3 |
[ સં. ઇન્દુ ( વરસાદનું ટીપું ) ] |
पुं. |
ઇચ્છામાં આવે તે રૂપ ધારણ કરી શકનાર, બદામી રંગના બે ઘોડાવાળા સોનાના રથમાં મુસાફરી કરનાર, દેવના દુશ્મનોનો નાશ કરનાર, હવા અને વાતાવરણને નિયમમાં રાખનાર, ઉપાસકોનો પિતા અને મિત્ર, ગરીબનો બેલી, સોમરસનું પાન કરાવ્યાથી આશીર્વાદ, ગાય, ઘોડા, રથ, તંદુરસ્તી, બુદ્ધિ, ફતેહ આપનાર, મહા પરાક્રમી ગર્જના સહિત વરસાદરૂપે પૃથ્વી ઉપર આવનાર, ઉપાસકોને સોમરસ પીવાનું આમંત્રણ આપનાર, વજ્ર બાણ અને જાળ ધારણ કરનાર, રતુંબડા સોનેરી રંગનો, ચાર હાથ અને હજાર આંખવાળો દેવતાનો રાજા શક્ર વેદમાં ઉપરના વર્ણન ઉપરાંત તેને મા અને બાપ હોવાનું અને પુરુષના મોઢામાંથી નીકળ્યાનું જણાવેલ છે. વેદ પછીની દંતકથામાં તે કશ્યપ અને અદિતિનો દીકરો, બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ત્રિપુટી કરતાં ઊતરતી કોટીનો, દેવતાઓનો ઉપરી, દેવેન્દ્ર, સુરેન્દ્ર, સ્વર્ગલોકનો રાજા હવા, વીજળી, ગર્જના અને વરસાદ ઉત્પન્ન કરનાર, વારંવાર અસુરો સાથે લડનાર એમ વર્ણવાયેલ છે. તેણે વેદનો વિસ્તાર કર્યો હોવાથી વ્યાસ, ગૌતમની સ્ત્રી અહલ્યાનું શિયળ ભંગ કર્યું હતું તેથી અહલ્યાજાર, ગૌતમના શાપથી તેના શરીર ઉપર ૧૦૦૦ યોનિનાં ચિહ્ન થયાં હતાં તેથી સયોનિ, પણ પાછળથી આ ચિહ્નો આંખમાં બદલાઈ ગયાં તેથી તે નેત્રયોનિ અથવા સહસ્ત્રાક્ષ પણ કહેવાય છે. જયંત તેનો દીકરો, માતલિ રથ હાંકનાર, કામદુધા ગાય, અમરાવતી રાજધાની, નંદનવન બગીચો, સાત સૂંઢવાળો ઐરાવત હાથી, આઠ માથાવાળો લીલા રંગનો ઉચ્ચૈ:શ્રવા ઘોડો, ઇંદ્રધનુષ નામનું કામઠું, પરંજ તરવાર, સોમરસ પ્રિય ખોરાક અને મરુત લડાઈમાં તેનો મદદ કરનાર છે. એની દિકરીનું નામ દેવસ્સેના, સ્ત્રીનું શચી કે ઇંદ્રાણી, મહેલનું વૈજયંત અને સભાનું નામ સુધર્મા છે. એની સભામાં ગાનારા ગંધર્વ અને નાચનારી અપસરા હોય. એનાં કપડાંના રંગ હમેશા બદલાયા કરે. તેની આંખો સ્થિર એટલે પલકારા વિનાની છે. આકાશ, વાયુ, વીજળી, ગર્જના, વરસાદ, જ્યેષ્ઠા નક્ષત્ર અને પૂર્વ દિશાનો એ અધિપતિ છે. યજ્ઞમાં દેવતાઓને અરધ ભાગ અને અરધ ભાગ એકલા ઇંદ્રનો હોવાથી દરેક દેવતાની સાથે મંત્રમાં ઇંદ્રનો પાઠ છે. ઋગ્વેદનાં ચોથા ભાગ કરતાં વધારે સૂક્તોમાં વરસાદના અને યુદ્ધના દેવ ઇંદ્રની સ્તુતિ કરેલી છે. ઇંદ્રના માનમાં શક્રધ્વજોત્થાન નામનો મહોત્સાવ ઊજવવામાં આવે છે. એણે દિતિની સાથે સંભોગ કરવાથી દિતિને ગર્ભ રહ્યો હતો. તે ગર્ભના ઇંદ્રે પોતાના વજ્રથી ૪૯ કટકા કર્યા હતા. તેમાંથી ૪૯ મરુત થયા. તેણે પુલોમની દીકરી ઉપર બળાત્કાર કરી પુલોમના શાપના ભયથી તેને મારી નાખ્યો હતો. પોતાના ગોર વિશ્વરૂપને પણ એણે માર્યો હતો. વૃત્ર, ત્વષ્ટા, નમુચિ, સંવર, પણ, વલિ અને વિરોચન ઇંદ્રના શત્રુ છે. કોઈ અશ્વમેધ કરે કે ઇંદ્રાસન મેળવવા મોટું તપ કરે એટલે ઇંદ્ર અપ્સરાઓ મોકલી તેના તપમાં ભંગ પાડવા યત્ન કરે. સગર રાજા અશ્વમેધ કરતો હતો ત્યારે ઇંદ્ર તેનો ઘોડો ચોરી જઈ પાતાળમાં કપિલ મુનિ તપ કરતા હતા તેમની પાસે છૂપી રીતે ઘોડાને બાંધી આવ્યો હતો. રાવણના દીકરા મેઘનાદે તેને હરાવી કેદ કર્યો હતો તેથી રાવણનો દીકરો ઇંદ્રજિત. કહેવાયો. બ્રહ્માના વચમાં પડવાથી ઇંદ્રજિતે તેને છોડી મૂક્યો. અર્જુનને પિતા તરીકે તેણે અક્ષય એટલે જેમાંથી બાણ ખૂટે નહિ એવો ભાથો આપ્યો હતો. વ્રજના ગોવાળિયા ઇંદ્રપૂજા કરતા. કૃષ્ણે તેઓને તેમ કરતા અટકાવ્યા, તેથી ઇંદ્ર કૃષ્ણ અને ગોવાળ ઉપર બહુ જ ગુસ્સે થયો અને તેણે ધોધમાર વરસાદ વરસાવ્યો પણ કૃષ્ણે ગોવર્ધન પર્વત આડો રાખી વરસાદનું પાણી સાત દિવસ સુધી અટકાવ્યું. જ્યારે કૃષ્ણ પારિજાત વૃક્ષ લેવા સ્વર્ગમા ગયા. ત્યારે ઇંદ્ર બહુ ગુસ્સે થયો. કષ્ણ સામે તે લડ્યો, પણ હારી ગયો . તેનાં બીજા કેટલાંક નામ મહેંદ્ર, મઘવાન, ઋભુક્ષ, વાસવ, અર્હ, દત્તેય, બલભિદ્દ, વૃત્રહન્, વજ્રપાણિ, મેઘવાહન, પાકશાસન, શતક્રતુ, દેવપતિ, સુરાધિપ, મરુત્વાન, સ્વર્ગપતિ, જિષ્ણુ, પુરંદર, ઉલૂક, ઉગ્રધન્વા, વિશ્વભુક્, વિપશ્ચિત, વિભુ, પ્રભુ, શિખિ, વૃદ્ધાશ્રવા, યજ્ઞ, રોચન, સત્યજિત, સુનાસીર, પુરુહ્રત, શતમન્યુ, દિવસ્પતિ, વજ્રધર, ત્રિશિખ, મંત્રદ્વુમ, વિડૌજા, લેખર્ષભ, સુત્રામા, ગોત્રભિદ્દ, વજ્રી, મનોજવ, તેજસ્વી બલિ, વૃષ, વાસ્તોષ્પતિ, સુરપતિ, બલારાતિ, અદ્દભુત, શંભુ, શચીપતિ, જમ્ભભેદી, હરિહય, સ્વરાટ્, નમુચિસૂદન, શુચિ, ઋતધામા, વૈધૃતિ, સંક્રન્દન, દષ્ચ્યવન, તુરાષાટ્, આખણ્ડલ, ત્રિદિવ, સુશાંતિ સુકીર્તિ, કૌશિક, માતલિસૂત, વિષ્ણુ, યાકરિપુ, પૂતક્રતુ, વિશ્વંભર, હરિ, શતધૃતિ, પૃતનષાડ્, અહિદ્વિષ, દેવરાજ પર્વતારિ, દેવાધિપ, નાકનાથ, પૂર્વદિક્પતિ, પુલોમારિ, પ્રાચીનબર્હિ, તપસ્તક્ષ, રિપુપાક.
રૂઢિપ્રયોગ
૧. ઇંદ્રની પરી = (૧) અપ્સરા. (૨) બહુ રૂપાળી સ્ત્રી.
૨. ઇંદ્રનો અખાડો = (૧) ઇંદ્રની સભા, જેમાં અપ્સરાઓ નાચે છે. (૨) ખૂબ નાચ રંગ થતો હોય તેવી સભા.
|