પ્રસિદ્ધ લેખક શ્રી ધ્રુવ ભટ્ટની ‘તિમિરપંથી’ નવલકથા 2015માં પ્રગટ થઈ છે. આ નવલકથામાં કળાની અનોખી વાત રજૂ કરવામાં આવી છે. કળા પણ શાની? ચોરીની. ચોરીની કળા સાથે સંબંધ ધરાવતા લોકોની આ કથા લેખકે પોતાની આગવી શૈલીથી રજૂ કરી છે એટલે નવલકથા વાંચવાની શરૂઆત કર્યા પછી વાચક પાસે એક જ વિકલ્પ રહે છે, નવલકથા પૂરી કરવાનો.
શહેરની એક શેરીમાં ચોર પ્રવેશ્યા હોય એ ઘટનાથી નવલકથાની શરૂઆત થાય છે. નવલકથા આગળ વધતી જાય છે એમ એમ વાચકને નવલકથાના પાત્રોનો પરિચય થતો જાય છે. સતી, વિઠ્ઠલ, નારિયો નક્કી, તાપી, રઘુ નાયક, ખત્રી સાહેબ, પરમાર સાહેબ, રહીમ ઝૂંઝા, નાનકી, તેંદ્રા, છોટ્યો સીંગલ, વસ્યાક મુખી, વાબી, રાધી, હમીર, જુસો લંબો, ઈસો જાદુગર, સુલેમાન ડેંડો, અબુ પતંગિયો, નરસીં હવાલદાર, જર્દા દરોગો, ભાગુ, આજી, રમા, રસીલા અને બીજા કેટલાંય પાત્રો આ નવલકથાને શોભાવી રહ્યા છે.
નવલકથાનું મુખ્ય કહી શકાય એવું એક પાત્ર સતી છે. સતીનો પરિચય લેખક કેવો આપે છે! ‘સતી પાસે છે એટલી કળા પંથકમાં કોઈ પાસે ક્યાં છે? નજરની, શ્રવણની, શબ્દની, મૌનની, હાથની, ગતિની, અને રહસ્યોની, ગણી ન શકાય અને શીખ્યે આવડે પણ નહીં.’ બે વાક્યોમાં જ કેટલું બધું આવી ગયું!
લેખકે આવી જ રીતે બીજા એક પાત્ર રઘુનો પરિચય આપે છે: ‘રઘુને સ્પષ્ટ સમજ હતી કે પ્રાણીમાત્ર આજીવિકા માટે કે, જીવન ટકાવી રાખવા માટે જે વિદ્યાનો આશરો લે છે તે બધીનો સમાવેશ કળામાં કરી શકાય. એ રીતે જોતાં વેપારથી માંડીને સફાઈ-કામ કરનારો દરેક જણ કળાકાર છે. કળાને ચોસઠ વિભગમાં વહેંચીને શાસ્ત્રોએ રઘુના કામ અને વિદ્યાનો સમાવેશ પણ કળામાં જ કર્યો છે.’
આ પણ જુઓ : યશવંત ઠક્કર દ્વારા અપાયેલ અન્ય પુસ્તક પરિચયો
જે વિસ્તારમાં ચોરી થાય ત્યારે ત્યાંના લોકોનું વર્તન, જેનું ચોરાયું હોય એની મનોદશા, લોકોનો પોલીસ તરફનો અભિગમ, વગેરે બધું જ નવલકથાના પ્રવાહમાં પ્રગટ થતું જાય છે.
નવલકથામાં એ પણ પ્રગટ થાય છે કે: ‘ચોરીના વ્યવસાયમાં પણ ગુરુ, જ્ઞાન, વિદ્યા, વણલખ્યું શાસ્ત્ર, નિયમો, રિવાજો વગેરે હોય. આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોના લક્ષણો, પૂર્વજો, સમાજ, વસાહત, ઇતિહાસ, વાર્તાઓ, પ્રાણીઓ, શસ્ત્રો, ગોત્રો વગેરે હોય, અને આ લોકોને હૃદય પણ હોય!
નવલકથામાં રહસ્યો છે, પ્રકૃતિનો પરિચય છે, આનંદ અને અચરજ પણ છે. આ બધું જ વાચક સમક્ષ સહજ રીતે પ્રગટ થતું રહે છે.
અનેક રંગોથી સભર આ નવલકથાના પ્રકાશક ‘WBG Publication’ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.