અમેરિકા આપણા માટે હંમેશા ચર્ચાનો અને વાદવિવાદનો વિષય રહ્યો છે. કેટલાંક લોકો એવું માને છે કે, ‘અમેરિકામાં કાયમ માટે રહેવા મળી જાય તો આ દેશથી છૂટકારો થાય.’ એથી વિરુદ્ધ મત ધરાવનારા એવું માને છે કે, ‘આપણા દેશ જેવો બીજો કોઈ દેશ નથી. લોકો અમેરિકાનો ખોટો મોહ રાખે છે.’ આ બંને વર્ગના લોકો વચ્ચે વાદવિવાદ થતા રહે છે, જેનો કોઈ અંત નથી. પરંતુ જો કોઈ વાચક ‘ડોલર વહુ’ નવલકથા વાંચે તો એને આવા વાદવિવાદમાં પડવાનું મન જ નહિ થાય.
‘ડૉલર વહુ’ નવલકથા પ્રસિદ્ધ લેખિકા સુધા મૂર્તિએ મૂળ કન્નડ ભાષામાં લખી છે, જેનો સુધા મહેતાએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.
લેખિકાએ પોતાના અનુભવો અને પોતાની નિરીક્ષણવૃત્તિના આધારે આ સુંદર નવલકથાનું સર્જન કર્યું છે, જેમાં એમણે સાદી, સરળ અને સ્પષ્ટ ભાષામાં વિવિધ મુદ્દાઓને આવરી લીઘા છે. દેશમાં હોય ત્યારે અમેરિકાનું આકર્ષણ, ત્યાં ગયા પછી ત્યાંના ન થઈ શકવું, દેશનું વળગણ, દેશની પરિસ્થિતિ વિશે સતત ફરિયાદો, દેશના સગાં પ્રત્યેનો ચાલાકીભર્યો વ્યવહાર, દેશના સગાંનો અમેરિકામાં રહેતાં સગાં પ્રત્યેનો અહોભાવ અને સ્વાર્થ, જે સારું હોય એની કદર ન કરવી અને જે ન મળતું હોય એની પાછળ તડપવું, દરેકનાં પોતાનાં સપનાં અને પોતાની મજબૂરી, અણધાર્યા સંજોગોનો સામનો, સુખદુઃખ, હરખ અને હતાશા… આ બધું જ લેખિકાએ આ નાનકડી નવલકથામાં રજૂ કરી દીધું છે, એ પણ રસપ્રદ રીતે અને સાક્ષીભાવે.
વાચકોને નવલકથાનાં પાત્રો, પ્રસંગો, સંવાદો, વગેરે પરિચિત લાગે એટલા વાસ્તવિક છે. આ નવલકથા એને નાનકડો અભ્યાસગ્રંથ કહી શકાય એવી સશક્ત છે. લેખિકાની શૈલી જ એવી છે કે, વાચકને આખી નવલકથા વાંચ્યા વગર ચાલે જ નહિ. એટલું જ નહિ, એને બીજા લોકોને પણ વંચાવવાનું મન થાય.
આ નવલકથાને વાચકોએ ખૂબ જ પ્રેમથી વાંચી છે, એની ઘણી આવૃત્તિઓ થઈ છે. એના વિવિધ ભાષાઓમાં અનુવાદ થયા છે અને એનું ટેલિવિઝન પર શ્રેણીના રૂપે પણ પ્રસારણ થયું છે.
[પુસ્તક પ્રકાશક: આર.આર.શેઠ કંપની પ્રા. લિમિટેડ]
આ પુસ્તક પરિચય આપનાર યશવંત ઠક્કર દ્વારા રજૂ થતી રમણ રીઢાની ડાયરી વાંચવા અહીં ક્લિક કરો
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.