‘અમે બધાં’ એટલે ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવે દ્વારા લખાયેલી હાસ્યપ્રધાન નવલકથા. બે લેખકો દ્વારા લખાયેલું સાહિત્યનું સૌપ્રથમ સંયુક્ત લખાણ એટલે ‘અમે બધાં’. બન્ને લેખકોએ પોતાના વતન સુરતને કેન્દ્રમાં રાખીને આ કથા લખી છે.
કથાનાયક છે વિપિન. વિપિન પોતે જ પોતાની કથા કહે છે. પોતાના જન્મથી લઈ લગ્ન સુધીની ઘટનાઓ તે રજૂ કરે છે. તે પોતાના પૂર્વજોની દંતકથા સમાન જે વાતો કહે છે તે હાસ્યપ્રેરક છે. તેના નામકરણ વખતે તેના મોસાળપક્ષ તરફથી બંસીલાલ અને પિતાપક્ષ તરફથી બિપીનચંદ્ર નામ નક્કી કરવામાં આવે છે. પિતા છનમુખરામ ડેપ્યુટી કલેકટર છે અને માતા મંગળા ગૃહિણી છે. ઘરમાં બે બહેનો,એક નાનો ભાઈ અને દાદા દાદી છે.
વિપિનના દાદા દલસુખરામ તેને હમેંશા સાથ આપે છે. વિપિનને જે કામ કરતા દરેક જણ અટકાવે તે કામ કરવામાં પણ તેના દાદા સાથ આપે છે. વિપિનની સાથે પતંગ ઉડાડીને તેમજ હોળી રમીને દાદા પોતાના જુવાનીના અપૂર્વ સાહસો ફરી દહોરાવે છે.
બાળપણના વિવિધ પ્રસંગો, શાળાના દિવસો, ક્રિકેટની રમત વગેરેનું હળવું નિરૂપણ કરવામાં આવ્યું છે. વિપિનની દાદીના અવસાન પછી દરેક માણસ પોતે શોક પાળે છે કે નહિ તે જોવાં કરતાં બીજા માણસ શોક બરાબર પાળે છે કે નહિ તે જોવામાં વધુ મશગુલ રહે છે. સામાન્ય જીવનના આવા તો અનેક હાસ્યપ્રેરક અવલોકનો આપણને આ કથામાં જોવા મળે છે.
વિપિન ઉંમરલાયક થતાં તેના પિતા પોતાના સગાસંબંધીઓને વિપિન માટે યોગ્ય છોકરી પસંદ કરવા માટે પત્રો લખે છે અને વિપિનનું એકની જગ્યાએ ચાર ચાર છોકરીઓ જોડે નક્કી કરવામાં આવે છે. નક્કી થયેલા દિવસે બધાં ભેગા થતાં આ ગોટાળાની બધાને જાણ થાય છે અને દરેક છોકરીમાં કોઈને કોઈ ખામી બતાવી દરેક સાથેની સગાઈ ફોક કરવામાં આવે છે. આખરે પોતાની બહેન નિર્મળા તથા બનેવી હસમુખલાલની મદદથી વિપિન બાળપણમાં જોયેલી અને પોતાની ગમતી તનમન સાથે પોતાની સગાઈ કરે છે. તનમન સાથે સગાઈ થયા બાદ વિપિન બી.એ.માં પાસ થયાના શુભ સમાચાર પણ મેળવે છે. વિપિન નોકરી મેળવે છે, તેમના લગ્ન થાય છે અને કથા ત્યાં સમાપ્ત થાય છે. છોકરી અને નોકરી પસંદ કરતી વખતે નડતી મુશ્કેલીઓ અને સર્જાતું હાસ્ય પણ સરસ રીતે આલેખાયું છે.
સામાન્ય જનજીવનના સામાન્ય પ્રસંગોમાં રહેલા હાસ્યને સરસ રીતે આલેખવામાં આવ્યું છે. તેથી જ તો રઘુવીર ચૌધરી આ નવલકથાને ‘હાસ્યલક્ષી કુટુંબકથા’ કહે છે. આ હળવી કથા વાંચીને હરકોઈ હળવું થઈ જશે.
લેખકો: ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવે
પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ