1 |
[ સં. ઋક્ ( જેનાથી સંપૂર્ણ પદાર્થોના ગુણનું વર્ણન કરાય છે તે ) + વેદ ( સત્યનું જ્ઞાન કરાવે તે ) ] |
पुं. |
આર્યોના ચાર વેદ માંહેનો મુખ્ય, પહેલો અને જૂનો વેદ; જેમાં ઋક્મંત્રો ઘણા છે એવો વેદ. આ સૌથી પુરાણા પુસ્તકમાં પરમાત્માના મહિમાનું વર્ણન છે. તેમાં સહુથી જૂની ઋચાઓથી સચ્ચિદાનંદ પરમેશ્વર અથવા દેવસ્વરૂપ પરમાત્માને બોલાવી ધર્મ, અર્થ, કામ, મોક્ષ વગેરે જુદા પ્રકારની અભિલાષાનું વર્ણન કરેલું છે. આ વેદ બ્રહ્માના પૂર્વ મુખમાંથી નીકળ્યાનું મનાય છે. કેટલાક તેને અગ્નિમાંથી પેદા થયો તેમ પણ માને છે. પદ્યરૂપ હોવાથી આ વેદમાં કવિતા બહુ આવે છે. તેમં સ્તુતિ, પરિભાષા વગેરે વિજ્ઞાનની પ્રધાનતા છે. વહાણવટા માટેના પ્રથમ શબ્દનું માન ઋગ્વેદ ખાટી જાય છે. આ વેદ જુદા જુદા ઋષિઓએ બનાવેલો હોવાથી સામાન્ય રીતે તેમાં છંદ પણ જુદા જુદા જોવામાં અવે છે. આયુર્વેદ એ આ વેદનો ઉપવેદ મનાય છે. ઋગ્વેદની પત્નીનું નામ ઇતિ છે. પાશ્ચાત્ય પંડિતોના મત પ્રમાણે ઋગ્વેદનો સમય ઈ. સ. પૂર્વે ૧૫૦૦થી ઈ. સ. પૂર્વે ૧૦૦૦ સુધીનો માનવામાં આવે છે, ભાષાને આધારે તેઓ આ વખત જણાવે છે. પણ ભૂસ્તરશાસ્ત્રના આધારથી અમુક મંત્રોને વિચારતાં તે મંત્રોનો સમય ઈ.સ. પૂર્વે ૨૫૦૦૦ વર્ષ સુધી જાય છે. ઋગ્વેદની કેટલીક ઋચામાં મહાવિષુવનું સ્થાન મૃગશીર્ષ નક્ષત્રમાં હતું એમ દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરથી કેટલાકનો એવો મત છે કે ઋગ્વેદની તે ઋચા ઈ.સ. પૂર્વે ૪૫૦૦માં લખયેલી હોવી જોઈએ. કેટલાકની એવી માન્યતા થાય છે કે લગભગ સાડા પાંચ લાખ વર્ષો પહેલાં ઋગ્વેદના કેટલાક મંત્રો રચાયા છે. ઋગ્વેદના સમયમાં આર્ય લોક સરયૂ નદી અને જમના નદીને નીચી ખીણ સુધી ફેલયા હતા. એક દૃષ્ટિએ તેના આઠ અષ્ટક અને દરેકના આઠ અધ્યાય એમ ભાગ પાડી શકાય છે. બીજી રચના પ્રમાણે તેનાં દશ મંડલ અને દરેક મંડલના ૧૦૦૦ અનુવાક અને ૧૦૦૦ સૂક્ત છે. શ્લોકની કુલ સંખ્યા ૧૦૦૦ ઉપરાંત છે. ઋગ્વેદનાં સૂક્તો એટલે વૈદિક ઋષિઓના જુદા જુદા પ્રસંગ ઉપરના કવિતામાં મૂકેલા ઉદ્ગારો ઘણા સુંદર હોવાથી તેનાં પાશ્ચાત્ય વિદ્વાનો પણ વખાણ કરે છે. ઋગ્વેદનું પહેલું સૂક્ત પહેલા વૈદિક દેવતા અગ્નિની સ્તુતિનું છે. બધાં મળી ઋગ્વેદમાં ૧૦૧૭ સૂક્તો છે અને તે જુદા જુદા ઋષિઓનાં બનાવેલાં છે. આ સૂક્તોને દશ મંડલમાં વહેંચવામાં આવ્યાં છે. બીજાથી આઠમા મંડલમાં જુદા જુદા ઋષિનાં કુટુંબોમાં બોલતાં સૂક્તો દાખલ કર્યા છે. જેમ કે, બીજામાં ગૃત્સમદ ઋષિ, ત્રીજામાં વિશ્વામિત્ર, ચોથામાં ગૌતમ, પાંચમામાં અત્રિ, છઠ્ઠામાં ભારદ્વાજ, સાતમામાં વસિષ્ઠ અને આઠમામાં કણ્વ, નવમા મંડલમાં સોમની સ્તુતિનાં જુદા જુદા ઋષિએ બનાવેલાં સૂક્ત છે. પહેલાં અને દશમા મંડલમાં વિધવિધ વિષય ઉપર જુદા જુદા ઋષિઓનાં સૂક્ત છે. ઋગ્વેદનાં સૂક્તો બધાં એક સમયે લખાયેલાં નથી. તેમાં કેટલાંક જૂનાં તેમ જ કેટલાંક જૂનાં તેમ જ કેટલાંક નવાં છે. વળી જૂનાં અને નવાં સૂક્તોની ભાષા વચ્ચે પણ ફેર છે. ખાસ કરીને દશમા મંડલની ભાષામાં ઘણો ફેર છે. સંહિતા તરીકે તેનો સંગ્રહ થયો તે વખત અને તેનો રચવાનો સમય એ બંને જુદા છે. સૂક્તો બહુધા દેવતાની સ્તુતિનાં છે. તેનું પરિણામ ૧૮૦૦૦ છે. તેમાં ૧૦૫૮૦ ઋક અને ૭૪૨૦ બ્રાહ્મણ છે. ઋગ્વેદમાં ૧૦ મંડલ, ૧૦૦ અનુવાક, કેટલાકને મતે ૮૫ અનુવાક, ૧૦૦૦ સૂક્ત, ૧૦૪૦૨ ઋચા, ૧૫૩૮૨૭ પદ, કેટલાકને મતે ૧૫૩૮૨૬ પદ અને ૪૩૨૦૦૦ અક્ષર છે બીજી રીતે કહીએ તો તેમાં ૮ અષ્ટક, ૬૪ અધ્યાય અને ૨૦૦૬ વર્ગ છે. ચરણવ્યૂહમાં ઋગ્વેદની પાંચ શાખા વર્ણવેલી છે, પણ પતંજલિના મહાભાષ્યમાં શાકલ, બાષ્કલ, આશ્વલાયન, શાંખાયન, માંડૂકેય, ઐતરેય, કોષીતકિ, શૈશરી, પૈગી એમ તેની એકવીશ શાખા બતાવી છે. તેમાં શરૂઆતની પાંચ મુખ્ય શાખા ને બાકીની ઉપશાખાઓ ગણાય છે. તેમાં પણ વર્તમાન સમયમાં તો માત્ર શાકલ શાખા જ મળી આવે છે. બીજી શાખાનો લોપ થયો છે. શાંખાયન, કૌષીતકિ અને ઐતરેય એ ઋગ્વેદનાં બ્રાહ્મણ છે. વળી કેટલાક ૨૪ શાખા અને ચર્ચા, શ્રાવક, ક્રમજટા, ક્રમપારા, ક્રમરથા, ક્રમરથા, ક્રમપાલહા ઇત્યાદિ આઠ ભેદ માને છે. કાલક્રમની દૃષ્ટિએ, વિષયની મૌલિકતાની દૃષ્ટિએ અને ઐતિહાસિક ઉપયોગિતાની દૃષ્ટિએ ઋગ્વેદનું મહત્ત્વ સૌથી વધારે છે. બીજા વેદોમાં જે મંત્રો આવે છે તે મોટે ભાગે ઋગ્વેદમાંથી જ લીધેલા છે.
|