શ્રી ચંદ્રકાંત બક્ષીની પેરેલિસિસ નવલકથાની પ્રથમ આવૃત્તિ 1967માં પ્રગટ થઈ હતી. આ નવલકથા વાચકોને ખૂબ જ પસંદ પડી છે. લેખકની લોકપ્રિયતાની જેમ જ આજે પણ આ નવલકથાની લોકપ્રિયતા અકબંધ છે.
આ નવલકથાનો નાયક પ્રોફેસર શાહ પેરૅલિસિસનો દર્દી છે. એ બુદ્ધિશાળી છે એટલે સતત મનોમંથન કરે છે. સતત સવાલો પણ કરે છે. ડૉક્ટર દેસાઈ એને કહે છે: ‘શિક્ષિત દર્દી કરતાં અશિક્ષિત દર્દી સારો, સવાલો ન કરી શકે અને વિશ્વાસ રાખે. નર્વ્ઝને આરામ વધુ મળી શકે.’
બક્ષીની વાર્તાઓ અને નવલકથાઓમાં રજૂઆતમાં સ્મૃતિઓનું આલેખન હોય જ, આ નવલકથામાં પણ છે. પ્રોફેસર શાહને એની પત્ની અને પુત્રીનું સ્મરણ થયા કરે છે. લેખકે એ સ્મરણોનું આલેખન કઈ રીતે કરે છે એનું એક ઉદાહરણ : ‘મારીશા સ્કૂલે જવા માંડી. એને માટે એક લાલ, પ્લાઈવુડ અને કાર્ડબોર્ડની બેગ આવી ગઈ. એમાં એક નાનો ગોળ ટિફિનનો ડબ્બો મુકાવા માંડ્યો. પપ્પાની સાથે એક દિવસ સર્કસ જોઈ આવી અને કલાઉનથી ડરી ગઈ. છેલ્લે સિંહો આવ્યા ત્યારે એ સૂઈ ગઈ હતી. પપ્પાના ખભા પર માથું રાખીને એ ઘરે આવી. એના ખિસ્સાંવાળા ફ્રોકમાંથી મગફળીઓ કાઢીને મમ્મીએ એને સુવાડી દીધી. પપ્પાએ એના બૂટ ખોલ્યા અને મોજાં કાઢી લીધાં. મમ્મીના દુખતા પગ પર ચઢીને લપસતાં લપસતાં, કિલકિલાટ કરતી એ દબાવી આપતી. રમતી, રડતી, એકલી ‘ઘર-ઘર’ રમીને થાકતી, પછી કહેતી: પાપા, વાર્તા કહો.’ કેટલું સૂક્ષ્મ અવલોકન! કેટલું ટૂંકુ અને કેટલું સચોટ! આ બક્ષીની ખૂબી છે.
બક્ષી વર્ણનશૈલીનું એક ઉદાહરણ: ‘કોણ હતી આશિકા? એક વિધવા, મરેલા મશીનિસ્ટની પત્ની. ડૉક્ટરની ગેરહાજરીમાં એને દવાઓ, ઇંજેકશનો આપનારી, વયસ્ક, મેટ્રન, બહેનના છોકરાને પંદર દિવસે એક વાર મળનારી, માં બની જતી ઔરત. ઓગણચાલીસમે વર્ષે જીવવું રોકીને ઊભી રહી ગયેલી, થોભી રહેલી એક સ્ત્રી. બધું પસાર થઈ જાય છે. જીવનમાંથી સંબંધો સળગી જાય છે, ચિતાઓ પર ધુમાડો રહી જાય છે, પછી વાસ રહી જાય છે, પછી વાસ પણ ચાલી જાય છે. પછી સ્મૃતિ રહી જાય છે, પછી સ્મૃતિઓ ઓગળતી જાય છે…’ લેખકનું નામ વાંચ્યા વગર પણ કેટલાય વાચકોને ખબર પડી જાય કે આ બક્ષીબાબુનું લખાણ છે.
અને, બક્ષીત્વથી તરબતર સંવાદો: ‘ડૅડી, મને હાથની રેખાઓમાં રસ નથી, કપાળની રેખાઓમાં કારણ કે એ માણસે પોતે જીવીને બનાવેલી હોય છે, ભગવાનની આપેલી નથી હોતી.’ જવાબમાં, ‘સરસ. પુરુષાર્થમાં માનવું સારું છે. પણ હારનો સ્વાદ ચાખ્યા પછી પુરુષાર્થ બહુ બેસ્વાદ લાગે છે.’
તીવ્ર સંવેદનાઓ પ્રગટ કરતુંં, વાંચવા જેવું અને વસાવવા જેવું પુસ્તક!
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.