નવલકથાનું નામ જ સૂચવે છે કે ભગવાન કૃષ્ણની કથા છે, પરંતુ સાવ તેવું નથી. પૂર્ણપુરુષોત્તમ શ્રીકૃષ્ણના માધ્યમથી કહેવાયેલી આ કથા એ એક રહસ્યકથા છે. સમ્રાટ યયાતિની કથાથી શરૂ થતી વાર્તાના બે માર્ગ જુદાં પડે છે અને આપણને ખ્યાલ આવે છે કે યયાતિના બે પુત્રો યદુ અને પુરુ એમના વંશજો એટલે યદુનંદન શ્રીકૃષ્ણ અને પુરુવંશી કૌરવ-પાંડવો. મહાભારતના કથાચક્ર સાથે આધુનિક યુગની કથા અનેકવિધ વળાંકોથી પસાર થતી રહે છે. ભાષાશાસ્ત્રી અનિલ વાર્શનીના સંશોધન અને એમના ખૂનના સસ્પેન્સ બાદ બનતી એક પછી એક ઘટનાઓ અને એની સાથે સંકળાયેલા સિમ્બોલ્સ જેમકે ચક્રની છાપ, આકસ્મિક મૃત્યુનું કારણ બનતી મહોર અને ખૂન કર્યા પછી લખાતો શ્લોક, સસ્પેન્સને થ્રીલરમાં પલટાવી નાખે છે. કથાનો પહેલો વળાંક પ્રાધ્યાપક રવિમોહન સૈનીની ધરપકડ સાથે આવે છે. પછી તો સૈનીની જ્યાં હાજરી હોય ત્યાં જ એક પછી એક ડો. નિખિલ ભોજરાજ, રાજારામ કુરકુડે, દેવેન્દ્ર છેદીના ખૂનની ઘટનાઓ સસ્પેન્સની તીવ્રતા વધારી મૂકે છે. દરેક હત્યા પછી ચર્તુભૂજ વિષ્ણુના ચાર પ્રતીકો – ચક્ર, કમળ, શંખ અને ગદાના ચિહ્ન પણ આજના યુગની કથાને કૃષ્ણયુગની કથા સાથે સતત જોડાયેલી રાખે છે.
તાજેતરમાં પૌરાણિક અને ઐતિહાસિક કથાવાર્તા પર સંશોધન કરીને એની સાથે અત્યાધુનિક તકનીકી શોધને સાંકળીને નવા સ્વરૂપે લખનારા લેખકોની સંખ્યા ક્રમશઃ વિસ્તરી રહી છે. એમાં એક યશસ્વી નામ છે, શ્રી અશ્વિન સાંઘી. પોતાના વ્યવસાયથી અલગ, પોતાના શોખને પાળવા-પોષવા માટે આ પ્રકારની સંશોધન આધારિત નવલકથાઓ લખવા તરફ વળેલા શ્રી સાંઘી પૌરાણિક-ઐતિહાસિક પ્લોટ અને પાત્રોને સસ્પેન્સ-થ્રીલર સ્વરૂપ આપવામાં હથોટી ધરાવે છે. રોઝબેલ લાઇન અને ચાણક્યઝ ચેન્ટ એના પુરાવા છે. માધવ ક્યાંય નથી, મધુવનમાં જેમ મહર્ષિ નારદ ભગવાન શ્રીકૃષ્ણને અનેકવિધ જગ્યાએ શોધતા ફરે છે એવી જ કંઈક શોધની વાત આ નવલકથામાં પણ છે. શ્રીકૃષ્ણની સોનાની દ્વારિકાના મુદ્દે શરૂ થયેલી આ શોધ કાલીબંગન, કુરુક્ષેત્ર, મથુરા, કૈલાસમાનસરોવર અને ત્યાંથી ફરી સોમનાથ જ્યોતિર્લિંગ સુધીના પવિત્ર સ્થાનોને સાંકળી લે છે. કથાને ઉપકારક રીતે જ્યાં જરૂર પડી ત્યાં ચિત્રાત્મક શૈલીમાં રજૂઆત દ્વારા સસ્પેન્સની માત્રા ઓર વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવી છે.
ક્રિમિનલ લોયર સંજય રત્નાની વકીલાતનો બાપીકો વ્યવસાય કરવાને બદલે ઇતિહાસપ્રેમમાં પડેલી રવિમોહન સૈનીની શિષ્યા પ્રિયા, રત્નાની રવિમોહન સૈનીને બચાવવા આકાશપાતાળ એક કરી મૂકે છે તો બીજી તરફ કથામાં ભેદી રીતે પ્રગટ થતા માતાજી એમના શિષ્ય સંપત શર્મા ઉર્ફે તારક વકીલ નામના અવતારના માધ્યમથી વિવિધ સ્વરુપે કથારૂપે સતત વહેતી રાખે છે. ટેલિફોનિક વાતચીતના અંતે પ્રાર્થના પણ ભગવાનના 108 નામોચ્ચારની, તપાસ દરમિયાન પોલિસ અધિકારીના જપમાળા, દરિયામાં દ્વારકાના સાક્ષ્ય શોધતા ભોજરાજના વહાણનું નામ રાધા, તો ઇન્સ્પેક્ટર પણ રાધિકા, એમ જાણે કૃષ્ણમય વાતાવરણમાં આકાર લેતી સસ્પેન્સ કથા વાચકોના ચિત્તને જકડી તો રાખે છે છતાં એકાદ ક્ષણ પણ શ્રીકૃષ્ણને ભૂલવા દેતી નથી. એટલું જ નહીં, દરેક વળાંકે એકાદ નવું પાત્ર ઉમેરાય છે અને એનાથી કથાનું સસ્પેન્સ વધુ ઘૂંટાતું જાય છે.
5000 વર્ષ પહેલાં એક માનવ તરીકે જીવન જીવી ગયેલાં મહામાનવ શ્રીકૃષ્ણએ કલ્પના નહીં વાસ્તવિકતા હતાં, એ અનિલ વાર્શનીની વાતને સાબિત કરવા મથતાં ઇતિહાસકાર રવિમોહન સૈનીને જ્યારે ઇતિહાસ સાથે વિજ્ઞાન અને ધર્મની સઘળી કૂંચીઓ મળી ત્યારે શ્રીકૃષ્ણનો એ અમૂલ્ય વારસો મેળવવા માટેની કૃષ્ણ-કી મળી કે નહીં? દ્વારિકાથી શરૂ થયેલી કથા અંતે ક્યાં વિરામ પામે છે? એ જાણવા તો નવલકથાના 232 પાનાનો પટ પસાર કરવો રહ્યો. દશાવતાર શ્રી વિષ્ણુના અવતારની કથાને ચોક્કસ માણજો. જયશ્રી કૃષ્ણ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં