ઊ દીર્ધ લખવાં. ઉદા. ઈંડું, હીંડાડ; ગૂંચવાવ; સીંચણિયું; પીંછું; લૂંટ; પૂંછડું વરસૂંદ; મીંચામણું. અપવાદ-કુંવારું, કુંભાર, કુંવર, કુંવરી, સુંવાળું. (૨૦) શબ્દમાં આવતી યુક્તાક્ષરથી જ્યાં આગલા સ્વરને થડકો લાગતો હોય ત્યાં ઈ કે ઊ જે હોય તે હ્સ્વ લખવો. અનુસ્વારનો ઉચ્ચાર અનુનાસિક જેવો થતો હોય ત્યાં યુક્તાક્ષર ગણવો. ઉદા. કિસ્તી; શિસ્ત; ડુક્કર; જુસ્સો; ચુસ્ત, છેતરપિંડી; જિંદગી; જિગોડી; લુંગી; દુંદ; તુંડાઇ. નોંધ-સામાન્ય રીતે ગુજરાતીમાં જિ લખવાનો રિવાજ નથી. જી જ વિશેષ પ્રચલિત છે. પરંતુ જ્યાં નિયમ પ્રમાણે હસ્વ જિ લખવાનું હોય ત્યાં જિ લખવું. ઉદા. જિંદગી; જિતાડવું; જિવાડવું. (૨૧) જ્યાં વ્યુત્પત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય ( જેમકે, ઉદવું, ડિલ ) તેવા બે અક્ષરના શબ્દોમાં ઉપાંત્ય ઈ તથા ઊ દીર્ધ લખવાં. ઉદા. ચૂક; થૂઈ; તૂત; ઝૂલો; ઝીણું; જીનો. અપવાદ-સુધી, દુખ, જુદું, જુઓ. નોંધ-મુકાવું, ભુલાવું, મિચાવું; એવાં કર્મણિરૂપોમાં હ્સ્વ થાય છે. જુઓ નિયમ ૨૪મો. (૨૨) જ્યાં વ્યુપત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય ( જેમકે,ઉપર; ચુગલ; કુરતું; મુગટ; અંગુર ) તેવા બેથી વધારે અક્ષરના શબ્દોમાં ઇ કે ઉ પછી લઘુ અક્ષર આવે તો તે દીર્ધ લખવાં અને ગુરુ અક્ષર આવે તો તે હ્સ્વ લખવાં. ઉદા. ખુશાલ; નીકળ; મૂલવ; વિમાસ; મજૂર; ખેડૂત; દુકાળ; સુતાર; તડૂક; કિનારો; ભુલાવ; મિચાવ; તડુકાવ. અપવાદ ૧-વિશેષણ પરથી થતાં નામો તેમ જ નામ પરથી બનતાં ભાવવાચક નામોમાં મૂળ શબ્દની જોડણી કાયમ રાખવી. ઉદ. ગરીબ-ગરીબાઈ; વકીલ-વકીલાત; ચીકણું-ચીકણાઈ, ચીકાશ; મીઠું-મીઠાશ મીઠાણ; જૂઠું-જૂઠાણું; પીળું પીળાશ; ઝીણું-ઝીણવટ. નોંધ-વેધી-વેધિત્વ; અભિમાની-અભિમાનિત્વ એવા શબ્દો તત્સમ સંસ્કૃત હોઈ ફેરફાર કરવામં આવે છે. અપવાદ ૨-કેટલાક શબ્દો બોલતાં ઉપાંત્ય અક્ષર ઉપર ભાર આવે છે ત્યાં ઇ કે ઉ જે હોય તે દીર્ધ લખવાં. ઉદા. ગોટીલો; દાગીનો; અરડૂસો; દંતૂડી વગેરે. નોંધ- જેમાં આ જાતનો ભાર નથી આવતો એવા શબ્દો; ટહુકો; ફઉડી; મહુડું. (૨૩) ચાર અથવા તેથી વધારે અક્ષરના શબ્દોમાં આદિ ઇ તે ઉ હ્સ્વ લખવાં. ઉદા મિજલસ; હિલચાલ; કિલકિલાટ; ખિસકોલી; ટિપણિયો; ટિટિયારો; ટિચકારી. વિકલ્પ-ગુજરાત-ગુજરાત. નોંધ ૧-આ જાતનો શબ્દ સમાસ હોય તો સમાસના અંગભૂત શબ્દોની જોડણી કાયમ રાખવી. ઉદા. ભૂલથાપ; બીજવર; હીણકમાઉ; પ્રાણીવિદ્યા; સ્વામીદ્રોહ; મીઠાબોલું. નોંધ ૨-કૂદાકૂદ; બૂમાબૂમ; ભૂલભુલામણી એવા દ્વિર્ભાવથી થતા શબ્દોમાં દ્વિર્ભાવ પામતા પદની જોડણી જ કાયમી રાખવી. (૨૪) પ્રાથમિક શબ્દો પરથી ઘડાતા શબ્દોમાં તથા ધાતુના પ્રેરક અને કર્મણિ પ્રયોગના રૂપોમાં પ્રાથમિક શબ્દ અથવા ધાતુની મૂળ જોડણી કાયમ ન રાખતાં ઉપર કલ ૨૧, ૨૨, ૨૩, ૨૪ પ્રમાણે જોડણી કરવી. ઉદા. ભૂલ-ભુલામણી; શીખ-શિખાઉ, શિખામણ; નીકળ-નિકાલ; ઊઠ-ઊઠાવું, ઉઠાડ, ઉઠમણું; મૂક-મુકાણ, મુકાવું, મુકાવવું; ચૂંથવું, ચૂંથાવું;ચૂંથાવવું; કિંગલાણ, કિંગલાવું, કિંગલાવવું. નોંધ-ધાતુના અક્ષરો ગણવામાં તેનું સામાન્ય કૃદંતનું રૂપ નહિ પણ મૂળ રૂપ લેવું. જેમકે, ઉથલ(વું) મૂલવ(વું); ઉથલાવ(વું); તડૂક(વું); તડુકાવ(વું); તડુકા(વું);. અપવાદ ૧-કર્મણિ રૂપોને નિયમ ૨૧માં અપવાદ ગણી હ્સ્વ કરવાં. જેમકે, મિચા(વું); મુકા(વું); ભુલા(વું). અપવાદ ૨-ક્રિયાપદના કૃદંતરૂપોમાં મૂળ જોડણી જ કાયમ રાખવી. જેમકે, ભૂલનાર; ભૂલેલું; ભુલાવનાર; ભુલાયેલું. મૂકનાર; મૂકેલું; મૂકાયેલું મુકાવનાર; મુકાવડાવેલું. (૨૫) શબ્દના બંધારણમાં ઈ પછી સ્વર આવતો હોય તો તે ઈને હ્સ્વ કરી સ્વરની પહેલાં ય ઉમેરીને લખવું. ઉદ. દરિયો; કડિયો, રેંટિયો; ધોતિયું; માળિયું; કાઠિયાવાડ; પિયર; મહિયર. દિયર; સહિયર; પિયુ. અપવાદ-પીયો; તથા જુઓ પછીનો નિયમ. વિકલ્પ-પિયળ-પીયળ. (૨૬) વિભક્તિ કે વચનના પ્રત્યયો લગાડતાં કે સમાસ બનાવતાં શબ્દની મૂળ જોડણી કાયમ રાખવી. ઉદ. નદી-નદીઓ, નદીમાં ઈ૦ સ્ત્રી સ્ત્રીઓ, સ્ત્રીને ઇ૦ ખૂબી-ખૂબીઓ. બારીબારણાં. (૨૭) क. કરીએ, છીએ, ખાઇએ, ધોઈએ, સૂઈએ, જોઈએ, હોઈએ, મારીએ, એવાં ક્રિયાપદનાં રૂપો બતાવ્યા પ્રમાણે લખવાં. પણ થયેલું, ગયેલું સચવાયેલું, એવા રૂપો દર્શાવ્યા મુજબ લખવાં. ख. જુવો, ધુવો નહિ પણ જુઓ, ધુઓ લખવું. તેમ જ ખોવું, રોવું, જેવા ઓકારાંત ધાતુઓમાં ખુઓ, રુઓ લખવું. અને જુએ છે, ધુએ છે, ખુએ છે, રુએ છે, જોયેલું, જોતું, ખોયેલું, ખોતું, ધોયેલું, ધોતું વગેરે રૂપો દર્શાવ્યા મુજબ લખવાં. ग. સૂવું, પીવું જેવાં ક્રિયાપદોમાં સૂએ છે, સુઓ સૂતું સુતેલ, સુનાર, અને પીએ છે, પીઓ, પીતું, પીધેલ, પીનાર એ પ્રમાણે લખવું. (૨૮) પૈસો, ચૌટું, પૈડું, રવૈયો એમ લખવું. પણ પાઈ, પાઉંડ, ઊડઈ, સઈ એવા શબ્દો દર્શાવ્યા પ્રમાણે લખવા. (૨૯) સજા, જિંદગી, સમજ એમાં જ; તથા ગોઝારું, મોઝારમાં ઝ અને સાંજ-ઝ, મજા-ઝા એમ લખવું. (૩૦) આમલી-આંબલી, લીમડો-લીંબડો, તૂમડું-તૂંબડું, કામળી-કાંબળી, ડામવું-ડાંભવું, પૂમડું-પૂંભડું, ચાંલ્લો-ચાંદલો, સાલ્લો-સાડલો એ બંને રૂપો ચાલે. (૩૧) કહેવડાવવું-કહેવરાવવું, ગવડાવવું-ગવરાવવું, ઉડાવવું-ઉરાડવું, બેસાડવું-બેસારવું જેવાં પ્રેરક રૂપોમાં ડ અને ર નો વિકલ્પ રાખવો. (૩૨) કવિતામાં નિયમનુસાર જોડણી વાપરી હ્સ્વ દીર્ધ બતાવનારાં ચિહ્નો વાપરવાં. (૩૩) જે શબ્દોની જોડણી કે ઉચ્ચારને વિશે એકરૂપતા ચાલતી હોય તે શબ્દોની, ઉપરના કોઈ નિયમો અનુસાર જુદી જોડણી થતી હોય છતાં પ્રચલિત જોડણી કાનમ રાખવી. ઉદા. મુજ; તુજ; ટુકડો; ટુચકો; મુજબ; પૂજારી; મુદત; કુમળું; કુસકી; ગુટકો; ફુલડી.
|