નવભારત સાહિત્યમંદિર દ્વારા પ્રકાશિત થયેલ કાજલ ઓઝા વૈદ્ય લિખિત “દરિયો એક તરસનો” એ બે ભાગમાં અને બાવન પ્રકરણોમાં વહેંચાયેલી રસપ્રદ નવલકથા છે. ગુજરાતી ભાષામાં માનસશાસ્ત્ર પર આધારિત કથાઓ ખૂબજ અલ્પ પ્રમાણમાં છે. આ નવલકથા એક એવી સુંદર છોકરીની કથા છે જેની કિશોરાવસ્થા લાઈટ્સ, કેમેરા અને એક્શનની વચ્ચે ખોવાઈ ગઈ છે. માત્ર વીસ વર્ષની નાયિકા મોસમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોચ પર છે. મશીનની જેમ કામ કરતી આ કઠપૂતળીની સંવેદના મારી પરવારી છે. લેખિકાએ આ નિર્જીવ પાત્રમાં પરકાયા પ્રવેશ કરીને જાણે કે પ્રાણ રેડી દીધો છે. સ્ટુડીઓનાં શુટિંગનો માહોલ, એક પછી એક ઉમેરાતા જતાં પાત્રો અને વાર્તામાં બનતા જતાં પ્રસંગો વાંચકોને જકડી રાખે છે. ફિલ્મનાં યુવાન હીરો સાહિલની મોસમ પર ખરાબ નજર, મોસમનો શુટિંગ દરમ્યાન જ સાહિલ પર જીવલેણ હુમલો, મનોચિકિત્સક ડો. આશુતોષ દ્વારા મોસમને અપાતી સારવાર તથા ત્યારબાદની વાર્તાની પ્રવાહિતા કાબિલે તારીફ છે.
નવલકથાનો એક પ્રસંગ…
મોસમ આશુતોષને વળગીને ઊભી રહી. આશુતોષે ધીમેથી મોસમને પોતાનાથી અલગ કરી. તેનાં કપાળ પર હળવેકથી હાથ ફેરવ્યો.
“‘તમારા કોટેજમાં જઈશું?”
“ના” મોસમ અચાનક ત્યાં જમીન પરની કારપેટ પર લાંબી થઈને સૂઈ ગઈ. “ના, હું જવાની નથી.”
આશુતોષ ઊભો હતો. એની નજર સામે કોઈને પણ મદહોશ કરી મૂકે એવી એક કાયા જમીન પર પથરાયેલી હતી….. બહાર હિલસ્ટેશનનું ઘેરું અંધારું અને ખુલ્લી બારીમાંથી અંદર ધસી આવતી સુસવતા મારતી ઠંડી હવા….
આખી કારકિર્દીમાં આજે પહેલી વાર ડૉ. આશુતોષ પારેખની સામે એક સવાલ હતો… જેનો જવાબ એના સાઇકોલોજીનાં કોઈ પાઠ્યપુસ્તકમાં ક્યાંય નહોતો.
‘ચિત્રલેખા’માં સતત એક વર્ષ સુધી ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થયેલી આ નવલકથા એક વાર વાંચવાની શરૂઆત કરીએ એટલે અધૂરી મૂકવાની ઇચ્છા ન થાય તેટલી પ્રવાહિતા, આરોહ, અવરોહ અને જરૂર હોય ત્યાં વાર્તામાં આવતાં વળાંકો વાચકોની વાંચવાની તરસને બુઝાવે છે.
-પ્રફુલ કાનાબાર
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.