પ્રસિદ્ધ સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠકે ‘દ્વિરેફ’ના ઉપનામથી લખેલી તેર વાર્તાઓનો આ સંગ્રહ છે, જે 1928માં પ્રગટ થયો છે. લગભગ 90 વર્ષ પહેલાંની આ વાર્તાઓ આજે પણ વાંચવી ગમે એવી છે. આ વાર્તાઓમાંથી કેટલીક વાર્તાઓની ગણના ગુજરાતી સાહિત્યની ઉત્તમ વાર્તાઓમાં થાય છે.
‘એક પ્રશ્ન’ વાર્તા એક પરિવારના સભ્યો વચ્ચેના સંવાદના રૂપે છે અને વ્યંગ, રહસ્ય, કુતૂહલ જેવાં તત્ત્વોના કારણે વાર્તા રસપ્રદ થઈ છે.
‘રજનું ગજ’ વાર્તામાં સરકારી સંસ્થામાં ચાલતી લાપરવાહી અને લાગવગ પર ભારોભાર કટાક્ષ કરવામાં આવ્યો છે. વાર્તા વાંચનારને સહેજે સવાલ થાય કે, ‘આજે પણ ક્યાં બહુ ફરક પડ્યો છે?’
‘જમનાનું પૂર’ વાર્તામાં યમુના નદીનું કાવ્યમય વર્ણન છે.
‘સાચી વાર્તા અથવા હિંદુ સમાજના અંધારા ખૂણામાં દૃષ્ટિપાત’ વાર્તા એક કોર્ટ કેસ પર આધારિત છે, જેમાં તળપદા લોકોના જીવન વિષેની વાતો છે.
‘સાચો સંવાદ’ વાર્તામાં એક યુગલની વચ્ચેની મીઠી તકરાર છે, જેમાં પત્ની એના પતિ સાથે દલીલો કરીને જણાવે છે કે પતિને શું શું નથી આવડતું.
‘સરકારી નોકરીની સફળતાનો ભેદ’ વાર્તામાં મુખ્ય પાત્ર પોતાની જ મજાક ઉડાવતાં ઉડાવતાં પોતાની સફળતાનાં કારણો જણાવે છે.
‘શો કળજગ છે ના!’ વાર્તા બાળકોના તોફાન પર આધારિત છે.
‘જક્ષણી’ વાર્તા તો ખૂબ જ જાણીતી છે. જે વાર્તારસિકો મારી જેમ શાળાના અભ્યાસ દરમ્યાન આ વાર્તા ભણ્યા હશે એમને તો વાર્તાનાં પાત્રોના વર્ણન આજે પણ યાદ હશે. એમાંય મહારાજનું પાત્રાલેખન તો નહિ જ ભૂલ્યા હોય.
‘મુકુન્દરાય’ વાર્તા પણ જાણીતી છે. ગામડામાંથી શહેરમાં જનાર એક યુવાનમાં આવેલા પરિવર્તનની વાત છે.
‘પહેલું ઈનામ’ વાર્તા વાચકને છેક સુધી જકડી રાખે એવી રહસ્યમય છે.
‘નવો જન્મ’ ઝમકુકાકી નામની એક સ્ત્રીની જીવનકથા છે. વાર્તામાં ગાંધીજીની લડતનો ઉલ્લેખ છે.
‘કપિલરાય’ વાર્તા એક વ્યક્તિની માનસિક ઉથલપાથલ પર આધારિત છે.
‘ખેમી’ દલિત યુગલની એક સ્નેહકથા છે. આ વાર્તાને ખૂબ જ પ્રસિદ્ધિ મળી છે.
આજે મોટા ભગાની વાર્તાઓ માર્યાદિત વિષયો પર અને માર્યાદિત રીત દ્વારા લખાય છે ત્યારે આ વાર્તાઓ વાંચ્યા પછી વિચાર આવે કે, ‘વર્ષો પહેલાં દ્વિરેફે કેવા કેવા વિષયો પર વાર્તાઓ રચી છે અને વાર્તાઓની રજૂઆત પણ કેવી કેવી રીતે કરી છે!’
આ વાર્તાઓમાં વાર્તાકારનું નિરીક્ષણ અને હાસ્ય ઠેર ઠેર જોવા મળે છે.
વિદ્વાન સાહિત્યકાર શ્રી રસિકલાલ છો. પરીખે દ્વિરેફની લેખનશૈલી વિષે લખ્યું છે કે: ‘દ્વિરેફ આંસુને હાસ્ય નીચે છુપાવવાનું વધારે પસંદ કરે છે !’
આ પુસ્તક પરિચય આપનાર યશવંત ઠક્કર દ્વારા રજૂ થતી રમણ રીઢાની ડાયરી વાંચવા અહીં ક્લિક કરો
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.