કાકાસાહેબ કાલેલકર દ્વારા લખાયેલું પ્રવાસ-સાહિત્યનું રમણીય અને અવિસ્મરણીય પુસ્તક એટલે ‘હિમાલયનો પ્રવાસ’. તેમણે ઈ.સ.1912માં હિમાલયનો પ્રવાસ કર્યો હતો. રોજના વીસ-ત્રીસ માઈલની પગયાત્રા કરીને કુલ પચ્ચીસો માઈલનો આ પ્રવાસ ચાળીસ દિવસમાં તેમણે પૂર્ણ કર્યો હતો. અનંત-આનંદની હિમાલય-યાત્રામાં કાકાની સાથે અનંતબુવા મરઢેકર અને સ્વામી આનંદની મિત્ર-સોબત હતી. કા.કા.એ સાત વર્ષ બાદ એટલે કે ઈ.સ.1919માં પ્રવાસ-વર્ણન લખવાનો આરંભ કર્યો હતો. તેમણે આ લેખમાળા આશ્રમના સાથીઓ અને વિદ્યાર્થીઓ સારુ આશ્રમના હસ્તલિખિત માસિક માટે શરૂ કરી હતી. હિમાલયના પ્રવાસનું આનંદદાયક અને અનુભવલાયક વર્ણન-સ્મરણ નવજીવન પ્રકાશન મંદિર દ્વારા ઈ.સ.1924માં પુસ્તક સ્વરૂપે પ્રગટ થયું. કાકા કાલેલકરે આ પુસ્તક તેમના સાથી-પ્રવાસી અને પ્રિય સુહૃદ બ્રહ્મચારી અનંતબુવા મરઢેકરના પવિત્ર સ્મરણને અર્પણ કર્યું છે.
કાકાસાહેબના મતે ‘પ્રવાસ એ વ્યક્તિત્વના વિકાસનું સાધન’ અને ‘દેશભક્તિનો એક અનુભવ-તરબોળ પ્રકાર’ છે. આ જ કાકા ધાર્મિક હેતુ માટે થતા પ્રવાસ અંગે આપણને આવું સાફસાફ સંભળાવે છે: “ધાર્મિક પ્રવાસમાં આપણે જેટલી અગવડો વેઠીએ તેટલું એનું પુણ્ય વધારે. ભોગવિલાસને લીધે કે આળસુ એદીપણાને લીધે શરીર ઉપર જે કાટ ચડ્યો હોય તે કાઢી નાખવો એ એક ધાર્મિક સાધના મનાઈ છે.” કાકાસાહેબ વાત-રજૂઆત કે વ્યાખ્યાન-લેખન કરતા હોય ત્યારે એમનું મન મોર બનીને ‘કળા’ વિશે થનગનાટ ન કરે તો જ નવાઈ લાગે! અહીં કષ્ટને કળા સુધી પહોંચાડતા કાકાસાહેબ કહે છે : “કષ્ટ વેઠવાથી, જાતજાતની અગવડો સ્વેચ્છાએ સહન કરવાથી, માણસની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ભૂખ ઊઘડે છે અને જીવનનો આનંદ સાત્ત્વિક અને વિશુદ્ધ બને છે. વિલાસિતા અને કલાનું વેર હોવાથી તિતિક્ષા દ્વારા જ માણસ રસાસ્વાદની શક્તિ કેળવી અને જાળવી શકે છે. જે અમુક રીતે તપસ્વી હોય તે જ કળારસિક થઈ શકે છે.”
‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકમાં ત્રિસ્થળી યાત્રાનાં તીર્થો પ્રયાગરાજ, વારાણસી, ગયા અને ચાર ધામ યાત્રાનાં તીર્થો બદરીધામ, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી એમ દરેક વિશે અલાયદાં પ્રકરણો છે. કાકાસાહેબે અયોધ્યા અને બોધિગયા, બેલુડ મઠ અને રામકૃષ્ણ સેવાશ્રમ અંગે સ્વતંત્ર પ્રકરણો આલેખ્યાં છે. લેખકે ગંગાદ્વાર અને ઋષીકેશ, દેવપ્રયાગ અને ઉત્તરકાશી, આલમોડા અને ભીમતાલ, ટેહરી અને પદમબોરી, રાણાગામ અને ભોટચટ્ટી જેવાં પ્રાકૃતિક-સાંસ્કૃતિક તેમજ ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો અંગે પણ નોખાં પ્રકરણો પાડ્યાં છે. પર્યટનમાં – મોટું ધામ હોય કે નાનું ગામ, પહાડની તળેટી હોય કે નદીનો તટ – વાતાવરણ, વ્યક્તિદર્શન અને વસ્તુસ્થિતિનું વર્ણન જીવંત હોય છે. આપણને પણ કાકાની આંગળી પકડીને તેમના સહવાસમાં પ્રવાસ કરતાં હોઈએ એવી અનુભૂતિ થતી રહે છે.
ગદ્યકાર કાલેલકરે આ પુસ્તકમાં ધર્મસ્થળો અને તીર્થધામોનું વિગતે વર્ણન કર્યું છે. જોકે તેઓ ઓછા શબ્દોમાં અચ્છો સાર પણ આપી દે છે. દાખલા તરીકે લેખકે ચાર ધામોની વિશેષતા ચાર વાક્યોમાં વર્ણવી છે : “બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને જમનોત્રી આ ચાર ધામોમાં બદરીનારાયણમાં એનો વૈભવ આકર્ષે છે, જયારે કેદારનાથના વાતાવરણમાં મુખ્યત્વે વૈરાગ્ય જડે છે. જમનોત્રીની ભવ્યતા આપણા હૃદયમાં કાયમને માટે સ્થાન કરી લે છે, જયારે ગંગોત્રી તો પોતાની પવિત્રતામાં જ આપણને સાવ ડુબાડી દે છે.” (પૃ. 148) આપણે જેમ હિમાલયની પર્વતમાળામાંથી તેમ આ પુસ્તકની પૃષ્ઠસંખ્યામાંથી ધ્યાનપૂર્વક પસાર થઈએ તો અવતરણોનાં ઝરણાં પણ નજરે પડે જ. કાકાસાહેબ વિચારનાં થડ અને ડાળ ઉપર શબ્દનાં પર્ણ અને ફૂલની એવી રીતે માવજત કરે છે કે એમાંથી પ્રાપ્ત થતું ફળ અવતરણક્ષમતા ધરાવતું હોય જ! આવાં અવતરણો ક્યારેય ઢાંકી ન શકાય અને ક્યાંય પણ ટાંકી શકાય એવાં સરળ-સહજ હોય છે. બેનમૂન એવા આ બે નમૂના અત્યારે વાંચો અને ગમે ત્યારે ખપમાં પણ લો : “પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ.” (પૃ. 12) ; “મંદિરની મૂર્તિનાં દર્શન કરતાં શિખરનાં દર્શનનો ઉમળકો વિશેષ હોય છે.” (પૃ. 161)
સહજવૃત્તિ અને સમજવૃત્તિના સાધક કાકાસાહેબ રમૂજવૃત્તિના સ્વામી છે. આ પુસ્તકમાં ઘણાં બનાવો અને બયાનો એવાં છે કે આપણાં હોઠ અને હૈયાને મલકવાની મજા પડે છે. લ્યો, આ એક પ્રસંગનો પ્રસાદ ચાખીએ અને ધન્ય થઈએ : “… નાહવાનો શરીરશુદ્ધિ સાથે અથવા મલાપહરણ સાથે કશો સંબંધ નથી, આખું શરીર પલળ્યું એટલે સ્નાન સંપૂર્ણ થયું. એ વ્યાખ્યા પ્રમાણે જ અમે નાહ્યા અને પાણીમાંથી જીવતા બહાર નીકળ્યા. અભ્રક અને અત્યંત ઝીણી રેતીને કારણે પાણી ડહોળું હતું. હું જ્યાં નાહતો હતો ત્યાં પાણી પૂરતું ઊંડું નહીં હોવાથી માથું પલાળવા માટે મારે ઉતાવળે પાણીમાં ડૂબકી મારવી પડી. મને શી ખબર કે મારા માથા આગળ જ એક ગોળ પ્રાચીન પથ્થર પાણીમાં ધ્યાનસ્થ બેઠો છે! અમારાં બંનેનાં માથાં પ્રેમથી સખત ભેટ્યાં. અવાજ તો થયો, પણ માથાની અંદર વેદના પહોંચવા જેટલું ચૈતન્ય ક્યાં રહ્યું હતું. બધિર શરીરે હું પાછો દોડતો નીકળ્યો ને ધૂણી આગળ હાથ તપાવ્યા પછી જ પલાળેલાં કપડાં નિચોવવા પામ્યો. બીજે દિવસે કપાળ ઉપર પેલા મારા મિત્રની નાનીશી પ્રતિકૃતિ ઊપસેલી દેખાઈ ત્યારે અમારો ભેટો કેટલો પ્રેમાળ હતો એનું પ્રદર્શન થયું.” (પૃ. 149-150)
કાકાસાહેબ પ્રવાસ દરમ્યાન કેવળ ચઢાણ-ઉતરાણ જ નથી કરતા, પરંતુ નિરીક્ષણ-પરીક્ષણ પણ કરતા રહે છે. ધર્મદર્શનના સઘન અભ્યાસી કાલેલકર સમાજજીવનના સચોટ અવલોકનકાર સાબિત થાય છે. દ.બા.કા. માત્ર પર્યટનમાંથી નિજાનંદ નથી લેતા, પર્યાવરણ અંગે નિસબત પણ વ્યક્ત કરે છે. તેઓ ઘટનાક્રમને બોધપાઠમાં ફેરવી આપે છે. એમણે આપેલા આ ઉદાહરણથી આપણી સમજણ પણ સ્પષ્ટ થશે : “ હિમાલયના ખેડૂતની રસોઈમાં અજબનું સ્વાવલંબન હોય છે. તેની પાસે વહોરાની ટોપી જેવી એક મોટી લોઢાની તપેલી કે તાંસળી હોય છે. એમાં એ પહેલાં લોટ બાંધીને પથરા પર મૂકી દે છે. પછી ત્રણ પથરાના ચૂલામાં દેવતા સળગાવી તેના પર એ જ તાંસળીમાં રોટલીઓ શેકી લે છે. એ બધી રોટલીઓ હાથરૂમાલ પર રાખી ફરી એ જ તાંસળીમાં શાક રાંધી લે છે. તાંસળી લોઢાની એટલે ગમે તે શાક એક જ રંગનું થઈ જાય છે. હવે એને શું જોઈએ? શાકરોટલી ધરાઈને ખાય અને તાંસળી ઊટકે એટલે પાણી પીવાનું પણ એ જ વાસણ. જમીને બપોરે જરા વામકુક્ષિ કરી લે, અને એ જ તાંસળી માથા પર રાખી એના પર ફેંટા જેવું બાંધી દે, એટલે કેરીના ગોટલા જેવડા કરા આકાશમાંથી પડે તોયે શિર સલામત. આટલી સૂઝ અને હિકમત હોવા છતાં શહેરીઓ કહે છે કે પહાડના લોકો જંગલી. જંગલી ખરા જ તો ! જંગલમાં રહે તે અપંગ હોય નહીં અને અપંગપણું એ તો સુધારાનો પાયો અને શિખર છે. અસંખ્ય સાધનો વગર જે ચલાવી ન શકે તે સુધરેલો, અને ઓછામાં ઓછાં સાધનથી ચલાવવાની બાહોશી જેનામાં છે તે જંગલી, એ વ્યાખ્યા શું સાચી નથી?” (પૃ. 107-108)
આ પુસ્તકમાં પદયાત્રી અને કલમયાત્રી કાકાસાહેબ કાલેલકરે પર્યટન-સ્થળોથી માંડીને પ્રકૃતિ-સૌંદર્યનું આબેહૂબ અને આહ્લાદક વર્ણન કર્યું છે. તેમણે મઠથી માંડીને મંદિર અને પાઠશાળાથી માંડીને ધર્મશાળાની મુલાકાતો લીધી છે. કાકાસાહેબે વૃક્ષો અને વાદળો, પુષ્પો અને પહાડો, ઝરણાં અને તારલા, સરોવર અને આકાશ, પથ્થર અને બરફ વિશે રસપ્રદ વાત માંડી છે. તેમણે સાધુઓ-સંન્યાસીઓ, ઋષિ મુનિઓ-નાગા બાવાઓ, વેપારીઓ-પ્રવાસીઓ, ખેડૂતો-મજૂરો સાથે સંવાદ કર્યો છે. કાલેલકરે ખાખીબાવા અને સોમબારગિરિ બાવા જેવા સિદ્ધયોગીઓથી માંડીને બાદરુ અને કૈરાસિંગ જેવા સામાનધારકો વિશે પણ લખ્યું છે. તેમના પ્રવાસ-વર્ણનમાં અન્નદેવ અને નિદ્રાદેવીની અનિવાર્યતા પણ આવે છે. કા.કા.એ પર્યટનના અનુભવોની સાથેસાથે દંતકથાઓ અને પુરાણગાથાઓ પણ ટાંકી છે. લેખકે સ્થળમહિમા અને શબ્દવ્યુત્પત્તિ તેમજ સ્થાનિક રીત-રિવાજ અને સ્વયં વર્તન-વ્યવહારનો પણ ઉલ્લેખ કર્યો છે. સમગ્ર પુસ્તક ગુજરાતી શબ્દભંડોળ, મરાઠી પંક્તિઓ, સંસ્કૃત શ્લોકો, અંગેજી કવિતાઓથી ભર્યું-ભર્યું જણાય છે. કાકાસાહેબ કાલેલકરની ભાષા-શૈલી નદીનાં નીરની જેમ ખળખળ વહેતી રહે છે.
પુસ્તકનું પિસ્તાળીસમું અને છેલ્લું પ્રકરણ એટલે ‘ફલશ્રુતિ’. આ પ્રકરણમાં કાકાસાહેબ કબૂલાત કરે છે કે, હિમાલયની મુસાફરી માટે જે પૂર્વતૈયારી હોવી જોઈએ તે એમની પાસે નહોતી. “પૂર્વતૈયારી વગર કરેલી પ્રવૃત્તિઓ ઓછામાં ઓછું ફળ આપે છે.” એવું દૃઢપણે માનતા કા.કા. પ્રવાસને નિમિત્ત બનાવીને કેળવણીને જીવન સાથે આ રીતે જોડે છે : “કેળવણી એ જીવનની પૂર્વતૈયારી હોવાથી કેળવણીકારને તો દરેક બાબતમાં પૂર્વતૈયારી પૂરેપૂરી કરવાનું સૂઝવું જ જોઈએ.” (પૃ. 180) કાકાસાહેબને પૂછીએ કે, આપની પાસે ‘હિમાલય’ કક્ષાના પ્રવાસ માટેની પૂર્વતૈયારીમાં શું શું હતું? આ રહ્યો તેમનો જવાબ : “પૂર્વતૈયારીમાં મારી પાસે ઉત્સાહની મૂડી ઠીક ઠીક હતી, શરીર દુર્બળ પણ ખડતલ હતું. વેડફી નાખવા માટે ગમે તેટલો વખત હતો, કશા ઉદ્દેશ વગર જીવન ગાળવાની માનસિક તૈયારી હતી. મને રાંધતાં આવડતું હતું, પાણીમાં તરતાં આવડતું હતું અને એકલા એકલા મનોરાજ્યો સેવતાં આવડતું હતું. કુદરત સાથે એકરૂપ થવા જેટલી મનોવૃત્તિ કેળવાયેલી હતી અને નિષ્પાપ પ્રવૃત્તિનું ફળ પણ કાંઈક સાત્ત્વિક જ મળશે એવી શ્રદ્ધા હતી. બીજી મોટામાં મોટી તૈયારી તે પ્રેમાળ મિત્રોનો સાથ.” (પૃ. 180)
માનવની જીવન-વર્તનશૈલી મોસમમાં પરિવર્તન લાવી રહી છે. પર્યાવરણના મામલે હિમાલયનો ખોળો ખેદાનમેદાન થઈ રહ્યો છે. ઉત્તરાખંડે ઈ.સ. 2013માં આસમાની-સુલતાની આપત્તિઓનું તાંડવનૃત્ય જોઈ લીધું છે. આવા વખતે, કાકાસાહેબે ‘કેદારનાથ’ પ્રકરણમાં લખેલું છેલ્લું વાક્ય પહેલું યાદ આવે છે : “એક હિમાલય પણ આપણે આધુનિકતાના હુમલામાંથી બચાવી નહીં શકીએ?” (પૃ. 164) પ્રકૃતિ-ચાહક અને પુસ્તક-વાચકને ત્યારે અને અત્યારે પણ ‘હિમાલયનો પ્રવાસ’ પ્રસ્તુત જણાય છે. આપણને હિમાલય વિશે જાણવાનું મન કેમ ન થાય? હિમાલયનો પ્રવાસ કરવાનું મન કોને ન થાય? આ જ રીતે ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તક વાંચીને પણ હિમાલયનો પ્રવાસ કરવાનું મન થાય. વળી, હિમાલયનો પ્રવાસ કર્યા પછી પણ ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તક વાંચવાનું મન થાય. જો આવું કશું ન થાય તો પહેલાં એ પર્વત વિશે, પછી એ પ્રવાસ વિશે, અંતે એ પુસ્તક વિશે અને સાવ છેલ્લે પોતાના વિશે જ નવેસરથી વિચારવું પડે! આપણે તો એ કહેવું અને યાદ રાખવું જ રહ્યું કે, ‘હિમાલયનો પ્રવાસ’ એ કાકાસાહેબ કાલેલકર નામના ‘સવાઈ ગુજરાતી’ તરફથી ‘સદ્દભાગી ગુજરાતીઓ’ને મળેલો અમૂલ્ય અક્ષર-વારસો છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.