રાવજી પટેલની ‘અશ્રુઘર’ નવલકથા 1966માં પ્રગટ થઈ છે. આ ટૂંકી નવલકથા એની વિશિષ્ટ રજૂઆતના કારણે વિદ્વાનોને ગમી છે અને વાચકોને પણ ગમી છે.
‘અશ્રુઘર’નો નાયક સત્ય છે, જે અત્યંત લાગણીશીલ છે. સત્યને ક્ષયની બીમારી હોવાથી એ એક સેનેટોરિયમમાં સારવાર લે છે. સેનેટોરિયમમાં એને સતત સ્વજનોનું સ્મરણ થયા કરે છે. સ્વજનોની લાગણી અને હૂંફનો અભાવ એને પીડા આપ્યા કરે છે. એક દિવસ, લલિતા એના બીમાર પતિને લઈને સેનેટોરિયમમાં આવે છે. સત્યનું મન લલિતા સાથે લાગણીના બંધનથી જોડાઈ જાય છે. લેખકે બંને પાત્રો વચ્ચેના લાગણીભર્યા સંબંધની રજૂઆત કાવ્યમય સંવાદો દ્વારા કરી છે. અહીં લેખકે વ્યંગ અને કટાક્ષ માટે સાહિત્યિક ભાષાનો પ્રયોગ કર્યો છે. જેને લીધે બંને પાત્રોમાં રહેલી રસિકતા પ્રગટ થઈ છે. લેખક સેનેટોરિયમનું વાતવરણ, વિવિધ દર્દીઓની માનસિકતા, કર્મચારીઓની રીતભાત વગેરેનો પરિચય રમતિયાળ શૈલીમાં અને ટૂંકમાં કરાવ્યો છે. ટૂંકાણ એ આ નવલકથાનું આગવું લક્ષણ છે.
સત્યને બીમારીમાં રાહત થવાથી એને સેનેટોરિયમમાંથી રજા મળે છે અને એ પોતાને ગામ આવે છે. અહીં વાચકોને ગ્રામ્યસૃષ્ટિનાં દર્શન થાય છે. લેખકે વિવિધ પ્રસંગો, ગામઠી ભાષા, પાત્રો વચ્ચેના સંવાદો વગેરેનાં આલેખન દ્વારા સત્યનાં માતાપિતાની અને બીજા સગાઓની માનસિકતાનો પરિચય કરાવ્યો છે. અહીં સત્યનો પરિચય સૂર્યા સાથે થાય છે. બંને વચ્ચે શારીરિક આકર્ષણ હોય છે, પરંતુ મનનું જોડાણ નથી હોતું. સૂર્યા સાથે લગ્ન કરવા છતાં સત્ય એને મનથી અપનાવી નથી શકતો. વળી, સત્યના ગામમાં જ લલિતાનું આગમન થવાથી સત્ય ફરીથી લલિતા પાસે સંબંધની અપેક્ષા રાખે છે, જે અપેક્ષા પૂરી થતી નથી. અહીં લેખકે સત્યના આવેગ, ક્રોધ અને એની સંવેદનાને બળકટ રીતે રજૂ કર્યાં છે.
છેવટે, સત્યની બીમારી વકરે છે. એણે પહેલાં જે સેનેટોરિયમમાંથી વિદાય લીધી હતી, એ જ સેનેટોરિયમમાં એને ફરીથી દાખલ થવું પડે છે.
રાવજી પટેલ આ નવલકથા લખી રહ્યા હતા ત્યારે એમને પોતાને પણ ક્ષયનું દર્દ હતું. આથી, આ નવલકથામાં લેખકે પોતાની જ કથા લખી છે એમ કહી શકાય.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં