મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ પોંખેલા ‘કાવ્યાલ્પ’ કાવ્યસંગ્રહ પછી કવિ અલ્પા વસા વાર્તા તરફ ગતિ કરે છે અને ‘વાર્તાલ્પ’ ટૂંકીવાર્તાસંગ્રહ આપે છે. વાર્તા તો જીવનના દરેક તબક્કે, હરેક સમયે મળી જતી હોય છે, જરૂર હતી ફક્ત સંવેદનશીલ બનવાની અને આંખ-કાન ખુલ્લા રાખવાની અને એમ કરતાં લેખિકા આપણને વાર્તાના એક નવા વિશ્વમાં લઈ જાય છે. પરંતુ એક ગૃહિણીની આદત પ્રમાણે કથામાં થોડુંક મીઠું-મરચું પણ નાંખ્યું છે. કથાને મઠારી, પંપાળી, રસદાર બનાવવાની સાથે દરેક કથા માત્ર સમય પસાર કરવાનું સાધન ન બને પણ કંઈક શીખ આપે, સંદેશ આપે એવી રીતે લખવાનો એમનો પ્રયાસ સુપેરે ફળ્યો છે.
લેખિકાના બેય સંગ્રહમાં એક શબ્દ સામાન્ય છે – અલ્પ. એ અલ્પને એમની સાથે વ્યક્તિગત અને સ્વભાવગત બેય રીતે સંબંધ છે એ જણાઈ આવે છે. એમના નામની અંદર રહેલો અલ્પ, એમના લખાણમાં પણ ઝળકે છે. આપણાં મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશી કહેતાં એમ આ અલ્પને લઘુતા કે નાનમ સાથે નહીં પરંતુ લાઘવ સાથે સીધો સંબંધ છે. આમપણ ટૂંકીવાર્તામાં ટૂંકી શબ્દનો અર્થ આ સંદર્ભમાં જ છે. સંસ્કૃતના શિક્ષિકા હોવાથી એમની આજના સમયની અંગ્રેજી શબ્દપ્રયોગ મિશ્રિત વાર્તાઓમાં પણ ભારતીય સંસ્કૃતિની મૂળભૂત ભાષાના જીવનપયોગી સંસ્કૃત સુભાષિતો અને ઉક્તિઓ મુક્ત રીતે વિખરાયેલી મળી આવે છે.
148 પાનાના પટ પર પથરાયેલી 30 વાર્તાઓ મોટાભાગે સ્ત્રીશક્તિકરણની વાતને અલગ અલગ રીતે મૂકી આપે છે. સંતુનું ડેરિંગ હોય કે આંગણાની તુલસી કે પછી જર્મનીની નેન્સી, નૂપુરની બારી, નીરજાનો વનવાસ એના ઉત્તમ ઉદાહરણો છે. સુમી, આસ્થાનું ટીપું અને પુણ્ય જેવી એક જ પાનાની ટૂંકીવાર્તાઓ વચ્ચે અતિટૂંકી કદાચ ઝીણકીવાર્તા કહી શકાય એવી સમજુ સોનું ટૂંકીવાર્તા પણ સંગ્રહમાં સામેલ છે. વેબ પોર્ટલ તરીકે શરૂ થયેલાં સ્ટોરીમિરરનો આ પુસ્તક પ્રકાશન દ્વારા ગુજરાતી સાહિત્યની સેવાનો નવો પ્રકલ્પ કાઠું કાઢી રહ્યો છે એનો આનંદ. ‘અલ્પ’ના નિમિત્તે પોતાના કલ્પનો ઉમેરીને થોડાંમાં ઘણું કહેતાં લેખિકાની વાર્તાઓ રસિકજનોને ગમે એવી છે.
(પૃષ્ઠ-152, કિંમત – 150)
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં