Gujaratilexicon

ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ

Author : ચંદ્રકાંત બક્ષી
Contributor : યશવંત ઠક્કર

‘ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ’ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 1987માં પ્રગટ થઈ હતી. ત્યારબાદ આ પુસ્તકનું પુનર્મુદ્રણ થતું રહ્યું છે.

‘ગુડ નાઇટ ડેડી’ વાર્તામાં એક બાળકી અને એના પપ્પા વચ્ચેના સંવાદો છે. વાર્તાના અંતે ચોટ છે.

‘અઢી મિનીટની વાર્તા’ની ભાષા કાવ્યમય છે તો ‘ક્રમશ:’ અને ‘મિશેલ તું મારી ભાષા સમજે છે?’ વાર્તાની ભાષા લલિત નિબંધની છે.

‘ઓમાર બાડી, તોમાર બાડી, નોકશાલ બાડી…’ વાર્તામાં નકસલવાદથી પ્રભાવિત કાર્તિક કહે છે કે: ‘લોહીનું તાપમાન બે હજાર ડિગ્રી ઊકલશે ત્યારે ભારતનો આત્મા શુદ્ધ થશે.’ 

‘મનોયત્ન’ વાર્તામાં ચાળીસની ઉમરે પહોંચેલો પ્રોફેસર કહે છે: ‘પ્રોફેસરી કરવી, કલાસ લેવા, લેવા એ બધું દિમાગના સ્ટ્રીપ-ટીઝ શો જેવું છે.’ 

‘ચક્ષુ:શ્રવા’ વાર્તામાં કેસરીસિંઘના મગજમાં આંધીના જોશથી ટકરાઈ રહેલી સ્મૃતિઓ, એક વીતી ગયેલા યુગની જાહોજલાલીનો પરિચય આપે છે. ‘દોમાનિકો’ વાર્તામાં વાર્તાકાર એક ઠગની વાત લઈને આવે છે અને વાચકને આજથી લગભગ બસો વર્ષો પહેલાંના સમયમાં લઈ જાય છે. ‘નેતિહાસ’ વાર્તામાં ગામમાંથી શહેર બની ગયેલા પાલનપુરની વાત છે.

‘દૃશ્ય ત્રીજું’ વાર્તા કોલસાની ખાણની માલિકી ધરાવતા એક માણસનો અસલ પરિચય કરાવે છે.  તો ‘તમે આવશો?’ વાર્તામાં એક પાત્ર બીજા પાત્ર સાથે લાંબી વાત કર્યા પછી પોતાનો ચૌકાવનારો  પરિચય આપે છે.

‘સોક્રેટીસ’ વાર્તામાં જેલની અને જે સ્થાપિત મૂલ્યોમાં ન માનતો હોય એવા એક કેદીની વાત છે.

‘હું, તમે અને…કલકત્તા’ વાર્તામાં કલકત્તાની વસંતની વાત છે તો ‘આબોદાના’ વાર્તામાં મુંબઈની ભાગદોડની વાત છે.

‘ગો ટુ તેન હાઉસ’ વાર્તામાં એક છોકરાને ઘોડો લાત મારે છે. લાત મારવાનું કારણ વાચકને આંચકો આપે એવું છે.

‘ઓપરેશન ભુટ્ટો’ યુદ્ધની વાર્તા છે. ‘વાળ’ વાર્તામાં વિશિષ્ટ ગણાય એવા વાળના ધંધાની વાત છે.

‘પૂ. સુમતિમામીની સેવામાં…’ અને ‘અમે’ કૌટુંબિક સંબંધો પર આધારિત છે.

‘રોમિયો અને જુલિયટ ને…’ વાર્તામાં વાસ્તવિકતા છે અને વ્યંગ પણ છે. એમાં એક વિધાન છે: ‘નાનપણનો પહેલો પ્રેમ ભૂલવા માટે જ હોય છે.’

 ‘ડૉક-મજદૂર’માં યુનિયનના દંભી નેતાઓની અને માટીપગા સરકારી અધિકારીઓની વાત છે.

‘એક સાંજની વાત’ વાર્તામાં છેલ્લે પાડોશણની વાત સાંભળીને એક માણસ ધ્રૂજી જાય છે.

‘શ્રુતિ અને સ્મૃતિ’ વાર્તામાં એક બહેરી અને મૂંગી બાળાની સંવેદનાથી ભરેલી વાતો છે.

‘લાશને નામ ન હતું!’ વાર્તા ડૉક્ટર, નર્સ, ટેક્સીવાળા, કફનવાળા, ફોટોગ્રાફર, સ્મશાનના કર્મચારી, વગેરેની કાર્યશૈલી અને એમની માનસિકતા પર આધારિત છે.

વિવિધતાથી ભરેલા આ વાર્તાસંગ્રહના પ્રકાશક ‘નવભારત સાહિત્ય મંદિર’ છે.

  • યશવંત ઠક્કર

Most Popular

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects