કૃષ્ણાયન એ પ્રસિદ્ધ ગુજરાતી લેખિકા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા રચિત ખૂબ વંચાયેલુ, વખણાયેલું પુસ્તક છે. લેખિકા કહે છે કે, કૃષ્ણના જીવનની ત્રણ સ્ત્રીઓ : તેમની પ્રેમિકા – રાધા, સખી – દ્રૌપદી અને પત્ની – રૂકમણી તેમના વિષે શું મનાતી એવું કુતુહુલ એમને હંમેશા રહેતું અને એ કુતુહલથી પ્રેરાઈને થયેલું સર્જન એટલે કૃષ્ણાયન.
હિરણ્ય, કપિલા અને સરસ્વતી નદીનું સંગમ સ્થળ પ્રભાસક્ષેત્ર તરીકે ઓળખાતું. તે સ્થળે કૃષ્ણ તેમના અંતિમ શ્વાસ લે છે અને મહાસંહારની વચ્ચે જેણે પોતાનું અવિનાશીપણું વિશ્વને સમજાવ્યું હતું એ ઈશ્વર કે ઈશ્વરનો માનવ અવતાર પોતાના અંતિમ સમયે ખૂબ વિચલિત થઈ જાય છે. ધ્યાનસ્થ થઈને વિદાય લેવાનો તેમનો પ્રયાસ વિફળ થાય છે. શું રોકી રહ્યું હતું કૃષ્ણને? બંધ આંખે પણ સ્મૃતિપટ પર આવતાં દૃશ્યો અને વ્યક્તિઓ – મા યશોદાનો તેમના મથુરાગમન વખતેનો વિલાપ, મા ગાંધારીનો શ્રાપ, મા કુંતીની નારાજગી… અને… દ્રૌપદી..
એકબીજા સાથે ભેળસેળ થઈ જતા દૃશ્યોમાં કૃષ્ણને દ્રૌપદી સાથેની અંતિમ મુલાકાત યાદ આવી ગઈ. ખૂબ ખચકાટ સાથે મહાપ્રયત્ને બોલી શકી હતી દ્રૌપદી, “તમે આપેલું સધળું હું તમને અર્પણ કરું છું, તમે ન આપેલું પણ તમને જ અર્પું છું.” અગ્નિની જ્વાળા સમી બે તેજ આંખો જાણે સાધુત્વની કક્ષાએ નિસ્પૃહ થઈને ભગવા રંગની બની હોય એમ લાગ્યું હતું કૃષ્ણને. દ્રૌપદી માટે કૃષ્ણ તેના સર્વસ્વ હતા. સ્વયંવર વખતે સમગ્ર આર્યવતના શ્રેષ્ઠ પુરુષની ઝંખના કરતી દ્રૌપદીના મનમાં માધવની જ કલ્પના હશે !
કૃષ્ણને દ્રૌપદીની જીવન સામે ઝઝુમવાની લડાયક વૃત્તિ માટે, તેમના સંયમ અને વિચારોની સ્પષ્ટતા માટે ખૂબ માન હતું. કૃષ્ણ દ્રૌપદીમાં પોતાને જોતા, ક્યારેક તેને કૃષ્ણા કહીને સંબોધતા. પાંચ પતિઓ – પાંચ અલગ વ્યક્તિત્વને સમજીને તમામ સાથે અલગ રીતે વર્તતી આ નારીને જોઈ કૃષ્ણને હંમેશા સ્ત્રીઓની આ અદ્ભૂત શક્તિ માટે આદર થતો. આવી સ્ત્રીના સમર્પણને સ્વીકારવા પોતે લાયક છે ખરા? કૃષ્ણ જાણે પોતાને જ પ્રશ્ન પૂછી રહ્યા.
કપિલાના સ્વચ્છ, વેગવંતા પ્રવાહમાંથી બે રિક્ત આંખો કૃષ્ણને પૂછી રહી હતી “શું હું ઉણી ઉતરી છું સહધર્મચારિણી તરીકે? ખૂબ ઉદાસ થઈ ગયા કૃષ્ણ, રૂકમણીની ભીની- રિક્ત આંખો જોઈને. રૂકમણી એક વિદુષી સ્ત્રી હતી – ખૂબ બુદ્ધિશાળી, શાસ્ત્રો અને રાજનીતિમાં પારંગત. એનું નારીત્વ એટલું પૂર્ણ હતું કે કૃષ્ણએ “ગીતા સંદેશ”માં અર્જુનને કહેલું, “સ્ત્રીઓમાં હું રૂકમણી છું.”
રૂકમણી કૃષ્ણને ખૂબ ચાહતી, ઝંખતી અને સમર્પિત હતી. પણ આખરે સ્ત્રી હતી – તેણે હંમેશા એવા પતિને ઝંખ્યા જે અવિભાજીત હોય, જયારે તેના સહવાસમાં હોય ત્યારે એ એકાંત માત્ર તેનું જ હોય. તેમાં કોઈ ત્રીજી વ્યક્તિની હાજરી ન હોય – ગોવિંદના વિચારોમાં ય નહિ.
પરંતુ માધવ કોઈ એક વ્યક્તિના નહોતા. એનો આ મનોભાવ તો કેટલાય લોકોની લાગણીને મળતો આવતો. તમામ કૃષ્ણમય, કૃષ્ણ સમર્પિત વ્યક્તિઓ સાથે જાણે એ પોતાનું ખૂબ અંગત – ખૂબ મુલ્યવાન વહેંચતી હોય એમજ લાગતું હશે રૂકમણીને ! એક સામાન્ય પત્ની તરીકે એની ઝંખના વધુ પડતી તો નહોતી જ.
સરસ્વતીના પ્રવાહમાં અને સ્વચ્છ નીરમાં જાણે બે આંખો તરવરી રહી – વર્ષોથી કૃષ્ણની પ્રતીક્ષા કરતી, રિસાયેલી અને છતાંય કૃષ્ણને સમર્પિત, કૃષ્ણમય બે આંખો. કાન્હાનો વિષાદ જાણે પળભરમાં ખંખેરાઈ ગયો. એ આંખો જાણે પૂછી રહી હતી “ મને છોડીને એકલો જ જઈશ ? હું તારી છાયા છું. છાયાને છોડીને કાયા કેમ જશે ?“ રાધા… કૃષ્ણનો – કાન્હાનો પ્રથમ પ્રેમ. કિશોરાવસ્થાનો સ્નેહ. કૃષ્ણમાં જે પણ કંઈ કમનીય છે, ઋજુ છે, સ્ત્રૈણ છે, એ બધું જ રાધા છે. આખુંય ગોકુળ સંભારી આવ્યું કાન્હાને. રાધા સાથેની અંતિમ મુલાકાત યાદ આવી ગઈ. કેટલાય કાલાવાલા, વિનંતી ને અંતે ધમકી આપી હતી રાધાએ એને, ને અંતે હારી ગઈ હતી, પીઠ ફેરવીને ચાલી જતી રાધાએ કહ્યું હતું, “જા કાન્હા જા, ફરી ક્યારેય પાછો ન આવતો.”
પણ રાધા ક્યાં ભુલાવી શકી હતી કાન્હાને? આટલાં વર્ષેય નહિ. એની પુત્રવધુ શુભ્રાને એ “શ્યામા” કહીને બોલાવતી – એના શ્યામને યાદ કરીને જ તો !! તેને કાન્હાથી કેટલીય ફરિયાદો હતી, ને કાન્હાને? મહાસંગ્રામની વચ્ચે પણ ક્યારેક કૃષ્ણનું હૃદય ગોકુળમાં પહોંચી જતું – રાધા પાસે. કૃષ્ણથી આગળ રાધાનું નામ એ યુગમાં પણ દેવાતું ને આ યુગમાં પણ દેવાય છે.
કૃષ્ણની પીડા વધતી જતી હતી, વિદાયની ક્ષણો નજીક આવી રહી હતી. કૃષ્ણને કેટલીય વાર વિચાર આવ્યો, શું આપ્યું હતું આ ત્રણ સ્ત્રીઓને એમણે? માનવી તરીકે પૃથ્વી પર અવતરેલા ઈશ્વરને પણ માનવીય લાગણીઓની પીડા ભોગવવી પડતી હોય છે. પોતાની પ્રિય સખી, અર્ધાંગીની અને પ્રથમ પ્રેમને વિષાદમાં, મનમાં કેટલાય પ્રશ્નો સહિત અસંતુષ્ટ મૂકી કૃષ્ણને મુક્તિ કેમ મળત? આ ત્રણેય સ્ત્રીઓને આપેલ તમામ તત્ત્વનો પરમ સ્વીકાર કરી, તેમને મુક્ત કરી, કૃષ્ણની મુક્તિ પામવાની કથા એટલે કૃષ્ણાયન.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.