એક હજાર ને એક રાતોની વાતોએ કંઈ કેટલાંય વર્ષોથી દુનિયાભરના આબાલવૃદ્ધ વાચકોને આશ્ચર્ચમાં ગરકાવ કરી દીધા છે. સિન્દબાદની સાહસી દરિયાઈ સફર અને હારુન અલ રશીદના પરાક્રમોથી લગભગ કોઈ અજાણ નથી. અરેબિયન નાઇટ્સ એવા તો તિલસ્માતી દૃશ્યો ખડાં કરે છે કે જ્યાં હકીકત અને તરંગો એકમેકમાં ભળી જાય છે. વિશ્વભરમાં મોટાભાગની ભાષાઓમાં અવનવા સ્વરૂપે સતત કહેવાતી, વંચાતી રહેલી આ વાર્તાઓ ગુજરાતી ભાષામાં પણ ઘણી લોકપ્રિય રહી છે.
પોતાની પત્નીની બેવફાઈથી ત્રસ્ત બે શહેનશાહ ભાઈઓમાંના એક, શહરયારે દરરોજ દિવસે લગ્ન કરી આખી રાત સહભોગ કરીને રોજ સવારે એનો શિરચ્છેદ કરી દેવાનું શરૂ કર્યું. ત્રણ વર્ષ આવું ચાલ્યુંય ખરું. પછી કુંવારી છોકરીઓની અછત સર્જાઈ ત્યારે વજીરની પુત્રી શહરાજાદીએ સુલતાન સાથે લગ્ન કરવાની જીદ પકડી. શહરાજાદી અનેકવિધ વિષયોથી જાણકાર અને અભ્યાસુ હતી. એને કંઈ કેટલુંય સાહિત્ય કંઠસ્થ હતું. છતાં પિતા વજીરને એની ચિંતા થઈ, પણ ધાર્યું તો શહરાજાદીનું જ થયું. શહરજાદીએ લગ્ન કર્યા પછી રાત્રે પોતાની બહેન દીનારજાદીને વાર્તા કહેવી શરૂ કરી. પછી એ વાર્તાઓ એક હજાર ને એક રાત્રી સુધી ચાલી. એ આ અરેબિયન નાઇટ્સ.
માછીમાર અને જિનની વાર્તાથી શરૂ થતી પહેલી રાત્રી એક પછી એક વાર્તામાં ગૂંથાયેલી વાર્તાઓને લીધે પછી એક, બે, એમ કરતાં એક હજાર ને એક રાત્રી સુધી ચાલે છે. એમાં દરજી, ખોજા, પશુ, પક્ષીઓ, સિન્દબાદની પાંચ દરિયાઈ સફરો જેવી વાર્તાઓ શહરાજાદી દ્વારા કહેવાતી રહે છે અને સુલતાન સાંભળતા રહે છે. સૂડાબહોતરીની 72 વાર્તાઓની જેમ આ વાર્તાઓ પણ ચાલ્યાં જ કરે છે. વાર્તા લંબાતી જાય છે અને એની સાથે શહરાજાદીનું જીવન પણ.
કુલ 365 પાનાના વિશાળ પટ ઉપર પથરાયેલી આરંભ અને અંત સહિતની કુલ 31 વાર્તાઓ એની કથાસૃષ્ટિ, એની તિલસ્મી દુનિયા અને સિન્દબાદ-હારુનના સાહસી પરાક્રમોથી વાચકને જકડી રાખે છે. આખરે શહેનશાહે એમની બેગમ શહરાજાદીને કત્લ કરવાનો આદેશ એના વજીર પિતાને આપ્યો ? શહરાજાદી પણ અન્ય બેગમોની જેમ મૃત્યુ પામી ? સુલતાનની સ્ત્રી જાત વિશેની માન્યતા બદલાઈ ? એ બધું જાણવા અને તિલસ્મી દુનિયાની જાદુઈ દુનિયાને માણવા અરેબિયન નાઇટ્સ વાંચવી જ રહી.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.