હિન્દી અને ગુજરાતી ફિલ્મો તથા નાટકોમાં ચરિત્ર અભિનેતા અને દિગ્દર્શક તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર કે.કે. એટલે કે કૃષ્ણકાંત ભૂખણવાલાની છ દાયકાની ફિલ્મી સફરના સંભારણાંની સફર એટલે ‘ગુઝરા હુઆ ઝમાના’. ‘ગુજરાતમિત્ર’માં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત મૂળ પંચોતેર હપતાની શ્રેણીનાં લખાણોને નવેસરથી મઠારીને અને જરૂર જણાઈ ત્યાં કેટલાંક પ્રસંગોને ઉમેરીને તેને પુસ્તકાકાર આપવામાં આવ્યો છે. હિન્દી ફિલ્મોમાં આટલી દીર્ઘ કારકિર્દી ધરાવતા કોઈ ગુજરાતી અભિનેતાના સંભારણાંનું આ સંભવત: પહેલવહેલું પુસ્તક છે.
આ પુસ્તક ખરેખર તો કે.કે.ની કારકિર્દીના વળાંકો અને સારા-નરસા અનુભવોની સાથે-સાથે ફિલ્મી દુનિયાની એક સમયની રૂઆબદાર ગણાતી હસ્તીઓના જીવનના ચડાવ-ઉતાર અને જૂની ફિલ્મોના નિર્માણ સાથે સંકળાયેલાં તેમના સંભારણાંની સફર છે. વીસેક વર્ષની ઉંમરે 18 ડિસેમ્બર, 1942ના દિવસે ચીમનલાલ દેસાઈની નિર્માણસંસ્થા ‘અમર પિક્ચર્સ’માં એપ્રેન્ટિસ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે તેમની કારકિર્દી શરૂ થઈ ત્યારથી અનેક દિગ્ગજો અને ખ્યાતનામ વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું બન્યું, જેમાંના ઘણાખરા લોકો જેવાં કે દિગ્દર્શક આર.એસ. ચૌધરી, અભિનેત્રી અને નૃત્યાંગના સાધના બોઝ, મિનરવા મુવીટોનના સોહરાબ મોદી, પ્રકાશ પિક્ચર્સના વિજય ભટ્ટ વગેરે સમય જતાં ગુમનામીના અંધકારમાં ધકેલાઈ ગયા. આ તમામને લગતી યાદો આ પુસ્તકમાં સુંદર રીતે વણી લેવાઈ છે. ઉદાર દિલના ગીતકાર પી. એલ. સંતોષીનો યાદગાર કિસ્સો રમૂજ પમાડે તેવો છે, તો મધુબાલાના અંતિમ દિવસોની યાદ પણ સંભારણાંની આ સફરનો હિસ્સો છે. કે.કે. એ જેમને પોતાના જીવનમાં ગુરુ તરીકે સ્થાપ્યા એવા મોટા ગજાના દિગ્દર્શક નીતિન બોઝને અપાયેલી સાદર અંજલિ છે, તો સંઘર્ષકાળના સાથી શક્તિ સામંતની સાથેના કેટલાંક યાદગાર પ્રસંગોનો પણ સમાવેશ છે. હિંદી ફિલ્મોમાં તેમણે કરેલી કેટલીક યાદગાર ભૂમિકાઓ – જેવી કે ‘આંદોલન’માં રહેમુચાચા, ‘પતિતા’માં ઉષાકિરણના લકવાગ્રસ્ત પિતા, ‘નૌકરી’માં કૉમેડી રોલ, ‘ઢોલામારુ’માં પાગલ પંડિત, ‘પોસ્ટબૉક્સ નં 999’માં છાપાના તંત્રી કર્મવીર વગેરેને લગતાં પ્રસંગો વિશે વાત કરી છે, તો વિવિધ ફિલ્મ સ્ટુડિયોની વિશેષ કાર્યશૈલી પર પ્રકાશ પાડ્યો છે અને શૂટિંગને લગતા અનેક અનુભવો રજૂ કર્યાં છે. આ ઉપરાંત, ગુજરાતી રંગભૂમિ પર તેમણે ભજવેલાં ‘સાસુજીની સવારી’, માણસ નામે કારાગાર’, ‘ધુમ્મસ’, ‘હિમઅંગારા’, ‘ઘાત’ અને ‘હત્યા’ જેવાં નાટકોના તેમજ આઈ.એન.ટી.ના પ્રવીણ જોશી સાથેના યાદગાર અનુભવોની સાથે-સાથે તેમની અંગ્રેજી ફિલ્મો ‘રૂટ ઑફ ઈવિલ’ અને ‘ઈન્ડિયન નોક્ટર્ન’ને લગતાં પ્રસંગો પણ રસપ્રદ રીતે રજૂ કર્યાં છે. અભિનેતા તરીકે તેમણે કરેલી ગુજરાતી ફિલ્મો જેવી કે ‘જીવનો જુગારી’, ‘વનરાજ ચાવડો’ અને ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ અને દિગ્દર્શક તરીકે ‘ડાકુરાણી ગંગા’, ‘કૂળવધૂ’, ‘વિસામો’, ‘મા-દીકરી’ ‘સંસારચક્ર’ વગેરે જેવી ફિલ્મોને લગતાં પ્રસંગોનું સુંદર આલેખન કર્યું છે. દુર્લભ તસવીરોથી સભર રૂપેરી પડદાની પાછળની દુનિયાની ઝાંખી કરાવતું આ અનોખું પુસ્તક છે
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં