Gujaratilexicon

અદૃશ્ય દીવાલો

Author : માવજી મહેશ્વરી
Contributor :

‘અદૃશ્ય દીવાલો’એ જાણીતા વાર્તાકાર શ્રી માવજી મહેશ્વરીની એકવીસ વાર્તાઓનો સંગ્રહ છે. વાર્તાઓ મુખ્યત્વે ગ્રામ્યજીવન પર આધારિત છે. વાર્તાકારને ગામ, ખેતર, વાડી, સીમ, વગડો, વગેરે સાથે સીધો સંપર્ક છે આથી એમને ગ્રામ્યજીવનના અનુભવો ઉછીના નથી લેવા પડ્યા. ગામડાંની વાત આવે એટલે આપણી નજર સમક્ષ હરિયાળાં ખેતરો, ખળખળ વહેતી નદીઓ,  લીલાંછમ વૃક્ષો અને મોટાં મનનાં માનવીઓ આવીને ઊભાં રહી જાય, પરંતુ ગામડાંમાં માત્ર સુંદર સુંદર દૃશ્યો જ જોવા નથી મળતાં, વરવાં દૃશ્યો પણ જોવા મળે છે. એ દૃશ્યો કેટલાં વરવાં હોય છે એ જાણવું હોય તો આ વાર્તાઓ વાંચવી જ રહી. વાર્તાકારે વાર્તાઓ દ્વારા ગામડાંના લોકોની અને ખાસ કરીને ખેડૂતો અને મજૂરોની વાસ્તવિક સ્થિતિનો પરિચય કરાવ્યો છે. કુદરતની કૃપા અને કોપ બંનેનો પરિચય કરાવ્યો છે. વાર્તાકારે વિવિધ પાત્રોના આલેખન દ્વારા એ હકીકત રજૂ કરી છે કે, ગામડાંના લોકોને ભૂખ, પીડા, અભાવ, અછત, લાચારી, શોષણ, આક્રોશ વગેરે સાથે કેવી રીતે નાતો નિભાવવો પડે છે. કેટલીક વાર્તાઓમાં સંબંધો બંધાવાની અને તૂટવાની વાતો પણ વાર્તાકારની આગવી રીતે રજૂ થઈ છે.

વાર્તાઓનાં કેટલાંક પાત્રો ગમે તેવી પરિસ્થિતિમાં પણ સંયમ જાળવી લે છે. સંયમ માત્ર પાત્રો જ નથી જાળવતાં, વાર્તાકાર પણ જાળવે છે. ટૂંકાં પણ અસરકારક વર્ણનો, પ્રાદેશિક બોલીનો યોગ્ય ઉપયોગ, ઘટનાઓની ગૂંથણી, પાત્રોની મનોદશાનું અને માનવીય સંવેદનાઓનું મૌલિક ચિત્રણ, વગેરેના કારણે વાર્તાઓ ઘાટીલી થઈ શકી છે. વાર્તાકારની પોતાની સૂઝબૂઝનું એ પરિણામ છે.

વાર્તાકારે પ્રસ્તાવનામાં લખ્યું છે કે: ‘મારો જન્મ ગામડાના અભણ દલિત ખેડૂપરિવારમાં થયો. બાળપણ ગામડામાં જ વીત્યું. યંત્રયુગની હજી અસર પણ થઈ ન હતી  એ વખતે જોયેલું ગામડાનું વાતાવરણ ચિત્તમાં આજેય અકબંધ છે. છેક યુવાની સુધી ગામડાના મુશ્કેલ અને પડકારરૂપ પરિવેશ વચ્ચે વીત્યું. તેની અસરો વાર્તામાં ઉતારવી ગમે છે.’

વાર્તાના રસિયાઓને આ વાર્તાઓ ગમે એવી છે.

  • યશવંત ઠક્કર

Most Popular

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects