ગાંધીજીના અભિન્ન અંગ સમા બની રહેલા તેમના રહસ્યમંત્રી મહાદેવ દેસાઈ થકી ગાંધીવિષયક અનેક બાબતોનું દસ્તાવેજીકરણ થઈ શક્યું. પણ મહાદેવ દેસાઈ વિશે ક્યાંથી જાણવા મળે? જેમણે ગાંધીજીની સેવામાં જ પોતાનું અસ્તિત્વ સ્વેચ્છાએ ઓગાળી દીધું હોય એ કદી પોતાના વિશે કશું લખે જ શાના? આખરે આ મૂંઝવણનો ઊકેલ આવ્યો ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ના પ્રકાશનથી, જે મહાદેવ જન્મશતાબ્દિ વર્ષ 1992માં પ્રકાશિત થયું. તેનું લેખન મહાદેવભાઈના પુત્ર નારાયણ દેસાઈએ કર્યું હતું.
જો કે, નારાયણ દેસાઈ માટે પણ આ કાર્ય સરળ નહોતું. મહાદેવભાઈનું જીવન એ હદે ગાંધીમય થઈ ગયેલું કે તેમની અંગત નોંધપોથીમાંય પોતાના કોઈ ઉલ્લેખ નહોતા. એ હદે કે નારાયણભાઈનો જન્મ થયાના દિવસોની નોંધપોથીમાં પણ ક્યાંય, તેમના દાંપત્યજીવનની મહત્ત્વની કહી શકાય એવી આ ઘટનાનો ઉલ્લેખ ન મળે. ગાંધીજીએ વર્ણવેલા મહાદેવભાઈના ગુણમાં આનો જવાબ મળે છે. ગાંધીજીએ કહેલું, ‘મને કોઈ પૂછે કે મહાદેવના ચારિત્ર્યનું સૌથી ઉમદા લક્ષણ કયું, તો કહું કે પ્રસંગ પડ્યે શૂન્યવત થઈ જવાની તેની શક્તિ.
માહિતી મેળવવાની પોતાને જહેમત અંગે નારાયણભાઈએ નોંધ્યું છે: ‘પણ ચાવી જડી સામે છેડેથી. મહાદેવ જો મોહનમાં મળી જવાથી ન મળતા હોય તો એની શોધ મોહનમાં જ કર ને! એવી વૃત્તિથી મેં તપાસ ચાલુ કરી.’ આમ, નારાયણભાઈએ વિવિધ ગાંધીસાહિત્યમાંથી મહાદેવભાઈનું પગેરું શોધવાનું શરૂ કર્યું. ગાંધીસાહિય ઉપરાંત તેમના સમકાલીનો સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, દેવદાસ, રાજાજી, નરહરિભાઈ પરીખ, પ્યારેલાલ જેવાઓના સાહિત્યને પણ તેઓ ફેંદી વળ્યા. આ સૌનાં લખાણોમાં મહાદેવભાઈના ઉલ્લેખો હતા. આ પુરુષાર્થનો પરિપાક એટલે એક પુત્રે આલેખેલું પિતાનું જીવનચરિત્ર ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ.’
અલબત્ત, પિતાનું જીવનચરિત્ર આલેખતી વખતે નારાયણભાઈ એક પુત્ર નહીં, પણ તટસ્થ ચરિત્રકાર બની રહ્યા છે. તેને કારણે આખું આલેખન અતિશયોક્તિભર્યું કે અવાસ્તવિક ન બની રહેતાં એક ઐતિહાસિક દસ્તાવેજ સમું બની રહ્યું છે. પુસ્તકના કુલ ચાર ખંડ છે, જેનાં શિર્ષક પણ રસપ્રદ છે: પ્રસ્તુતિ, પ્રીતિ, દ્યુતિ અને આહુતિ. આરંભે ‘સ્મૃતિ’ શિર્ષકથી લખેલું મહાદેવભાઈના અંતનું પ્રકરણ અત્યંત લાગણીસભર છે, જે ગાંધીજી અને મહાદેવભાઈ વચ્ચેના સ્નેહસેતુનો બરાબર અંદાજ આપે છે. આ ગ્રંથમાં ઠેકઠેકાણે મહાદેવભાઈનાં લખાણો સીધેસીધાં મૂકવામાં આવ્યાં છે. તેને લઈને જે તે પ્રસંગ વિશે મહાદેવભાઈનું લખેલું વર્ણન જ વાંચવા મળે છે.
પુસ્તકના અંતે મૂકાયેલા પરિશિષ્ટમાં ‘મહાદેવભાઈની જીવનયાત્રા’ અને ‘મહાદેવભાઈની અક્ષરસંપદા’ અત્યંત હાથવગા સંદર્ભ બની રહે છે. મહાદેવભાઈની જીવનયાત્રાના મુકામો પર એક નજર કરતાં સમજાય છે કે માત્ર બાવન વર્ષના, પ્રમાણમાં ટૂંકા કહી શકાય એવા જીવનમાં મહાદેવભાઈ કેટલું સભર જીવન જીવી ગયા! આ ગ્રંથ તેમનું જીવન દર્શાવતો ઉત્તમ ગ્રંથ બની રહ્યો છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.