Gujaratilexicon

અતિ પ્રભાવશાળી લોકોની સાત આદતો (વ્યક્તિગત પરિવર્તન માટેના સમર્થ નિર્દેશો)

Author : સ્ટીફન આર. કૉવે
Contributor :

ટાઇમ મેગેઝીનમાં અમેરિકાના સૌથી પ્રભાવશાળી 25 લોકોની યાદીમાં સ્થાન પામનાર લેખક સ્ટીફન કૉવેનું આ પુસ્તક સ્વસહાયની શ્રેણીમાં સૌથી વધુ વેચતા પુસ્તકોમાંનું એક છે.

 પુસ્તક મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલુ છે. ભાગ-1 દૃષ્ટિકોણ અને સિદ્ધાંતો અને ભાગ-2 સાત આદતો.

લેખક દૃષ્ટિકોણને નકશા તરીકે વર્ણવે છે. જેમ સાચો નકશો ચોક્કસ પ્રદેશ સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે, તેમ જીવનમાં સાચો દૃષ્ટિકોણ સફળતા આપાવે છે. દૃષ્ટિકોણ સમય સાથે, અનુભવો સાથે વિકસે છે. બહોળો અનુભવ ધરાવતા સફળ લોકો ચીજોને દુનિયા કરતાં અલગ રીતે જોઈ શકે છે, શરૂઆતમાં તેમના દૃષ્ટિકોણ અને તેમના નિર્ણયોથી અન્ય લોકો સંમત ના થાય એમ બને. જો આ વાત વ્યક્તિને સમજાઈ જાય તો તે તેના સીમિત અનુભવોને પરિણામે બનતા સીમિત દૃષ્ટિકોણથી ઉપર ઊઠીને અન્યોના વિચારો ખુલ્લા મને સાંભળી શકે, પરિણામે બની શકે કે જીવનનું કંઈક અલગ, કંઈક મોટું ચિત્ર તેની સમક્ષ સર્જાય. વ્યક્તિનું વલણ, વર્તન અને અન્યો સાથેના તેના સંબંધોના સર્જનમાં તેનો દૃષ્ટિકોણ મોટો ભાગ ભજવે છે. ઘણી વખત કોઈક વ્યવસાયિક કારણોસર વ્યક્તિને તેનું વલણ કે વર્તન ઉપરછલ્લું સુધારવાની ફરજ પડે એમ બને, પરંતુ આથી તેના ચારિત્ર્યમાં કોઈ ફેરફાર નથી થતો, તેનાથી ઉલટું જો કોઈ ઘટના ઘટવાથી કે અન્ય કોઈ રીતે વ્યક્તિનાં જીવન જીવવાના દૃષ્ટિકોણમાં બદલાવ આવે, તો તે હંમેશ માટે તેની સાથે રહે. આ પુસ્તકમાં સિદ્ધાંતો આધારિત દૃષ્ટિકોણ વિષે વાત કરવામાં આવી છે જે અપનાવવાથી પ્રભાવશાળી વ્યક્તિત્વનું ઘડતર કરી શકાય. પુસ્તકમાં લેખકે જીવન જીવવાના સિદ્ધાંત આધારિત, ચારિત્ર્યલક્ષી અને ગહન અભિગમ વિશે વાત કરી છે જે આ પુસ્તકને સ્વસહાયનાં અન્ય પુસ્તકો કરતા અલગ પાડે છે.

પુસ્તકનો બીજો ભાગ જીવનમાં આદતોના પ્રભાવ પર પ્રકાશ પાડે છે. વ્યક્તિની તમામ આદતોનું સંયોજન એટલે ચારિત્ર્ય. લેખકના મતે આદતો મુખ્યત્વે ત્રણ બાબતો ઉપર આધારિત છે, જ્ઞાન, નિપુણતા અને ઇચ્છા. કાર્યની પસંદગી જ્ઞાન આધારિત નિર્ણય છે, કાર્ય કરવાની રીત નિપુણતા દર્શાવે છે અને કાર્ય કરવાની પ્રેરણા તીવ્ર ઇચ્છામાંથી મળે છે. સારી આદતો વિકસાવવામાં આ ત્રણેય બાબતોની હાજરી અનિવાર્ય છે. આ પુસ્તકમાં જીવનમાં ઊંચા ઉદ્દેશ્યને હાંસલ કરવા સારી ટેવો વિકસાવવાની વાત કરવામાં આવી છે, જે ખૂબ ખંત ને ધૈર્ય માંગી લેતી અને ઘણા બલિદાન માંગતી પરંતુ અત્યંત આનંદદાયક પ્રક્રિયા છે.

પુસ્તકમાં પ્રભાવશાળી વ્યક્તિત્વના ઘડતર માટે સૂચવવામાં આવેલી સાત બાબતો નીચે મુજબ છે.

૧) સક્રિય બનો/ જવાબદાર બનો

૨) પરિણામને ધ્યાનમાં રાખીને કાર્યની શરૂઆત કરો.

૩) સૌથી અગત્યનું કામ સૌથી પહેલા કરો.

૪) તમામ પક્ષને ફાયદો થાય એવો ઉપાય કરો.

૫) પોતાની વાત રાખતા પહેલા સામેનાની વાત સમજવાનો પ્રયત્ન કરો.

૬) અન્યોને સાથે લઈ રચનાત્મક અભિગમ સર્જો.

૭) વ્યક્તિત્વનું સતત ઘડતર કરો   

  • ખ્યાતિ જોશી

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects