દિગીશ મહેતાએ 1962માં લખેલી ‘આપણો ઘડીક સંગ’એ ગુજરાતી સાહિત્યની હાસ્યપ્રધાન લઘુનવલકથા છે. 117 પાનાં અને 22 પ્રકરણોમાં ફેલાયેલી કથાનાં મુખ્ય પાત્રો છે : અર્વાચીના, એના પિતા બૂચ સાહેબ(નિવૃત્ત હેડ માસ્તર), તેના બા, પ્રોફેસર ધૂર્જટિ, તેના માતા ચંદ્રાબા. માતા-પિતાનું એકનું એક સંતાન એવી અર્વાચીના નવીસવી કોલેજમાં આવી છે, ત્યાં તેની અને પ્રોફેસર ધૂર્જટિ વચ્ચે આંખ મળી જાય છે અને મુલાકાતો વધતી રહે છે અને એકમેકના વડીલના પરિચયમાં આવે છે. કથાની શરૂઆત જ એવી રીતે થઈ છે કે, બાને રેલવે સ્ટેશને લેવા પિતા સાથે ગયેલી અર્વાચીનાને મળવા માટે પ્રોફેસર પણ પોતાના બાને લેવા આવ્યાનો ડોળ કરી ત્યાં પહોંચી જાય છે. કથાની પશ્ચાદભૂ અમદાવાદની છે. જેનું કલાત્મક વર્ણન માણવા જેવું છે. અત્યંત હળવાશથી લખાયેલી કથામાં વાચકોને ચિંતામાં મૂકે એવો કોઈ પ્રસંગ મોટા ભાગે આવતો નથી. શૈલી પણ લેખકે હળવી ફૂલ જેવી રાખી છે.
અર્વાચીના અને ધૂર્જટિ બન્ને મનોમન એકમેકને ચાહે છે, એ વાતની એના વાલીઓને શરૂઆતમાં ખબર નથી. પરંતુ ધીમે ધીમે તેઓ બન્ને વચ્ચેના પ્રણયને કળી જાય છે. બીજી તરફ અર્વાચીનાનાં બા ઝટ તેના લગ્ન કરી નાંખવાની ચિંતામાં રહે છે. અર્વાચીના લગ્ન કરવાના બદલે હજી વધુ અભ્યાસ કરવા ઇચ્છે છે. તેને બાપુજીનો ટેકો છે. બા-બાપુજી ચંદ્રાબાને અર્વાચીના અને ધૂર્જટિના સગપણ માટે મનાવી લે છે. તો સામે અર્વાચીના અને ધૂર્જટિ પણ વડીલોની બેઠક બોલાવી પોતાના સ્નેહલગ્નની ‘જાહેરાત’ કરે છે. વડીલો પ્રેમલગ્નની વાત જાણીને કોઈ વિરોધ નથી નોંધાવતા એ જોઈને બન્નેને નવાઈ અને આઘાત લાગે છે.
આ કૃતિ તેની વિશિષ્ટ શૈલીથી જાણીતી છે. તત્કાલીન વિવેચકોએ એની શૈલીને વખાણવાની સાથે વખોડી પણ હતી. હાસ્યલેખક વિનોદ ભટ્ટે આ મુજબ લખ્યું: ‘આપણો ઘડીક સંગ’ એક નરવા વિનોદનું અતિ સુંદર દૃષ્ટાંત છે. મારું ચાલે તો આ માણસને એક ઓરડામાં પૂરી દઉં અને આ પ્રકારની અડધો ડઝન હાસ્યનવલકથાઓ ન લખે ત્યાં સુધી બહાર ન નીકળવા દઉં.’ નવા વાર્તા લેખકો માટે નલીન રાવળે લખ્યું, ‘તેઓએ શ્રી દિગીશ મહેતાની લઘુનવલનો માત્ર ભાષાશૈલીની દૃષ્ટિએ અભ્યાસ કરવો જોઈએ.’ જયન્તિલાલ મહેતાએ શૈલીની કેટલીક નબળાઈ ચીંધી છે, ‘ક્યારેક ક્યારેક લેખકની કલમ હાસ્ય ઉપજાવવાના અતિરેકમાં પોતે જ હાસ્યાસ્પદ બની જાય છે: ‘વિનાયકનાં શ્રીમતીએ હમણાં જ તેમના અંગત મિત્રાણીને કહ્યું હતું તેમ : ‘‘મારે તો બંનેય લગભગ સરખી ઉંમરના મળ્યા છે.’’ કહેવાની જરૂર નથી કે આ બંનેય એટલ અનુક્રમે વિનાયક અને વિનાયકનો બાબો.’ તો પછી લેખક શા માટે કહે છે?’ રતિલાલ દવેએ તો ત્યાં સુધી લખ્યું કે, ‘…વાર્તામાં એકે સંવાદ એવો નથી જેને કોમેડીનું બળ કહી શકાય.’ વિવેચકોની આટઆટલી ટીકા છતાં આ લઘુનવલનો ઘડીક સંગ કરવા જેવો ખરો!
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.