3 |
[ સં. નીલી ] |
स्त्री. |
એક જાતની વનસ્પતિ. તેના છોડ બેથી ત્રણ ફૂટ ઊંચા થાય છે. તેને કાપી એક મોટા કૂંડામાં બુડાડી મૂકવાથી સડીને તેનો રસ પાણીમાં ઊતરે. છોડનાં ડાંખળાં પાણીમાંથી કાઢી નાખી રગડા જેવા પાણીને ખૂબ વલોવી ઠરવા દેતાં નીચે ઘેરા આસમાની રંગનાં ખડબાં બાઝે છે. કુંડમાંથી નીતરેલું પાણી કાઢી નાખી રંગની ગોળીઓ વળાય છે. તે રંગાટીના કામમાં આવે છે. આ છોડનાં પાન આંબલી જેવાં ધોળાશ પડતાં હોય છે. તેનાં પાનની નજીક ગોળ બીના લોચા હોય છે. તે ગૂમડાં, ચાંદાં ઉપર લગાડાય છે. કાળા વાળ કરવામાં પણ તે મેંદીનાં પાનના અનુપાન સાથે વાળને લગાડાય છે. ગળીની જડમાં ઝેર નાશ કરવાનો અને પાંદડાંમાં નિર્બળતા નષ્ટ કરવાનો ગુણ છે. કાળજાના સોજા ઉપર ગળીનાં પાંદડાં મધની સાથે વાટીને અપાય. મૂળને પાણીમાં ઉકાળી પથરી ઉપર અપાય છે. પાંદાડંને વાટી પેડુ ઉપર ચોપડવાથી પેશાબનો બંધ છૂટે. કોલેરાની બીમારીમાં ગળીનું ચૂર્ણ અપાય છે. તેની કુમળી ડાળીઓને રસ મધની સાથે મેળવી નાનાં બાળકોના મોઢામાં થતી ગરમી દૂર કરવા અપાય. આ છોડ ખાંસી, ફેફસાં અને ગુરદામાં થનાર વ્યાધિ, હૃદયનો ધબકારો તથા જળોદરના રોગમાં ઉપયોગી મનાય છે. ગળી શોધક, તીખી, કડવી, વાળને હિતાવહ, ઉષ્ણ તથા સારક છે અને શ્લેષ્મ, ઉદરરો, મોહ, હૃદયરોગ, ભ્રમ, વાતરક્ત, ઉદાવર્ત, આમવાત, કફ, ઉધરસ, વિષ, ગુલ્મ, તાવ, કોઢ, કૃમિ, અને પ્લીહાના રોગનો નાશ કરે છે. તેમાં કાર્બનના ૧૬ હાઇડ્રોજનના ૧૦, નાઇટ્રોજનના ૨ અને ઓક્સિજનના ૨ ભાગ હોય છે. ઝાડનાં પાંદડાંઓમાંથી પણ ગળી બનાવવામાં આવે છે. સને ૧૮૭૦ની સાલથી કૃત્રિમ ગળી બનાવવા ઘણા પ્રયાસ થયા છે. ગળી મોટા પ્રમાણમાં ગ્રીસ અને રોમમાં હિંદમાંથી જતી અને તેની વપરાશ એ દેશો હિંદ પાસેથી શીખ્યા. હિંદમાં તેનું નામ નીલ છે, તે ઉપરથી ફિંરંગીઓ તેને અનીલ કહેતા અને આરબો નીલ કહેતા.
રૂઢિપ્રયોગ
ગળી ખાવી-નાખવી = અફીણ વગેરેના સટ્ટામાં તેજી મંદી ઉપર અમુક રકમ લેવાની અમુક રીતની શરત મારવી.
|