‘ધૂમકેતુ’ તરીકે વધુ જાણીતા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીએ સાહિત્યનાં તમામ ગદ્યસ્વરૂપો ખેડ્યાં છે, પણ તેમની વાર્તાઓ વધુ લોકપ્રિય રહી. તેમના 24 વાર્તાસંગ્રહો પ્રગટ થયા. એમાંથી ચૂંટેલી ઉત્તમ વાર્તાઓના પણ સંગ્રહો થયા. વર્ષ 1965માં પ્રકાશિત થયેલા ‘ધૂમકેતુનાં વાર્તારત્નો’માં કુલ 25 વાર્તાઓ સામેલ કરવામાં આવી છે. કેટલીક વાર્તાનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે:
(1) ભૈયાદાદા: 25 વર્ષથી એક જ જગ્યાએ રેલવેમાં સાંધાવાળાની નોકરી કરતા ભૈયાદાદાને એ જગ્યાની લગની લાગેલી છે. અચાનક આવેલા નવા સાહેબને આ મામૂલી અને વૃદ્ધ કર્મચારીની કોઈ દયા આવતી નથી અને તેને તાત્કાલિક છૂટો કરવાનું ફરમાન કરે છે. 24 કલાકમાં જગ્યા ખાલી કરવાની નોટિસ મળે છે, પણ એ પહેલાં તો ભૈયાનો આત્મા એનું શરીર છોડી દે છે.
(2) ભીખુ: અમદાવાદની પશ્ચાદભૂ ધરાવતી આ કૃતિ પહેલો પુરુષ એક વચનમાં લખાયેલી છે. સિનેમાઘર, હોટલમાં પૈસા ઉડાવીને પરત જતા નાયકને ભિક્ષુક પરિવાનનું જીવન જોવા મળે છે. પેટનો ખાડો પૂરવા વલખાં મારતાં માતા-પુત્રો અને બાળભિક્ષુકની કુટુંબ માટેની ત્યાગભાવના જોઈને નાયક ગદ્ગદિત થઈ ઊઠે છે.
(3) કલ્પનાની મૂર્તિઓ: યમુના નદીના કાંઠે, તાજ મહેલની છાયામાં ચાંદની રાતમાં આકાર લેતી કાવ્યમય સૃષ્ટિ વચ્ચે પ્રકટતી બે કલાકારોની કલાપ્રીતિ. નાયિકા સિતારાના વૃદ્ધ દાદા વાંસળીવાદક તો સિતારાનો પ્રેમી વિધુશેખર ચિત્રકાર છે. વૃદ્ધને જલસુંદરી અને ચિત્રકારને પૃથ્વીરાજની સંયુક્તાના કાલ્પનિક પાત્રનું આકર્ષણ રહે છે. સંગીત અને ચિત્રકલા એકબીજાને સહાયક બને છે.
(4) સોનેરી પંખી: પક્ષી પકડવાનો વ્યવસાય કરતો યુવાન બૌદ્ધ ભિક્ષુ બને છે. નંદગિરિના ખોળે એકાંતમાં વસવાટ દરમિયાન પ્રેમી પંખીનો વિરહ જોતાં તેને પોતાની પ્રેયસી સાંભરે છે. એને મળવા તે પરત શહેર વારાણસી પહોંચે છે. ત્યાં તેને સાધુવેશે જોતાં વારાંગનાનો ઉમળકો ઠંડો પડી જાય છે. તે નિરાશ બની નંદગિરિ પરત ફરે છે. કુદરતી સૌંદર્ય અને મનોભાવનાં ચિત્રાત્મક અને કાવ્યમય વર્ણનો વાર્તાને રસપ્રદ બનાવે છે.
(5) દોસ્તી: ગામેતી અને દરબારની મિત્રતાની આ કથામાં એકનો પુત્ર અન્યની પુત્રવધુની આબરૂ લેવાનો પ્રયાસ કરે છે, જોકે તલવાર ખેંચીને રજપૂતાણી એનો પ્રતિકાર કરે છે ત્યારે શરમનો માર્યો એ પાછો વળતી વખતે દરબારના દીકરાની હત્યા કરે છે. આમ છતાં મૈત્રીમાં તિરાડ પડતી નથી. છેવટે રજપૂતાણી ખૂનનો બદલો લેવા ગામેતીના દીકરાનું માથું કાપીને લાવે છે. એ વખતે પણ ગામેતી એને શાબાશી આપે છે, જ્યારે દરબારને પોતાનો બીજો દીકરો મર્યાની પીડા ઊપડે છે.
આ સિવાય પણ આ સંગ્રહની રતિનો શાપ, કેસરી દળનો નાયક, સ્ત્રીહૃદય, માછીમારનું ગીત, એક પ્રસંગચિત્ર, સવાર અને સાંજ, કવિતાનો પુનર્જન્મ, બિંદુ, હતા ત્યાં ને ત્યાં, તિલકા, નારીનો પરાજય, હૃદય અને પ્રેમ, ગોપાલ, બારીમાંથી જોતાં, જૂના સંસ્મરણોનું એક પાનું, મૂંગો મૂંગો!, મતું મારે માવજીભાઈ!, ત્રિકોણ, પરિવર્તન, એક નાની પળ વાર્તાઓ પણ માણવા લાયક છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં