‘મોતીચારો’, ‘મનનો માળો’, ‘સાયલન્સ પ્લીઝ’ જેવી સુપ્રસિદ્ધ કૃતિઓના સર્જક ડૉ. આઈ. કે. વીજળીવાળાનું બાળકો માટેનું સર્જન એટલે ‘હીરાનો ખજાનો’. બાળકોને સાહસ – રોમાંચ – રહસ્યપૂર્ણ કથાઓ ખૂબ જ આકર્ષે છે. આ બાબતને ધ્યાનમાં રાખી તેમણે લખેલી કૉંગો-આફ્રિકાની રોમાંચક સાહસકથા ‘હીરાનો ખજાનો’ બાળકોને અવનવા અનુભવો પૂરા પાડતી અને મુસીબતના સમયમાં ધીરજ અને સૂઝબૂઝથી આગળ વધી સંકટનો સામનો કરવાની પ્રેરણા આપતી વાર્તા છે.
સમગ્ર વાર્તા કહેનાર મુખ્ય પાત્ર છે – ડીક. તેના પિતા ક્રોમવેલ આફ્રિકાના જંગલોના ભોમિયા છે. મધ્ય આફ્રિકાના ગીચ જંગલમાં આવેલા એક પર્વત પર હીરા છુપાયેલા છે અને તે જગ્યાનો નકશો તેમની પાસે હોવાથી કુખ્યાત લૂંટારો જહૉન હેરિંગ તેમનું અને તેમના સાથી આર્થરનું અપહરણ કરે છે. ક્રોમવેલના મિત્ર પર્સિવલ દ્વારા ડીકને આ સમાચાર અને ખજાનાના સ્થળનો નકશો મળે છે. તે પોતાના મિત્રો સાથે પિતાને બચાવવા આફ્રિકાની રહસ્યમય ભૂમિ પર જવા નીકળી પડે છે, જેમાં તેને માઈકલ, અબીરા, માતાદી અને અબાનાનો સાથ મળે છે.
જંગલી પ્રાણીઓનો ભેટો, ત્યાંની આદિવાસી તેમજ માનવભક્ષી પ્રજા સાથેના સારા-નરસા અનુભવો, તરાપાની સફર, ભયજનક કીલવા ટાપુનું રહસ્ય, મહાકાય દરિયાઈ પ્રાણીનો સામનો, આગબોટની સફર જેવા પ્રસંગો કથાને વધુ રોચક બનાવે છે. અંતમાં પિતાની મુકિત અને ખજાનો હાથ લાગવાના પ્રસંગ સાથે કથાનો સુખદ અંત આવે છે. વાર્તામાં વપરાયેલા ઝુલુ શબ્દો આફ્રિકન વાતાવરણ ઊભું કરે છે.
આફ્રિકાની રહસ્યમય ભૂમિની રોમાંચક અને સાહસપૂર્ણ મુલાકાત કરાવતી તેમજ બાળકોમાં વડીલો પ્રત્યે લાગણી અને આદરભાવ તેમજ સાચી મિત્રતા અને ખેલદિલીના પાઠ શીખવાડતી આ એક રસપ્રદ વાર્તા છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.