રાવજી પટેલની નવલકથા ‘ઝંઝા’ 1966માં પ્રગટ થઈ છે. આ નવલકથાનો નાયક પૃથ્વી નામનો યુવાન છે. એનો પરિવાર પૈસે ટકે સુખી છે, પરંતુ પૃથ્વીને એ સુખ મંજૂર નથી. એને એકને એક પ્રકારનું જીવન જીવવાનું ગમતું નથી. એને મનની ઝીણામાં ઝીણી વાત વ્યક્ત થઈ શકે એવું જીવન જીવવું છે. આથી એ પોતાનું ઘર છોડીને ભાડાની એક ઓરડીમાં રહેવા જાય છે. આ નવલકથા એની ડાયરી રૂપે છે. એમાં ઘટનાઓની સાથે સાથે એની સંવેદનાઓની પૂરી નિખાલસતાથી વ્યક્ત થતી રહે છે. જેમ કે: ‘પણ સાચી વાત તો એ છે કે આ દુનિયામાં કોઈ કોઈની પાસે આખી જિંદગી લગી રહી શકતું નથી. મનુષ્યની ગ્રંથી જ એવી છે કે એને અલગ પડ્યા વગર રહી શકાતું નથી. ઘણાય એવા હોય છે જેમને વ્યવસ્થિતના રોગીઓનું બિરુદ આપવાનું મન થાય છે. નવલકથાની ઘટનાઓની માફક જીવનમાં તડકી-છાંયડી ન આવે એને હું લાઈફ કહેતો નથી. પ્રેમ દરવાજાના સિંધીઓ કેવા ખુશખુશાલ ધંધો કરે છે? એ કંઈ અમારી જેમ પ્રોપર અમદાવાદના નથી. ઘર, ગામ, મા અને ઘરડો બાપ મૂકીને બાપડા પાપી પેટ માટે છેક પ્રેમ દરવાજા આગળ આવી પહોંચ્યા છે. એ તો થઈ ધંધાની વાત. પણ કોલમ્બસ જ જુઓને! વહાણ લઈને દરિયો ખૂંદવા નીકળી પડેળો તે શા માટે? નિજાનંદ માટે જ વળી. ઍડવેન્ચર ઇઝ ધ લાઈફ.’
એ નિખાલસ છે, આવેગોથી છલોછલ છે. એ જેવો છે એવું જ એને દેખાવું છે. પરિવારના સભ્યો સાથેના સંબંધોથી એ મુક્ત થવા જાય છે તો નવા સંબંધોથી બંધાતો જાય છે. એ સંબંધો પણ એને ઠરીઠામ થવા દેતા નથી. એના વ્યક્તિત્વના અનેક પાસા છે પરતું દુનિયાની નજરે તો એ ધૂની, વિચિત્ર અને અવ્યવહારિક છે.
નવલકથામાં પૃથ્વી સિવાયનાં પાત્રો છે: પૃથ્વીનાં મમ્મી અને પપ્પા, આજ્ઞા, મંગો, જહૉની, અત્યંત, બન્ની, ભટ્ટજી, ક્ષમા, પુરોહિત, ગુણવંતી, બુચો, શીલા, આનંદ, મુસ્તુફા, કપૂરી, વગેરે. વાચકને આ બધાંનાં વ્યક્તિત્વનો પરિચય ડાયરી, વર્ણન, સંવાદો, વ્યંગ, પત્રો, કવિતાઓ, ટેપ રેકોર્ડર, વગેરે દ્વારા થાય છે. ચકલી અને પોપટ જેવાં બે પક્ષીઓ પણ મહત્ત્વનાં પાત્રો છે. નવલકથાની ભાષા વિવિધતાથી ભરેલી છે.
ક્ષમા પણ ડાયરી અને પત્રો લખે છે. એને પૃથ્વીને એક પત્રમાં લખ્યું છે: ‘દુઃખ તો માણસ થયા છીએ એટલે પડવાનું જ છે. એ કંઈ ગાંધીની દુકાનેથી વેચાતું નથી મળવાનું.’ તો આ છે દુઃખ શોધવા નીકળેલા માણસની કથા.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.